Mata Mahagauri: જાણો, દુર્ગાપૂજાનાં આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન
Mata Mahagauri: નવરાત્રિનું મહાપર્વ વિદાય લેવાની તૈયારીમાં છે. જોતજોતામાં નવલી નવરાત્રિની આઠમ પણ આવી ગઈ. આઠમનાં દિવસે માતાની આરાધનાની સાથે પૂજા-અર્ચના, જપ, તપ, ઉપવાસ, હવન અને ખાસ તો નૈવેદ્યનું વિશેષ મહત્વ હોય છે. આપણા શાસ્ત્રોમાં શારદીય નવરાત્રીનો આઠમો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. નવરાત્રિની આઠમની તિથિને દુર્ગાષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે.
દુર્ગાપૂજાનાં આઠમાં દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. આ દિવસે, દેવી દુર્ગાનાં સંપૂર્ણ સ્વરૂપ દેવી મહાગૌરીની પૂજા નિયમ અનુસાર કરવામાં આવે છે. મા દુર્ગાજીની આઠમી શક્તિનું નામ છે મહાગૌરી. એમની શક્તિ અપાર અને ફળદાયક છે. તેમનો વર્ણ સંપૂર્ણ ગોરો છે અને તેમની ગૌરતાની ઉપમા શંખ, ચન્દ્ર અને મોગરાનાં પુષ્પ સાથે અપાઈ છે.
માતા મહાગૌરીનો ઉલ્લેખ પૌરાણિક કથા પ્રમાણે જાણીયે તો માતાએ પાર્વતીનાં સ્વરૂપે ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. આ હજાર વર્ષોનાં શરીરને કષ્ટ આપનાર વાયુભક્ષી તપને પરિણામે તેમનું શરીર એકદમ કાળુ પડી ગયું હતું. તપથી શિવજી પ્રસન્ન થઈને પાર્વતીનાં શરીરને ગંગાજળનાં અભિષેકથી એકદમ ધવલવર્ણો બનાવી દીધો. બસ ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું.
श्वेते वृषे समारूढा श्वेताम्बरधरा शुचिः। महागौरी शुभं दद्यान्महादेवप्रमोददा॥
સૌમ્ય મુદ્રાધારી મહાગૌરી વૃષભ પર બિરાજમાન છે. માતા ગૌરીનું આ રૂપ અત્યંત સરસ, સુલભ અને મોહક છે. મહાગૌરીની ચાર ભુજાઓ છે. તેમના આભૂષણો અને શણગાર આદિ શ્વેત છે. ઉપરનાં ડાબા હાથમાં ડમરુ, નીચેના ડાબા હાથમા વરમુદ્રા છે અને તેમની મુદ્રા અત્યંત શાંત છે. ઉપરનાં જમણા હાથમાં અભયમુદ્રા તથા નીચેના જમણા હાથમાં ત્રિશૂળ શોભાયમાન છે. તેમનું વાહન વૃષભ છે અને તેઓ સ્વભાવે અત્યંત શાંત સૌમ્ય નજરે પડે છે.
શાસ્ત્રો અનુસાર આ દિવસે નવ કન્યાઓની પૂજા કરવાનો પણ નિયમ છે. આ દિવસે ૧૦ કે તેથી ઓછી ઉંમરની ૯ છોકરીઓ અને એક બટુકને ઘરે બોલાવવામાં આવે છે અને પછી પુરી-શાક અથવા ખીર-પુરી આદરપૂર્વક જમાડવામાં આવે છે. દેવી ભાગવત પુરાણ પ્રમાણે આઠમ તિથિએ કન્યા પૂજન અને એમને ભોજન કરાવવાથી આખી નવરાત્રિ કર્યાનું ફળ મળે છે.
મા મહાગૌરીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!!
या देवी सर्वभूतेषु महागौरी रूपेण संस्थिता | नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम: ||
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો