Natural farming

Natural farming: આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા

Natural farming: માંડવી તાલુકાના વાંકલા ગામના પ્રગતિશીલ આદિવાસી ખેડૂતે ઓછા ખર્ચે થતી પ્રાકૃતિક ખેતીમાં મેળવી સફળતા

આદિવાસી ખેડૂત મિતુલભાઈ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડી ગાય આધારિત ખેતીનો માર્ગ અપનાવ્યો

  • Natural farming: મિતુલભાઈ ૧.૫૦ વીઘા જમીનમાં ટીંડોરાની શાકભાજીના પાકનું નજીવા ખર્ચે વાવેતર કરી મહિને રૂ.૩૦ હજારની આવક મેળવી રહ્યા છે
  • ખેડૂત મિતુલભાઈને જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય યોજનાનો લાભ મેળવ્યો છે
  • પ્રાકૃતિક ખેતીથી સારું ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મળે છેઃ ખેડૂત મિતુલભાઈ ચૌધરી
google news png

ખાસ લેખ: મેહુલ વાંઝવાલા
સુરત, 21 નવેમ્બર:
Natural farming: રાસાયણિક દવા અને ખર્ચાળ ખાતરની ખેતીને તિંલાંજલી આપીને ખેડૂતો ધીમે ધીમે પ્રાકૃતિક ખેતી તરફ વળી રહ્યાં છે, ત્યારે સુરત જિલ્લાના માંડવી તાલુકાના વાંકલા ગામના ખેડુત મિતુલભાઇ શંકરભાઇ ચૌધરીએ રાસાયણિક ખેતી છોડીને ગાય આધારિત પ્રાકૃતિક ખેતીનો માર્ગ અપનાવ્યો છે. છેલ્લા ચાર વર્ષથી ગાયના છાણના ખાતર આધારિત પ્રાકૃતિક ખેતી કરી સારૂ ખેત ઉત્પાદન અને આર્થિક ઉપાર્જન મેળવી રહ્યા છે. તેમણે આ વર્ષે ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે શાકભાજી ટીંડોરાનું વાવેતર કરી મહિને રૂ.૩૦ હજારની આવક રળી રહ્યા છે.

Natural farming, Mitul chaudhari

વાંકલા ગામના સરકણીયા ફળિયામાં રહેતા આદિવાસી ખેડૂત મિતુલભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે,”પહેલાં અમે પરંપરાગત ખેતી કરતા હતા, પણ જ્યારથી મેં ખેતીમાં રસ લેવાનું શરૂ કર્યું, ત્યારથી પ્રાકૃતિક ખેતીમાં આકર્ષણ વધ્યું. પ્રાકૃતિક ખેતીની પ્રક્રિયા સમજી અને અભ્યાસ કર્યો, ત્યારબાદ વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યું. જેમાં સારૂ ઉત્પાદન મળ્યું. પ્રાકૃતિક ખેતીના કારણે પાકમાં કોઈ રોગ આવ્યો ન હતો.

આ પણ વાંચો:- Ek Ped Maa Ke Naam: હાલોલ નગરપાલિકાના ‘કૃષ્ણવડ અભિયાન’થી સોનામાં સુગંધ ભળી

જેથી ઉત્સાહ પણ વધ્યો. બીજા વર્ષે પણ વેલાવાળા શાકભાજી ઉગાડ્યા. હાલમાં ૧.૫૦ વીઘા જમીનમાં નજીવા ખર્ચે ટીંડોરા, રીંગણના પાકનું વાવેતર કર્યું છે, જેનાથી વાર્ષિક રૂ.૩,૬૦,૦૦૦ની આવક પ્રાપ્ત થઇ છે. જેનાથી ઘર પરિવારનું ગુજરાન સરળતાથી કરી રહ્યો છું. આવકનો એક ભાગ મારા ખેતરમાં પ્રાકૃતિક ખેતીને વધુ કાર્યક્ષમ બનાવવા કરી રહ્યો હોવાનું તેઓ જણાવે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, પ્રાકૃતિક એટલે મૂળ પ્રાકૃતિક ખેતી જ કરવી એવું પ્રારંભથી જ નિશ્ચિત કર્યું હતું. ખેતરમાં જાતે કામ કરવાનું, જીવામૃત, ઘન જીવામૃત, પ્રાકૃતિક દવા અને ખાતર જાતે જ તૈયાર કરવાનું. ઘરે ગાયના છાણમાંથી ખાતર બનાવીએ અને ખેતીમાં ઉપયોગ કરીએ છીએ. પ્રાકૃતિક કૃષિમાં થોડી વધુ મહેનત જોઈએ, બાકી ઉત્પાદન ખર્ચ તો નહિવત હોય છે. આ ખેતીના કારણે મહત્તમ અને બમણું ઉત્પાદન મળે છે, બમણી આવક થાય છે.

Buyer ads

ભાવ પણ વધારે મળે છે, જેથી નુકશાન જતું નથી. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યને રક્ષણ મળે છે, તેમજ પાણીની પણ બચત થાય છે. આ ઉપરાંત, જમીનની ભેજ સંગ્રહશક્તિ પણ વધે છે. જેથી જમીન બંજર થતી નથી. પ્રત્યેક વર્ષમાં સારો પાક મેળવી શકાય છે.

તેઓ કહે છે કે, પ્રાકૃતિક ખેતીથી (Natural farming) ઉત્પાદિત થયેલ શાકભાજી બજારમાં વેચવા જવાની પણ જરૂર પડતી નથી. સગાસંબંધી અને આસપાસના લોકો આ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદિત વસ્તુઓ મારી પાસે ખરીદી જાય છે.

સરકાર દ્વારા મળેલી આર્થિક સહાય વિશે વાત કરતા તેઓ કહે છે કે, રાજ્ય સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજનાઓ થકી અમારા જેવા છેવાડાના ખેડૂતો આર્થિક રીતે પગભર બન્યા છે. વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા જિલ્લા પ્રાયોજના વહીવટદારની કચેરી દ્વારા સાધન સહાય યોજનાનો લાભ પ્રાપ્ત થયો છે. આ મદદ ખૂબ ઉપયોગી બની છે.

પ્રાકૃતિક ખેતી (Natural farming) અપનાવી ખુશહાલ આદિવાસી ખેડૂત મિતુલભાઇ ચૌધરી પોતાના વિસ્તારના તેમજ રાજ્યના પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ બન્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *