Banner Vaibhavi Joshi

Redevelopment of relationships: સંબંધોનું રીડેવેલપમેન્ટ: એક પહેલ

google news png


આજકાલ જ્યાં જુવો ત્યાં (Redevelopment of relationships) પડું-પડું થતાં જુનાં કે જર્જરિત મકાનો ભોંયભેગા કરી એનાં પર નવી ઈમારત ચણવાનો વાયરો છે. પણ હું એમ કહું કે આ રિડેવલપમેન્ટનો વાયરો ફક્ત જૂનાં, ખખડી ગયેલાં કે પડવાના વાંકે ઊભેલાં મકાનો કે ઈમારત પૂરતો જ કેમ ?? જુનાં, ખખડી ગયેલાં કે તૂટું-તૂટું થતાં સંબંધો માટે પણ જો આવો રિડેવલપમેન્ટનો એક નાનકડો પ્રયાસ થાય તો ??
આ રચનાને એક કલ્પના ગણો કે વિચાર પણ એકવાર અમલમાં મુકવા જેવો તો ખરો જ હોં !
કદાચ પડવાનાં વાંકે ઉભેલી,
એ જર્જરિત ઇમારતને ડેમોલિશ કરી,
વિશ્વાસનાં મજબૂત પાયા ખોદી,
ફરીથી સમજદારીનું ચણતર કરી,
કોન્ક્રીટમાં સિમેન્ટ રેતીની સાથે,
થોડી લાગણી અને સંવાદ ભેળવી,
ઈચ્છા અને અપેક્ષાઓનાં ભારની,
ઈંટો બરાબર સમતોલ ગોઠવી,
અમથી નારાજગી પર ચૂનો લગાડી,
એક મધુર હાસ્યનું લીંપણ ફેરવી,
તૂટેલી સંવેદનાની ભીતર પાંપણે,
આંજેલા અશ્રુથી દીવાલોને ભીંજવી,
ભુલાઈ ગયેલી ને તોય મઘમઘતી યાદોથી,
મનમંદિરમાં સરસ મજાનું રંગકામ કરી,
નવી ટેકનોલોજી થકી તૂટેલાં દિલને જોડી,
ફરીથી ધબકાવવાની શક્યતા પણ ખરી,
આટલું અમથું કરીને શું કામ એક નવી જ
ઈમારત તૈયાર ન કરી શકીયે ?
ચાલને ‘ઝીલ’ સંબંધોની ભલે રિડેવલપ્ડ
છતાંય એક મજબૂત ઇમારત ચણીયે.
ક્યાંકને ક્યાંક આપણે બધાએ પણ સંબંધોની એક એવી મજબૂત ઇમારત ચણવાની જરૂર છે જે ટાઢમાં કે તાપમાં, વાવાજોડું હોય કે વરસાદમાં, કે પછી ભલેને પાનખર આવે કે વસંત કે પૂર આવે કે ભૂકંપ પણ તોય અડીખમ ટકી રહે.

આ પણ વાંચો:- Darpan: એક અછાંદસ – અસ્તિત્વની ખોજ: વૈભવી જોશી ‘ઝીલ’

ઘણી વાર માત્ર એક લાગણીભીનો સંવાદ વર્ષો જૂનાં ઘણાં વાદવિવાદ દૂર કરી દેતો હોય છે. બસ જરૂર છે તો માત્ર એક પ્રયાસની. તો તમે પણ તમારાં જીવનમાં આવા મરવાનાં વાંકે જીવતા સંબંધોમાં ફરીથી પ્રાણ પુરવા, એનામાં નવજીવનનો સંચાર કરવા અને એને પહેલાથી પણ વધુ મજબૂત કરવાં એક નાનકડો પ્રયાસ કરવાની પહેલ કરશોને ???

Buyer ads
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *