Bhagavat Gita Updesh: અમારે શું અમારો વૈષ્ણવધર્મ, શૈવધર્મ, સ્વામિનારાયણ ધર્મ છોડી દેવો?
Bhagavat Gita Updesh: કામના-ત્યાગ (Swamiji ni vani Part-39) પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી.
Bhagavat Gita Updesh: ભગવદ્ગીતાનો અંતિમ ઉપદેશ છે
सर्वधर्मान्परित्यज्य मामेकं शरणं व्रज । अहं त्वा सर्वपापेभ्यो मोक्षयिष्यामि मा शुच: ।।

Bhagavat Gita Updesh: હે અર્જુન ! બધા ધર્મોનો ત્યાગ કરી મારે એકને જ શરણે તું આવ. હું તને બધાં પાપમાંથી મુક્ત કરીશ. તું શોક ન કર. ધર્મનો ત્યાગ, એ કેવી વાત ? અમારે શું અમારો વૈષ્ણવધર્મ, શૈવધર્મ, સ્વામિનારાયણધર્મ છોડી દેવો ? ના. આ ધર્મો છોડી દેવાનું આપણને કોઈ કહેતું નથી. ‘તો પછી શું અમારાં કર્તવ્યો છોડી દેવાનાં ? જીવનનાં મૂલ્યો છોડી દેવાનાં ?’ એની પણ વાત નથી. અહીં ધર્મનો અર્થ છે જીવનની સઘળી અભિલાષાઓ, મહેચ્છાઓ. ભગવાન કહે છે કે સર્વ કામનાઓનો ત્યાગ કરીને માત્ર મારા એકલાની જ ઇચ્છા કર.
પરંતુ કામનાઓનો ત્યાગ કેવી રીતે થાય ? કામનાઓનો ત્યાગ કરવાનું મારા હાથમાં નથી. કામનાઓનો ત્યાગ કરવો એટલે શું તેમનો અનાદર કરવો, તિરસ્કાર કરવો, તેમને દબાવી દેવી ? એમ કરવાથી તો વધારે મુશ્કેલીઓ ઊભી થાય છે અને અંતે તેમનો ત્યાગ ન કરી શકાવાને કારણે મનમાં અપરાધની લાગણી જન્મે છે. તો શું કરવું ?
આ પણ વાંચો:- Vasant Panchami: વસંત પંચમી એટલે વસંતનાં આગમનની સત્તાવાર છડી પોકારતો દિવસ
Bhagavat Gita Updesh: આ માટે કામનાને સમજવાનું જરૂરી છે. જગતમાં બે વસ્તુ છે। કારણ અને કાર્ય. કાર્યનો ત્યાગ કરવો હોય તો કારણનો ત્યાગ કરવો પડે. તેમ કરવાથી આપોઆપ જ કાર્યનો ત્યાગ થઈ જશે. કારણ દૂર ન થયું હોય ત્યાં સુધી કાર્ય ઉત્પન્ન થયા જ કરવાનું. જ્યાં સુધી જમીનમાં બીજ હશે ત્યાં સુધી અંકુર ફૂટ્યા જ કરવાનાં, ભલે ને ગમે તેટલી વાર ઉપર ઉપરથી તેને કાપી નાખો. જ્યાં સુધી બીજને, કારણને કાઢીને ફેંકી નહીં દો ત્યાં સુધી અંકુરરૂપી કાર્ય ઉત્પન્ન થયા જ કરવાનું.

નાનપણનો મારો એક અનુભવ છે. અમારા એક આધેડ વયના પાડોશી દરરોજ સવારના પહોરમાં આવીને ઘરમાંની એકની એક ખુરશી કબજે કરીને બેસી જાય. છાપું આવે એવું જ ઉપાડી લે અને વાંચવા માંડે. પોણો કલાક છાપું વાંચે અને ઘરનાને કોઈને છાપું વાંચવા મળે જ નહીં. ઘરમાં ચા-પાણી થતાં હોય એટલે ચા એમને ધરવામાં આવે. ચા પીતા પીતા આરામથી છાપાનો અક્ષરે-અક્ષર વાંચેે.
અમે એમને કહીએ કે અમે છાપું વાંચીને પછી તમારે ઘેર પહોંચાડીશું તોય ના માને છેવટે અમે છાપું જ બંધ કરી દીધું. બીજે દિવસે સવારે કાકા આવ્યા
ત્યારે છાપું ન મળે. પૂછ્યું તો જવાબ મળ્યો, ‘આજે છાપું આવ્યું નથી.’ ચાર દિવસ સુધી કાકા આવ્યા. પરંતુ એક જ જવાબ મળતો, ‘છાપું આવ્યું નથી.’ આથી આખરે કાકા અમારે ઘેર આવતા બંધ થયા ! છાપું એમના આગમનનું કારણ હતું. એ કારણ દૂર થતાં એમનું આવવાનું પણ બંધ થયું.
આપણે બેઠા હોઈએ ત્યારે ઘણી વાર કીડીઓ આવીને ચટકા ભરતી હોય છે. આપણે કીડીઓને હટાવ્યા કરીએ છતાં કીડીઓ આવ્યા જ કરે. કારણ ? આપણને ખબર નથી કે આપણી પાસે જ એક ચોકલેટ પડી છે. જ્યાં સુધી આ ચોકલેટ છે ત્યાં સુધી કીડીઓ આવ્યા જ કરવાની. કીડીઓને દૂર કરવી હોય તો ચોકલેટને બહાર ફેંકી દેવી પડે. કારણ દૂર થાય તો જ કાર્ય દૂર થાય. તે જ રીતે, કીડીઓની માફક, કામનાઓ મનમાં ચટકા ભર્યા જ કરતી હોય છે.
એ ચટકાઓથી છૂટવા માટે આપણે કામનાઓની પૂર્તિ કર્યા કરતા હોઈએ છીએ. જેમ કીડી ચટકો ભરે અને તેને દૂર કરીએ એમ કામના ચટકો ભરે ત્યારે તેને પૂરી કરવાના હેતુથી આપણે તેની પૂર્તિ કર્યા કરીએ છીએ. પણ નવી નવી કામનાઓ વારંવાર મનમાં આવ્યા જ કરે છે. તો પછી તેમને દૂર કરવા માટે આપણે આ કામનાઓનું કારણ શું છે તે જાણવું જોઈએ.
Bhagavat Gita Updesh: કામનાઓનું કારણ છે આપણી અંદર રહેલો અવિવેક, અજ્ઞાન. આત્મા જે સુખસ્વરૂપ છે તેને આપણે દુઃખી માની લઈએ છીએ અને જગતના વિષયો જે ખરેખર જડ છે એને આપણે સુખનું સાધન માની લઈએ છીએ. તેથી એ વિષયોની પ્રાપ્તિ અને ઉપભોગ માટે આપણા મનમાં ઇચ્છાઓ જન્મ્યા કરે છે. તેમની પૂર્તિના પ્રયત્ન દરમ્યાન સુખ-સ્વરૂપ આત્માની આપણે અવગણના કરીએ છીએ.
આ અજ્ઞાન ટળી જાય, એવું જ્ઞાન થઈ જાય કે સુખ તો મારો પોતાનો, આત્માનો સ્વભાવ જ છે અને જ્યારે વિષયોમાંથી મને સુખ કે આનંદ મળતો હોય છે ત્યારે પણ તે તો આત્માનો જ આનંદ હોય છે, વિષયોમાંથી તે આવતો નથી, ત્યારે આપોઆપ જ કામનાઓનો ત્યાગ થઈ જશે.