torrent power un mehta

Torrent Group: ટોરેન્ટ ગ્રુપ: ₹25,000થી શરૂઆત, આજે 21 અબજ ડોલરનું સામ્રાજ્ય

  • Torrent Group: વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસ (VGRC) ટોરેન્ટ ગ્રુપના સ્થાપક યુ.એન. મહેતાના વારસાની કરશે ઉજવણી
  • અનેક પડકારોનો સામનો કરીને અન્યના જીવનમાં આશાનું કિરણ બનનારા શ્રી યુ.એન મહેતાની ઉદ્યોગસાહસિકતાને VGRC કરે છે સલામ
  • ફાર્મા અને પાવર સેક્ટરના પ્રણેતા યુ.એન મહેતાએ ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ સૂત્રને કર્યું આત્મસાત્
google news png

ગાંધીનગર, 05 ઓક્ટોબર: Torrent Group: ટોરેન્ટ ગ્રુપના સ્થાપક અને પ્રેરણારૂપ વ્યક્તિત્વ ઉત્તમભાઈ નાથાલાલ મહેતા (14મી જાન્યુઆરી, 1924 – 31મી માર્ચ, 1998) ભારતીય ઉદ્યોગ જગતના દિગ્ગજ કહેવાય છે. તેમણે એવા સમયે સ્વદેશી દવાઓ બનાવવાની શરૂઆત કરી હતી જ્યારે દેશ મહત્વપૂર્ણ દવાઓ માટે આયાત પર નિર્ભર હતો.

એક સફળ ફાર્માસ્યુટિકલ બિઝનેસ સ્થાપવા ઉપરાંત તેમના નેતૃત્વમાં ટોરેન્ટ પાવરની સ્થાપના કરવામાં આવી હતી, જેણે વીજ ઉત્પાદન અને વિતરણ ક્ષેત્રમાં મજબૂત હાજરી નોંધાવી છે. જ્યારે ભારત ગંભીર વીજળીની અછતનો સામનો કરી રહ્યું હતું ત્યારે ટોરેન્ટ પાવરની સ્થાપના સાથે તેમણે વિશ્વ કક્ષાની વીજ ઉત્પાદન અને વિતરણ સુવિધાઓનું નિર્માણ કર્યું હતું.

UN Mehta pic
ટોરેન્ટ ગ્રુપના સ્થાપક, યુ.એન. મહેતા

‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ સૂત્રને યુ.એન. મહેતાએ કર્યું આત્મસાત્
બનાસકાંઠા જિલ્લાના નાનકડા મહેમદપુર ગામમાં જન્મેલા ઉત્તમભાઈ નાથાલાલ મહેતાની પ્રેરણાદાયી સફર ઉત્તર ગુજરાતની ઉદ્યોગસાહસિકતાની ભાવનાનો પુરાવો છે. આજે તેમને એક દિગ્ગજ ઉદ્યોગપતિ તરીકે યાદ કરવામાં આવે છે, પરંતુ તેમનું પ્રારંભિક જીવન અનેક પડકારો, નાણાકીય કટોકટી, વ્યવસાયિક નિષ્ફળતાઓ અને ગંભીર આરોગ્ય સમસ્યાઓથી ઘેરાયેલું હતું.

તેઓ અત્યંત ગરીબ પરિવારમાં જન્મ્યા હતા અને 2 વર્ષની ઉંમરે તેમણે માતા ગુમાવી હતી. શાળાકીય શિક્ષણ પૂરું કર્યા બાદ તેઓ મુંબઈ ગયા અને વિલ્સન કૉલેજમાંથી રસાયણશાસ્ત્રમાં સ્નાતકની ડિગ્રી મેળવી. પરિવારની આર્થિક મુશ્કેલીઓને કારણે તેમને ઉચ્ચ અભ્યાસનું સપનું છોડીને 1944માં સરકારી નોકરી કરવાની ફરજ પડી. ત્યારબાદ તેમણે 1945થી 1958 સુધી બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની સેન્ડોઝ માટે તબીબી પ્રતિનિધિ તરીકે કામ કર્યું.

આ પણ વાંચો:- 70th Filmfare Awards: અમદાવાદમાં ફિલ્મફેર 2025 – ૧૧ ઓક્ટોબરે ભવ્ય સમારોહ

FM Nirmala Sitharaman: ગાંધીનગરમાં ‘તમારા પૈસા, તમારો અધિકાર’ રાષ્ટ્રીય અભિયાનનો શુભારંભ

વર્ષ 1959માં તેમણે અમદાવાદમાં માત્ર ₹25,000ની મૂડી સાથે ટ્રિનિટી લેબોરેટરીઝ (હવે ટોરેન્ટ ફાર્મા) નામની ફાર્માસ્યુટિકલ કંપનીની સ્થાપના કરી. જો કે, વ્યવસાય સ્થાપવાના પ્રથમ પ્રયાસમાં તેઓ નિષ્ફળ ગયા, જેને કારણે તેમણે ગામની વાટ પકડી અને વર્ષો સુધી અહીં રહ્યા. જો કે, ‘નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન’ના જીવન સૂત્ર સાથે જીવનારા ઉત્તમભાઈ મહેતા 48 વર્ષની ઉંમરે ફાર્માસ્યુટિકલ વ્યવસાય સ્થાપવાના બીજા પ્રયાસમાં સફળ થયા.

ગંભીર આરોગ્ય સમસ્યાઓ સામનો કરનારા ઉત્તમભાઈ મહેતા અન્યોના જીવનમાં બન્યા આશાનું કિરણ
ફાર્માસ્યુટિકલ બિઝનેસના દિગ્ગજ કહેવાતા ઉત્તમભાઈ નાથાલાલ મહેતાએ તેમના જીવનમાં શારિરીક અને માનસિક સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. 39 વર્ષની ઉંમરે તેમને આપવામાં આવેલી દવાની આડઅસરને પરિણામે માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓ ઉદ્ભવી હતી. તો 53 વર્ષની ઉંમરે તેમને કેન્સરના અત્યંત દુર્લભ સ્વરૂપનું નિદાન થયું અને તે મુશ્કેલીઓ ધીરે ધીરે કાર્ડિયાક સમસ્યાઓની શરૂઆત તરફ દોરી ગઈ અને આખરે 62 વર્ષની ઉંમરે હાર્ટની બાયપાસ સર્જરી થઈ. આમ, જીવનની પ્રતિકૂળતાઓનો મક્કમતાથી સામનો કરીને તેઓ અન્યોના જીવનમાં આશાનું કિરણ બન્યા હતા.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

1968માં ઉત્તમભાઈ મહેતાએ(Torrent Group) મનોરોગ માટેની લગતી દવાઓનું માર્કેટિંગ કરીને એક નોંધનીય પગલું ભર્યું, જે એ સમયે કોઈપણ ભારતીય માલિકીની કંપની માટે એક સાહસિક અને અસામાન્ય પગલું હતું. આજે આરોગ્યસંભાળ, ઊર્જા અને રમતગમત જેવા ક્ષેત્રોમાં ટોરેન્ટ ગ્રુપે શ્રેષ્ઠતા દેખાડી છે. એક અત્યંત સફળ ઉદ્યોગપતિ હોવા ઉપરાંત યુ.એન. મહેતા એક પ્રતિબદ્ધ સામાજિક નાગરિક પણ હતા. તેમણે જીવનના ઉત્તરાર્ધમાં UNM ફાઉન્ડેશનની શરૂઆત કરી અને બહુવિધ સામાજિક કાર્યો માટેના પ્રયાસો આદર્યા. યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર (UNMICRC) જેવી સંસ્થાઓ આજે ત્રણ દાયકાના કાર્યકાળ પછી પણ સમાજના વંચિત વર્ગોને સેવા આપી રહી છે.

યુ.એન. મહેતાના પત્ની શારદાબેન પણ કન્યા શિક્ષણ અને બાળકોના આરોગ્યસંભાળ માટે કાર્યરત હતા. તેમણે UNMICRC ની સ્થાપનામાં પણ મુખ્ય ભૂમિકા ભજવી હતી. તેમના ચાર બાળકો સુધીર, સમીર, મીના અને નયના પણ માતા-પિતાના માર્ગે ચાલીને સામાજિક કલ્યાણ માટે યોગદાન આપી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, 31 માર્ચ 2025 સુધીમાં ટોરેન્ટ ગ્રુપની બજાર મૂડી 21.5 અબજ ડોલરથી વધુ નોંધાઈ છે. વર્ષ 2024માં યુ.એન. મહેતાની જન્મ શતાબ્દીના સન્માનમાં, મહેતા પરિવારે યુ.એન.એમ. ફાઉન્ડેશનને 5 વર્ષ દરમિયાન ₹5000 કરોડનું દાન આપવાની જાહેરાત કરી હતી. તેનો હેતુ સમાજના દરેક વર્ગની વ્યક્તિના આરોગ્ય સંભાળ, શિક્ષણ અને જ્ઞાન વૃદ્ધિ, ઇકોલૉજી, સામાજિક સુખાકારી, કલા અને સંસ્કૃતિ અને અન્ય ક્ષેત્રોમાં વંચિતોને લાભ આપવાનો છે.

યુ. એન. મહેતાનું અદ્ભુત જીવન એવા લોકો માટે આશાનું કિરણ સમાન છે જેમણે જીવનની બધી આશા ગુમાવી દીધી છે. વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સિસની પહેલ દ્વારા ગુજરાત સરકાર એ બાબત પર ભાર મૂકે છે કે યુ.એન. મહેતા જેવા સ્વપ્નદ્રષ્ટા આગેવાન કેવી રીતે પ્રાદેશિક અર્થતંત્રને બદલી શકે છે અને દ્રઢ નિશ્ચય દ્વારા સમાવિષ્ટ વિકાસને પ્રોત્સાહન આપી શકે છે.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો