Vehicle scraping policy: વાહન સ્ક્રેપેજ નીતિ દેશમાં વાહનની સંખ્યામાં આધુનિકીકરણમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે: પ્રધાનમંત્રી
સ્વચ્છ, ગીચતા મુક્ત અને અનુકૂળ પરિવહનનું લક્ષ્ય 21મી સદીમાં સમયની માંગ છે: પ્રધાનમંત્રી
- Vehicle scraping policy: આ નીતિ રૂપિયા 10 હજાર કરોડ કરતાં વધારે રકમનું નવું રોકાણ લાવશે અને હજારો નોકરીઓનું સર્જન કરશે: પ્રધાનમંત્રી
- નવી સ્ક્રેપિંગ નીતિ વેસ્ટમાંથી વેલ્થના વલયાકાર અર્થતંત્રમાં મહત્વપૂર્ણ કડી છે: પ્રધાનમંત્રી
- જૂના વાહનોના સ્ક્રેપિંગ પ્રમાણપત્ર ધરાવતા લોકોએ તેમના નવા વાહનની ખરીદી પર રજિસ્ટ્રેશનનો ચાર્જ ચુકવવાની જરૂર નહીં પડે, માર્ગ કરવેરામાં પણ કેટલીક છુટછાટો આપવામાં આવી છે: પ્રધાનમંત્રી
ગાંધીનગર, ૧૩ ઓગસ્ટ: Vehicle scraping policy: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ગુજરાતમાં રોકાણકાર સંમેલનમાં સંબોધન કર્યું હતું. આ સંમેલનનું આયોજન સ્વૈચ્છિક વાહન-કાફલા આધુનિકીકરણ કાર્યક્રમ અથવા વાહન સ્ક્રેપિંગ નીતિ અંતર્ગત વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધા ઉભી કરવા માટે રોકાણને આમંત્રિત કરવાના ઉદ્દેશથી યોજવામાં આવ્યું છે. આ સંમેલનમાં એકીકૃત સ્ક્રેપિંગ હબના વિકાસ માટે અલંગમાં શિપ બ્રેકિંગ ઉદ્યોગ દ્વારા રજૂ કરવામાં આવેલા સહયોગ પર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી અને ગુજરાતના મુખ્યમંત્રી પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા.
આજથી પ્રારંભ કરવામાં આવેલી વાહન સ્ક્રેપિંગ નીતિ ભારતના વિકાસની સફરમાં ખૂબ જ મહત્વપૂર્ણ સીમાચિહ્ન સમાન છે. વાહન સ્ક્રેપિંગ માળખાકીય સુવિધાઓ ઉભી કરવા માટે ગુજરાતમાં યોજવામાં આવેલું રોકાણકાર સંમેલન નવી સંભાવનાઓના દ્વાર ખોલે છે. વાહન સ્ક્રેપિંગ આપણને અનફિટ (કામ કરવા યોગ્ય ના હોય તેવા) અને પ્રદૂષણ ફેલાવી રહેલા વાહનોને પર્યાવરણને અનુકૂળ પદ્ધતિઓથી નાબૂદ કરવામાં મદદરૂપ થશે. પ્રધાનમંત્રીએ આ કાર્યક્રમ પહેલાં કરેલી શ્રેણીબદ્ધ ટ્વીટ દ્વારા જણાવ્યું હતું કે, “અમારો ઉદ્દેશ પર્યાવરણીય જવાબદારીઓ નિભાવતી વખતે સદ્ધર વલયાકાર અર્થતંત્રનું નિર્માણ કરવાનો અને તમામ હિતધારકો માટે મૂલ્ય લાવવાનો છે.”
રાષ્ટ્રીય ઓટોમોબાઇલ સ્ક્રેપિંગ નીતિનો પ્રારંભ (Vehicle scraping policy) કરતી વખતે, પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આ નીતિ આપણા ઓટો ક્ષેત્રને અને નવા ભારતની પરિવહન સુવિધાઓને નવી ઓળખ આપવા જઇ રહી છે. આ નીતિ દેશમાં અનફિટ વાહનોને વૈજ્ઞાનિક ઢબે માર્ગો પરથી દૂર કરીને વાહનની સંખ્યાઓમાં આધુનિકીકરણમાં ખૂબ જ મોટી ભૂમિકા નિભાવશે. તેમણે ઉમેર્યું હતું કે, પરિવહનમાં આધુનિકતાથી પ્રવાસ અને પરિવહનનું ભારણ ઘટવાની સાથે સાથે, આર્થિક વિકાસ માટે પણ તે મદદરૂપ પુરવાર થાય છે 21મી સદીના ભારતનું લક્ષ્ય સ્વચ્છ, ગીચતા મુક્ત અને અનુકૂળ પરિવહનનું છે જે વર્તમાન સમયની માંગ છે.
પ્રધાનમંત્રીએ ઉમેર્યું હતું કે, નવી સ્ક્રેપિંગ નીતિ વલયાકાર (Vehicle scraping policy) અર્થતંત્ર અને વેસ્ટ ટુ વેલ્થ (કચરામાંથી સમૃદ્ધિ) અભિયાન વચ્ચે એક મહત્વપૂર્ણ કડીનું નિર્માણ કરે છે. આ નીતિ દેશમાં શહેરોમાંથી પ્રદૂષણ ઘટાડવા માટે અને પર્યાવરણનું સંરક્ષણ કરવા માટે તેમજ વિકાસને ઝડપથી આગળ વધારવા માટે અમારી પ્રતિબદ્ધતાને પણ પ્રતિબિંબિત કરે છે. રીયુઝ, રિસાઇકલ અને રિકવરી એટલે કે ફરી ઉપયોગ, રિસાઇકલ અને પુનઃપ્રાપ્તિના મૂળ સિદ્ધાંતનું પાલન કરીને આ નીતિ ઓટો ક્ષેત્રમાં અને ધાતુ ક્ષેત્રમાં દેશની આત્મ નિર્ભરતાને પણ પ્રોત્સાહન આપવાનું કામ કરશે. આ નીતિના કારણે દેશમાં રૂપિયા 10 હજાર કરોડથી વધારે રકમનું નવું રોકાણ આવશે અને હજારો રોજગારીઓનું પણ સર્જન થશે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, હવે ભારત તેના 75મા સ્વંતત્રતા વર્ષમાં પ્રવેશી રહ્યું છે ત્યારે આગામી 25 વર્ષનો સમયગાળો આપણા માટે ખૂબ જ મહત્વનો છે. તેમણે કહ્યું હતું કે, આગામી 25 વર્ષ દરમિયાન વ્યવસાય કરવાની કાર્યશૈલીઓ અને દૈનિક જીવનમાં સંખ્યાબંધ પરિવર્તનો આવશે. તેમણે ઉમેર્યું હતું કે, આ પરિવર્તનો વચ્ચે, આપણે આપણા પર્યાવરણ, આપણી જમીન, આપણા સંસાધનો અને આપણા કાચા માલનું રક્ષણ કરીએ એ પણ એટલું જ જરૂરી છે. તેમણે કહ્યું હતું કે, આપણે ભવિષ્યમાં આવિષ્કાર અને ટેકનોલોજી પર કામ કરી શકીએ છીએ પરંતુ, ધરતી માતા પાસેથી આપણને જે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે આપણા હાથની વાત નથી.

પ્રધાનમંત્રીએ ટિપ્પણી કરી હતી કે, આજે, એક તરફ ભારત ડીપ ઓશન મિશન દ્વારા નવી સંભાવનાઓ ઉજાગર કરી રહ્યું છે ત્યારે બીજી તરફ તે વલયાકાર અર્થતંત્રને પ્રોત્સાહન પણ આપી રહ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, દીર્ધકાલીન અને પર્યાવરણને અનુકૂળ વિકાસ કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યાં છે.
પ્રધાનમંત્રીએ ઉર્જા ક્ષેત્રમાં થયેલા અભૂતપૂર્વ કામ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારત સૌર ઉર્જા અને પવન ઉર્જાના ક્ષેત્રમાં દુનિયામાં અગ્રતા ક્રમ ધરાવતા દેશોમાં આવી ગયો છે. શ્રી મોદીએ ભારપૂર્વક કહ્યું હતું કે, આ વેસ્ટમાંથી વેલ્થ અભિયાન સ્વચ્છતા અને આત્મનિર્ભરતા સાથે જોડવામાં આવી રહ્યું છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, સામાન્ય લોકોને આ નીતિથી દરેક પ્રકારે ફાયદો થશે. સૌથી પહેલો લાભ એ હશે કે, જુના વાહનના સ્ક્રેપિંગ માટે પ્રમાણપત્ર આપવામાં આવશે. જેમની પણ પાસે આ પ્રમાણપત્ર હશે તેમણે પોતાના નવા વાહનની ખરીદી વખતે નોંધણી માટેનો કોઇ ચાર્જ ચુકવવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત, તેમને માર્ગ કરવેરામાં પણ કેટલીક છુટછાટો આપવામાં આવશે. બીજો ફાયદો એ છે
કે, આનાથી જાળવી ખર્ચ, રિપેરિંગ ખર્ચ, જુના વાહનની ઇંધણ કાર્યદક્ષતા સંબંધિત બચત પણ થઇ શકશે. ત્રીજો ફાયદો સીધો જીવન સાથે જોડાયેલો છે. જુના વાહનો અને જુની ટેકનોલોજીના કારણે થતા માર્ગ અકસ્માતોનું ઉંચુ જોખમ આ નીતિના કારણે ઘટી જશે. ચોથો ફાયદો એ છે કે, આનાથી આપણા આરોગ્ય પર ખરાબ અસર પાડતા પ્રદૂષણમાં ઘટાડો લાવી શકાશે.
Arshi Bharti TMKOC: અર્શી ભારતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કરવાને લઈને ખૂબ જ એક્સાઈટેડ છે
પ્રધાનમંત્રીએ એ હકીકત ભારપૂર્વક જણાવી હતી કે, નવી નીતિ અંતર્ગત વાહનોને ફક્ત તેના વર્ષના આધારે સ્ક્રેપ કરવામાં નહીં આવે. વાહનોનું અધિકૃત, ઓટોમેટેડ કેન્દ્રો દ્વારા વૈજ્ઞાનિક ઢબે પરીક્ષણ કરવામાં આવશે. અનફિટ વાહનોનો વૈજ્ઞાનિક ઢબે જ નિકાલ કરવામાં આવશે. તેનાથી સુનિશ્ચિત થશે કે, દેશભરમાં નોંધાયેલી વાહન સ્ક્રેપિંગ સુવિધાઓ ટેકનોલોજી દ્વારા સંચાલિત છે અને પારદર્શક રીતે કામ કરે છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, નવી નીતિ સ્ક્રેપ સંબંધિત ક્ષેત્રને નવી ઉર્જા અને સુરક્ષા પૂરી પાડશે. કર્મચારીઓ અને નાના ઉદ્યમીઓને સલામત માહોલ ઉપલબ્ધ થઇ શકશે અને તેઓ અન્ય સંગઠિત ક્ષેત્રોના કર્મચારીઓ જેવા જ લાભો પણ મેળવી શકશે. તેઓ અધિકૃત સ્ક્રેપિંગ કેન્દ્રો માટે કલેક્શન એજન્ટ તરીકે કામ કરી શકશો. પ્રધાનમંત્રીએ એ તથ્ય પર સંતાપ વ્યક્ત કર્યો હતો કે, ગયા વર્ષ દરમિયાન આપણે 23,000 કરોડ રૂપિયાના ભંગારના સ્ટીલની આયાત કરવી પડી હતી કારણ કે, આપણી સ્ક્રેપિંગ કામગીરી ઉત્પાદક નહોતી અને આપણે ઉર્જા અને પૃથ્વીની દુર્લભ ધાતુઓ રીકવર કરવા માટે સમર્થ નહોતા.
પ્રધાનમંત્રીએ માહિતી આપી હતી કે, આત્મનિર્ભર ભારતની પ્રક્રિયાને વેગવાન બનાવવાના ઉદ્દેશથી ભારતીય ઉદ્યોગને ટકાઉક્ષમ અને ઉત્પાદક બનાવવા માટે એકધારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમણે ભારપૂર્વક કહ્યું હતું કે, ઓટો વિનિર્માણ ક્ષેત્રમાં મૂલ્ય શ્રૃંખલાના સંદર્ભમાં આયાત પરની નિર્ભરતા ઓછી કરવા માટે અમે પ્રયાસો કરી રહ્યાં છીએ.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, વાત ઇથેનોલ, હાઇડ્રોજન ઇંધણ અથવા ઇલેક્ટ્રિક પરિવહનની હોય ત્યારે, સરકારની આ પ્રાથમિકતાઓ સાથે, ઉદ્યોગજગતની સક્રિય સહભાગીતા પણ ખૂબ જ મહત્વની છે. સંશોધન અને વિકાસથી માંડીને માળખાકીય સુવિધાઓમાં ઉદ્યોગ જગતે પોતાની સહભાગીતા વધારવાની છે. તેમણે સૌને કહ્યું હતું કે, તેમની સાથે આગામી 25 વર્ષ માટે આત્મનિર્ભર ભારતની ભાવી રૂપરેખા હોવી જોઇએ. તેમણે ખાતરી આપી હતી કે, તમારે જે પણ મદદની જરૂર હશે તે, આપવા માટે સરકાર તૈયાર છે.
પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે, આજે, જ્યારે દેશ સ્વચ્છ, ગીચતા મુક્ત અને અનુકૂળ પરિવહનની દિશામાં આગળ વધી રહ્યો છે ત્યારે, જુના અભિગમ અને આચરણોમાં પરિવર્તન લાવવાની જરૂર છે. તેમણે પોતાની વાતનું સમાપન કરતા કહ્યું હતું કે, આજનું ભારત પોતાના નાગરિકોને વૈશ્વિક પ્રમાણભૂત સલામતી અને ગુણવત્તા પ્રદાન કરવા માટે કટિબદ્ધ છે અને BS-4 માંથી BS-6માં પરિવર્તન પાછળ આ વિચારધારા જ કામ કરે છે.

