Statement by Yuvraj Singh Jadeja

Statement by Yuvraj Singh Jadeja: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ યોજી પ્રેસ કોન્ફોરન્સ- વાંચો શું કહ્યુ?

Statement by Yuvraj Singh Jadeja: અત્યાર સુધી પેપર ફૂટવાની ઘટના, ગેરરીતીની ઘટના અને પેપર લીકની સામે આવી એમાં આધાર પુરાવા સાથે જે માહિતી આપવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી: યુવરાજસિંહ જાડેજા

અમદાવાદ, 06 સપ્ટેમ્બરઃStatement by Yuvraj Singh Jadeja: આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ યુવા તથા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ એક મહત્વપૂર્ણ મુદ્દે મીડિયાને સંબોધતા કહ્યું કે, 25 ઓગસ્ટ, 2022ના રોજ આમ આદમી પાર્ટી દ્વારા ઉત્તર ગુજરાતમાં ‘રોજગાર ગેરંટી યાત્રા’ શરૂ કરવામાં આવી હતી. જે હિંમતનગર થી સાંતલપુર સુધી કુલ ચાર જિલ્લામાં 11 દિવસ સુધી ચાલી હતી. આ 11 દિવસમાં અમે લગભગ 50 જેટલી સભા કરી છે જેમાં એક દિવસમાં 2000 જેટલા યુવાનો જોડાયા હતા. એટલે કે 11 દિવસમાં લગભગ 10,000 થી પણ વધારે યુવાનો આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે. આ 11 દિવસના અનુભવમાં અમને વચ્ચે વચ્ચે સરકારના ગુંડાઓ દ્વારા હેરાન કરવામાં આવતા હતા તેનો પણ અમે સામનો કર્યો, જે જગ્યાએ સભા હોય તે જ જગ્યાએ વીજ કાપ મૂકી દેવામાં આવતો તેનો પણ અમે સામનો કર્યો, છતાંય જે યુવાનો છે તેમની વેદના અને વ્યથા અમે સાંભળી છે.

રોજગારીને લગતા જે મુખ્ય પ્રશ્ન છે જેના છેલ્લા ઘણા વર્ષોથી ઉકેલ નથી આવ્યા. જેમ કે ઘણી બધી પરીક્ષાઓના ફોર્મ ભર્યા બાદ પણ નિમણૂક પત્ર નથી આવ્યા. બેરોજગાર યુવાનો દ્વારા અમારી પાસે માંગણી કરવામાં આવી છે કે, ત્રણ ત્રણ વખત સીપીટીની પરીક્ષા લેવામાં આવી છે પરંતુ હજી સુધી નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી, આરોગ્ય કર્મચારીઓની જે ભરતી થઈ છે એમાં પણ નિમણૂક પત્ર હજી સુધી મળેલા નથી. એટલે અમે નિમણૂક પત્ર ની માંગણીને લઈને પંચાયત સેવા પસંદગી મંડળ અને ગૌણ સેવા પસંદગી મંડળ પાસે વિદ્યાર્થીઓની વ્યથા ને લઈને જવાના છીએ. આમ જે સમસ્યાઓ જાણી જોઈને ઊભી કરવામાં આવી રહી છે તેમાં આમ આદમી પાર્ટી વિદ્યાર્થીઓની સાથે છે.

ત્યારબાદ અમને જાણવા મળ્યું છે કે સીપીટી એજન્સી દ્વારા જે પરીક્ષા લેવામાં આવી હતી તેમાં ઘણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થયો છે. વિદ્યાર્થીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે જે વિદ્યાર્થીઓ હકદાર હતા, લાયક હતા તે વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી નથી. તમામ વિદ્યાર્થીઓ સાથે અમ ખભાથી ખભો મિલાવીને ઊભા છીએ. અને જ્યાં પણ તેમણે અમારી જરૂર પડશે ત્યાં અમે તેમણી ચોક્કસ મદદ કરીશું. અત્યાર સુધી અમે બોગસ અને ભ્રષ્ટાચાર થી બનેલી ડિગ્રીઓના આધાર પુરાવા આપ્યા હતા તે આધાર પુરાવા હોવા છતાંય કોઈ પણ પ્રકારની તપાસ થઈ નથી. અને ગેરલાયક વ્યક્તિઓની પસંદગી પણ આ રીઝલ્ટ માં થઈ રહી છે. જે લોકો આ કૌભાંડના ભાગીદાર હતા તેમની પણ પસંદગી રિઝલ્ટમાં કરવામાં આવી છે. આના પરથી સાબિત થાય છે કે સરકાર જાણી જોઈને ફક્ત તેમના મળતીયાઓને રોજગાર આપી રહી છે.

આ પણ વાંચોઃ Devshayani ekadashi 2022: દેવશયની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ, વાંચો આ દિવસનું મહત્વ

અત્યાર સુધી પેપર ફૂટવાની ઘટના, ગેરરીતીની ઘટના અને પેપર લીકની સામે આવી એમાં આધાર પુરાવા સાથે જે માહિતી આપવામાં આવી હતી, તેમાં કોઈ પણ પ્રકારની તપાસ કરવામાં આવી નથી. ત્યારબાદ ઓડિટરનું જે ફાઇનલ રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં પણ જે મુખ્ય આરોપીઓ હતા, એવા 72 ઉમેદવારોમાંથી 22 ઉમેદવારોના નામ અમે આપેલા છે. છતાં એ જ 22 જણના સિલેક્શન આ સરકાર કરવા જઈ રહી છે. આ દોગલી નીતિ છે જેમાં પોતાના મળતિયાઓને લેવા, પોતાના કાર્યકર્તાઓને પ્રાધાન્ય આપવું અને પોતાના કાર્યકર્તાઓને કોઈપણ ડિગ્રી ન હોવા છતાં તેને નોકરી આપવી, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ.

અમે લોકોએ એક સંકલ્પ લીધો હતો કે રોજગારી ગેરંટી યાત્રામાં બેરોજગારો માટે રોજગાર નોંધણી મેળાનું આયોજન કરવામાં આવશે અને અમે એ નોંધણી મેળો શરૂ કર્યો છે. આ મેળામાં રોજગાર ગેરંટી કાર્ડમાં અમે નોંધણી કરી રહ્યા છીએ, એમાં અમે 25,600 ઓફલાઈન નોંધણી કરી છે, અને ઓનલાઇનમાં 57,000 નોંધણીઓ થઈ છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની ટીમ ઉત્તર ગુજરાતના એક એક ગામડાઓમાં જઈને ગેરંટી કાર્ડની નોંધણી કરી રહી છે. એનો મતલબ સાફ છે કે આવનારા દિવસોમાં આ નોંધણીઓનો આંકડો વધી શકે એમ છે. આવનારા સમયમાં આ આંકડા મીડિયા અને ગુજરાતની જનતા સમક્ષ રજૂ કરવામાં આવશે.

આ યાત્રા દરમિયાન અમે જોયું કે યુવાનો ખૂબ જ ગંભીર વ્યથામાંથી પસાર થઈ રહ્યા છે. ઘણા યુવાનો વર્ષોથી સરકારી નોકરી માટેની તૈયારી કરે છે, ઘણા નોકરી વાંચ્છુક યુવાનો અને તેમના માતા પિતાઓએ અશ્રુભરી આંખે અમારી સમક્ષ પોતાની વેદનાઓ વ્યક્ત કરી અને કહ્યું કે આ વખતે ચોક્કસ પરિવર્તનની જરૂરત છે. અત્યારે જનતામાંથી એક નારો ઉઠ્યો છે કે ‘હર ઘર ઝાડું, ઘર ઘર ઝાડું’. આ જે નારો છે, આમ આદમી પાર્ટીની આંધી છે અને ગુજરાતની જનતાનો જે જનશૈલાબ છે એના પરથી લાગી રહ્યું છે કે, છેલ્લા 27 વર્ષથી જે કુશાસનના મૂળિયા નાખીને બેઠા છે એ મૂળિયા હવે ઉખડી જવાના છે અને તેમના સૂપડા સાફ થવાના છે.

ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીનું અત્યારે કોઈ અસ્તિત્વ રહ્યું જ નથી અને તે લોકો પોતાના અસ્તિત્વને ટકાવી રાખવા માટે મહેનત કરી રહ્યા છે અને રોજગારી આપવાની વાત કરી રહ્યા છે પરંતુ અમે સૌથી પહેલા દસ લાખ સરકારી નોકરીઓ માટેની ઘોષણા કરી હતી.

આ પણ વાંચોઃ RIL to acquire majority stake in SenseHawk: રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સેન્સહોકમાં બહુમતી હિસ્સો હસ્તગત કરશે

કોંગ્રેસની જે જાહેરાતો છે એ જાહેરાતો જોતા લાગે છે કે આમ આદમી પાર્ટી એ જે ગેરંટીઓ આપી છે તે ગેરંટીઓની કોંગ્રેસ પાર્ટીએ નકલ કરી છે. આ પરથી સાબિત થાય છે કે આમ આદમી પાર્ટીએ જે ગેરંટીઓ આપી તે ગેરંટીઓને જનતા સ્વીકારી રહી છે એટલા માટે જ કોંગ્રેસ આમ આદમી પાર્ટીની નકલ કરી રહી છે. જ્યારે કોંગ્રેસ પાર્ટી પાસે 78 થી વધુ ધારાસભ્ય હતા અને તેઓ મુખ્ય વિપક્ષની ભૂમિકામાં હતા ત્યારે તેઓ સદંતર વિપક્ષની ભૂમિકા નિભાવવામાં નિષ્ફળ રહ્યા છે. મોંઘવારી મુદ્દે પેપર લીક મુદ્દે કે અલગ અલગ ભાવ વધારા મુદ્દે જ્યારે કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરવાની જરૂરત હતી ત્યારે તેઓ ક્યાંય દેખાયા નહીં અને હવે જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તેઓ આમ આદમી પાર્ટીની ગેરંટીઓની નકલ કરી રહ્યા છે.

ત્યારબાદ યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લડવા મુદ્દે જણાવ્યું કે, મારે જનતાના મુદ્દાને ઉકેલવાનું કામ કરવું છે અને ચૂંટણી લડવી કે ન લડવી એ નિર્ણય પાર્ટી નક્કી કરશે. પાર્ટી ચૂંટણી લડવાની ના પાડશે અને સંગઠનમાં કામ કરવાનું કહેશે તો હું એના માટે પણ તૈયાર છું અને પાર્ટી ચૂંટણી લડવાની વાત કરશે તો પણ હું એના માટે તૈયાર છું. અને એટલા માટે મેં કોઈ સીટ નક્કી કરી નથી, કારણ કે પાર્ટી જ્યાંથી નક્કી કરશે અને જેની સામે નક્કી કરશે એની સામે હું ચૂંટણી લડીશ. કારણ કે આખા ગુજરાતમાં વિદ્યાર્થીઓ મારી સાથે જોડાયેલા છે તો આખા ગુજરાતના યુવાનો મારા ચૂંટણી પ્રચારમાં મને સહકાર આપશે.

જો ગુજરાતના શિક્ષણ મંત્રીની સામે પણ ચૂંટણી લડવાનું થયું તો પણ અમે લડીશું, કારણકે જે મુદ્દાઓમાં અમે વિદ્યાર્થીઓના પક્ષે ઊભા છીએ, વિદ્યાર્થીઓ માટે લડાઈ લડી છે, જ્યાં જ્યાં સરકારની નિષ્ફળતાઓ દેખાડી છે, જ્યાં જ્યાં સરકારે ભ્રષ્ટાચાર કર્યા એ ભ્રષ્ટાચારને ઉજાગર કર્યા છે, જ્યાં જ્યાં વિદ્યાર્થીઓના અને યુવાનોના ભાવિ સાથે ચેડાં થયા છે, પાલીતાણા અને ભાવનગરમાંથી જે જે કૌભાંડો બહાર લાવ્યા અને સાબિત કર્યા છે અને જે લોકો પેપર લીકમાં સંડોવાયેલા હતા એમની બધી માહિતી આપી છે અને એ લોકો પર જેમની રહેમરાહ હતી તે પણ અમે સાબિત કરી બતાવી છે. આ બધી બાબતો એવી છે કે જેના આધારે અમે કહી શકીએ કે અમે ભાવનગરમાં પણ ચૂંટણી લડી શકીએ એમ છીએ. સાથે સાથે એ પણ જણાવવા માંગીશ કે ભાવનગરના યુવાનો પણ અમારી સાથે છે. થોડા સમય પહેલા ભાવનગરમાં અમે ખૂબ જ મોટો ટાઉનહોલ કાર્યક્રમ સફળતાપૂર્વક કર્યો હતો.

Gujarati banner 01