Dang Bamboo Art: વાંસમાંથી કલાત્મક ચીજવસ્તુઓ બનાવી તેના વેચાણથી આત્મનિર્ભર બન્યો ડાંગનો ૨૨ વર્ષીય યુવાન…
Dang Bamboo Art: ૨૦૦થી વધુ પ્રકારના બામ્બુ આર્ટથી મળી રહી છે વળવી પરિવારને આજીવિકા
અહેવાલ: પરેશ ટાપણીયા
સુરત, 08 એપ્રિલ: Dang Bamboo Art: ડાંગ જિલ્લામાં રહેતા પ્રકૃતિરક્ષક આદિવાસી બંધુઓ પૌરાણિક પરંપરાઓને ૨૧મી સદીમાં જીવંત રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. સૌંદર્યસભર ડાંગ જિલ્લામાં આવેલ ગીરા ધોધ પ્રવાસન સ્થળની સાથે શોપિંગ પોઈન્ટ પણ બન્યું છે. કારણ કે ગીરા ધોધ ગામમાં વસતા અનેક પરિવારો પૂર્વજોના સમયથી વાંસની વિવિધ બનાવટ, કલાત્મક ચીજવસ્તુઓ બનાવીને પરિવારને મદદરૂપ થઇ રહ્યા છે.

સુરતના ઉમરા SMC પાર્ટી પ્લોટમાં વૈદુભગતોના ઔષધિય ઉપચાર મેળામાં આવેલા ડાંગ જિલ્લાના વિલીયમ વળવી પરિવારના મહિલા સભ્યોના સહકારથી વાંસમાંથી બનતી વિવિધ કલાત્મક ચીજોનું વેચાણ કરીને આત્મનિર્ભર બન્યા છે.
પિતાના વારસાગત વાંસના વ્યવસાયમાં આગળ વધનાર વળવી પરિવાર લાકડામાંથી રોટલા મુકવાની છાબડી, નાઈટ લેમ્પ, બામ્બુની બોટ, રોટી બાસ્કેટ, તીર કામઠા, બાળકોના રમકડા, હરણ-સાબર, વોલ પીસ, બળદગાડુ, મની પ્લાન્ટ, કી-સ્ટેન્ડ, લેટરબોક્ષ, ઘરસજાવટના શો પીસ, હેયર સ્ટીક સહિત ભગવાનના ધાર્મિક પોસ્ટર તેમજ વાંસમાંથી બાસ્કેટ, ટોપલીઓ, કુલા, ટોકરી, વાંસની શતરંજ, સંગીતવાદ્ય જેવી કલાત્મક વસ્તુઓનું વેચાણ કરી રહ્યા છે.
૨૨ વર્ષીય વિલીયમ વળવીએ જણાવ્યું હતું કે, મજબૂત અને ટકાઉ વાંસ બનાવટની વસ્તુઓનું સ્થાન ધીરેધીરે પ્લાસ્ટિકની વસ્તુઓએ લઈ લીધું હતું, પણ હવે લોકો વાંસની બનાવટો પ્રત્યે ફરી આકર્ષિત થયા છે. અને માંગ પણ વધી રહી છે. ૨૦૦થી વધુ પ્રકારના બામ્બુ આર્ટથી અમારા જેવા અનેક પરિવારોને આજીવિકા મળી રહી છે.
સુરત ખાતે રૂ.૩૦થી લઈ ૧૫૦૦ સુધીની બામ્બુની ૩૦૦થી વધુ નાની મોટી વસ્તુઓ વેચી રહેલા વિલીયમે વધુમાં કહ્યું કે, ડાંગ જિલ્લામાં અંતરિયાળ પર્વતીય વિસ્તારોમાં ઉગી નીકળતા બામ્બુનો ઉપયોગ આદિવાસીઓ અત્યાર સુધી માત્રને માત્ર ટોપલા, ટોપલી અથવા પરંપરાગત સાધનો બનાવવા માટે જ ઉપયોગ કરતા હતા. રાજ્ય અને કેન્દ્ર સરકારે બામ્બુ બનાવતા સાધનોના ઉત્થાન માટે રસ દાખવતા આદિવાસીઓના જીવનધોરણમાં બદલાવ આવ્યો છે.