CM Meeting for Biparjoy Cyclone

CM Meeting for Biparjoy Cyclone: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી

CM Meeting for Biparjoy Cyclone: વાવાઝોડું કચ્છના દરિયાકાંઠાથી ૨૯૦ કિમી દૂર-૧૫મી જૂને સાંજે ૪ કલાક બાદ કચ્છના જખૌ આસપાસ વાવાઝોડું ટકરાવાની સંભાવના: રાહત કમિશનર આલોકકુમાર પાંડે

ગાંધીનગર, 14 જૂનઃ CM Meeting for Biparjoy Cyclone: ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં મુખ્યમંત્રીએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

રાહત કમિશનર આલોક પાંડે એ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે, સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને ૮ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ ૪૭ હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ થવાનો અંદાજ છે.

તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં ૪૪૬૨, કચ્છમાં ૧૭,૭૩૯, જામનગરમાં ૮૫૪૨, પોરબંદરમાં ૩૪૬૯, દેવભૂમિ દ્વારકામાં ૪૮૬૩, ગીર સોમનાથમાં ૧૬૦૫, મોરબીમાં ૧૯૩૬ અને રાજકોટમાં ૪૪૯૭ મળી કુલ ૪૭,૧૧૩ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

રાહત કમિશનરએ ઉમેર્યું કે, સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં NDRFની ૧૮ અને SDRFની ૧૨ ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં ૬, દેવભૂમિ દ્વારકામાં ૩, રાજકોટમાં ૨, જામનગરમાં ૨ અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.

તેમણે ઉમેર્યું હતું કે, આ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની ૫૯૭ ટીમો તૈયાર કરવામાં આવી છે. વાયર-પોલ નો જરૂરી જથ્થો પણ સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે.

એટલું જ નહિ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવીને વીજ પૂરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક મોહંતીએ વાતાવરણના વર્તારા અંગે કહ્યું કે, સંભવત: ૧પ જૂન ના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે તેમ છે.

મુખ્ય સચિવ રાજકુમારે આ સંદર્ભમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓના કલેક્ટર તંત્રને પણ પૂર્વતૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો આપ્યા હતા. પાંડેએ કહ્યું હતું કે, દરિયાકિનારાના જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

આ ઉપરાંત નજીકના સ્થળોએ હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જનરેટર સેટ અને આરોગ્ય વિષયક અન્ય જરૂરી સેવાઓ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.

ભારે વરસાદ કે સંભવિત વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયોની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ટ્રા સર્કલ પદ્ધતિ એટલે કે મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તેમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું.

આ સમીક્ષા બેઠકમાં મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવઓ સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

આ પણ વાંચો… Healthy Hair Tips: શું તમે પણ વાળને શાઈની અને હેલ્દી બનાવવા માંગો છો? આજથી જ આ ઘરેલુ વસ્તુઓનો કરો ઉપયોગ

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો