A big decision for cattle farmers: પશુપાલકોના હિતમાં ગુજરાત સરકારે કર્યા મહત્વપૂર્ણ નિર્ણય, વાંચો વિગતે…
- રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા રૂ. એક કરોડ મંજૂર
A big decision for cattle farmers: રાજ્યમાં રૂ.૪૭.૯૭ કરોડના ખર્ચે નવા ૬૮ પશુ દવાખાના-પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું નિર્માણ અને પાંચનું થશે નવીનીકરણ: પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલ
ગાંધીનગર, 01 જુલાઈઃ A big decision for cattle farmers: પશુપાલન વ્યવસાય થકી રાજ્યના નાગરિકો સ્વનિર્ભર બને તે માટે રાજ્ય સરકારે અનેકવિધ સહાયલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. આ સહાયલક્ષી યોજનાઓ ઉપરાંત તેમના મહામૂલા પશુધનને રસીકરણ-ખસીકરણ, કૃત્રિમ બીજદાન, વાઢકપ સહિતની વિવિધ સારવાર પણ રાજ્ય સરકારે પૂરી પાડવા માટે પ્રતિબદ્ધતા દાખવી છે. પશુ સારવારલક્ષી સુવિધાઓમાં વધારો કરવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અને પશુપાલન મંત્રી રાઘવ પટેલના માર્ગદર્શન હેઠળ કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.
પશુપાલકોના હિતમાં લેવાયેલા નિર્ણયો અંગે માહિતી આપતા મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ પશુપાલકની મૂડી તેનું બહુમૂલ્ય પશુધન હોય છે, અને તેમના આ પશુધનને ઉચ્ચ ગુણવત્તાયક્ત અને અદ્યતન આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે રાજ્ય સરકાર કટીબદ્ધ છે.
રાજ્યમાં પશુ સારવાર સંબંધિત માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત કરવા માટે ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪માં રૂ. ૪૭.૯૭ કરોડના ખર્ચે રાજ્યની ૨૧ જિલ્લા પંચાયતો હેઠળ અદ્યતન સુવિધા સાથેના પશુ દવાખાના અને પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોના ૬૮ નવીન બાંધકામ અને જરૂરી મરામતના ૫ કામો રાજ્ય સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે.
મંત્રી પટેલે વધુ વિગતો આપતા ઉમેર્યું હતું કે, રાજ્યની પશુ રોગ નિદાન લેબોરેટરીમાં વધુ અસરકારક પશુ રોગ નિદાનની સેવાઓ મળી રહે તેમજ જિલ્લા કક્ષાની રેફરલ હોસ્પીટલ-વેટરીનરી પોલીક્લીનીકમાં સચોટ સારવાર સેવાઓ ઉપલબ્ધ કરાવવીએ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે.
આ પ્રકારની ઉત્તમ સુવિધા માટે રાજ્યની ૭ પશુ રોગ નિદાન લેબોરેટરી અને ૧૦ વેટરીનરી પોલીક્લીનીકને વિશિષ્ટ અને આધુનિક ઉપકરણો-સાધનોથી સુસજ્જ કરવા માટે પણ રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૩-૨૪માં રૂપિયા એક કરોડની મંજૂરી આપવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પશુપાલન અને ડેરી ક્ષેત્રના વૈજ્ઞાનિક ઢબે વિકાસ માટે થઇ રહેલી કામગીરીની માહિતી પશુપાલકોને ઘરબેઠાં મળી રહે તે માટે પણ રાજ્ય સરકારે ચિંતા કરી છે. પશુપાલકોને સરકારી યોજનાઓની જાણકારી તેમની આંગળીનાં ટેરવે જ મળી રહે, પશુપાલકોને વિડિયો કોન્ફરન્સ કે વેબિનાર કરીને એક જગ્યાએથી એક સાથે અનેક પશુપાલકોને માહિતગાર કરવા માટેના ઉતમ માધ્યમ તરીકે રાજ્યના પશુપાલન ખાતાની કચેરીઓમાં રૂ. ૫૦ લાખના ખર્ચે ૧૦ ડીજીટલ ડેસ્ક-ઈલેક્ટ્રોનિક કીઓસ્કની સુવિધા ઉભી કરવા પણ રાજ્ય સરકારે મંજૂરી આપી છે.
આ ઉપરાંત પશુપાલન ખાતાની તાંત્રિક, વહીવટી અને હિસાબી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે વર્ગ-૨ની ૬ જગ્યાઓ અને વર્ગ-૩ની ૯ જગ્યાઓ પણ મંજૂર કરવામાં આવી છે.
સાથે-સાથે પશુઓ માટેની રસીનું ઉત્પાદન કરતી પશુ જૈવિક સંસ્થા તેમજ રાજ્યમાં પશુઓના સંવર્ધનની કામગીરીમાં ચાવીરૂપ ભૂમિકા ભજવતી સેન્ટ્રલ સીમેન બેંક-પાટણ, ક્વોરનટાઇન સ્ટેશન-મહેસાણા, ફ્રોઝન સીમેન સ્ટેશન-પાટણ, ફ્રોઝન સીમેન સ્ટેશન-ભૂતવડ, ફ્રોઝન સીમેન સ્ટેશન-માંડવી(સુરત) જેવી વિવિધ સંસ્થાઓ માટે પણ માનવબળ મંજૂર કરવામાં આવ્યું છે, તેમ પશુપાલન મંત્રીએ ઉમેર્યું હતું.
આ પણ વાંચો…. Trains run on diverted route: ઓખા-ગોરખપુર એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે