Aansu ane Arman: કાશ કે આંસુઓનાં રંગ હોત: પૂજા પટેલ
“આંસુ અને અરમાન”(Aansu ane Arman)
Aansu ane Arman: આંસુ તો ગમે ત્યારે નીકળે છે, જ્યારે આપણાં અરમાન પૂરાં થાય ત્યારે પણ અને અરમાન પૂરાં ન થાય ત્યારે પણ! પરંતુ બંને સમયે આંસુ અલગ પ્રકારનાં હોય છે જે આપણે રંગ પરથી ન કહી શકીએ, કેમ કે આંસુઓનો રંગ જ નથી હોતો કે ખુશીઓમાં આંસુનો રંગ ગુલાબી અને ઉદાસીનતામાં આંસુનો રંગ લાલ એવી રીતે! કાશ કે આંસુઓનાં રંગ હોત! લોકોને રંગોથી જ ખબર પડી જતી હોત કે સામેવાળી વ્યક્તિના આંખમાંથી નીકળેલ અશ્રુ પાછળ કયી લાગણી તે અનુભવી રહ્યું છે. આંસુઓ અરમાન સાથે પૂરક રીતે જોડાયેલાં છે ! માટે જ દરેક સમયે અરમાન પૂરાં થાય એવું જરુરી નથી હોતું. કયારેક માણસ ગમે તેટલી કોશીશ કરે તોય તેના અરમાન અધૂરાં રહીં જાય છે. અને ક્યારેક માણસ એવી પરિસ્થિતિમાં પણ ફસાઈ જાય છે કે ન તો તે આંસુ સારી શકે, ન તે પોતાની તકલીફ કોઈને કહી શકે. આ પરિસ્થિતિમાં જો અધૂરાં અરમાન પૂરાં થઈ જાય તો તે આજનાં જમાનામાં ચમત્કાર કહેવાય!
બાકી લગાતાર માણસ સપનાં જોવે, અને તે પોતાનાં સપનાં પૂરાં કરવાં માટે કાળજી રાખે, ધીરજ જાળવીને ધગશથી જો મહેનત કરે તો મનમાં રહેલાં કોઈ પણ અરમાન તે પૂરાં કરી શકે છે. તેની માટે માત્ર એક જ વસ્તુ જરૂરી છે અને તે છે મનમાં રહેલો ઉત્સાહ! ઉત્સાહી વ્યક્તિ જેટલું કામ કરી જાણે એટલું કોઈ સામાન્ય વ્યક્તિ ન કરી શકે. માટે જ અરમાનો પૂરાં કરવાં માટે મનમાં ઉત્સાહ હોવો જરૂરી છે જેથી દુઃખી થઈને આંસુ સારવાનો સમય ન આવે! આંખોમાંથી અશ્રુધારા વહે તો પણ તે ખુશીનાં આંસુ જ હોય ન કે નિરાશાનાં આંસુ!
આપણે જ્યારે પરિવારનાં સભ્યોનાં અરમાન પૂરાં કરીએ છીએ ત્યારે આપણને અલગ પ્રકારની ખુશી મળે છે. પરંતુ જ્યારે આપણે પોતાનાં અરમાનો પૂરાં કરીએ તેની ખુશી જ અલગ હોય છે. પરંતુ મોટે ભાગે એવા જ ઉદાહરણો જોવા મળે છે કે જેમાં લોકો પોતાનાં અરમાનોને હંમેશા બાજુમાં મૂકી દે છે અને પરિવારનાં અરમાનો પૂરાં કરવાં માટે દિવસ રાત એક કરી દેતાં હોય છે. પોતાની ખુશીઓને પરિવારની ખુશી એવું નામ આપી દેતાં હોય છે અને પોતાનાં અરમાન ક્યાંય વિસરાવી દેતાં હોય છે કોઈ પણ પ્રકારની ફરીયાદ વગર! દરેક વ્યક્તિએ અરમાનો પૂરાં કરવાં જોઈએ પોતાનાં પણ અને પોતાનાં પરિવારનાં પણ! જેથી દરેકને નવાં નવાં સપનાં જોવાનો ઉત્સાહ બની રહે અને તે જ સપનાં સાકાર કરવા માટે શરીરમાં ધગશ, ધીરજ અને મહેનત બની રહે!
બસ આ જ સાથે, હું મારી કલમને વિરામ આપું છું, મળીશ હું નવા ટોપિક અને નવા લેખ સાથે! ✍🏻પૂજા અનિલકુમાર પટેલ (ચીકી)
આ પણ વાંચો:- Miracle: શું ખરેખર ચમત્કાર થાય છે?
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો
