money

Money & society: પૈસા કમાનારનું જ સમ્માન?

Money & society: શું જે વ્યકિત કમાતી નથી એ એક માણસ તરીકે સમ્માનનીય નથી?

Pooja Patel Chiki

Money & society: શું આજના જમાનામાં પૈસા એ એટલું બધું પોતાનું સામ્રાજ્ય જમાવી દીધું છે કે બીજાં માણસોની કદર જ નથી થઈ રહી જે લોકો પૈસા કમાય છે એનું જ આજે સમ્માન થાય છે. જે લોકો બાળકોની ઉંમરનાં છે અને નિવૃત્ત લોકો છે તેમની માટે કશું નહીં. કેમ કે બાળકોને બાળપણ જીવવું જરૂરી છે એટલું જ નિવૃત્ત લોકોને આરામ કરવો જરૂરી છે. પણ જેની ઉંમર કમાવવાની છે અને તેની પાસે કામ નથી એનું શું?

પહેલાં કહેવાતું હતું કે “માણસ એનાં નામથી નહીં પરંતુ કામ થી ઓળખાય છે.” હવે એમ કહેવાય છે કે,” માણસ કેટલું કમાય છે એનાથી તે ઓળખાય છે.” જે જેટલું કમાય એટલું જ તેનું સમ્માન થાય. ચાર આંકડાનો પગાર મતલબ કે તેને ન જેવું સમ્માન અપાય. પાંચ આંકડાનો પગાર જો પચાસ હજારથી ઉપરની રકમ હોય તો જ સમ્માન ને લાયક ગણાય નહિતર નહીં. અને જે વ્યકિત અત્યારે છ આંકડાની આવક કરી લેતો/લેતી હોય એ જ આજે સમ્માનિત કરવામાં આવે છે.

એનાથી વધારે કમાનાર લોકો સુપર સ્ટાર લેવલના આવે.આ બધાંમાં ન કમાનારનું કશું આવતું જ નથી. મતલબ તે વ્યક્તિ કમાતી નથી એટલે જાણે કશા કામની જ નથી. અને કમાતી નથી એટલે તે સમ્માનને પણ લાયક નથી એવું જ માનવામાં આવે છે. શું જે નોકરી કરે ઊંચા હોદ્દા પર હોય તે જ સમ્માન ને લાયક છે?

શું જે વ્યકિત કમાતી નથી એ એક માણસ તરીકે સમ્માનનીય નથી? તે ઘરે જ રહે છે એનો મતલબ એ છે કે તે એક ખૂણે પડી રહેનાર ફર્નિચરનો ટૂકડો છે? એનામાં જે કળા છે તેને વિકસિત કરવા માટે અન્ય લોકો કરતાં થોડોક વધારે સમય લાગે તો એમાં ખોટું શું છે? શું એ વ્યક્તિને માનસિક તણાવમાં મૂકવો જરૂરી છે?

સવાલોનાં ઢગલાં કરી દેવામાં આવે છે તેની સામે, ” આટલા વર્ષ તને પૂરાં થયાં તારે તારી કારકીર્દિ નથી બનાવવી?” , “તારી ઉંમરનાં તારા મિત્રોને જો એ લોકો ક્યાંના ક્યાં પહોંચી ગયાં!” કારકીર્દિ બનાવવા તરફ અને પોતાની કળા વિકસાવવા માટે પ્રોત્સાહન આપવાની બદલે સરખામણી કરી તેનું મોરલ ડાઉન કરવામાં આવે છે.

તે સામાન્ય નોકરી કરીને સામાન્ય કર્મચારી બનીને કમાવી પણ લેશે તો પણ એને સંતોષ નહી આપે કેમ કે તેણે પોતાની મરજી વિરુદ્ધ તે નોકરી કરવાનો ફેસલો કરે છે. શું એવું શક્ય નથી કે તે પોતાની કળા વિકસિત કરે તો તેની માટે કામ કરવું એ એક શોખ લાગે, જવાબદારીનો બોજો નહીં. શોખ હોવો અને નવો શોખ બનાવવો એ કુદરતી છે. બની શકે કે ન કમાનાર વ્યક્તિ કલાકાર તો હશે જ. તેનામાં કંઇક બીજી ખાસિયત પણ હોઈ શકે જે તેને એક અલગ ઓળખ આપી શકે. એ જ તેની કળા કારીગરી વિકસી જાય તેની પછી બની શકે કે તે પોતાની કળાને જ કામ બનાવી દે! અત્યારે તો માત્ર પૈસા કમાવવું એ જ જીવનમંત્ર બની ગયો છે.

આ પણ વાંચો:- Art of life: જીવન : વૃંદાવન, મનભાવન !: નિલેશ ધોળકિયા

પૈસા એ કોઈ વસ્તુ ખરીદવા માટે કામ લાગશે પણ જરૂરી છે કે એનાથી ખુશીઓ મળશે જ? પૈસા કમાવું એ જરૂરિયાત હોઈ શકે છે. પણ શું પૈસા કમાવવું એ એક પ્રકારની મજબૂરી બની ગઈ છે? આરામ કરો કે ન કરો બસ કમાવવું જરૂરી છે. પોતાની કળા ચિત્રકારી હોય તો એને બાજુમાં મુકી હીરા બજારમાં હીરા ઘસવા જાઓ પણ પૈસા ઘરે લાવો.

આજુ બાજુના લોકો અથવા પોતાના મિત્ર મંડળની કમાણી સાથે હોડ લગાવવા બે નોકરી વધુ કરો પણ પૈસા કમાવવા જ છે. માણસને માણસની જેમ નહિ પણ એક યંત્રની જેમ ગણવામાં આવે છે જે ખનિજ તેલની જેમ બે સમયે જમી લે અને મહિના પછી ઘરે પગાર લઈને આવે! કામમાં મન હોય કે ન હોય, આરામ પૂરો થાય કે ન થાય બસ પૈસા કમાવા જરૂરી છે.

પોતાની કળા એ જ તેની કારકિર્દી બની જાય તો? કળા વિકસાવવાનો એક સમય લાગે છે તે સમય તેને મળી જાય તો? બસ પૈસા જ બધું નથી એ આજનાં સમયમાં ખાસ સમજવાની જરુર છે. પૈસા જરુરી છે પણ યંત્રવત તરીકે નહીં, જીવાદોરી તરીકે તે સમજવાનું જરૂરી છે.

પૂજા પટેલ (ચીકી)

નોધ: આ લેખ લેખકના પોતાના અભિપ્રાય પર આધારિત છે।

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *