mothers day 03

Mothers Day: અઘરું ને કપરું છતાં કુટુંબનું છાપરું : મા !

Mothers Day: ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે બાળક માઁ ના ગર્ભમાં રહીને ઘણું જોતું, જાણતું, માણતું ને શીખતું ને સમજતુંહોય છે. આવી અપરિપક્વ માનસિકતાની અસર બાળક ઉપર કેવી પડશે એ વિચાર્યું છે ક્યારેય ?

Mothers Day: “મધર્સ ડે” પરના આજના આ લેખ માટે શીર્ષક શોધવા હું વામણો પુરવાર થયો – કારણ કે અહીં આજે જે પ્રકાશિત થયું છે તે ઘણી મહિલાઓને નિર્વિવાદપણે વિવાદાસ્પદ, હાસ્યાસ્પદ છતાં યે કોઈ કોઈના મનમાં આશાસ્પદ લાગશે. નારીના, મા ના મનનું અકળ વલણ તો ઉપરવાળો ય પામી નથી શક્યો તો આ લખનાર પામર જીવડો તે વળી કઈ વાડીનો મૂળો !?!

Mothers Day: Nilesh Dholakia

“સ્ત્રીની ત્વચા સદાય સુંવાળી, ચળકતી ને સ્પોટલેસ જ હોવી જોઈએ, સ્ત્રીનું શરીર કાયમ ચુસ્ત, ચરબી રહિત અને આકર્ષક જ હોવું જોઈએ” એવો આગ્રહ પુરુષનો નહીં, દુર્ભાગ્યે સ્વયં ( મોટા ભાગની ) સ્ત્રીઓનો જ વધુ હોય છે ! પાતળી દેખાવા ભૂખી રહેતી, જાત જાતની સર્જરી કરાવતી (અમુક) સ્ત્રીઓ માત્ર ગ્લેમર વર્લ્ડ કે ફિલ્મોમાં જ મળે એવું હવે નથી રહ્યું. આપણે જીવનું સર્જન કરીએ છીએ તથા જીવને યજમાન બની પોતાની અંદર સાચવીએ છીએ, તેને પોષણ આપીને પૂર્ણ વિકસિત કરીએ છીએ, ચામડી ચીરીને વધારાનું (શું?!) બહાર ધકેલીએ છીએ, પોતાના શરીરમાંથી બહાર લાવી ખરે ખર ચમક વધારીએ છીએ ખરા !?

હા, આ સિવાય પણ મા અર્થાત સ્ત્રીત્વના બીજા ઘણાં અદ્ભુત પાસાઓ છે. માત્ર આપણું શરીર કોઈ પણ રીતે આપણને વ્યાખ્યાયિત નથી કરતું : ફિગર જાળવી રાખવાની (એ માનુનીઓની) લડતમાં ઘણા પાસાઓનું યોગદાન હોય છે, જેમાં આનુવંશિક, હોર્મોનલ ઈમ્બેલેન્સ કે સ્વાસ્થ્ય સંબંધી અન્ય સમસ્યાઓ કોઈપણ હોઈ શકે. No Doubt, સ્વસ્થ જીવનશૈલી અપનાવી મેદસ્વિતાથી દૂર રહેવાનો પ્રયત્ન કરવો આપણા હાથમાં છે જ છતાં તે પછી પણ જો આપણે સ્લિમનેસની લડાઈ હારી રહ્યા હોઈએ તો એક ક્ષણ માટે ય એવું ન વિચારવું કે આમાં આપણી જ કોઈ ભૂલ છે – આપણી જાતને શારીરિક, માનસિક ને આધ્યાત્મિક રીતે સારી રીતે પોષિત કરીએ અને જે શરીરમાં આપણે રહીએ છીએ તેની સાથે જીવનનો આનંદ ઉઠાવીએ !

ગમ્મે તેટલું મજબૂત મકાન સમય જતાં જીર્ણ થાય જ છે. “શાંતિ અને સ્વીકૃતિ” એ જ આપણી શ્રેષ્ઠ સમૃદ્ધિ છે – માનીએ તો જ, હો….

આજકાલ નવી-નવાઈનો તબક્કો વિક્સી રાહ્યો છે : પ્રિ-બેબી શૂટના નામે એક અલગ જ લેવલનો ટ્રેન્ડ બજારમાં ચાલી રહ્યો છે. કોઈ કોઈ લોકોમાં આધુનિકતાનું ભુત સવાર થઈ ગયુ છે. વિદેશી સંસ્કૃતિનું અનુકરણ કેટલી હદે યોગ્ય છે ? સમાજમાં આવી મનોવૃત્તિ ઝડપથી ફેલાઈ રહી છે. ભાવિ માઁ બેબી બમ્પ્સને સજાવીને ફોટોગ્રાફી કરાવતા સમયે વળી પાછું કોઈ જોતું તો નથી ને…. અને પોતાના સ્ટેટ્સ અને સોશ્યલ મીડિયામાં અપલોડ કરે, બોલો !? “સીમંત” Baby Shower એક અતિ પવિત્ર સંસ્કાર છે. વર્ષો બાદ ઘરે બાળક જન્મવાની ખુશી તો સૌને હોય પરંતુ આવી રીતે અડધું વસ્ત્ર પહેરીને સમગ્ર સ્ત્રી જાતિની માઁ ની પાવનતા ઉપર મહેરબાની કરીને તેની મજાક ન કરો.

ગર્ભાવસ્થા એક એવો સમય છે જ્યારે બાળક માઁ ના ગર્ભમાં રહીને ઘણું જોતું, જાણતું, માણતું ને શીખતું ને સમજતુંહોય છે. આવી અપરિપક્વ માનસિકતાની અસર બાળક ઉપર કેવી પડશે એ વિચાર્યું છે ક્યારેય ? કે હાલી જ નીકળવાનું ? ગામ આખુ પ્રિ-બેબી શૂટ કરાવે એટલે આપણે પણ કરાવવાનું….!? વડીલો તથા સમાજના આગેવાનોએ આવી અશ્લીલતાને બંધ કરાવવી જોઈએ. મર્યાદાની મહારાણી એવી હિન્દુસ્તાની માઁ = નારીને આવું ના શોભે. માઁ, શિવાજી જેવું બાળ પામવા જીજાબાઈ બનવું પડે. પોતાના અંગ ઉપર પાંચ મીટરની સાડી ના વીંટો તો કંઈ નહીં પણ બે મીટરમાં તો તન ઢાંકેલું રાખો, માઁ.

ભારતદેશમાં સ્નેહ, સાદગી ને સમર્પણની મૂર્તિ સમી સ્ત્રીઓ માટે તેમની તરફેણમાં વિશેષ કાયદાઓના કવચ હેઠળ મહિલાઓના રખોપા થાય તેવી જોગવાઈ છે. ઉદ્દભવતો એક અતિ જ્વલનશિલ સવાલ : જયારે ગમતું હોય છે ત્યારે સ્ત્રીએ એમ કીધુ કે મે મારું સંપૂર્ણ ન્યોછાવર કરી દીધું, તને. મેં મારું સંપૂર્ણ અસ્તિત્વ આપી દીધું. તો શું સંપૂર્ણ અને અસ્તિત્વ એટલે માત્ર શરીર કે હાડમાંસનો જથ્થો જ થાય ? શું સ્ત્રીની ઈજ્જત ખાલી તેના તન બદનમાં જ હોય ? તો પુરુષે શું શું ન્યોછાવર કર્યું હશે ? જયારે સ્ત્રી શરીર સોંપે ત્યારે પુરુષે શુ સોંપ્યું હશે ? વિચારજો જરૂર🙏🏻

ઉપરોક્ત વાતો કોઈને પર્સનલ ટાર્ગેટ કરીને નથી ઉચ્ચારી કારણ કે મને, તમને, આપણને સહુને માઁ, બહેન, પ્રેયસી, પત્ની, પુત્રી, પુત્રવધૂ અથવા પૌત્રી હોઈ શકે છે.

મોટે ભાગે અમુક સંવાદો સાંભળીને કે જોયેલા સારા-નરસા પ્રસંગોથી મારા મનમાં ઉઠેલા સવાલો માત્ર છે. આ લેખમાં પૂરક નીવડે તેવી બે અજ્ઞાત વાતો : એક યુવક ફરીથી એની ઘરડી માઁ ને નાના બાળકની જેમ એક લાંબી ચાદર જેવા કપડામાં લપેટી, એનો એક છેડો પોતાને ખભે ભરાવી બહાર બગીચામાં લટાર મારવાં નીકળ્યો તો હું પૂછયા વગર ન રહી શક્યો. એને એક બેંચ પર બેસેલા જોતાજ હું મારો સવાલ લઈ એની પાસે પહોંચ્યો. “તમે રોજ સાંજે અહીં આવો છો. હું તમને જોઉં છું. એમાં કોઈ શક નથી કે તમે ખૂબ સારા સંતાન છો જે પોતાની ઘરડી માઁ ને આટલું સાચવે છે છતાં મને એમ થાય કે તમે એમને આમ ઉંચકીને કેમ લાવો છો ? તમે વ્હીલચેર કેમ નથી લેતા ?”

એ યુવક મારી સામે જોઇને સહેજ હસ્યો. પછી કહ્યું, “જ્યારે હું નાનો હતો ત્યારે બહું કમજોર હતો. વારે વારે બીમાર પડી જતો. જરીક વાતાવરણ બદલાય કે તરત મને તાવ આવી જતો. એ વખતે આ મારી માઁ મને આમજ કપડામાં લપેટીને, એની છાતીસરસો ચાંપીને રાખતી. મને એ વખતે બહું સારું લાગતું. એક અનેરી હૂંફનો અહેસાસ થતો. હું ઘણો મોટો થયો ત્યાં સુંધી માઁ નો એ ક્રમ ચાલુ રહેલો…! આજે હું સ્વસ્થ છું.

મારી માઁ વૃધ્ધ થઈ છે, અશક્ત છે. એ હવે લાંબુ નહીં ખેંચે એમ ડોકટરે કહી દીધું છે. જીવનની ભાગદોડમાં હું વ્યસ્ત થઈ ગયેલો. મારી માઁ ને મારી જરૂર હોઈ શકે, એ આટલી કમજોર બની જશે એવું મેં વિચાર્યું જ ન હતું. ડોક્ટરના શબ્દો સાંભળીને મને મારી પોતાની જાત ઉપર ખૂબ ગુસ્સો આવેલો. બસ, ત્યારથી નક્કી કર્યું કે રોજ વધારે નહિ તો અડધો કલાક હું મારી માઁ સાથે ગાળીશ જ. હવે એ બોલી કે સાંભળી નથી શકતી પણ અનુભવી શકે છે. જ્યારે હું બોલી નહતો શકતો ત્યારે મારી માઁ મને આમ ઉઠાવતી હતી. આજે માઁ બોલી-સાંભળી નથી શકતી તો હું માઁ ને જેમ બને એમ મારી નજીક રાખું છું…જેથી માઁ ને સારું લાગે !

આ પણ વાંચો…Happy Mothers Day: હોય પાસે કે ના હોય, “મા” શબ્દ જ કાફી છે

સાચું કહું તો આમ કરવાથી મને પોતાને બહું સારું લાગે છે. મારું વજન પહેલા બહુ વધી ગયું હતું એ હવે કાબૂમાં આવી ગયું, મારા મારી પત્ની સાથેના નાના ઝઘડા બંધ થઈ ગયા. એણે મહેસૂસ કર્યું કે જે પુરુષ પોતાની ઘરડી, અશક્ત માઁ નું આટલું ધ્યાન રાખી શકે એ એને પોતાનેય આમ જ સાચવશે ! મારા બાળકોની નજરમાં મારા માટે, મારી માઁ માટે આદર છે ! ઘરમાં કોઈ વડીલ હોય તો એનું કેમ ધ્યાન રાખવું એ, એ લોકો મને જોઈને શીખી રહ્યા છે…!!”

અચાનક થોડી ઠંડી હવા ફૂંકાતા એ યુવક ચાદર જેવા એ કપડાંને એની માઁ ના શરીરે થોડું સરખી રીતે લપેટીને ચાલતો થયો, “ માઁ ને ઠંડી લાગી જશે…મારે નીકળવું પડશે.” આ સંવાદ સાંભળી રહેલી અન્ય એક સ્ત્રી, માઁ એને જતો જોઈ રહી. ત્યાંજ બાબાગાડીમાં સૂતેલા તેણીના દીકરાને લઈને એની આયા આવી. પેલી અજ્ઞાત સ્ત્રીએ બાળકને ઉઠાવીને, છાતી સાથે ભીંસીને તેડી લીધો અને આયાને કહ્યું કે આ બાબાગાડી તું જ રાખી લે. મારે હવે એની જરૂર નથી ! એ થર્ડ પાર્ટી નારીની આંખોમાંથી અનાયાસ જ આંસુ વહી આવ્યા, અને આજે એને પોતાના ૧ વરસના થવા આવેલા બાબલાએ તેણી ને પહેલીવાર “ માઁ ” કહ્યું !

બીજો પ્રેરક ને સકારાત્મક્ત દાખલો : એક ભાઈ પોતાની સાથે બે-ત્રણ નાના બાળકોને લઇને ટ્રેનમાં ચડ્યા. ડબ્બામાં થોડી જગ્યા જોઈ એટલે સામાન ઉપર રાખીને બારી પાસે કંઈક વિચારતા વિચારતા એ ભાઈ બેસી ગયા. ટ્રેઈન ચાલુ થઈ અને સાથે સાથે પેલા બાળકોના તોફાનો પણ ચાલુ થયા. જેમજેમ સમય પસાર થતો ગયો તેમતેમ તોફાનો ને ત્રાસ તો વધતા જ ગયા.

પેલા ભાઈ તોફાન કરી રહેલા બાળકોને કંઈ જ કહેતા નહોતા, તેથી બાળકો વધુ ધમાચકડી મચાવતા હતા. થોડી વાર પછી તો એ ટાબરીયાઓ બીજા મુસાફરોના સામનમાં હાથ નાંખીને વસ્તુઓ પણ ફંફોસવા માંડ્યા અને આમ, આખો ડબો માથે લીધો. ડબાના અન્ય મુસાફરોથી હવે સહન કરવું મુશ્કેલ હતું એટલે બધાએ પેલા શૂન્ય મનસ્ક થઈને બેઠેલા ભાઈને ઢંઢોળીને કહ્યુ કે ભાઈ, તમારા બાળકો કેવા તોફાન કરે છે ને તમે એને અટકાવતા કેમ નથી ?

બાળકો સહેજ દૂર ગયા એટલે પેલા ભાઈએ મુસાફરોને બે હાથ જોડીને ધીમેથી, નમ્રતાથી કહ્યુ કે, એ બાળકોના તોફાન બદલ હું આપની માફી માંગું છુ અને હું એમને એટલા માટે નથી અટકાવતો કારણકે આ તોફાન અને સુખ એમના જીવનમાં બહુ ટુંકા ગાળાનું છે આ બાળકોની ” માઁ ” મૃત્યુ પામી છે અને હું બાળકોને સાથે લઈને ડેડબોડી લેવા જાઉં છું. હવે તમે જ કહો આ બાળકોને હું કેવી રીતે ચૂપ કરાવું ? આ સાંભળીને તમામ મુસાફરોની આંખો ભીની થઈ ગઈ. જે બાળકોને એ નફરત કરતા હતા એ જ બાળકોને બીજી જ ક્ષણે સૌ પ્રવાસીઓ વ્હાલ કરતા થઈ ગયા. કોઈએ ચોકલેટ આપી, કોઈએ બિસ્કીટ આપ્યા તો વળી કોઈએ બહારથી આઈસ્ક્રીમ પણ લઈ આપ્યો. કોઈએ બાળકોને પોતાના ખોળામાં બેસાડ્યા ને કોઈએ તે ભૂલકાઓના માથા પર હાથ ફેરવ્યો. કોઈએ કપાળમાં ચુમી આપી.

મારા વ્હાલા ને સુજ્ઞ વાંચકો, જીંદગી માત્ર એ નથી જે આપણે જોઈએ છીએ એ પણ છે જે જોઈ શકવા માટે આપણે સક્ષમ નથી અને જ્યારે કોઈની મદદ કે માર્ગદર્શનથી ય નથી જોઈ શકતા એ જોતા અને સમજતા થઈશું ત્યારે આપણી નફરત પ્રેમમાં પલટાતા બિલ્કુલ વાર નહીં જ લાગે. સ્ત્રીત્વની, માઁ ની મમતા, મહિમાનો ઉત્સવ ઉજવીએ તેમજ એવું કરીને નારી મહત્તાને પૂજીએ ને રીઝવીએ. માઁ કોઈની મારશો નહીં !

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *