BhelPuri

Bhel Puri Recipe: નાની-મોટી ભૂખ સંતોષશે ચટપટી ભેલપુરી, જાણો તેને બનાવવાની રીત…

Bhel Puri Recipe: ભેલપુરી ભારત દેશનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે

લાઇફ સ્ટાઇલ, 28 જુલાઈઃ Bhel Puri Recipe: આ વરસાદની સિઝનમાં દરેકને હળવો ખોરાક ખાવાનું પસંદ હોય છે. આ જ કારણ છે કે લોકો ખોરાકમાં ખૂબ જ હળવો આહાર લે છે, જેના કારણે તેમને થોડા સમય પછી ભૂખ લાગી જાય છે. ખાસ કરીને બાળકોની વાત કરીએ તો, તેઓને સમય-સમય પર ખાવા માટે ચોક્કસ જરુર પડે છે. આવી સ્થિતિમાં, આજે અમે તમને એક એવી વાનગી વિશે જણાવીશું, જે તરત જ તૈયાર થઈ જાય છે અને બાળકથી લઈને મોટા સુધી દરેકને પસંદ આવે છે.

અમે વાત કરી રહ્યા છીએ ભેલપુરીની. સ્વાદિષ્ટ ભેલપુરી બનાવવી પણ ખૂબ જ સરળ છે. ભેલપુરી આપણા દેશનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરીને જો મુંબઈ ભેલપુરીની વાત કરીએ તો તે દેશભરમાં ખૂબ જ પ્રખ્યાત છે. જો તમે અને તમારા બાળકો ભેલપુરી ખાવાના શોખીન છો તો જાણી લો કેવી રીતે સરળ રીતે ભેલપુરી બનાવવી.

સામગ્રી

  • મમરા- 4 કપ
  • ડુંગળી બારીક સમારેલી- 1/2 કપ
  • ટામેટાં બારીક સમારેલા- 1/2 કપ (વૈકલ્પિક)
  • બટાકા બાફેલા- 1
  • લીલી ચટણી- 1/2 કપ
  • ખજૂર-આમલીની ચટણી- 3/4 કપ
  • લીલા મરચા સમારેલા- 1 ટીસ્પૂન
  • ચાટ મસાલો- દોઢ ચમચી
  • લીંબુનો રસ- 2 ચમચી
  • લસણની ચટણી- 2 ચમચી
  • લીલા ધાણા- 1/4 કપ
  • કાચી કેરીના ટુકડા- 1 ચમચી
  • છીણેલી પાપડી- 1/2 કપ
  • સેવ- 1 કપ
  • તળેલી મસાલા ચણાની દાળ- 1 ચમચી
  • મીઠું- સ્વાદ મુજબ

ભેલ પુરી બનાવવાની રીત

ભેલપુરી બનાવવા માટે સૌથી પહેલા ડુંગળી, ટામેટા, લીલા મરચા અને લીલા ધાણાને બારીક સમારી લો. આ પછી બાફેલા બટાકાના પણ ટુકડા કરી લો. હવે એક મોટા બાઉલમાં મમરા લો. આ પછી બાઉલમાં સમારેલી ડુંગળી, બટાકા, ટામેટાં, લીલા મરચાં ઉમેરો.

આ પછી તેમાં લસણની ચટણી, લીલી ચટણી અને ખજૂર-આંબલીની ચટણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ચાટ મસાલો, લીંબુનો રસ અને સ્વાદ મુજબ મીઠું ઉમેરો. બધું બરાબર મિક્સ કર્યા પછી, ઉપર પાપડી, તળેલી મસાલા ચણાની દાળ, કાચી કેરીના ટુકડા, સેવ, લીલા ધાણા ઉમેરી સર્વ કરો. આ ખાવાથી તમારા બાળકોની સાથે પરિવારના અન્ય સભ્યોની ભૂખ પણ દૂર થઈ જશે.

આ પણ વાંચો… Mukesh Ambani Lifestyle: લો બોલો! ખિસ્સામાં પૈસા લઈને નથી ફરતા મુકેશ અંબાણી, કહ્યું- પૈસા મારા માટે…

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો