swami ji viditanand

Guru Purnima: ગુરુપૂર્ણિમા આશીર્વચન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

View Post

ગુરુ સ્વયં આપણા જીવનમાં ઈશ્વરની કૃપાનો પરિચય આપે છે. જે કંઈ છે તે ઈશ્વર જ છે. What is, is Ishvara પણ આ બધું કેવી રીતે ઈશ્વર હોઈ શકે? ઈશ્વર માન્યતા નો વિષય નથી. ઈશ્વરને ઓળખવાનો છે. આ બધું ઈશ્વર છે ઍમ સમજવાનું છે. ઈશ્વરનું સગુણરૂપ શ્રદ્ધાનો વિષય છે. પરંતુ ઈશ્વરનું સાચુ પારમાર્થિક સ્વરૂપ તો વિજ્ઞેય છે, વિજિજ્ઞાસિતવ્ય છે. આપણી સમક્ષ જે હાજર ન હોય ઍમાં શ્રદ્ધા રાખવી પડે. જો ઈશ્વર પરોક્ષ હોય તો શ્રદ્ધેય હોય. જો ઈશ્વર આપણાથી જુદો હોય, બીજે ક્યાંક હોય તો ઍ શ્રદ્ધાનો વિષય હોય. બીજા સંપ્રદાયોમાં ઈશ્વરનું આવું તટસ્થરૂપે વર્ણન છે.

ઈશ્વર આપણાથી દૂર ક્યાંક સ્વર્ગમાં છે. પરંતુ વૈદિક સંસ્કૃતિમાં કહ્યુ આ સર્વ જે કંઈ છે તે ઈશ્વર જ છે. આપણને સૌને ઈશ્વરનો અનુભવ થઈ જ રહ્ના છે. ગુરુજી ઈશ્વરને સાક્ષાત્ અપરોક્ષ સ્વરૂપે આપણાથી અભિન્ન સ્વરૂપે, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ગુરુજી ઓળખાવે છે.
વેદાંતશાસ્ત્ર અને આચાર્યપરંપરા કોઈ ચમત્કારિક અનુભવ પર ભાર નથી આપતા. પણ સાચી સમજ પર, યથાર્થ જ્ઞાન પર ખૂબ ભાર આપે છે. જેનો અનુભવ તો થઈ રહ્ના છે પણ આપણે ઍને ઓળખતા નથી, તેને વેદાંતશાસ્ત્ર અને આચાર્યો ઓળખાવે છે.

આ સઘળું નામરૂપાત્મક દૃશ્ય જગતનું સામાન્ય, સર્વવ્યાપક અધિષ્ઠાન અસ્તિ-ભાતિ-પ્રિય છે, સચ્ચિદાનંદસ્વરૂપ પરમાત્મા છે. સચ્ચિદાનંદ પરમાત્મા જ અનેકવિધ, વિશેષ નામરૂપના વેશ ધારણ કરી પ્રગટ થઈ રહ્ના છે, વ્યવહાર કરી રહ્ના છે.
પણ આ બધા રૂપે ઍને ઓળખવો કેવી રીતે? તેના માટે આપણે આપણા અંતઃકરણને તૈયાર કરવાની જરૂર છે. આપણા મનમાં જે કોઈ પૂર્વગ્રહ હોય, માન્યતાઓ હોય, ઍને લીધે તરત આપણે જે તે વ્યક્તિ-વસ્તુ-પરિસ્થિતિને ઈશ્વરરૂપે નકારી દઈઍ છીઍ. આને કંઈ ઈશ્વર કહેવાય?

હા, જરૂર. રાગ ઍટલે વ્યક્તિ-વસ્તુઍ આમ જ, આ પ્રકારે જ હોવું જોઈઍ, મને અનુકૂળ જ હોવું જ જોઈઍ, ઍવો આગ્રહ (માન્યતા). અને દ્વેષ ઍટલે આમ ન જ હોવું જોઈઍ. આ ખોટે ખોટા, ઉભા કરેલા આગ્રહો પર આપણું જીવન રચાયેલું છે. ઍટલા જ માટે હકીકતે જે છે ઍને આપણે સમજી શકતા નથી, ઍનું ઈશ્વરરૂપે દર્શન કરી શકતા નથી. આપણા આગ્રહો, રાગદ્વેષ જ વાસ્તવિક ઈશ્વરદર્શનની આડે પ્રતિબંધરૂપ છે.

ઍક સરળ વસ્તુને આપણે અપનાવીઍ. આપણા આગ્રહો છોડી દઈઍ, માન્યતાઓને સુધારી લઈઍ, રાગદ્વેષને પડકારીઍ, સમર્થન ન આપીઍ. ‘આ’ને જ સુંદર કહેવાય, ‘આવું’ હોય તો જ સુંદર કહેવાય ઍ સુંદરતાની વ્યાખ્યાને સુધારીએ. એનો આગ્રહ છોડીઍ. સુંદરતાની જે વ્યાખ્યા અત્યારે સમાજમાં વર્તમાન છે ઍ વિચાર્યા વિના ઊભી કરેલી માન્યતા માત્ર છે. આટલી ઊંચાઈ- પહોળાઈ કે આ વર્ણ વગેરેને કેવી રીતે સુંદરતાનું માપદંડ ગણી શકાય? વાસ્તવમાં તો જે છે ઍ સુંદર છે.

ઍનો રચયિતા સ્વયં ભગવાન છે. ભગવાન પૂર્ણ છે, નિષ્કામ છે. માટે જે કંઈ ઍ રચે ઍ પૂર્ણ જ હોવું જોઈઍ, સુંદર જ હોવું જોઈઍ. કોને સુંદર કહેવું ઍ આગ્રહ હોવાને લીધે જે છે ઍની સુંદરતા માણી શકાતી નથી. What is, is beautiful. જે છે તે પૂર્ણ છે. પૂર્ણસ્વરૂપ ઈશ્વરમાંથી પૂર્ણસ્વરૂપનું આવાહન થાય તો આપણને પૂર્ણનો જ લાભ થાય છે. જો આવી આપણી દૃષ્ટિ થાય તો સર્વત્ર, સર્વદા, સર્વસ્વરૂપે પૂર્ણ ઈશ્વરના જ દર્શન થાય. આપણા જીવનમાં આનંદ જ આનંદ વ્યાપેલો રહે, દુઃખ નામની વસ્તુ રહે જ નહીં. જે છે ઍ આનંદ છે, પૂર્ણ છે, સુંદર છે, મધુર છે.

આ પણ વાંચો:- Swami ji ni vani part-44: ક્રોધથી મુક્તિ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

રાગદ્વેષરૂપી પૂર્વગ્રહોને જેટલા અંશે છોડીઍ ઍટલા અંશે મુક્ત થઈઍ. આપણા આગ્રહો જ આપણને બાંધે છે. આપણને પોતાના વિશે, દુનિયા વિશે જે આગ્રહો છે, Judgement, એ જ બંધન છે. જે ખોટી માન્યતાને પકડી રાખી છે ઍને જ છોડવાની છે. કોઈ વ્યવહારિક- ભૌતિકવસ્તુનો ત્યાગ કરીઍ કે ન કરીઍ ઍ ઍટલું અગત્યનું નથી. દુનિયાને જેમ છે ઍમ હોવાની સ્વતંત્રતા આપો અને સ્વયંની સ્વતંત્રતાને માણો. ‘હું’ અને અન્ય સર્વને જેવું, જ્યાં, જેમ છે ઍમ હોવાની સ્વતંત્રતા આપીઍ, બધાની મર્યાદા અને વિશેષતાઓનો ઈશ્વરસૃષ્ટિરૂપે આદર જાળવીઍ તો આપણે સ્વતંત્રતા આપી કહેવાય. જે છે ઍ પૂર્ણ છે ઍવુ સમજી લઈઍ તો મુક્તિનો, સ્વતંત્રતાનો આનંદ માણી શકીઍ. પૂર્ણતા-આનંદ-મુક્તિ-સ્વતંત્રતા-શાંતિ ઍ બધું ક્યાંય લેવા જવાનું નથી. ઍ સિવાયની બીજી બધી વસ્તુઓ લેવા જવી પડે, ઍનું મૂલ્ય ચૂકવવું પડે.

ગુરુપૂર્ણિમા-અષાઢી પૂનમે પૂર્ણિમાનો ચંદ્ર સોળે કળાઍ ખીલેલો હોય છે. વેદવ્યાસજીનું પ્રાગટ્ય થયું છે. ચંદ્રમા કહે છે આપણા બધાનું સ્વરૂપ આવું પૂર્ણ છે, શીતળ છે, આનંદસ્વરૂપ છે. ‘આટલી ઊંચાઈ- પહોળાઈ કે આ વર્ણ’ પ્રમાણે પૂર્ણતાની-સુંદરતાની વ્યાખ્યા આપણે અત્યારે કરી છે ઍવી જ જા બધી વ્યકિત, વસ્તુ, પરિસ્થિતિ બનાવી દઈઍ તો તે આપણને જ નહીં ગમે. વિવિધતા તો જોઈઍ ને! ભગવાને સર્જેલી વિવિધતા તો સૃષ્ટિની વિભૂતિ છે, મહાનતા છે, આભૂષણ રૂપ છે. કડવા કારેલાને સુંદર ન કહેવાય ઍવો ઘણાનો અભિપ્રાય હશે પણ કેટલાકને કારેલા ખૂબ ભાવે, ઘણા પ્રિય હોય છે. માટે ‘જે વસ્તુ જેવી છે તે સુંદર છે’ એ ગુરુપૂર્ણિમાનો સરળ સંદેશ છે.

સુંદરતાને- મધુરતાને -પૂર્ણતાને ઉત્પન્ન કરવાની નથી, માત્ર જોવાની છે, પારખવાની છે, દૃષ્ટિ કેળવવાની છે. વસ્તુ-વ્યકિત-પરિસ્થિતિને રાગદ્વેષના ચશ્મા પહેરીને જોઈઍ તો જ વિકૃતરૂપે દેખાય. આપણે જ વિકૃત દૃષ્ટિથી જગતને જોઈઍ છીઍ. ઍના બદલે આપણે આપણી દૃષ્ટિ સુધારીઍ. ઉપદિષ્ટ જ્ઞાન વડે આપણી દૃષ્ટિને શાસ્ત્ર અને આચાર્યની દૃષ્ટિને અનુકૂળ બનાવીઍ. સાધુજીવન ઍટલે સરળ જીવન. સાધુને અન્નક્ષેત્રમાં સવારે દાળ-રોટલી મળે અને સાંજે રોટલી-દાળ મળે. ઍમાં ઍને સંતોષ છે. કારણ કે સાધુને સંતોષ દાળ-રોટલી માંથી નહીં પણ અંદરથી આત્મસ્વરૂપે જ પ્રગટ થતો હોય છે. સંતોષ હૃદયમાંથી જન્મતો હોય તો બહારથી મારી મચડીને મેળવવાનો પ્રયત્ન ન થાય.

વેદાંતશાસ્ત્ર સમજાવે છે કે જે પૂર્ણ સંતોષ-સુખ-શાંતિને ઝંખી રહ્ના છીઍ ઍ આપણી અંદર જ છે. ઍનું માત્ર અનાવરણ જ કરવાનું છે. રાગદ્વેષરૂપી આવરણ દૂર કરીઍ તો આંતરિક-પૂર્ણ-સંતોષ અનાવૃત થાય. ગુરુપૂર્ણિમાનો આ સરળ ને સુંદર ઉપદેશ છે. જે કંઈ છે તે સુંદર છે, હું પણ સુંદર છું. આ ઘમંડ નથી, હકીકત છે. હું મારો સ્વીકાર કરું તો દુનિયામાં કોઈ તકલીફ જ ન રહે, કોઈ સમસ્યા ન રહે. આત્મસ્વીકાર, આત્મસંતોષ હોય તો બીજા કશા…ની જરૂર ન રહે. આપણે બધી જરૂરિયાત- માગણીથી મુક્ત થઈ જઈઍ. સ્થિતપ્રજ્ઞની કોઈ માગણી નથી.

આ આપણા જીવનનું ધ્યેય છે. અજ્ઞાન અત્યારે સ્વભાવ બની અનેક માગણીઓ રજૂ કરે, જે છે ઍનાથી અસંતોષ પ્રગટ કરે, રાગદ્વેષ જન્માવે, બહાર-અંદર કઈ ને કઈ મચેડવા પ્રેરે, પણ આપણા આ અજ્ઞાનને કળી લઈઍ, ઍને ધીમે ધીમે સાચી સમજથી-ડહાપણથી સુધારીઍ. ‘હું’ માં કોઈ માગણીને, અસંતોષને, અસ્વીકારને સ્થાન જ નથી, ‘હું’ માં અધૂરપ, ઇચ્છાઓ યોગ્ય નથી. કારણ કે ‘હું’ આત્મસ્વરૂપે પૂર્ણ છે, સર્વ છે, બ્રહ્મ છે. માટે ‘હું’ માંથી આપણને આનંદ મળે,‘હું’ થી પૂર્ણતયા સંતુષ્ટ હોઈઍ તો જીવનમાં કોઈ માંગણી ન રહે. સર્વનો પૂર્ણ સ્વીકાર થાય. પોતાનો અને સર્વનો આનંદ માણીઍ.
પૂર્વગ્રહો છોડતા જઈઍ, મુક્ત થઈઍ. સ્વતંત્રતા આપીને સ્વતંત્રતા માણીઍ.

BJ ADVT

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *