Savan somawar importance: આજે શ્રાવણનો છેલ્લો સોમવાર, જાણો મહિલાઓ શ્રાવણના સોમવાનું વ્રત શા માટે કરે છે?
Savan somawar importance: પરણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે શ્રાવણના સોમવારે વ્રત કરે છે
ધર્મ ડેસ્ક, 06 સપ્ટેમ્બરઃ Savan somawar importance: 6 સપ્ટેમ્બરના રોજ શિવજીને પ્રિય શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવાર છે. શ્રાવણ અને સોમવાર, શિવજીની પૂજામાં આ બંનેનું ખૂબ જ વધારે મહત્ત્વ છે. જ્યોતિષ અનુસાર, શ્રાવણ અંગે માન્યતા પ્રચલિત છે કે પ્રાચીન સમયમાં માતા સતીએ તેના પિતા દક્ષના હવન કુંડમાં પોતાનો દેહ ત્યાગ કર્યો હતો. ત્યાર બાદ દેવીએ પર્વત રાજ હિમાલયને ત્યાં પાર્વતી સ્વરૂપમાં જન્મ લીધો હતો. માતા પાર્વતીએ શિવજીને ફરીથી મેળવવા માટે શ્રાવણ મહિનામાં જ કઠોર તપ કર્યું હતું. દેવીની તપસ્યાથી પ્રસન્ન થઇને શિવજીએ પાર્વતીની મનોકામના પૂર્ણ કરવા તેમની સાથે લગ્ન કર્યાં હતાં. જેના કારણે શિવજીને આ મહિનો વિશેષ પ્રિય છે.
પરણિત મહિલાઓ પતિના લાંબા આયુષ્ય, સારા સ્વાસ્થ્ય અને ઉજ્જવળ ભવિષ્યની કામના સાથે શ્રાવણના સોમવારે વ્રત કરે છે. વ્રત કરનાર મહિલાઓ સોમવારે જલ્દી જાગે છે અને સ્નાન કર્યા પછી શ્રૃંગાર કરે છે. ત્યાર બાદ શિવ મંદિર જઇને શિવજી અને માતા પાર્વતીની પૂજા કરે છે. વ્રત કરવાનો સંકલ્પ લે છે. મહિલાઓ દેવી પાર્વતીને સુહાગનો સામાન ચઢાવે છે.
આજના દિવસે શિવલિંગનો જળથી અભિષેક કરો. 21 બીલીપાન ઉપર ચંદનથી ૐ નમઃ શિવાય લખો અને શિવલિંગ ઉપર ચઢાવો. ફળ-ફૂલ અને અન્ય પૂજન સામગ્રી ચઢાવો. જનોઈ અર્પણ કરો. શિવલિંગનો શ્રૃંગાર કરો. ત્યાર પછી ધૂપ-દી પ્રગટાવીને આરતી કરો. આરતી પછી પૂજામાં થયેલી ભૂલ માટે માફી માંગો. શિવજી સાથે જ દેવી પાર્વતીની પણ પૂજા કરો.
