Swami ji ni vani part-43: ક્રોધનો ત્યાગ અતિ કઠિન: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી
Swami ji ni vani part-43: ભગવાન કહે છે કે, ક્રોધ એક નંબરનો દુશ્મન છે, પરંતુ ઘણા લોકોને એવું લાગતું નથી. તે એમ માને છે કે ‘ક્રોધ ન કરીએ તો કશું કામ થાય જ નહીં.

Swami ji ni vani part-43: પોતાના શિષ્યોની શિક્ષા દરમ્યાન એક વખત દ્રોણાચાર્યજીએ કૌરવ-પાંડવોને ઉપદેશ આપ્યો કે ક્રોધ પાપનું મૂળ છે માટે ક્રોધ ત્યજવો જોઈએ અને આ પાઠ કંઠસ્થ કરી લાવવાની તેમને આજ્ઞા આપી. બધા શિષ્યો તેમ કરી લાવ્યા. પરંતુ દરરોજ યુધિષ્ઠિર એક જ જવાબ આપતા ‘મારાથી હજી કંઠસ્થ નથી થયો.’ ગુરુજી તેમને કહે કે, ‘આટલી સરળ વસ્તુ છે અને તારાથી કેમ થતી નથી ?’ આમ ને આમ પંદર દિવસ નીકળી ગયા. પછી યુધિષ્ઠિરે કહ્યું કે, પેલો પાઠ મને કંઠસ્થ થઈ ગયો છે. ગુરુજીએ પૂછ્યું ‘આટલું કંઠસ્થ કરતાં પંદર દિવસ કેમ લાગ્યા ?’
ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો, ‘કારણ કે આપે ઉપદેશ તો કર્યો કે ક્રોધ ત્યજવો, પરંતુ આટલા દિવસ મારામાં ક્રોધ હતો. એ ક્રોધ હવે જતો રહ્યો છે અને મને અનુભવ થયો છે કે ક્રોધથી કેટકેટલાં પાપ થતાં હતાં. આ બધું અનુભવ્યું ત્યારે પાઠ આપોઆપ કંઠસ્થ થઈ ગયો.’ આમ, આ બધાં મૂલ્યોનો અમલ કરવો એ અત્યંત કઠિન છે, કારણ કે કામ, ક્રોધ વગેરે આપણા સ્વભાવમાં દૃઢ થઈ ગયાં છે. મૂલ્યની વ્યાખ્યા કરવી બહુ સરળ છે પરંતુ તે પ્રમાણે આચરણ કરવું અત્યંત કઠિન છે. આમ છતાં અમલ કર્યા વગર છૂટકો નથી. તેથી તે માટેનો નિષ્ઠાપૂર્વકનો પ્રયત્ન તાત્કાલિક જ શરૂ કરી દેવો જોઈએ. જ્યાં સુધી આ બધાં મૂલ્યોને અમલમાં નહીં લાવીએ ત્યાં સુધી સુખી થવાની અપેક્ષા ન રાખી શકીએ.
ભગવાન કહે છે કે, ક્રોધ એક નંબરનો દુશ્મન છે, પરંતુ ઘણા લોકોને એવું લાગતું નથી. તે એમ માને છે કે ‘ક્રોધ ન કરીએ તો કશું કામ થાય જ નહીં. છોકરાઓ કશું સાંભળે જ નહીં. નોકરો પણ કામ કરે નહીં.’ આમ, આપણે એવું માની બેઠા છીએ કે ક્રોધ કરીએ તો જ બધાં કામ થાય છે અને માટે ક્રોધ આવશ્યક છે. પણ આ ખોટી માન્યતા છે કે આપણે ક્રોધ કરીએ એટલે બીજા આપણું ધાર્યુું કરે છે. ભગવાન કહે છે કે, ‘આ ક્રોધ મહાન પાપ છે. તારી પાસે તે અનેક જાતનાં પાપ કરાવે છે. ક્રોધ તારો વેરી છે.’ જ્યારે ક્રોધ આવે છે ત્યારે આપણી અંદર એક જ્વલનાત્મક વૃત્તિ જાગૃત થાય છે.
ક્રોધ એટલે જ જ્વલનાત્મક વૃત્તિ. હું પોતે જ એનાથી એવો સળગી જતો હોઉં છું કે તેનાથી સૌ પ્રથમ તો મને નુકસાન થતું હોય છે અને પછી જેના ઉપર ક્રોધ કરું તેને પણ સળગાવતો હોઉં છું. આમ, ક્રોધની જ્વાળાથી હું બીજાને સળગાવું, ઈજા પહોંચાડું તે પહેલાં હું મને પોતાને જ ઈજા કરતો હોઉં છું અને આ ક્રોધના પરિણામે હિંસા પણ થઈ જવાની શક્યતા રહે.
આમ, ક્રોધ સર્વ રીતે મારો શત્રુ છે.
આવું જાણવા છતાં પણ આપણાથી ક્રોધ થઈ જાય છે. નાનપણથી આપણું જરાક ધાર્યું ન બને તો તરત જ આપણે ક્રોધ કરતા આવ્યા છીએ અને તેથી જાણે કે ક્રોધ ન કરવો એ આપણા હાથની વસ્તુ નથી.
આ પણ વાંચો:– Swami ji ni vani Part-42: અન્યાય આપણને યાદ આવેે અને આપણમાં બદલો લેવાની ભાવના જન્મે..
સ્વામી દયાનંદજી પાસે એક માણસે આવીને કહ્યું ‘સ્વામીજી ! હવે મેં ક્રોધ છોડી દીધો છે.’
સ્વામીજીએ પૂછ્યું ‘એમ ? ક્યારથી છોડી દીધો છે ?’
તો કહે, ‘છેલ્લા ચાર મહિનાથી મેં ક્રોધ કર્યો જ નથી. હવે મને ક્રોધ આવે જ નહીં.’
સ્વામીજીએ કહ્યું ‘એવું તો ખાતરીથી ન કહેવાય. એવું બન્યું હોય કે આ ચાર મહિના દરમ્યાન કોઈ પ્રતિકૂળ પરિસ્થિતિ ન ઉદ્ભવી હોય અને તેને કારણે ક્રોધને અવકાશ ન મળ્યો હોય. બધું પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે.’
‘સ્વામીજી ! એવું નથી. મારો ક્રોધ ખરેખર છૂટી ગયો છે.’
સ્વામીજીએ શાંતિથી કહ્યું, ‘કશુંક પ્રતિકૂળ બને ત્યારે એકદમ ક્રોધ આવે. ક્રોધ એ તો સંજોગોની નીપજ છે, પ્રકૃતિનો સ્વભાવ છે.’
અને પેલો માણસ એકદમ ગુસ્સે થઈને કહેવા લાગ્યો ઃ ‘પણ હું કહું છું ને કે તેમ છતાંયે મને ક્રોધ નથી આવતો.’
સ્વામીજી ખડખડાટ હસી પડ્યા અને પેલો છોભીલો પડી ગયો.
ક્રોધ રાહ જોઈને જ બેઠો હોય છે. જરા પણ તક મળી કે તરત અભિવ્યક્ત થવાનો જ. ક્રોધ ન કરવો હોય તો પ્રસાદબુદ્ધિ કેળવવી એ એક જ ઉપાય છે. ક્રોધ પ્રસાદબુદ્ધિનો, વસ્તુના પ્રસન્ન સ્વીકારનો અભાવ બતાવે છે.