World Heart Day: દિલ દિવસ ! : નિલેશ ધોળકીયા
World Heart Day: આજે ૨૯ મી સપ્ટેમ્બરે “વિશ્વ દિલ દિવસ” ઉજવાય રહ્યો છે તે અવસરે દિલમાંથી ઉઠતા તરંગો, સ્પંદનો અને તે થકી સર્જાતા પ્રેમની પારાયણની રંગોળી રંગવી છે – તો થઈ જાવ તૈયાર, દિલથી દિલ મેળવવા, ભેળવવા, કેળવવા !! પ્રેમ ક્યારેય વ્યક્તિ સાથે થતો જ નથી, પ્રેમ તેની ભીતર દિલમાં રહેલા સ્વભાવ સાથે થાય છે અને પ્રેમ ક્યારેય એક ક્ષણમાં થતો જ નથી, પળભરમાં તો પસંદગી હોય છે, પ્રેમ વ્યક્તિની અમુક સમય સાથે રહેવાથી થાય છે, પહેલા શરીરનું આકર્ષણ ને પછી સ્વભાવની ઓળખાણ, એટલે જ અમુક પસંદ વ્યક્તિ દિમાગ સુધી આવીને જતા રહે છે ને અમુક દિલમાં ઘર કરી જાય છે.
દિલની અંદર બેઠેલા આત્મદીપ પ્રકાશપુંજના દર્શનની ઝલક બીજી વ્યક્તિમાં ઝાંખી થઈ જાય તો તે સીધા જ દિલમાં વસી જાય છે, તેનાથી અલગ થવાતું નથી ! આજના સગવડિયા, ઇન્સ્ટન્ટ જમાનાના સમયમાં શું આ શક્ય છે ? ઘણા પ્રશ્નો ઉભા થાય છે. પણ કંઈ નહીં, આજના લેખમાં અપાયેલા ને દિલમાં વસી ગયેલા, વારંવાર પુન: પ્રસિદ્ધ કરવા જેવા, મમળાવવા જેવા બે-ત્રણ દ્રષ્ટાંતોનું પઠન કરીએ.
સ્ત્રીને કેવો પુરુષ ગમે ? એવો પુરુષ કે, જેનામાં ક્ષમતા હોય કે સાઉથ ઈન્ડિયન ફિલ્મના હીરોની જેમ ચાર મુક્કા મારીને ૬ જણાને હોલસેલમાં ધૂળ ચાટતા કરી શકે, પણ એ ત્યાં સુધી કરે નહીં જ્યાં સુધી તેની તાતી જરૂરિયાત ઊભી ન થાય + એવો પુરુષ કે, જેની ક્ષમતા હોય કે, એ પત્ની સિવાય પણ એકથી વધુ સ્ત્રીઓ નિભાવી શકે, પણ એ ન નિભાવે + એવો પુરુષ કે, જેની ક્ષમતા હોય કે ઓડી ખરીદીને શો-ઓફ કરી શકે, પણ એવું કરવાને બદલે સાદી કાર ખરીદે અને બાકીની રકમ પરીવાર માટે સુરક્ષિત ઇન્વેસ્ટમેન્ટ કરે + એવો પુરુષ કે, જેનામાં એ ઈચ્છે એ બધું જ કરી શકવાની ક્ષમતા હોય પણ એ બતાવવા માટે ન કરે કે પોતે કેટલો કોમ્પીટન્ટ કે અન્ય કરતાં બહેતર છે. સ્ત્રીને તો એવો મર્દ ગમે કે, જેની ક્ષમતાઓ / ઇન્દ્રિયો / ગુસ્સો / ઈચ્છા / મહત્વાકાંક્ષા બે-લગામ ન હોય, પણ તેના ખુદના સંયમ હેઠળ મર્યાદિત હોય, કોઈ અન્ય વ્યક્તિના નહીં, એ સ્ત્રી મુજબ પણ નહીં !
આવા પુરુષોને આલ્ફા મેલ કહેવાય, જે દુનિયામાં ફક્ત ૧% હોય છે અને બધી જ સ્ત્રીઓ તેમને આદર્શ માનતી હોય છે, તેમને મેળવવાની ઈચ્છા ધરાવતી હોય છે. આવા પુરુષોને કોઈ અજાણી સ્ત્રીના ડી.એમ.માં જઈને “ખાના ખાયા ?” પૂછવાની, સેક્સ્યુઅલ હેરેસમેન્ટ કરવાની કે ઇન્ટરનેટ પર ટ્રોલ કરવાની જરૂર પડતી નથી. તેમના તરફ સ્ત્રીઓ સ્વાભાવિક આકર્ષિત થતી હોય છે, જેમની આસપાસ સુરક્ષિતતા અનુભવતી હોય છે, સ્વાભાવિક સમર્પિત થતી હોય છે.
લખનારે તો એવું ય લખ્યું છે કે, દુનિયાની ૯૯% સ્ત્રીઓને આવા પુરુષો ક્યારેય મળવાના હોતા નથી. તેમણે બીટા, ગેમા, થીટા અને બાકીના પ્રકારથી નિભાવવું પડે. તેમાં પણ કશું ખોટું નથી. કેમ કે સામે ૯૯% સ્ત્રીઓ પણ તો એટલી શ્રેષ્ઠ અથવા સક્ષમ ન જ હોય ને !! એ રાજા કે જેણે વારંવાર કહેવું પડે કે “હું રાજા છું” એ રાજા ન હોય. આ બાબત દરેક ફાંકા ફોજદારી / બણગાં વિશે સાચી હોય. સાચા પુરુષને જે હોય એ વારંવાર જતાવવાની / જણાવવાની જરૂર ન હોય.
એક સમૃદ્ધ પ્રવાસી હતો. એક દિવસ તે એક ગરીબ ખેડૂતની બુદ્ધિશાળી અને સુંદર પુત્રીને મળ્યો, અને ધીમે ધીમે તે તેના પ્રેમમાં પડ્યો. એક દિવસ પ્રવાસીએ હિંમત ભેગી કરી અને યુવતી સામે તેના પ્રેમનો એકરાર કર્યો અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મૂક્યો. થોડીવાર વિચાર્યા બાદ યુવતીએ આ પ્રસ્તાવને એમ કહીને નકારી દીધો કે તે યુવક ગરીબ પરીવારમાંથી છે અને તેમની વચ્ચે અસમાનતા છે. પરંતુ, પ્રેમમાં પડેલા પ્રવાસીએ હાર ન માની. તેણે યુવતીના માતા-પિતા સાથે વાત કરી અને યુવતીને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો. ઘણી સમજાવટ બાદ યુવતી રાજી થઈ ગઈ અને બંનેએ લગ્ન કરી લીધા. લગ્ન પછી તેમનું જીવન પ્રેમ અને ખુશીઓથી ભરેલું હતું.
થોડા મહિનાઓ પછી, છોકરીને ત્વચાનો સોજો (ત્વચાનો રોગ) થયો, જેના કારણે તેણીની સુંદરતા ઓછી થઈ ગઈ. તેને ડર લાગવા લાગ્યો કે તેનો પતિ તેની સુંદરતાને કારણે તેને છોડી દેશે. તે પોતાની બીમારીના ઈલાજ માટે શક્ય તમામ પ્રયાસો કરી રહી હતી. સમય વીતતો ગયો અને છોકરીની સુંદરતામાં ધીમે ધીમે ઘટાડો થતો ગયો. એક દિવસ પ્રવાસી કોઈ કામ માટે બીજા શહેરમાં ગયો. પરત ફરતી વખતે તેની કારને એક ભયાનક અકસ્માત થયો અને તેણે આંખોની રોશની ગુમાવી દીધી. બીજી બાજુ છોકરીની બીમારી વધતી ગઈ અને તે નબળી અને કદરૂપી બની ગઈ. પરંતુ તેના પતિ અંધ હોવાથી તેનું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું. પ્રવાસી તેની પત્નીને પહેલાની જેમ જ પ્રેમ કરતો રહ્યો.
થોડા વર્ષો પછી છોકરીનું બીમારીને કારણે મૃત્યુ થયું. તેની પત્નીના મૃત્યુ પછી, પ્રવાસી ખૂબ જ દુઃખી થઈ ગયો અને તેણે શહેર છોડવાનું નક્કી કર્યું. જ્યારે તેનો પાડોશી તેને આશ્વાસન આપવા આવ્યો ત્યારે તેણે કહ્યું, “હવે તું તારી પત્ની વિના એકલો રહીશ. તેણીએ તારી ખૂબ કાળજી લીધી. હવે અંધકારમાં તમારું જીવન કેવી રીતે વિતાવશો ?” પ્રવાસીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, “હું ક્યારેય અંધ નહોતો. પણ મેં અંધ હોવાનો ડોળ કર્યો જેથી મારી પત્નીને એવું ન લાગે કે હું તેની માંદગી અને કુરૂપતાને કારણે તેને પ્રેમ કરતો નથી. તેણે આ ડ્રામા તેની પત્નીની ખુશી માટે કર્યો હતો.” આ સાંભળીને પાડોશીની આંખમાં આંસુ આવી ગયા અને પેલો પ્રવાસી ત્યાંથી ચાલ્યો ગયો. આ વાર્તા આપણને સાચા પ્રેમ અને સમર્પણનું મહત્વ શીખવે છે, જેમાં કોઈ પોતાના પ્રિયજનની ખુશી માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે. દિલની દમામદાર દોલત !
ચમત્કાર જો ગરોળી કરી શકે તો આપણે કેમ નહીં ? આ એક સત્ય ઘટના છે જે જાપાનમાં બની હતી. ઘરનું નવીનીકરણ કરવા માટે જાપાનમાં કોઈ વ્યક્તિ દીવાલ તોડી નાખે છે. જાપાની ઘરમાં સામાન્ય રીતે લાકડાની દિવાલો વચ્ચે હોલો = ખાલી જગ્યા હોય છે. જ્યારે દીવાલો તોડવામાં આવી ત્યારે તેણે જોયું કે ત્યાં એક ગરોળી અટકી ગઈ હતી કારણ કે બહારથી એક ખીલી તેના પગના ઉપરના ભાગમાં વાગી હતી. તે વ્યક્તિ જ્યારે આ જુએ છે, અનુકંપા અનુભવે છે, અને તે જ સમયે વિચિત્ર વાત તો એ કે, જ્યારે તેણે ખીલી તપાસી ત્યારે, તે પાંચ વર્ષ પહેલાં જ્યારે ઘર પ્રથમ વખત બનાવવામાં આવ્યું હતું
ત્યારની ખીલી હતી ! એવું તો શું થયું હશે કે, એ જ ગરોળી પાંચ વર્ષથી આવી જ કપરી સ્થિતિમાં પણ ટકી રહી છે !?! અંધારી દીવાલના પાર્ટીશનમાં આટલા વર્ષ સુધી હલનચલન કર્યા વિના જીવી જવું એ બાબત મને તો અસંભવ અને મનને આશ્ચર્યજનક છે. પછી તે ઘર રીપેર કરાવનાર ઘરધણીએ વિચાર્યું કે, આ ગરોળી પાંચ વર્ષ સુધી જીવી ગઈ એ સંશોધનનો વિષય છે તેમજ કોયડો પણ છે ! એક પણ પગ ખસેડ્યા વિના ગરોળી કે જેના એક પગ પર ખીલી ખૂંચેલી હતી તે કઈ રીતે જીવિત રહી શકે !
તેથી એ મકાન માલિકે પોતાનું રીપેર કામ બંધ કર્યું અને ગરોળીનું નિરીક્ષણ કર્યું, તે શું કરી રહી છે અને તે શું અને કેવી રીતે ખાય છે. પાર્ટીશનની પાછળ બીજી ગરોળી દેખાય છે, એ બીજી ગરોળીના મોં માં ખોરાક છે. આહા ! તે માણસ સ્તબ્ધ થઈ ગયો અને તેને લાગણી અને દિલની દિલાવરી જેવી મોંઘેરી જણસનો ઊંડો સ્પર્શ થયો. ખીલ્લીથી અટવાઈ ગયેલી ગરોળી માટે બીજી ગરોળી તેને છેલ્લા કેટલાક વર્ષથી ખવડાવે છે ને એનું મન પૂર્વક જતન પણ કરે છે… કલ્પના તો કરો કે તે ગરોળી કે ગરોળો તેના જીવનસાથી કે મિત્ર કે પ્રિય પાત્રના અસ્તિત્વ કાજે આશા છોડ્યા વિના, લાંબા સમયથી – પાંચ વર્ષોથી અથાક મહેનત કરી રહી / રહ્યો છે. એક નાનું પ્રાણી શું કરી શકે છે જે તેજસ્વી મન ધરાવતું પ્રાણી ન કરી શકે ? દિમાગ વિચારે ને દિલ માણે !
આજના, ‘દિલ દિન’ પર પ્રસંગોચિત વિનવણી કે, તમારા ખરા પ્રિયજનોને ક્યારેય છોડશો નહીં, જ્યારે તેઓને ખરેખર તમારી જરૂર હોય ત્યારે તમે “વ્યસ્ત છો” એવું ક્યારેય કહેશો નહીં, તમારા ચરણોમાં આખી દુનિયા હોઈ શકે પરંતુ તમે તેમના માટે “એકમાત્ર વિશ્વ” હોઈ શકો છો ! બેદરકારીની એક ક્ષણ એ હૃદયને તોડી શકે છે જેણે તમને તમામ અવરોધો સામે પણ આપને પ્રેમ કર્યો હતો, સમર્પણ કરી દીધેલું. બોલતા પહેલા એ સંબંધ, એ આત્મા માટે, એ શ્રધ્ધા-વિશ્વાસ-આશા-અપેક્ષા-ઋણાનુંબંધ અને પરસ્પરની પ્રીતિ અથવા જતું કરવાની રીતિ નીતિને કાયમ યાદ રાખજો. અમરપ્રેમ દર્શાવવાનું શીખવા માટે કોઈ તાલીમ વર્ગ નથી હોતા – એ સ્વયંભૂ પ્રગટે છે !