Bhagavad Gita: જીવનનું ધ્યેય સિદ્ધ કરવા આપણે આપણા જીવનનું યોગ્ય સંચાલન કેમ કરવું ?
Bhagavad Gita: (Swamiji ni vani Part-38) ભગવદ્દ ગીતા: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી.

ભગવદ્ ગીતા જુદા જુદા દૃષ્ટિબિંદુથી માનવનાં ખૂબ સુંદર ચિત્રો આપણી સમક્ષ રજૂ કરે છે : માનવ કોને કહેવાય ? સફળ મનુષ્ય કેવી રીતે થવાય ? સિદ્ધ પુરુષ કેવો હોય ? માનવ-જીવનનું ધ્યેય શું છે ? જીવનનું ધ્યેય સિદ્ધ કરવા આપણે આપણા જીવનનું યોગ્ય સંચાલન કેમ કરવું ? વગેરે.
ગીતા માનવીને જીવન-સંચાલનની, જીવન-ઘડતરની કળા શીખવે છે; જે જીવન-ઘડતર એવા પ્રકારનું હોય જેથી મનુષ્યમાં જે સ્વાભાવિક સુંદરતા રહેલી છે તે અભિવ્યક્ત થાય. કોઈ શિલ્પી એક પથ્થરમાંથી મૂર્તિ કંડારતો હોય ત્યારે એ પથ્થરની અંદર જે સ્વાભાવિક સુંદર પ્રતિમા છુપાયેલી છે તેનું દર્શન તે કરી શકે છે. આ દર્શન સામાન્ય મનુષ્યો કરી શકતા નથી. પરંતુ શિલ્પી પોતાના કાર્યને અંતે સુંદર મૂર્તિ અભિવ્યક્ત કરે છે અને તેમ કરવા માટે એ પથ્થરમાં જે બિનજરૂરી અંશ છે તેને દૂર કરે છે. શિલ્પી તેમાં કોઈ નવું પ્રદાન કરતો નથી. પથ્થરમાં જે સ્વાભાવિક હતું, વિદ્યમાન હતું એને માત્ર તેણે વર્તમાન કર્યું, અભિવ્યક્ત કર્યું. જીવન-ઘડતરની કળા આ પ્રકારની જ છે કે મનુષ્યમાં જે વિદ્યમાન છે, પરંતુ કોઈ કારણસર જે વ્યક્ત થતું નથી એને વ્યક્ત કરવુ.
આદ્ય શંકરાચાર્યજી એક બીજું દૃષ્ટાંત આપે છે. ચંદનનું લાકડું ખૂબ લાંબા સમય સુધી જળના સંપર્કમાં રહે તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે. એ લાકડું સ્વભાવથી દુર્ગંધવાળું છે ખરું ? ના. એ દુર્ગંધ તો અન્ય કોઈ કારણવશાત્ છે. દુર્ગંધ પ્રસરાવતા એ જ લાકડાને પથ્થર ઉપર ઘસવામાં આવે ત્યારે તેની દુર્ગંધ દૂર થઈ જાય છે અને ચંદનની જે સ્વાભાવિક સુગંધ છે તે અભિવ્યક્ત થાય છે.
એવું નથી કે ચંદનના આ લાકડાને સુગંધ પ્રદાન કરવામાં આવી. એવું પણ નથી કે દુર્ગંધ તેનો સ્વભાવ છે અને પથ્થર પર ઘસવાથી એના સ્વભાવમાં પરિવર્તન થયું. વાસ્તવમાં આ દુર્ગંધ ઔપાધિક છે અર્થાત્ કોઈ અન્ય કારણને લઈને છે અને એ દુર્ગંધ ઘર્ષણની પ્રક્રિયા દ્વારા દૂર થાય એટલે જે સ્વાભાવિક સુગંધ છે એ જ અભિવ્યક્ત થાય છે.
આ પણ વાંચો:- Redevelopment of relationships: સંબંધોનું રીડેવેલપમેન્ટ: એક પહેલ
જીવન-ઘડતરની કળા આવી જ કાંઈક છે. એવું નથી કે મનુષ્યે પણ ક્યાંક બહારથી સુંદરતા પ્રાપ્ત કરવાની છે કે માનવતા પ્રાપ્ત કરવાની છે. એનામાં માનવતા તો છે જ. માનવતા છે માટે જ એ માનવ કહેવાય છે. એવો કયો મનુષ્ય છે જેનામાં પ્રેમ ન હોય ? લાગણી ન હોય ? કરુણા ન હોય ? જેને સત્ય પ્રિય ન હોય ? અહિંસા પ્રિય ન હોય એવો કોણ છે ? કોઈ જ નથી. આપણે જેને ક્રૂરમાં ક્રૂર કહીએ તેને પણ ક્રૂરતા પ્રિય હોતી નથી. આપણે માનીએ કે અમુક માણસ માત્ર ક્રૂર છે, લાગણીહીન છે;
પરંતુ તે માણસમાં પણ લાગણી રહેલી હોય છે. કોઈ અવરોધોને કારણે એ સ્વાભાવિક લાગણી વ્યક્ત થતી હોતી નથી અને કોઈ સંજોગોમાં એ અવરોધો દૂર થાય ત્યારે તે સામાન્ય રીતે ક્રૂર અને નિષ્ઠુર જણાતા મનુષ્યમાં રહેલ પ્રેમ કે લાગણી વ્યક્ત થતાં હોય છે. એનો જ નાનકડો બાળક, એનો કોઈ મિત્ર કે એની પત્ની એની સમક્ષ આવે ત્યારે એની લાગણી એકદમ વ્યક્ત થાય છે. આ લાગણી ક્યાંથી આવે છે ? એ સ્વભાવથી જ નિષ્ઠુર હોત તો એનામાં આ પ્રેમ કે લાગણી આવી શકત ? ન આવી શકત. પરંતુ અમુક સંજોગોમાં આવે છે, એ જ બતાવે છે કે પ્રેમ કે લાગણી સ્વાભાવિક છે. માનવતા મનુષ્ય માટે સ્વાભાવિક છે અને આ સુંદર વસ્તુ છે.

ચંદનમાં જે દુર્ગંધ જણાય છે કે મનુષ્યમાં જે ક્રૂરતા કે કઠોરતા જણાય છે તે સ્વાભાવિક નથી. સ્વાભાવિક તે છે જેને માટે મનુષ્યને પોતાને પ્રેમ હોય. ક્રૂર કે કઠોર મનુષ્યને પણ ક્રૂરતા પ્રિય નથી. કોઈ એના પ્રત્યે ક્રૂરતા દાખવે તો એ સ્વીકારતો નથી, સહન કરી શકતો નથી. જે મનુષ્ય જૂઠું બોલવા ટેવાયેલો છે, અપ્રામાણિક છે એને પણ અસત્ય કે અપ્રામાણિકતા પ્રિય નથી. કોઈ એની સાથે જૂઠું બોલે તો તે ન ચલાવી લે. કોઈ એની સાથે પ્રામાણિક વર્તન ન કરે તો તે ન સ્વીકારી લે. જે બીજાની હત્યા કરતાં ક્ષણભર પણ અચકાતો નથી એ મનુષ્યને પણ હિંસા પ્રિય નથી.
પોતે હત્યાનો ભોગ બનવા, મરવા તૈયાર નથી. બીજાની હત્યા કરતી વખતે તે એટલું ધ્યાન રાખતો હોય છે કે પોતે પકડાય નહીં, કારણ કે પોતાને ઈજા થાય કે પોતાની હિંસા (સજા કે ફાંસી) થાય તે તેને પસંદ નથી. આ બતાવે છે કે એને હિંસા પ્રિય નથી. જે મને પ્રિય હોય એ મારો સ્વભાવ છે, જે પ્રિય ન હોય એ મારો સ્વભાવ નથી.
અસત્ય અને હિંસા એ મારો સ્વભાવ નથી, સત્ય અને અહિંસા મારો સ્વભાવ છે. જેવી રીતે ચંદનને સુગંધ પ્રાપ્ત કરવાનું મુશ્કેલ નથી, કેમ કે સુગંધ એનો સ્વભાવ છે, તેવી જ રીતે મનુષ્યને માનવ બનવાનું મુશ્કેલ નથી, કેમ કે માનવતા એનો સ્વભાવ છે. આપણા આ મૂળ સ્વભાવને કેવી રીતે પામવો તે કળા આપણને ભગવદ્ગીતા શીખવે છે.
