Swami Viditatmananda Saraswatiji 1

Swamiji ni vani Part-35: એ દુષ્કર્મ કરી રહ્યો છે અને તેથી તે સુખી છે તેવું કદી કહી ન શકાય.

Swamiji ni vani Part-35: સ્વતંત્ર રીતે કર્મ કરવાની ઇચ્છા અને શક્તિ માત્ર મનુષ્યને જ છે, અન્ય કોઈ પ્રાણીને નહીં. બીજાં પ્રાણીઓ ઇરાદાપૂર્વકનાં કર્મ નથી કરી શકતાં, માત્ર સ્વભાવથી પ્રેરાઈને જ કરતાં હોય છે. તેથી અમુક કામ કરવું કે ન કરવું, અમુક રીતે કરવું કે ન કરવું એવી સ્વતંત્રતા તેમને હોતી નથી. ઉંદરને જોતાં જ ઝપટ મારવાનો બિલાડીનો સ્વભાવ છે. જ્યારે આપણી સમક્ષ લાડુ પડ્યો હોય તો ઝપટ મારવી કે ન મારવી તે નક્કી કરવાની સ્વતંત્રતા આપણને છે.

આ સ્વતંત્રતાનો માનવે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.
પ્રશ્ન થાય છે કે જીવનમાં આપણી સ્વતંત્રતા કેટલી ? આ જગતની રચના આપણે કરી નથી તેમ જ સંજોગો ઉપર આપણો એવો કોઈ કાબૂ નથી. લોકો મને કહે છે, ‘સ્વામીજી ! ઘણીયે વાર અમારે સાચું કરવું હોય તો પણ ખોટું કરવાની અમને ફરજ પાડવામાં આવે છે. અમારે સાચું બોલવું હોય તોયે જૂઠું બોલવાની ફરજ પાડવામાં આવે છે.’ તો પછી આપણે જે કરવા ઇચ્છીએ તે કરવાની સ્વતંત્રતા આપણને છે ?

આ પણ વાંચો:- Swamiji ni vani Part-34: જગતમાં કોઈ પણ પ્રાપ્તિ માટે કિંમત ચૂકવવી જ પડે છે

વાત સાચી છે કે આપણી સ્વતંત્રતા મર્યાદિત છે, પરંતુ તે છે તો ખરી જ. અમુક સ્વતંત્રતા આપણને છે કે કર્મ કરતી વખતે કયાં મૂલ્યોનું પાલન કરવું કે કયા પ્રકારની ભાવના જાળવી રાખવી. સંજોગો ઉપર મારો કાબૂ ન હોય, કયું કર્મ કરું ને કયું ન કરું તે નક્કી કરવાની સ્વતંત્રતા મને ન હોય, વળી, મને જે નોકરી મળે તે મારે લઈ લેવી પડે અને સાહેબ જેમ કહે તેમ કરવું પડે એવા પ્રકારની પરતંત્રતા પણ ભલે હોય, તો પણ આવા સંજોગોમાં પણ હું એવી રીતે કર્મ તો કરી શકું, જેથી મને જ્યાં નોકરી મળી હોય તે સંસ્થાને વધુમાં વધુ લાભ થાય, એનું જે ધ્યેય છે તે પાર પાડવામાં હું ફાળો આપું.

એમાં પછી મારું વ્યક્તિગત વળતર કેટલું, મને પ્રમોશન મળશે કે નહીં એવી સ્વાર્થદૃષ્ટિ જાળવવાની સ્વતંત્રતા પણ મને છે. પગાર મળે છે માટે હું પ્રામાણિકતાથી કામ કરું, કામ-ચોરી ન કરું – આ બધી સ્વતંત્રતા તો આપણને છે જ. એવા ઘણા બધા પ્રશ્નો જરૂર હશે જેમાં જીવનમાં વ્યક્તિગત સ્તરે આપણે ઘણું બધું સહન કરવું પડતું હશે, પરંતુ તો પણ પ્રામાણિક રહેવું, સેવાની ભાવનાથી કર્મ કરવું વગેરેની સ્વતંત્રતા તો આપણને છે જ.

સંજોગો પ્રતિકૂળ હોય એ પ્રારબ્ધ છે, પરંતુ તમે જો એમ માનતા હો કે અપ્રામાણિકતાથી જ માણસ સંપન્ન બને છે અને પ્રામાણિક માણસ ગરીબ જ રહે છે તો એવો કોઈ નિયમ નથી. એવું નથી કે બધા જ અપ્રામાણિક માણસો ધનવાન છે અને બધા જ પ્રામાણિક ગરીબ છે. કોઈ માણસ ધનવાન કે સફળ બન્યો તે અપ્રામાણિકતાના જોરે જ તેવો બન્યો હશે એવું નક્કી કરવાને કોઈ નક્કર કારણ આપણી પાસે નથી. કર્મની ગતિ ગહન છે અને કર્મ વિષેના બધા નિયમોનું જ્ઞાન આપણને નથી.

BJ ADS

અત્યારે જે પ્રાપ્ત થાય છે તે વર્તમાન કર્મને કારણે મળ્યું કે ભૂતકાળના કોઈ કર્મને કારણે મળ્યું તે નક્કી કરવું અત્યંત મુશ્કેલ છે. કોઈ અપ્રામાણિક માણસ અત્યારે ધારો કે સમૃદ્ધ હોય તો તેનું કારણ એ હોઈ શકે કે ભૂતકાળમાં તેણે કોઈ શુભ કાર્યો કર્યાર્ં હશે, જેનું ફળ તેને અત્યારે મળી રહ્યું છે; અને અત્યારે જે ખોટાં કર્મ તે કરી રહ્યો છે તેનું ફળ પણ ભવિષ્યમાં તેણે અવશ્ય ભોગવવું પડવાનું જ છે.

એ દુષ્કર્મ કરી રહ્યો છે અને તેથી તે સુખી છે તેવું કદી કહી ન શકાય.
કર્મનો એક સરળ નિયમ છે કે સત્કર્મનું ફળ સુખ અને દુષ્કર્મનું ફળ દુઃખ. આ પણ શ્રદ્ધાનો વિષય છે. જોકે અત્યારે વાતાવરણ એવું છે કે ભલભલાની શ્રદ્ધા ડગી જાય, કારણ કે ન્યાય નામની કોઈ વસ્તુ જાણે દેખાતી જ નથી ! પરંતુ ન્યાય તો હોવો જ જોઈએ. એ ન હોય તો આ સૃષ્ટિ ટકી શકે નહીં. માટે મારે જો જીવનમાં ઉન્નતિ સાધવી હોય તો શુભ કાર્ય, સત્કર્મ કરવાં જોઈએ, ધર્મ કે મૂલ્યોના આધારે કર્મ કરવાં જોઈએ. આમાં કોઈ અપવાદ હોઈ જ ન શકે.

અર્થાત્‌ ઈશ્વરના ન્યાયમાં શ્રદ્ધા હોવી એ અગત્યની જરૂરિયાત છે. સાથોસાથ જીવનમાં ઉત્કૃષ્ટ ધ્યેય પણ આવશ્યક વસ્તુ છે. તદુપરાંત કસોટીઓનો, મુશ્કેલીઓનો સામનો કરવો પણ જરૂરી છે. તો જ આપણે શ્રેયનો આ માર્ગ પસંદ કરી શકીશું અને આ માર્ગે અડગપણે પ્રયાણ કરી શકીશું.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *