Banner Vaibhavi Joshi

Varah Jayanti: ભગવાન વિષ્ણુનો એક અવતાર વરાહ અવતાર; આજે વરાહ જયંતિ પર વાંચો વિશેષ લેખ

Varah Jayanti: (વિશેષ નોંધ : આ લાંબો લેખ ખાસ એ જ વર્ગ માટે છે જેમને મારી જેમ આપણા વેદ પુરાણોમાં ઊંડા ઉતરવું ગમે છે. મારાં માટે એ હંમેશા ગહન અધ્યયનનો વિષય રહ્યો છે અને સાથેસાથ એટલો જ રસપ્રદ પણ જે મને હંમેશા આકર્ષે. જેમને શ્રી વિષ્ણુનાં ત્રીજા અવતાર વરાહ સાથે જોડાયેલો આગળ પાછળનો સવિસ્તર ઈતિહાસ જાણવામાં રસ હશે એમને આ લેખ વાંચવો ચોક્કસ ગમશે.)

જ્યારે જ્યારે આ ધરાતલ પર કોઈ સંકટ આવ્યું છે ત્યારે ત્યારે ભગવાને અવતાર લઈને આ સંકટ દૂર કર્યા છે. ભગવાન વિષ્ણુએ અનેક વખત પૃથ્વી પર અવતાર લીધો છે અને એમાંથી તેમનો એક અવતાર વરાહ અવતાર છે. આજે ભાદરવા મહિનાનાં સુદ પક્ષની તૃતીયા તિથિએ વરાહ જયંતિ ઊજવવામાં આવે છે. માન્યતા છે કે સતયુગમાં આ દિવસે ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર લઈને હિરણ્યાક્ષ નામના દૈત્યને માર્યો હતો અને સમગ્ર પૃથ્વીને મહાસંકટમાંથી ઉગારી હતી.

ભગવાન વિષ્ણુએ અનેક અવતાર લીધા છે. મત્સ્ય અને કશ્યપ પછી ત્રીજો અવતાર વરાહ છે. વરાહ એટલે સુવર કે ડુક્કર. મુખ ડુક્કરનું હતું, પરંતુ શરીર મનુષ્યનું હતું. વરાહ અવતારમાં એમના ચાર હાથ દર્શાવ્યા છે જેમાંથી બે હાથમાં સુદર્શન ચક્ર અને શંખ હોય છે સાથે જ અન્ય બે હાથમાં કાં તો તલવાર, કૌમુદિકી ગદા અથવા તો કમળ કે પછી વરદ મુદ્રા હોય છે

પૌરાણિક કથાઓ અનુસાર હિરણ્યાક્ષનો વધ કરવા લીધેલા વરાહ અવતારની કથા ઘણી પ્રચલિત છે. એના પર પછી આવું પણ એ પહેલાં આ ઘટના અને એની સાથે જોડાયેલાં પાત્રો વિશે ઊંડાણથી વાત કરું તો ઋષિ કશ્યપ (પુરાણ પ્રમાણે બ્રહ્માનાં દશ પુત્રોમાંના એક મરીચિનાં તેઓ પુત્ર) અન્ય સ્ત્રીઓ ઉપરાંત દક્ષ પ્રજાપતિની અદિતિ, દિતિ સહિત તેર કન્યાને પરણ્યાં હતા.

Varah Jayanti

માતા અદિતિથી બાર આદિત્યો અને ઈન્દ્ર જેવા દેવતાઓ જન્મેલાં અને ઋષિ કશ્યપનાં શ્રાપથી જ માતા દિતિનાં પુત્રો દૈત્યો તરીકે જન્મેલાં. પિતા કશ્યપ અને માતા દિતિનાં ચાર પુત્રો અને એક પુત્રી. તેમનાં નામ હિરણ્યકશિપુ, હિરણ્યાક્ષ, વજ્રાંગ અને અંધક અને પુત્રી સિંહિકા.

ભૂગોળશાસ્ત્રીઓ જાણે છે કે, કશ્યપ સાગરને પાર કરીને ‘ઓક્સસ’ (પર્શિયન લોકો માટે સાત સમુદ્ર એ ‘ઓક્સસ’ નદી) પહોંચાતું હતું. એ જ વિશાળ રણપ્રદેશને ‘ગ્રેટ ડેઝર્ટ’ અથવા ‘સાલ ડેઝર્ટ’ પણ કહે છે. ત્યાં કોઈ એક કાલખંડમાં સોનાની ખાણો હતી. તેના પર કબજો જમાવવા માટે દેવતાઓ અને દૈત્યો વચ્ચે ભયાનક યુદ્ધ છેડાયું હતું.

સમુદ્ર કિનારે વાસુકિ, કરકોટ, તક્ષક, શેષ વગેરે ર૬ નાગવંશી જાતિઓ રહેતી હતી. દેવતા અને દૈત્યોએ આ નાગવંશીઓની મદદથી સમુદ્ર પાર કરીને સોનાની ખાણો પર વર્ચવ્ય મેળવ્યું જેને પુરાણોમાં આપણે સમુદ્રમંથનથી ઓળખીયે છીએ. નસીબનાં જોરે સોનાની આ ખાણો પર હિરણ્યકશિપુ અને હિરણ્યાક્ષ આ બંને ભાઈઓનું વર્ચસ્વ સ્થાપિત થઈ ગયું. હિરણ્યકશિપુએ આ સોના (હિરણ્ય)નાં વિશાળ ભંડારને મેળવીને પોતાની નવી રાજધાની વસાવી.

એ પછી દેવતાઓને ત્યાંથી પ્રસ્થાન કરવું પડ્યું. ઉત્તરી, પશ્ચિમી, ફારસ તથા સંપૂર્ણ અફઘાનિસ્તાન સુધી હિરણ્યકશિપુનું સામ્રાજ્ય વિસ્તરેલું હતું. આપણને જાણીને નવાઈ લાગે, પરંતુ હકીકત એ છે કે રાવણનાં નાના અને મામા માલી, સુમાલી અને માલ્યવાને અહીંથી જ સોનું લાવીને હેતી તેમજ પ્રહેતી નામનાં વાસ્તુકારોએ નિર્માણ કરેલી લંકાને સુવર્ણજડિત કરી હતી.

આ પણ વાંચો:- Kevda trij Vrat: આજે જાણીએ ભાદરવા સુદ ત્રીજનાં દિવસે કેવડા ત્રીજનું વ્રત વિષે

Tarnetar Mela-2024: ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’ 6 સપ્ટેમ્બરથી પ્રારંભ

હિરણ્યકશિપુ દાનવોનો રાજા હતો અને બ્રહ્માજીએ એને આપેલા વરદાન વિશે આપણે સહુ જાણીએ જ છીએ. આ વરદાન મુજબ એનો નાશ કરવો લગભગ અસંભવ થઈ ગયું હતું. આથી તે અભિમાની અને અત્યાચારી બની ગયો અને સ્વર્ગ અને પૃથ્વી પર બધે જ હાહાકાર મચાવી દીધો. તેણે ઈશ્વરને પૂજવાનું પણ બંધ કરાવ્યું અને પોતાની પૂજા કરવાનો હુકમ કર્યો હતો.

બીજી બાજુ હિરણ્યકશિપુનાં ભાઈ હિરણ્યાક્ષે બેબીલોનની આસપાસનાં પ્રદેશો પર કબજો જમાવ્યો. (પુરાણોમાં તેને સ્વર્ગ અને દેવલોક તરીકે ઓળખાવ્યાં છે.) આ સંજોગોએ દેવતાઓને વળતો પ્રહાર કરવાં મજબૂર કર્યા. દેવતાઓએ વરાહદ્વીપમાં (જેને હાલ નોર્વે દ્વીપ કહે છે) જઈને આશ્રય લીધો અને અહીંની વરાહ જાતિ સાથે મળીને શ્રી વિષ્ણુએ હિરણ્યાક્ષનો વધ કર્યો હતો.

હવે હિરણ્યાક્ષની માંડીને વાત કરીએ તો એણે પોતાની શક્તિ સાથે સ્વર્ગ ઉપર કબજો કરી સંપૂર્ણ પૃથ્વીને પોતાના આધીન કરી લીધી હતી. હિરણ્ય એટલે સ્વર્ણ(સોનું) અને અક્ષ એટલે આંખ. તેનો અર્થ છે કે જેની આંખ હંમેશાં અન્ય લોકોના ધન ઉપર રહે છે, તે હિરણ્યાક્ષ છે. એનામાં પણ નામ પ્રમાણે જ ગુણ હતા. એણે સંપૂર્ણ પૃથ્વી ઉપર આધિપત્ય જમાવવા માટે લોકોને મારવાનું શરૂ કરી દીધું હતું. ઋષિઓ અને સંતો ત્રાહિમામ પોકારવા લાગ્યા.

અંતે સહુ મળીને શ્રી વિષ્ણુનાં શરણે ગયા. હિરણ્યાક્ષને જયારે આ વાતની ખબર પડી ત્યારે એણે પૃથ્વીને લઈ જઈને દરિયામાં સંતાડી દીધી હતી ત્યારે બ્રહ્માજીના નાક દ્વારા ભગવાન વિષ્ણુ વરાહ સ્વરૂપમાં પ્રકટ થયાં. ભગવાન વિષ્ણુના આ સ્વરૂપને જોઈને બધા દેવતાઓ અને ઋષિ-મુનિઓએ તેમની સ્તૃતિ કરી.

બધાના આગ્રહથી ભગવાન વરાહ પૃથ્વીની શોધમાં લાગી ગયાં.પોતાના લાંબા મોઢાની મદદથી તેમણે પૃથ્વીની જાણકારી મેળવી લીધી અને દરિયાની અંદર જઈને ધરતીને પોતાના દાંત ઉપર રાખીને બહાર લઈને આવતા હતા ત્યારે હિરણ્યાક્ષે આ જોયું અને તેણે આ વરાહ સ્વરૂપને યુદ્ધ માટે લલકાર્યાં. બંનેમાં યુદ્ધ થયું અને અંતે શ્રી વિષ્ણુનાં આ વરાહ અવતારે હિરણ્યાક્ષનો વધ કર્યો.

BJ ADS

પોતાનાં ભાઈ હિરણ્યાક્ષનાં મૃત્યુથી હિરણ્યકશિપુને અત્યંત ક્રોધ આવે છે અને એ વેર વાળવાનું નક્કી કરે છે. એ પછી હિરણ્યકશિપુની બહેન અને માતા દિતિની પુત્રી સિંહિકા જે આગળ જતા હોલિકા નામથી ઓળખાઈ એને આદેશ કરે છે પ્રહલાદને મારવાનો અને એ પછીની હોલિકાદહનની કથા આપણે સહુ જાણીયે જ છીએ કે કઈ રીતે એ મૃત્યુ પામી.

એ પછી ક્રોધાવેશમાં હિરણ્યકશિપુએ થાંભલો ગરમ કરાવ્યો અને પ્રહલાદને બાથ ભરવા કહ્યું. અને એ વખતે શ્રી વિષ્ણુએ અર્ધ નર અને અર્ધ સિંહનાં સ્વરૂપમાં ચોથો નૃસિંહ અવતાર ધારણ કરી હિરણ્યકશિપુનો વધ કર્યો. આમ હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ – બંને ભાઈઓનો અંત આવે છે અને એ સાથે લક્ષ્મીરૂપી સોનાની ખાણો પર દેવતાઓનો અધિકાર ફરી સ્થાપિત થાય છે.

ઈરાની ઈતિહાસકારોએ તેને નાગવંશીઓનું વિજય અભિયાન ગણાવ્યું છે. આ જ નાગવંશીઓની મદદથી નૃસિંહે (વિષ્ણુ) કશ્યપ સાગર નજીક સુમના પર્વત પર હિરણ્યકશિપુનો વધ કર્યો. નૃસિંહની પ્રતિમા અર્ધ સિંહની છે, જે પરસા પ્રાંતમાંથી મળી આવી છે. એ જ રીતે લુલવી પ્રાંતમાં બગદાદનાં કરનમશાહ સ્થાન પર એક ભીંતચિત્ર મળી આવ્યું છે, જેમાં નૃસિંહ સૂર્યનાં ચિહ્ન સાથેનો ધ્વજ લઈને સેનાનું નેતૃત્વ કરી રહ્યા છે.

એ જ રીતે તમિલનાડુનાં કાંચીપુરમ જિલ્લામાં વરાહ ગુફા મંદિર છે. વરાહ ગુફા એક પહાડી ઉપર છે જે ચટ્ટાનને કાપીને બનાવવામાં આવ્યું છે. શ્રી વિષ્ણુનાં ત્રીજા અવતાર વરાહનું આ મંદિર મહાબલીપુરમથી લગભગ ૮ કિલોમીટર દૂર છે. શિલાલેખ અને ઐતિહાસિક શોધ પ્રમાણે આ મંદિર ૭મી સદીનું માનવામાં આવે છે. આ મંદિરનાં ઈતિહાસને જોતાં ૧૯૮૪માં યૂનેસ્કો દ્વારા વિશ્વની મહત્ત્વપૂર્ણ ઐતિહાસિક ધરોહરમાં પણ સામેલ કરવામાં આવ્યું છે.

વરાહ ગુફા મંદિરમાં ભગવાન વિષ્ણુની વરાહ અવતારમાં પ્રતિમા મુખ્ય આકર્ષણ છે. મૂર્તિ એ પૌરાણિક ઘટનાને દર્શાવે છે, જ્યારે ધરતીને બચાવવા માટે ભગવાન વિષ્ણુએ વરાહ એટલે જંગલી સુવરનું સ્વરૂપ ધારણ કર્યું હતું. ઐતિહાસિક શોધ પ્રમાણે પલ્લવ રાજા નરસિંહ વર્મનનાં સમયગાળામાં મમલ્લા નામના કારીગરે ચટ્ટાનને કાપીને મંદિર અને સ્મારક બનાવ્યાં હતાં. તેમના પુત્ર પરમેશ્વર વર્મન પ્રથમે પણ આ કાર્યને કરતાં ઈ.સ. ૬૫૦ દરમિયાન અનેક ગુફાઓ અને રથનું નિર્માણ કરાવ્યું હતું.

ત્યાર બાદ લગભગ ૭મી સદીમાં વરાહ ગુફા મંદિરનું નિર્માણ થુયું. આ ગુફા મંદિરને અનેક સ્તંભો ઉપર બનાવવામાં આવ્યું છે. જે દ્રવિડ વાસ્તુકળાને દર્શાવે છે. ગુફા મંદિરની પાછળની દીવાલ ઉપર અનેક મૂર્તિઓ બનાવવામા આવી છે. મંદિરની અંદર પણ અનેક મૂર્તિઓ બનાવવામાં આવી છે. આ પ્રાચીન આકૃતિઓ પ્રાકૃતિક પલ્લવ કળાને દર્શાવે છે.

આપ સહુને મારાં તરફથી શ્રી વિષ્ણુનાં ત્રીજા અવતાર વરાહની જયંતિ નિમિત્તે અઢળક શુભેચ્છાઓ..!!- વૈભવી જોશી

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *