Jhaverchand Meghani

127th birth anniversary of Zhaverchand Meghani: હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ……

127th birth anniversary of Zhaverchand Meghani: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૭મી જન્મજયંતિ

127th birth anniversary of Zhaverchand Meghani: સાહિત્ય, લોકસાહિત્ય, પત્રકારત્વ અને આઝાદીની લડતમાં  મહામૂલું યોગદાન આપનાર  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની આવતી કાલે ૧૨૭મી જન્મજયંતિ છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી તેમની રચનાઓ થકી આજે પણ લોકહૈયે જીવંત છે. આવો ઝવેરચંદ મેઘાણી વિશે વધુ જાણીએ.

ઝવેરચંદ મેઘાણીનું જીવન-કવન

ઝવેરચંદ મેઘાણીનો જન્મ ૨૮ ઓગસ્ટ ૧૮૯૬માં સુરેન્દ્રનગર જિલ્લાનાં ચોટીલા ગામમાં થયો હતો. તેમની માતાનું નામ ધોળીબાઈ તથા પિતાનું નામ કાલિદાસ મેઘાણી હતું. જેઓ બગસરાનાં જૈન વણિક હતાં. તેમનાં પિતાની પોલીસ ખાતામાં નોકરી હોવાથી ગુજરાતના અલગ-અલગ ગામોમાં રહેવાનું થયું હતું.

ઝવેરચંદનું ભણતર રાજકોટ, દાઠા, પાળીયાદ, બગસરા, અમરેલી વગેરે જગ્યાએ થયું હતું. તેઓ અમરેલીની તે વખતની સરકારી હાઈસ્કૂલ અને હાલની ટી.પી. ગાંધી એન્ડ એમ.પી. ગાંધી સ્કૂલમાં ૧૯૧૦ થી ૧૯૧૨ સુધી માધ્યમિક શિક્ષણ મેળવી ૧૯૧૨માં મેટ્રિક થયા હતા. તેમણે ઈ.સ. ૧૯૧૬માં ભાવનગરના શામળદાસ મહાવિદ્યાલયમાંથી અંગ્રેજી તેમજ સંસ્કૃતમાં સ્નાતકીય અભ્યાસ કર્યો હતો.

ભણતર પૂરું કર્યા બાદ વર્ષ ૧૯૧૭માં તેઓ કોલકત્તા સ્થિત જીવનલાલ લિમિટેડ નામની એક એલ્યુમિનીયમ કંપનીમાં કામે લાગ્યા. આ કંપનીમાં કામ કરતી વખતે એક વાર ઇંગ્લેન્ડ જવાનું પણ થયું હતું. ત્રણ વર્ષ આ કંપનીમાં કામ કર્યા બાદ વતનના લગાવથી આ નોકરી છોડીને પોતાના વતન બગસરામાં સ્થાયી થયા. ૧૯૨૨માં જેતપુર સ્થિત દમયંતીબેન સાથે તેમના લગ્ન થયા અને દાંપત્યજીવનની શરૂઆત થઈ.

નાનપણથી ઝવેરચંદનો ગુજરાતી સાહિત્ય તરફ ઝુકાવ હતો. રાણપુરથી પ્રકાશિત થતા ‘સૌરાષ્ટ્ર’ નામના છાપામાં લખવાની શરૂઆત કરી ત્યારબાદ ૧૯૨૨ થી ૧૯૩૫ સુધી તેઓ સૌરાષ્ટ્રના તંત્રી તરીકે પણ રહ્યા હતા. આ સમય દરમિયાન તેઓએ પોતાના સાહિત્યિક લખાણને ગંભીરતાપૂર્વક લઇ ‘કુરબાનીની કથાઓ’ની રચના કરી કે જે તેમનું પહેલું પ્રકાશિત થયેલ પુસ્તક હતું. ત્યારબાદ તેઓએ ‘સૌરાષ્ટ્રની રસધાર’ નું સંકલન કર્યું તથા બંગાળી સાહિત્યમાંથી ભાષાંતર કરવાની પણ શરૂઆત કરી.

૧૯૨૬માં ‘વેણીનાં ફૂલ’ કાવ્ય સંગ્રહથી તેમણે કવિતા લેખનમાં પગલાં પાડયાં. ઇ.સ. ૧૯૨૮માં તેમના લોકસાહિત્યમાં પ્રદાન બદલ તેમને રણજિતરામ સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યો હતો. તેમનાં સંગ્રામ ગીતોનાં સંગ્રહ ‘સિંધુડો’ ભારતના યુવાનોમાં ખૂબ લોકપ્રિય થયું હતું. તેમનાં શૌર્યસભર ગીતોએ લોકોને આઝાદીની લડતમાં ભાગ લેવા પ્રેરિત કર્યા હતાં જેના કારણે તેમને ઇ.સ. ૧૯૩૦માં બે વર્ષની જેલ પણ થઈ હતી. જેલના સમયગાળા દરમ્યાન તેમણે ગાંધીજીની ગોળમેજી પરિષદ માટેની લંડન મુલાકાત ઉપર ‘ઝેરનો કટોરો’ કાવ્યની રચના કરી.

New Board of Directors of Reliance: રિલાયન્સના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં ઈશા અંબાણી, આકાશ અંબાણી અને અનંત અંબાણીની નિમણૂક માટે બોર્ડની ભલામણ

ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરના બિરુદથી પણ નવાજ્યા હતાં. ત્યારબાદ  તેમણે ફૂલછાબમાં લઘુકથાઓ લખવાનું પણ ચાલુ કર્યું હતું. ઈ.સ. ૧૯૩૩માં પત્નીનાં દેહાંત બાદ તેઓ મુંબઈ સ્થાયી થયા અને અહીં તેમના લગ્ન ચિત્રદેવી સાથે થયા. ત્યારબાદ તેમણે જન્મભૂમિ નામનાં છાપામાં ‘કલમ અને કિતાબ’નાં નામે લેખ લખવાની તેમજ સ્વતંત્ર નવલ કથાઓ લખવાની શરૂઆત કરી. વર્ષ ૧૯૩૬ થી વર્ષ ૧૯૪૫ સુધી તેમણે ફૂલછાબનાં સંપાદક તરીકેની ભૂમિકા અદા કરી હતી. જે દરમ્યાન ૧૯૪૨માં ‘મરેલાનાં રૂધિર’ નામની પુસ્તિકા પ્રકાશિત કરી હતી.

૧૯૪૬માં તેમના પુસ્તક ‘માણસાઈનાં દીવા’ ને મહિડા પારિતોષિકથી સન્માનવામાં આવ્યું હતું. અને તે જ વર્ષે તેમને ગુજરાતી સાહિત્ય પરિષદના સાહિત્ય વિભાગના વડા તરીકે પણ નિમવામાં આવ્યા હતા. આમ આટલી બધી જવાબદારીઓ સુપેરે નિભાવ્યા બાદ ૯ માર્ચ ૧૯૪૭ના દિવસે માત્ર ૫૦ વર્ષની ઉંમરે હૃદય રોગના હુમલામાં તેમનું અવસાન થયું હતું.

સર્જન

મેઘાણીએ ૪ નાટકગ્રંથ, ૭ નવલિકા સંગ્રહ, ૧૩ નવલકથા, ૬ ઇતિહાસ, ૧૩ જીવનચરિત્રની તેમણે રચના કરી છે. લોકસેવક રવિશંકર મહારાજની અનુભવેલ કથાઓનું “માણસાઈના દીવા”માં તેમણે વાર્તારૂપે નિરૂપણ કર્યું છે. સૌરાષ્ટ્રની રસધાર, સોરઠી બહારવટીયા, સોરઠી સંતવાણી, દાદાજીની વાતો, કંકાવટી, રઢીયાળી રાત, ચુંદડી, હાલરડાં, ધરતીનું ધાવણ, લોક સાહિત્યનું સમાલોચન, યુગવંદના, તુલસીક્યારો, વેવિશાળ, બોળો, કિલ્લોલ, વેણીના ફૂલ, સમરાંગણ, સોરઠ તારા વહેતા પાણી સહિતની નોંધપાત્ર સાહિત્યકૃતિઓ તેમની રચના છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનાં વરદહસ્તે ૨૮ એપ્રિલ, ૨૦૨૩ના રોજ  ચોટીલા ખાતે રૂ. ૨૯.૫૧ કરોડનાં ખર્ચે તૈયાર થનાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય અને રૂ.૩.૩૯ કરોડના ખર્ચે તૈયાર થનાર પુસ્તકાલયનું ખાતમુર્હુત કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંગ્રહાલય

ઝવેરચંદ મેઘાણી દ્વારા લખાયેલ નવલકથાઓ, વાતાસંગ્રહ, કવિતાઓ અને નવલિકાઓ દ્વારા ગુજરાતી સાહિત્ય સમૃદ્ધ થયું છે. તેમણે તેમનાં લખાણો દ્વારા સૌરાષ્ટ્રના માલધારીઓ, રાજપુતો, ગરાસીયાઓ, આહિરો અને મેર જેવા સમુદાયની અનોખી સંસ્કૃતિને લોકો સમક્ષ ઉજાગર કરી છે અને અમર બનાવી છે. ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫મી જન્મ જયંતી નિમિત્તે પુરાતત્વ અને સંગ્રહાલય ખાતા દ્વારા ઝવેરચંદ મેઘાણીના જન્મ સ્થળ ચોટીલા ખાતે સંગ્રહાલય તૈયાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે મેઘાણીજીના જન્મ સ્થળની બરાબર સામે સરકાર તરફથી જમીન ફાળવવામાં આવી છે.

આ સંગ્રહાલયના નિર્માણ માટે સરકાર દ્વારા રૂ.૨૯.૫૧ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. આ સંગ્રહાલય ઝવેરચંદ મેઘાણીના જીવન અને તેમના દ્વારા પત્રકારત્વ અને ગુજરાતી સાહિત્યના ક્ષેત્રમાં અપાયેલ યોગદાનને જનતા સમક્ષ પ્રદર્શિત કરશે. જેમાં ખાસ કરીને શ્રી મેઘાણીનાં ફોટોગ્રાફ્સ, પિક્ચર, વિડીયો, ઓડિયો, વસ્ત્રો સહિત તેમનાં સાથે સંકળાયેલી વિવિધ વસ્તુઓ, સામગ્રીઓને પ્રદર્શિત કરવામાં આવશે. આઝાદીની લડતમાં ઝવેરચંદ મેઘાણીનાં પ્રદાન અને તેને સંબંધિત દસ્તાવેજો પણ અહીં રાખવામાં આવશે. આ સંગ્રહાલય ચોટીલા અને સુરેન્દ્રનગરની મુલાકાતે આવતા મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર અને સાહિત્ય પ્રેમીઓ માટે ઝવેરચંદ મેઘાણીનાં જીવન-કવન અંગે માહિતી આપતુ ધામ બની રહેશે.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી પુસ્તકાલય

રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૧૯૯૯માં ચોટીલાના વાંચન પ્રેમી લોકો માટે સરકારી તાલુકા પુસ્તકાલયની સેવાઓ શરૂ કરવામાં આવી હતી. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫મી જન્મ જયંતીની ઉજવણીના ભાગરૂપે રાજ્ય સરકાર દ્વારા આ પુસ્તકાલયને રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સરકારી તાલુકા પુસ્તકાલયનું નામ આપવામાં આવ્યું છે. હાલનું આ ભવન નાનું હોવાથી રાજ્ય સરકાર દ્વારા આધુનિક સુવિધાઓથી સજ્જ મોટા ભવનનાં નિર્માણ માટે રૂપિયા ૩.૩૯ કરોડની નાણાકીય જોગવાઈ વર્ષ ૨૦૨૩-૨૪ના નાણાકીય વર્ષમાં મંજૂર કરવામાં આવી છે.

જે માટે ઝવેરચંદ મેઘાણીજીના જન્મસ્થળની બરાબર સામે જ જગ્યા ફાળવવામાં આવી છે. આ જગ્યામાં બે માળનું અત્યાધુનિક સરકારી પુસ્તકાલયનું નિર્માણ કરવામાં આવશે. આ પુસ્તકાલયમાં મેઘાણીજીના તમામ સાહિત્ય સર્જનને ઉપલબ્ધ કરાવવામાં આવશે, જેનો સંશોધકો સંશોધનના હેતુસર ઉપયોગ કરી શકશે. 

અત્રે ઉલ્લેખનીય છે કે,”મારી માટી, મારો દેશ- માટીને નમન, વીરોને વંદન” અભિયાન અંતર્ગત ચોટીલા નગરપાલિકા ગ્રાઉન્ડ ખાતે  રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના શીલાફલકમનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું.

ઝવેરચંદ મેઘાણી રચિત કસુંબીનો રંગ, મોર બની થનગાટ કરે, કોઈનો લાડકવાયો, શિવાજીનું હાલરડું, ચારણ-કન્યા, આષાઢી સાંજનાં અંબર ગાજે  જેવી અનેક રચનાઓ આજે પણ લોક હૈયે ગુંજી રહી છે. (માહિતી બ્‍યુરો, સુરેન્‍દ્રનગર)

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *