Rajkot 104

રાજકોટમાં રોજના ૧૦૦ થી વધુ ફોન કોલ એટેન્ડ કરતું ૧૦૪ હેલ્પલાઈન

શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ડાયલ કરો

સામન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો

રાજકોટ, ૧ સપ્ટેમ્બર:-  કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ મહાનગર પાલિકાની અનોખી આરોગ્ય પહેલ સમાન ટોલ ફ્રી ૧૦૪ હેલ્પલાઈન નાગરિકોના ઘરે ઘર જઈને આરોગ્યની દરકાર લઈ રહી છે. કોઈપણ વ્યકિતને શરદી, ખાસી, તાવ કે શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો જણાય તો તત્કાલ ૧૦૪ નંબર ડાયલ કરીને આરોગ્યની સેવાનો લાભ મેળવી શકે છે. હાલ રાજકોટ શહેરમાં કોરોના કટોકટી દરમિયાન ૧૦૪ હેલ્થ હેલ્પલાઈન રોજના ૧૦૦ થી વધુ  કોલ એટેન્ડ કરી  દર્દીઓ સુધી સમયસર સારવાર ઉપલબ્ધ કરાવે છે. આ સુવિધાથી શહેરના કોઈપણ વિસ્તારમાં રહેતા નાગરિકને તેમના ઘરે બેઠા નિ:શુલ્ક સારવાર (લેબોરેટરી ટેસ્ટ તેમજ દવા) મેળવી શકે છે.

આ વિશે વાત કરતા ૧૦૪ ના ઇમર્જન્સી મેડિકલ ઓફિસર ડો.મિલન પંડ્યાએ જણાવ્યું હતું કે, દર્દી દ્વારા ૧૦૪ નંબર પર કોલ કરતાં અમદાવાદ સ્થિત અદ્યતન ટેકનૉલોજીથી સુસજ્જ ૧૦૪ રિસ્પોન્સ સેન્ટરમાં આ કોલ જરૂરી મદદ પૂરી પાડવા માટે જોડાય છે. ત્યાં  રજિસ્ટ્રેશન ઓફિસર દ્વારા કોલ કરનાર દર્દીનું નામ, પુરૂ સરનામું, ફોન નંબર નોંધવામાં આવે છે. આ માહિતી દર્દીના સ્થાનિક આરોગ્ય કેન્દ્રના આરોગ્ય અધિકારીને ફોન કોલ અથવા એસ.એમ.એસ. થી ટ્રાન્સફર કરવામાં આવે છે. જેથી સ્થાનિક ટીમ દર્દી સુધી પહોંચી તેની તપાસ, નિદાન, સારવાર કરે છે. જે દર્દીને હેલ્પલાઈનમાં કરેલાં કોલના બે કલાકમાં પ્રાપ્ત થાય છે. ૧૦૪ હેલ્પલાઇનના પ્રશિક્ષિત રિસ્પોન્સ અધિકારીઓ દ્વારા ૨૪X૭ સેવા આપવામાં આવે છે. 

ટેસ્ટ કરતા વ્યક્તિનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે કે નેગેટિવ તે ૫ણ પાંચ જ મિનિટમાં ખબર પડી જાય છે.  ઈમરજન્સી ફોન કૉલના કિસ્સામાં, ૧૦૮ એમ્બ્યુલન્સની મદદ પણ મેળવવામાં આવે છે. એટલું જ નહીં, ૪૮ કલાક બાદ જે તે દર્દીને કોલ કરી તેમની હાલની તબિયત કેવી છે તે અંગે પણ પૃચ્છા કરવામાં આવે છે. ખાસ જણાવવાનું કે આ હેલ્પલાઇન કોરોના માટે કાર્યરત છે. તો સામાન્ય બિમારી માટે નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક સાધવો.

અત્રે ઉલ્લેખનીય છે કે હાલ રાજકોટ શહેરમાં  ૧૦૪ હેલ્પલાઇનની ૬ વાનો કાર્યરત છે, તેમાં ડોકટર, ફાર્માસીસ્ટ, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની ટીમ ઘરે ઘરે જઈ શરીરનું તાપમાન, લોહીમાં ઓકિસજનનું પ્રમાણ, ડાયાબિટીસની તપાસ કરીને સારવાર આપે છે આ ઉપરાંત ટેલી કાઉન્સિલિંગ માટે ૪ ડોક્ટર પણ કાર્યરત છે. તા.૨૭ ઓગસ્ટથી કાર્યરત થયેલ આ હેલ્પલાઇનમાં અત્યાર સુધી ૪૩૯ જેટલા કોલ આવ્યા છે, આ નંબર પર જે કોલ આવ્યા છે  તેની સંપૂર્ણ ચકાસણી કર્યા બાદ ૭૪ લોકોને ટ્રીટમેન્ટ આપવામાં આવી છે. અને ટેસ્ટિંગ બાદ ૧૦ લોકોના રિપોર્ટ પોઝિટિવ આવતા તેમને સીવીલ ખાતે રીફર કરવામાં આવ્યા છે.

આમ કોરોના વાઇરસના વધી રહેલા સંક્રમણ દરમિયાન ૧૦૪ હેલ્પલાઈન કોરોનાના પ્રાથમિક લક્ષણો ધરાવતા દર્દીઓને સમયસર સારવાર આપવામાં આશિર્વાદરૂપ નીવડી છે.

રિપોર્ટ:શુભમ અંબાણી