JMC Khada nagar 3

જામનગર ખાડા નગર બન્યું હોવાના આક્ષેપ સાથે વિપક્ષીનો નવતર પ્રકારે વિરોધ

ગ્રીનસીટી વિસ્તારના પડેલા ખાડા પાસે વિપક્ષો દ્વારા ખાડા પૂજનનો કાર્યક્રમ યોજાયો

JMC Khada nagar 2

રિપોર્ટ:જગત રાવલ

૦૧ સપ્ટેમ્બર:જામનગર શહેરમાં ચાલુ વરસાદી સિઝનમાં અનેક રોડ રસ્તાઓ ઉપર મસમોટા ગાબડા પડી ગયા છે, અને જામનગર શહેર જાણે કે ‘ખાડાનગર’ બની ગયું છે, તેવી રજૂઆત સાથે આજે જામનગરના વિપક્ષીનેતા અલતાફ ખફી સહિત કોર્પોરેટરો દ્વારા નવતર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, અને ગ્રીન સીટી વિસ્તારમાં એક ખાડાનું પૂજન કરાયું હતું. અને જામ્યુકોના સત્તાધીશોને સદબુદ્ધિ આપે અને રોડ રસ્તા રીપેર કરાવે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

જામનગર શહેરમાં ચાલુ સિઝનમાં વધુ વરસાદ થયો હોવાથી શહેરના અનેક માર્ગો માં ગાબડાં પડી ગયા છે. જેના કારણે લોકોને અવર-જવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જામનગરના વિરોધ પક્ષ દ્વારા શહેરને ખાડા નગર બની ગયું છે તે મામલે રજૂઆતો કરવામાં આવી રહી છે. અને મ્યુનિ.કમિશનર ને વિપક્ષો દ્વારા પત્ર પાઠવી તાત્કાલિક ધોરણે રોડ રસ્તા રીપેર કરવા અને ખાડા દૂર કરવા માંગ કરાઇ છે.

દરમિયાન આજે વિરોધ પક્ષના વોર્ડ નંબર ૧૫ અને ૧૬ ના નગરસેવકો ઉપરાંત અન્ય વિપક્ષીનગર સેવકો પણ શહેરના ગ્રીન સીટી વિસ્તારમાં એકત્ર થયા હતા, અને રોડની મધ્યમાં પડી ગયેલા ખાડા પાસે એકત્ર થઇ બેનર લગાવ્યા હતા. તેમ જ ખાડામાં પુષ્પહાર કરી અગરબત્તી કરીને પૂજન કર્યું હતું. તેમજ જામનગર શહેરને ખાડાનગર માંથી મુક્તિ મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી
આ નવતર વિરોધ પ્રદર્શન સમયે ગ્રીન સીટી વિસ્તારમાં ટ્રાફિક જામ થઇ ગયો હતો, જેથી પોલીસ ટુકડી પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને ટ્રાફિકને પૂર્વવત બનાવ્યો હતો