drone didi 884x497 1

Drone Didi of Banas: કોણ છે બનાસની ડ્રોન દીદી: કેવી રીતે છ મહિનામાં ₹ 1 લાખની કરી કમાણી

google news png

ગાંધીનગર, 30 જુલાઇ: Drone Didi of Banas: ગુજરાતના ગામડાની મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સ્વસહાય જૂથોના માધ્યમથી તેમના સર્વાંગી વિકાસ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધપાત્ર કામગીરી થઇ રહી છે. જેના પરિણામસ્વરૂપે આજે ગામડાની મહિલાઓ દેશભરની અન્ય મહિલાઓ માટે પ્રેરણાના અનોખા દૃષ્ટાંત બન્યા છે. આજે આપણે વાત કરી રહ્યા છીએ બનાસની ડ્રોન દીદી આશાબેન ચૌધરીની, જેઓ ગામડામાં રહીને તેમના સપના સાકાર કરી રહ્યાં છે.

બનાસની ડ્રોન દીદી
મહિલાઓના સશક્તિકરણ માટે સતત પ્રયત્નીશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ, ડ્રોનના ઉપયોગથી મહિલાઓને આર્થિક રીતે અગ્રેસર કરવા માટે વર્ષ 2023થી ‘નમો ડ્રોન દીદી યોજના’ અમલમાં મુકી છે. આ યોજનાનો ઉદ્દેશ ખેતીમાં નવી ટેકનોલોજીનો ઉપયોગ કરીને ડ્રોન દ્વારા ખાતર અને જંતુનાશકોનો છંટકાવ કરતા શીખવવાનો છે. ડ્રોન દીદી યોજના માટે, 10 થી 15 ગામોની સ્વસહાય જૂથની મહિલાઓને એકસાથે તાલીમ આપવામાં આવે છે, જેમાં ડ્રોન ચલાવવા માટેની 15 દિવસની તાલીમ પણ સામેલ છે. ગુજરાતમાં આવા જ એક ડ્રોન દીદી છે: આશાબેન ચૌધરી

બનાસકાંઠાના ડીસા તાલુકાના તાલેપુરા ગામના રહેવાસી 31 વર્ષીય આશાબેન ચૌધરી પશુપાલન અને ખેતીવાડી સાથે સંકળાયેલા પરિવારથી સંબંધ ધરાવે છે. તેમણે મેકેનિકલ એન્જિનિયર સુધીનો અભ્યાસ કર્યો છે અને અત્યારે ડ્રોન દીદી કાર્યક્રમ અંતર્ગત તાલીમ મેળવીને આસપાસના વિસ્તારમાં ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરીને આવક મેળવી રહ્યાં છે.

આ પણ વાંચો:- Baroda BNP Paribas Large Cap Fund: બરોડા બીએનપી પરિબા લાર્જ કેપ ફંડે સંપત્તિ સર્જનના 20 વર્ષની ઉજવણી કરી

પહેલા ઇન્ટરવ્યૂ, પછી પૂણેમાં પરીક્ષા પાસ કરી
ડ્રોન ઉડાન ક્ષેત્રમાં સામેલ થવા અંગે આશાબેન જણાવે છે, “મને ડ્રોન વિશે કંઇ ખબર ન હતી પણ સખીમંડળ દ્વારા યોજાતા તમામ કાર્યક્રમોમાં હું સામેલ રહેતી એટલે મને ડ્રોન દીદી કાર્યક્રમ અંગે માહિતી મળી. તે કાર્યક્રમ અંતર્ગત 2023માં મેં પૂણેમાં 15 દિવસની તાલીમ લીધી હતી. તે પહેલા ઇફ્કોમાં અમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવ્યું હતું અને ત્યારબાદ પૂણેમાં મેં પરીક્ષા આપી હતી. પરીક્ષામાં ડ્રોનના ઉડ્ડયન તેમજ ડીજીસીએના નિયમો અંગેના પ્રશ્નો અમને પૂછવામાં આવ્યા હતા. ત્યાંથી તાલીમ લીધા બાદ મેં બનાસકાંઠામાં ડ્રોનથી જંતુનાશક દવાઓનો છંટકાવ કરવાનું શરૂ કર્યું અને અત્યારે મારી પાસે કામ ખૂટતું જ નથી. ”

ડ્રોનને ફિલ્ડમાં લઇ જવા ઇ વ્હિકલ અને વીજળી માટે જનરેટર સેટ
આશાબેનને મિડિયમ સાઇઝનો ડ્રોન, તેને ફિલ્ડમાં લઇ જવા માટે ઇ વ્હિકલ અને કોઈ કારણસર અમુક વિસ્તારમાં વિજળીનો સપ્લાય ન મળી રહે તો તેના માટે એક જનરેટર સેટ પણ આપવામાં આવ્યો છે. આશાબેન એરંડા, મગફળી, પપૈયા, બાજરી અને વરિયાળી સહિતના પાકોમાં ડ્રોનની મદદથી દવાઓનો છંટકાવ કરી ચૂક્યા છે. તેમના જણાવ્યા પ્રમાણે, માત્ર છ મહિનામાં જ તેમને આ કામ દ્વારા એક લાખથી વધુની આવક થઇ છે.

સાત મિનિટમાં એક એકર વિસ્તારમાં ડ્રોનથી છંટકાવ
ડ્રોનની મદદથી જંતુનાશક દવાઓના છંટકાવ અંગેના ફાયદા વિશે આશાબેન જણાવે છે, “ડ્રોનથી છંટકાવ વ્યવસ્થિત થાય છે અને સમય અને પૈસા બન્નેની બચત થાય છે. તેમાં દવા અને પાણી બન્નેનું પ્રમાણ ઓછું રહે છે, પણ છંટકાવ યોગ્ય થાય છે. સાત મિનિટની અંદર ડ્રોન એક એકર વિસ્તારમાં છંટકાવ કરી શકે છે. વરિયાળી જેવા ઊંચા પાકોમાં ડ્રોનથી છંટકાવ એ ખૂબ જ સુલભ વિકલ્પ છે. ડ્રોનથી છંટકાવ કરાવ્યો હોય તેવા ખેડૂતોની આઇ ખેડૂત પર નોંધણી કરાવીએ છીએ જેથી તેમને રાજ્ય સરકાર તરફથી વળતર પણ મળે છે.”

Rakhi Sale 2024 ads

“હવે અમદાવાદ અને સુરેન્દ્રનગરથી પણ ઓર્ડર આવે છે”
આશાબેનના જણાવ્યા અનુસાર ડ્રોનને ઓપરેટ કરવામાં ખૂબ કાળજી રાખવી પડે છે. તેઓ ખેતરનો નક્શો ડ્રોનમાં ફીડ કરે છે અને કમ્પાસ કેલિબ્રેશન કરીને ડ્રોનને નિર્ધારિત વિસ્તારમાં ઓપરેટ કરે છે. તેમની આ કામગીરીથી આસપાસના ખેડૂતોમાં તેમની પ્રસિદ્ધિ દિવસે ને દિવસે વધી રહી છે અને ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે હર્ષભેર જણાવ્યું, “મને તો હવે સુરેન્દ્રનગર અને અમદાવાદથી પણ સતત કોલ આવી રહ્યા છે. આ કામ કરવામાં મને ખુબ આનંદ આવી રહ્યો છે અને આસપાસના લોકો બાળકીઓને મારું ઉદાહરણ આપે છે.”

“માત્ર સરકારી નોકરીથી જ સફળ નથી થવાતું, મહિલાઓ સક્રિય ભાગીદાર બને”
આશાબેન આશાપુરી સખીમંડળ ચલાવે છે અને સાથોસાથ અન્ય ઘણા સખીમંડળોના માધ્યમથી આસપાસની મહિલાઓને આત્મનિર્ભર થવા માટે પ્રેરિત કરી રહ્યાં છે. તેઓ બે બાળકીઓના માતા છે અને તેમના પરિવાર તરફથી પણ તેમને આ કામગીરી માટે પૂરતો સહયોગ અને પ્રોત્સાહન મળી રહ્યું છે. રાજ્યની અન્ય મહિલાઓને પ્રેરિત કરતા તેમણે કહ્યું કે, “માત્ર સરકારી નોકરી હોય તો જ સફળ થવાય એ જરૂરી નથી. સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે અને ઘણા નવા ક્ષેત્રો ખુલ્યા છે. હું મહિલાઓને કહીશ કે તેઓ સક્રિય રીતે આ યોજનાઓમાં ભાગીદાર બને. હું કામ પણ કરું છું અને મારા પરિવારને સારી રીતે સમય પણ આપી શકું છું.”

ગુજરાતમાં 58 મહિલાઓને તાલીમ મળી
નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન દેશમાં પ્રારંભિક ધોરણે અંદાજીત 500થી 1000 ડ્રોન સ્વ સહાય જૂથોને આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. જે પૈકી ગુજરાત રાજ્યમાં IFFCO ,GSFC અને GNFC દ્રારા અનુક્રમે 18 ,20 અને 20 મળી કુલ 58 મહિલાઓને ડ્રોન તાલીમ આપીને ડ્રોન આપવામાં આવ્યા છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *