Examination of parents

Examination of parents: માતાપિતા, બાળક અને પરીક્ષા, બેટાં અમે આ પરીક્ષા પાછળ બહુ જ પૈસા ખર્ચ્યા છે એટલે……..

Examination of parents: vaibhavi joshi

Examination of parents: અહીંયા સિડનીમાં નાનાં-નાનાં બાળકોની કહેવાતી મોટી પરીક્ષા અત્યારે અલગ-અલગ શાળામાં લેવાઈ રહી છે અને આશરે ત્રીજા કે ચોથા ધોરણમાં ભણતાં નાનાં ભૂલકાઓ આ પરીક્ષા આપી રહ્યા છે ત્યારે મારે એક ખાસ વાત પર ભાર મુકવો છે. મારી દીકરી શાનવી પણ આ પરીક્ષા આપી રહી છે એટલે એને મુકવા ગયા ત્યારે શાળાનાં પ્રાંગણમાં કેટલાક વાલીઓનાં એમના સંતાનો સાથેના ઘણા બધા સંવાદ મારાં કાને અથડાયાં જેણે મને આ વાત દરેક માતાપિતા સુધી પહોંચાડવા માટે પ્રેરી છે.

google news png

આ સંવાદ પર હું પછી આવું પહેલા તો અહીંયા લેવાતી આ પરીક્ષાની જરાક વાત કરું તો આ અપોર્ચ્યુનિટી ક્લાસમાં (OC TEST) પ્રવેશ મેળવવા માટેની પરીક્ષા છે જેમાં બહુ જ ગણતરીની સીટો હોય અને સ્વાભાવિક જ પરીક્ષા આપનારા કંઈકેટલાંય બાળકો. આ પરીક્ષામાં પાસ કે ફાઈલ કરતા તમારું એ ગણતરીની સીટોમાં આવવું વધારે મહત્વનું હોય છે. એવું કહી શકાય કે આ મેરીટનાં આધારે લેવાતી પરીક્ષા છે જેમાં દરેકને ક્રમાંક મળતો હોય છે. જેનો ક્રમાંક આગળ એને આ કલાસમાં પ્રવેશ મળે.

આ પરીક્ષાની વ્યાખ્યા અહીંયા કઈંક આવી છે કે આ એક પ્રકારનાં સ્પેશિયલ કલાસ છે જે ખાસ “ગિફ્ટેડ” બાળકો માટે છે. હવે આ “ગિફ્ટેડ” શબ્દ પર મારે જરાં ભાર મુકવો છે. આપણે ઘણી બધી વાર કોઈ વ્યક્તિ કે બાળકને ગિફ્ટેડ કહેતા હોઈએ છીએ પણ આ ગિફ્ટેડ એટલે શું ? કદાચ જન્મજાત અમુક વિશેષ ગુણો કે ખૂબીઓ હોવી. સમય જતા ઘણી બધી સ્કિલ્સ ડેવલપ કરી શકાય પણ અમુક સ્કિલ્સ આપણે જન્મજાત સમજતા હોઈએ છીએ કે જે બાળક લઈને જન્મ્યું છે. આ ખૂબી કોઈ પણ ક્ષેત્ર માટેની હોઈ શકે જે એને આગળ જતા ઘણી મદદરૂપ થાય.

એ વાત પણ એટલી જ નક્કી છે કે દરેક સાથે આવું નથી બનતું હોતું. આવું અમુક લોકો સાથે જ બને જેને આપણે ગિફ્ટેડ કહીયે છીએ. ઘણા બાળકો એવા હોય કે જેઓ ખૂબ નાની ઉંમરેથી ભણતરમાં રુચિ લઈને જન્મ્યા હોય પણ કદાચ એવા બહુ થોડાં હશે. ઘણા એવા પણ હશે કે જેમના માતાપિતા એ એમને નાનપણથી આના માટે તૈયાર કાર્ય હશે અને નાનપણથી જ ભણતર તરફ વાળી દીધા હશે. આ પરીક્ષા સહેજે પણ સહેલી નથી હોતી અને ખાસ કરીને આટલી નાની ઉંમરના બાળકો માટે તો નહિ જ.

હવે આ પરીક્ષાનાં પરિણામનો રેશિયો હું તમને જણાવું તો આશરે ૧૪,૦૦૦ જેટલાં વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપતા હોય છે અને પરિણામ માત્ર ૧૦% જેટલું જ આવી શકે. મતલબ કે આશરે ૧૪૦ જેટલાં જ વિદ્યાર્થીઓને આ પરીક્ષા આપ્યા બાદ આ ક્લાસમાં પ્રવેશ મળી શકે. એટલે આ ૧૪૦નાં આંકડામાં જેટલાં વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવી શકે એને ખરેખર ગિફ્ટેડ ગણવા રહ્યા અથવા તો એમની કે એમના માતાપિતાની મહેનતને સલામ કરવી રહી. પણ બાકીના ૧૩,૮૬૦ વિદ્યાર્થીઓ અને એમના માતાપિતાનું શું ??

આ પણ વાંચો:- Swamiji ni vani Part-33: હીન મૂલ્યો જ માણસને હીન, અપ્રામાણિક બનાવે છે….

શું આ બાળકો ગિફ્ટેડ નથી એવું માની લેવાનું કે આ વિદ્યાર્થીઓ કે એમના માતાપિતાની કોઈ જ મહેનત નથી એવું માની લેવાનું ? નાં સહેજ પણ નહિ ? હવે પાછી આવું પેલા વાલીઓનાં એમના સંતાનો સાથેના સંવાદો પર જે મારાં કાને અથડાયેલાં. એમાંનો ઘણો ખરો સાર કઈંક આવો હતો. અહીંયા વિદેશની ધરતી પર રહેતા હોય અને બાળકો અહીંયા મોટાં થતા હોય એટલે કહેવાની જરૂર નથી કે આપણું ગુજલીશ કેવુંક જોરમાં હોય પણ હશે અત્યારે ભાષામાં નથી પડતી.

તો આ સંવાદો કઈંક આવા હતા એનું હું ગુજરાતીમાં જ અનુવાદ લખું છું. “જો જે હો ફલાણાની દીકરી એ લાસ્ટ ટાઈમ આ પરીક્ષા પાસ કરી લીધી હતી એટલે તારે કરવાની જ છે.” બેટાં અમે આ પરીક્ષા પાછળ બહુ જ પૈસા ખર્ચ્યા છે એટલે પાણીમાં ન જાય.” જો બેટાં ફલાણાનાં દીકરાને એડમિશન મળી ગયું હતું સારામાં સારી સ્કૂલમાં એટલે એનું ભવિષ્ય ઉજ્જવળ છે તારે જરાય પાછળ નથી રહેવાનું. તારે પણ એ જ સ્કૂલમાં એડમિશન લઈને બતાવાનું છે નહીંતર તારા ભવિષ્યનું શું ?.” અને આવા કંઈકેટલાંય વાક્યો હું વગેરે વગેરેની કેટેગરીમાં મુકું છું.

ખરેખર ? શું તમે ખરેખર માતાપિતા છે ? શું આ તમારાં સંવાદો હોવા જોઈએ તમારાં બાળકો સાથે ? પરીક્ષા સમયે એમની હિંમત કે આત્મવિશ્વાસ આપવાને બદલે શું તમે તમારા સંતાનોને કોઈ અજાણી રેસમાં ધકેલી રહ્યા છો ? શું તમારાં સંતાનો કોઈ રેસનાં ઘોડા છે ? આજનું ભણતર અને માતાપિતાનો આ અભિગમ ક્યાં લઈને જશે આપણને ? આપણને કોઈ વિચાર આવે છે ખરાં ? અને હા આ સંવાદો અહીંયા માત્ર વિદેશની ધરતી પર સર્જાય છે એવું તો સહેજે નથી. આપણે ત્યાં પણ જયારે કોઈ એન્ટ્રેન્સ કે બોર્ડની પરીક્ષાઓ હોય છે ત્યારે આજ પરિસ્થિતિ છે.

હું જ્યારે પણ પોતાના નાનકડાં સંતાનોને લઈને માબાપને વેકેશનમાં કે સ્કુલનાં દિવસોમાં જાત-જાતની ઈત્તર-પ્રવૃત્તિ કે સ્કીલ ડેવલપમેન્ટ અથવા ટ્યુશન ક્લાસીસ તરફ આંધળી અને સમજણ વગરની દોડાદોડી કરતાં જોઉં છું, ત્યારે ખબર નહીં કેમ પણ મને કાર્બાઈડથી કેરી પકવતા વેપારીઓ યાદ આવી જાય છે..!! દફતરનાં વજન કરતાં બાળકોનાં ખભે નાનપણથી જ તમારી મહત્વાકાંક્ષાઓનું વજન વધી ન જાય એ જોવાની ફરજ દરેક માતાપિતાની છે. તમારાં સંતાનોને ગમે એવું બાળપણ આપવું તમારી ફરજ હોય કે ન હોય પણ એમની રીતે એમનું બાળપણ જીવવું એ દરેક બાળકનો મૂળભૂત અધિકાર ચોક્કસ છે.

ફરીફરીને એક વાર નમ્ર વિનંતી કરીશ કે વ્યવસાયે તમે જે કર્યું એ જ તમારાં બાળક પણ કરે એવો દુરાગ્રહ નહિ રાખતાં અને તમે જે કરવા માંગતા હતાં અને સંજોગવશાત્ નથી કરી શક્યા તો એ અધૂરા સપના એમના પર લાદવાનો હઠાગ્રહ પણ નહિ રાખતાં. દરેક માતાપિતાની એ જોવાની ફરજ ચોક્કસ છે કે બાળક ઉત્તમ શિક્ષણ મેળવે અને એની સાથોસાથ જીવનલક્ષી અને વ્યવહારુ કેળવણી પણ મેળવે પણ એનો મતલબ એ નથી કે દરેક બાળકે ડોક્ટર, એન્જીનીયર, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કે આઈ.ટી પ્રોફેશનલ જ બનવું.

Rakhi Sale 2024 ads

પરીક્ષા સમયે અને પરીક્ષાનાં દિવસથી થોડાં દિવસો પહેલાં થવા જોઈતા સંવાદો જે મેં મારી દીકરી સાથે કરેલા એ અહીંયા રજુ કરું છું એ આશા સાથે કે માતાપિતા પોતાના સંતાનોનાં ભણતર પ્રત્યે સમજીને અભિગમ કેળવશે. મેં મારી દીકરી સાથે આ બાબતે ઘણી બધી વાતો કરેલી એનો થોડો અંશ રજુ કરું છું. મેં એને જીવનની કોઈ પણ પરીક્ષા આપવા માટે તૈયાર કરી છે અને સાથે જે પણ પરિણામ આવે એને સ્વીકારવાની કેળવણી પણ આપી છે અને આ પ્રયાસો ચાલુ જ રહેશે. મેં એને કહેલું કે બેટાં તું તારાં તરફથી પૂરતો પ્રયત્ન કરજે કેમ કે ફક્ત પ્રયત્નો તારાં હાથમાં છે પણ એનું પરિણામ તારાં હાથમાં નથી.

એમ પણ અમારા ઘરમાં ગીતાનાં શ્લોકોથી માંડીને મહાભારત કે રામાયણનાં પાત્રોની ચર્ચા અવારનવાર થતી હોય જે અમારી દીકરીનાં કાને પણ અથડાતું હોય અને જ્યાં એની ઉંમર જેટલી સમજણ હોય તો એને સમજાવીએ પણ ખરાં. જેમ ભગવાન શ્રીકૃષ્ણ કહે છે ‘કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચનઃ!’ એટલે કે ફળ અથવા તો કોઈ પણ પ્રકારનાં પરિણામની આશા રાખ્યા વગરનું કર્મ. આ વસ્તુ અમે એને પણ સમજાવી છે અને મને આનંદ છે કે એ આ વાત સમજે છે. મેં એને સમજાવ્યું છે કે જીવનમાં આવી અનેક પરીક્ષાઓ આવશે જેમાં ક્યારેક પરિણામ તારાં ધાર્યા મુજબ તો ક્યારેક ધાર્યા કરતાં વિપરીત પણ આવશે તો વિપરીત પરિણામમાં નાસીપાસ થવાને બદલે આગળની બીજી કોઈ પરીક્ષા માટે વધારે મહેનત કરજે.

અમે એના બાળ મગજમાં કોઈ પણ પ્રકરની રેસ કે કોઈની પણ સાથેની સરખામણી ફિટ નથી બેસાડી. અમે ક્યારેય એને બીજા કોઈ પણ બાળકનાં ઉદાહરણ નથી આપતા કેમ કે દરેક બાળક અલગ છે અને માત્ર ભણતર બાબતે જ નહિ પણ એના વ્યવહાર કે કોઈ પણ બાબતે તમારાં સંતાનોને ક્યારેય પણ બીજા કોઈ બાળકનાં દાખલા ન આપવા. એમના કુમળા માનસ પર આની છાપ રહી જતી હોય છે જે સમય જતા વિપરીત રૂપ ધારણ કરતું હોય છે.

એ કદાચ ભૂલો કરે તો એની પણ સ્વતંત્રતા એમને આપો પણ સાથે ભૂલોના પરિણામથી પણ અવગત કરાવો. જીવનમાં કરેલી ભૂલો એ સાબિતી છે કે તમારાં સંતાનોએ પોતાની રીતે કઈંક નવું સાહસ કર્યું હતું. શક્ય છે એમાં પાર ન પણ ઉતરે તો પણ એમને એ વિશ્વાસ દેવડાવો કે તમે એની પાછળ એમને ટેકો આપવા માટે ઉભા છો. ભૂલ કરો તો ભોગાવજોનો અભિગમ નહિ કેળવતા. તમારાં સંતાનો સાથે એટલો સંવાદ કેળવો કે તેઓ નિર્ભય થઈને તમારી સાથે એમના ભણતરની કે જીવનની સિદ્ધિઓ કરતાં ન મળી શકેલી સિદ્ધિઓ વિશે ખુલીને વાત કરી શકે.

એમને હિંમત આપો કે આવી કોઈ એક પરીક્ષામાં પાસ થવું કે નાપાસ થવું એ એન્ડ ઓફ ધ વર્લ્ડ નથી. જીવનમાં કશું પણ શીખવા માટે ઉંમર બાધારૂપ ક્યારેય નથી હોતી અને જીવનનાં કોઈ પણ વણાંક પર તમે કંઈ પણ નવી શરૂવાત કરી જ શકો છો. ઘણી વાર મેં એવું પણ જોયું છે કે માતાપિતા એમનાથી બનતા પ્રયત્નો કરે છે પણ સંતાનો એમના ભણતર બાબતે ગંભીર નથી હોતા. તમારી ફરજ છે એમને એના ફાયદા અને નુકસાન સમજાવવાની પણ એથી વિશેષ તમે કશું નહિ કરી શકો જ્યાં સુધી એમને પોતાને નહિ સમજાય.

આશા છે આ રચનાનાં કલ્યાણી દેશમુખ દ્વારા થયેલા ગુજરાતી અનુવાદ દ્વારાં દરેક માતાપિતા એમના બાળકોને સમજવાનો પ્રયત્ન કરશે. આ રચનાનાં એક-એક શબ્દો શાંતિથી વાંચજો કે ક્યાંક તમે પણ બાળકો સાથે આવી રીતે તો નથી વર્તતા ને ?

દસમાંથી દસ નથી લાવતું મારું બાળક,
પહેલાં બીજા નંબરની દોડમાં નથી જોડાયું મારું બાળક,
રમે છે, સપના જુએ છે, જીદ કરે છે અને કહી નાખે છે;
વાતો ક્યારેક તો સમજદારીની પણ.
અને હા, તે વાંચે છે પણ એટલું જ જેટલી જરૂર છે.
કહી શકો છો તમે કે સાધારણ છે તે.
હું નથી જતી જોવા તેની ઉત્તરવહી
એ માટે નહી કે મને ફરિયાદ છે તેના માટે
પણ કદાચ એ માટે કે ખૂબ જ દર્દનાક લાગે છે શાળા મને,
કાંપી જાઉ છું શાળાનાં દાદરા ઉતરતી વખતે
હાથમાં કાગળનાં ટુકડા લઈને,
સાથે કોઈ બાળકને ઢસેડતાં ગુનેગારની જેમ.
તેના માર્કસ પૂછતાં કોઈ મમ્મી-પપ્પાને
કેટલાં આવ્યા મેથ્સમાં ? અને કેટલાં સાયન્સમાં ?
સાંભળી-સાંભળીને લાગે છે ત્રણ નંબર કપાઈ ગયા જે,
એ જ હતુ સર્વસ્વ, મને નથી જોવો ગમતો એ
બાળકોનાં ક્લાસરૂમમાં સ્મશાન જેવો સન્નાટો,
ઉત્તરવહીનાં ઢગલાં પાછળ બેસેલી ટીચર,
ચિઢાયેલાં માતાપિતા.
પરસ્પર નાઈન અને નાઈન એંડ અ હાફ જેવી
ગળાકાપ સ્પર્ધાની વાતો કરતાં પાગલ માતાપિતા
બાળપણની પરિભાષા મોઢા પર ઉછેરતાં,
માસૂમ ચેહરા પર ટપકતાં આંસુઓ,
સોરી પપ્પા.. સોરી મમ્મી.. હવે પછી.. હવે.. પછી
કહીને ધ્રૂજતા બાળકો,
મને નથી જોવી ગમતી એ નિર્જીવ કોપીઓ,
કોપીમાં આંખો ઘૂસાડીને નંબર ગણતાં માતાપિતા..
મને તો ગમે છે જોવું બસ,
પતંગિયા પાછળ દોડતું બાળપણ
દિવાલ પર વાંકીચૂંકી લાઈન ખેંચીને
પોતાનું મન ઉછેરતું બાળપણ,
ગલીઓમાં કૂતરાનાં નાનાં-નાનાં બચ્ચાં પર
ન્યોછાવર થઈ જતું બાળપણ.
માળામાં નાના બચ્ચાંનાં મોઢામાં દાણો નાખતી
ચકલી પાસેથી પ્રેમ શીખતું બાળપણ..!!

*************

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *