PM awas

Pradhan Mantri Awas Yojana: ગુજરાતમાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 14 લાખથી વધુ આવાસોનું નિર્માણ

Pradhan Mantri Awas Yojana: પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ રાજ્યમાં 8.68 લાખથી વધુ આવાસો જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણકાર્ય સંપન્ન

  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યમાં નિર્મિત કુલ મકાનોના 64%થી વધુ મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીના
  • ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 14 અને PMAY (ગ્રામીણ) માટે 3 એવોર્ડ
google news png


ગાંધીનગર, 10 સપ્ટેમ્બર: Pradhan Mantri Awas Yojana: “મારું મકાન કાચું, માટીનું હતું. વરસાદના દિવસોમાં મકાનની છતમાંથી પાણી પડતું હતું. દિવસ-રાત હું અને મારો પરિવાર એ ભયમાં જીવતા કે આ મકાન ગમે ત્યારે પડી જશે. મને મારા પરિવારની ખૂબ ચિંતા રહેતી. જોકે, પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ મારું મકાન મંજૂર થયા બાદ મને પાકું ધાબાવાળું મકાન તેમજ અન્ય મૂળભૂત સુવિધાઓ પણ મળી છે.

હવે હું અને મારો પરિવાર ખૂબ ખુશ છીએ.આ શબ્દો છે ગાંધીનગરના માણસા તાલુકાના ખડાત ગામના રહેવાસી કિરણબેન રાઠોડના, જેમને પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ તેમના સપનાંનું ઘર મળ્યું છે. દેશમાં કિરણબેન જેવા લાખો લોકો છે જેમના માટે પ્રધાનમંત્રી આવાસ યોજના વરદાન સાબિત થઈ છે. આનો શ્રેય આપણાં દૂરંદેશી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જાય છે, જેમણે વર્ષ 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ કરી હતી અને તેના દ્વારા છેલ્લા 9 વર્ષોમાં અનેક લોકોને આવાસની સુવિધા પૂરી પાડીને તેમના ચહેરા પર સ્મિત લાવ્યું છે.

ગુજરાત પ્રધાનમંત્રી આવાસ યોજનાના (Pradhan Mantri Awas Yojana)અમલીકરણમાં અગ્રેસર
ભારત સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસરકારક માર્ગદર્શન હેઠળ આર્થિક રીતે નબળા વર્ગને મકાનની મૂળભૂત સુવિધા મળે અને તેમના જીવનધોરણમાં સુધારો થાય એ માટે 2015માં પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) શરુ કરી હતી. તો ગ્રામીણ ક્ષેત્રોમાં પણ ઘરવિહોણા લોકોને પાકું મકાન મળે એ ઉદ્દેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) 2016-17માં અમલમાં મૂકવામાં આવી હતી.

આ પણ વાંચો:- Aishwarya Majmudar: વિશ્વના સૌથી લાંબા ડાન્સ ફેસ્ટિવલમાં દેશી કલાકારોના તાલે ઝૂમી રહ્યા છે વિદેશમાં વસતા ગુજરાતીઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વ હેઠળ ગુજરાતમાં આ યોજનાનો સફળતાપૂર્વક અમલ થઈ રહ્યો છે. રાજ્યમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત અત્યારસુધીમાં કુલ 14.25 લાખ આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે, જેમાં શહેરી વિસ્તારમાં કુલ 8.68 લાખથી વધુ આવાસો જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 5.57 લાખથી વધુ આવાસોનું નિર્માણ પૂર્ણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં નિર્મિત કુલ મકાનોના 64%થી વધુ મકાનો મહિલાઓના નામે અથવા સંયુક્ત માલિકીના છે. ઉલ્લેખનીય છે કે, આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે, અને તે દરમિયાન તેઓ ફરી એકવાર ગુજરાતના નાગરિકોને આવાસોની ભેટ આપવા જઇ રહ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)(Pradhan Mantri Awas Yojana)
પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)નો હેતુ શહેરી વિસ્તારમાં ગરીબો અને મધ્યમ વર્ગના પરિવારોને પાયાની સુવિધાઓ સાથેનું પાકું આવાસ વ્યાજબી કિંમતે પૂરું પાડવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાત રાજ્ય માટે કુલ 7.64 લાખ આવાસોના લક્ષ્યાંક સામે કુલ 9.78 લાખ આવાસો મંજૂર કરવામાં આવ્યા છે. આમાં 5 લાખ 40 હજારથી વધુ આવાસો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીના નામે મંજૂર કરવામાં આવ્યા છે. આ મંજૂર આવાસો પૈકી કુલ 8.68 લાખ જેટલા આવાસોનું બાંધકામ પૂર્ણ કરવામાં આવ્યું છે.

BJ ADS

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી)ના ક્રેડિટ લિંક સબસીડી ઘટક હેઠળ 6 લાખથી પણ વધુ લાભાર્થીઓને તેમના પ્રથમ આવાસ પર લીધેલ લોન પર વ્યાજ સહાયનો લાભ અપાવવામાં ગુજરાત દેશમાં અન્ય રાજ્યોની સરખામણીમાં અગ્રસ્થાને છે.

આ ઉપરાંત, કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2020માં આત્મનિર્ભર ભારત અભિયાન હેઠળ એફોર્ડેબલ રેન્ટલ હાઉસિંગ કોમ્પ્લેક્સિસ (ARHCs) યોજના હેઠળ શહેરી ગરીબો અને કામદારોને સસ્તા ભાડાના આવાસો પૂરા પાડવા માટે જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત થયાના ત્રણ જ માસમાં ગુજરાતના સુરત શહેરના સુડા વિસ્તારમાં નિર્માણ થયેલ 393 આવાસોને મોડેલ-01 અંતર્ગત ભાડાના મકાનોમાં રૂપાંતરિત કરીને પ્રોજેક્ટની મંજૂરી મેળવનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે.

ગ્લોબલ હાઉસિંગ ટેક્નોલોજી – ઇન્ડિયાના લાઇટ હાઉસ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર ભારતમાંથી 6 રાજ્યોની પસંદગી કરવામાં આવી હતી, જેમાંથી ગુજરાતના રાજકોટની પસંદગી કરવામાં આવી હતી. રાજકોટમાં સાઇટ હાઉસ પ્રોજેક્ટ અંતર્ગત મોનોલિથિક કોન્ક્રીટ કન્સ્ટ્રક્શન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને EWS-2 પ્રકારના 39.77 ચોરસ મીટર કાર્પેટ એરિયા ધરાવતા કુલ 1144 આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

Pradhan Mantri Awas Yojana, gujarat

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ)(Pradhan Mantri Awas Yojana)
ગ્રામ્ય વિસ્તારના કુટુંબોને પોતાના સપનાનું ઘર મળે અને તેમનું જીવનધોરણ ઊંચું આવે એ ઉદ્દેશથી પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) 2016-17થી અમલમાં મૂકવામાં આવી હતી. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આજદિન સુધીમાં વિવિધ યોજનાઓ સાથે કન્વર્જન્સ કરી માળખાગત સુવિધાઓ સાથે 5,57,756થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે અને આ માટે ₹6986.58 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ છેલ્લા 1 વર્ષમાં કુલ 1,31,000થી વધુ આવાસોનું નિર્માણ કરવામાં આવ્યું છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) હેઠળ 3.77 લાખ (63%) જેટલા આવાસો મહિલાઓના નામે અથવા તો સંયુક્ત માલિકીના નામે મંજૂર કરવામાં આવ્યા છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહિલા સશક્તિકરણના વિઝનને અનુરૂપ છે. એટલું જ નહીં, આ યોજના હેઠળ અંદાજે 3.22 લાખ એટલે કે 60% આવાસો અનુસુચિત જનજાતિ તથા અનુસુચિત જાતિના લાભાર્થીઓને ફાળવવામાં આવ્યા છે.

આ ઉપરાંત, રાજ્ય સરકારની 100% ફાળા યોજના હેઠળ મુખ્યમંત્રી પ્રોત્સાહક યોજના હેઠળ વધારાની પ્રોત્સાહક સહાય રૂપે ₹20,000ની સહાય અલગથી ચૂકવવામાં આવે છે. જે અંતર્ગત આજદિન સુધી 72,000 જેટલા લાભાર્થીઓને ₹144 કરોડ જેટલી સહાય તથા બાથરૂમનું બાંધકામ પૂર્ણ થયા બાદ ₹5000ની સહાય ‘બાથરૂમ બાંધકામ સહાય’ હેઠળ આપવામાં આવે છે, જે અંતર્ગત 75000 જેટલા લાભાર્થીઓને ₹37.50 કરોડ જેટલી સહાય ચૂકવવામાં આવી છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે ગુજરાતને અત્યારસુધીમાં કુલ 14 એવોર્ડ
વર્ષ 2017માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને ક્રેડિટ લિંક સબસીડી હેઠળ પ્રથમ સ્થાન એનાયત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વર્ષ 2019માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પીએમ આવાસ માટે 3 એવોર્ડ આપવામાં આવ્યા હતા, તેમજ BLC ઘટક અંતર્ગત ગુજરાત રાજ્યના 3 લાભાર્થીઓને બેસ્ટ હાઉસ કન્સ્ટ્રકશન કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. ત્યારબાદ, વર્ષ 2022માં કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) માટે 7 વિવિધ કેટેગરીમાં એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. આમ, પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) હેઠળ ગુજરાતને અત્યારસુધીમાં કેન્દ્ર સરકાર દ્વારા કુલ 14 એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા છે.

પ્રધાનમંત્રી આવાસ યોજના (ગ્રામીણ) માટે ગુજરાતને 3 એવોર્ડ
2018-19માં ભારત સરકારના ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા ઓવરઓલ પર્ફોર્મન્સ ઇન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ PMAY (ગ્રામીણ)નો એવોર્ડ પ્રથમ ક્રમે રહેલા ડાંગ જિલ્લાને આપવામાં આવ્યો હતો. 2019-20માં પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાને બીજા ક્રમનો બેસ્ટ પર્ફોર્મન્સ ઇન ઓવરઓલ પર્ફોર્મન્સ ઈન ઇમ્પ્લિમેન્ટેશન ઓફ PMAY (ગ્રામીણ)નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તો 2019-20માં ખેડા જિલ્લાના કઠલાલના વિસ્તરણ અધિકારી એ.કે. શ્રીમાળી અને સાબરકાંઠા જિલ્લાના વિજયનગરના પદાધિકારી, સરપંચ સરલાબેન નિનામાને વ્યક્તિગત શ્રેષ્ઠ કામગીરી માટેનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *