ccaaf212 33b4 4b93 85dc 56412a3824b1

Veeraganas of Gujarat: માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી: ગુજરાતની વીરાંગનાઓ

અહેવાલઃ ક્રિષ્ના શાહ

Veeraganas of Gujarat: ગુજરાતની કેટલીક એવી વીરાંગનાઓની વાત કરીશું, જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસાધારણ યોગદાન સાથે તમામ પ્રતિકૂળતાનો સામનો કરતી વખતે અખૂટ હિંમત અને અડગ નિશ્ચયનાં જ્વલંત ઉદાહરણ આપ્યાં

અમદાવાદ, 28 ઓગષ્ટઃ Veeraganas of Gujarat: આઝાદીના અમૃત મહોત્સવ ટાણે આપણે ગુજરાતની કેટલીક એવી વીરાંગનાઓની વાત કરીશું, જેમણે સ્વાતંત્ર્ય સંગ્રામમાં અસાધારણ યોગદાન સાથે તમામ પ્રતિકૂળતાનો સામનો કરતી વખતે અખૂટ હિંમત અને
અડગ નિશ્ચયનાં જ્વલંત ઉદાહરણ આપ્યાં. આંખમાં મૃત્યુ જોવાની તેમની હિંમત, માતૃભૂમિ પ્રત્યેનો તેમનો તીવ્ર પ્રેમ – “કોમલ હૈં, કમજોર નહીં તૂ. શક્તિ કા નામ હી નારી હૈ…” શબ્દો તાદૃશ કરે છે. પોતાની જાત, ઘર, પરિવાર, ધન-સંપત્તિ સહિત સર્વસ્વ માભોમને ચરણે નિઃસ્વાર્થ ન્યોચ્છાવર કરનારી આ કાબેલ નેતૃત્ત્વ ધરાવતી નારીઓ લાંબા સમયથી વિસરાઈ ગઈ છે.

સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવનારી ગુજરાતની આ વીરાંગનાઓમાં સામેલ છે, સ્વતંત્ર ભારતની બંધારણ સભાનાં 15 મહિલાઓમાંનાં એક હંસા જીવરાજ મહેતા. આ જ બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડ્યું હતું.

Advertisement

ત્રીજી જુલાઈ, 1897ના રોજ બરોડા સ્ટેટના દીવાનના ઘરે જન્મેલાં હંસા જીવરાજ મહેતાએ ફિલોસોફી વિષય સાથે સ્નાતક થયા બાદ ઈંગ્લેન્ડ જઈને પત્રકારત્વ અને સમાજશાસ્ત્રનો અભ્યાસ પણ કર્યો હતો. તેમનાં લગ્ન1918માં ફિઝિશિયન એવા ડૉ. જીવરાજ મહેતા સાથે થયાં હતાં. આઝાદીના સંગ્રામમાં વિદેશી કપડાં અને દારૂ વેચતી દુકાનો ઉપર પિકેટિંગ કરવામાં હંસા મહેતા હમેશા મોખરે રહ્યા અને મહાત્મા ગાંધીની સલાહને અનુસરીને સ્વાતંત્ર્ય સંગ્રામની ચળવળની અન્ય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લેતા હતા. આવા જ વિરોધ પ્રદર્શન માટે તેમને અને તેમના પતિને 1932માં બ્રિટિશરોએ જેલમાં પણ પૂર્યા હતાં. બોમ્બે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં પણ તેઓ ચૂંટાયાં હતાં. કેન્દ્ર સરકારની સલાહકાર સમિતિ તેમજ મૂળભૂત અધિકારો માટેની પેટા સમિતિનાં તેઓ સભ્ય હતાં. તેમણે ભારતમાં મહિલાઓને સમાનતા અને ન્યાય મળે તે માટે અથાક પ્રયાસો કર્યા.

આ પણ વાંચોઃ zaverchand meghani birth anniversary: આમ આદમી પાર્ટીએ રાષ્ટીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતી એ શ્રદ્ધાંજલિ અર્પિત કરી

1926માં તેઓ બોમ્બે સ્કૂલ્સ કમિટીમાં ચૂંટાઈ આવ્યાં અને 1945-46માં ઓલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સનાં પ્રમુખ બન્યાં. હૈદરાબાદમાં યોજાયેલા ઓલ ઈન્ડિયા વીમેન્સ કોન્ફરન્સના કન્વેન્શનમાં પ્રમુખપદેથી સંભાષણ કરતાં તેમણે મહિલાઓના અધિકારો માટે જોગવાઈઓ સૂચવી હતી. વર્ષ 1945થી 1960 દરમ્યાન તેમણે ભારતમાં વિભિન્ન મહત્ત્વપૂર્ણ પદો સંભાળ્યાં.

Advertisement

1946માં તેમણે મહિલાઓ(Veeraganas of Gujarat)ના દરજ્જા વિશે ન્યુક્લિયર સબ-કમિટીમાં ભારતનું પ્રતિનિધિત્ત્વ કર્યું હતું. 1947-48માં યુનાઈટેડ નેશન્સ હ્યુમન રાઈટ્સ કમિશનમાં ભારતીય પ્રતિનિધિ બનીને તેમણે માનવ અધિકારોની સાર્વત્રિક ઘોષણાના શબ્દો – તમામ પુરુષો સમાન સર્જાયા છે – બદલાવીને તમામ મનુષ્યો સમાન સર્જાયા છે – કરાવ્યા હતા અને જાતિ સમાનતાની જરૂરિયાત ઉપર ભાર મૂક્યો હતો. 1950માં તેઓ યુનાઈટેડ નેશન્સના માનવાધિકાર પંચના વાઈસ ચૅરપર્સન બન્યાં હતાં અને યુનેસ્કોના એક્ઝિક્યુટિવ બૉર્ડનાં સભ્ય
પણ રહ્યાં હતાં.

Veeraganas of Gujarat

તેમનાં પતિ ડૉ. જીવરાજ મહેતા, ગુજરાતનાં સૌપ્રથમ મુખ્યમંત્રી અને ભારતના અગ્રણી રાજકારણી હોવા છતાં હંસા મહેતાનાં પોતાનાં આગવાં વ્યક્તિત્ત્વ, સૂઝ અને નેતૃત્ત્વ શક્તિ હતાં. દેશના ઘડતર અને ખાસ કરીને દેશમાં મહિલાઓના અધિકારો તેમજ જાતિ સમાનતા સ્થાપવા માટે હંસા મહેતાનું યોગદાન અસાધારણ રહ્યું. 1959માં તેમને પદ્મ ભૂષણ એવોર્ડથી સન્‍માનિત કરાયાં. ચોથી એપ્રિલ, 1995ના રોજ તેમનો દેહાંત થયો.

દેશમાં ખાદીનો સૌપ્રથમ સ્ટોર સ્થાપનારાં ઈન્દુમતિ ચીમનલાલ શેઠ પણ મહાત્મા ગાંધીથી પ્રેરણા પામીને આઝાદીની લડતમાં ઝંપલાવનાર વારાંગના હતાં. વર્ષ 1906માં અમદાવાદમાં માણેકબા અને ચીમનલાલ નગીનદાસ શેઠને ત્યાં જન્મેલા ઈન્દુમતિ શેઠ માત્ર બે વર્ષની વયે પિતાની છત્રછાયા ગુમાવી ચૂક્યાં હતાં. 1926માં ગૂજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા ત્યાં સુધીમાં મહાત્મા ગાંધીના વિચારોથી પ્રભાવિત થઈને તેમના દિલમાં આઝાદીની ચિનગારી પ્રજ્વલિત થઈ ચૂકી હતી. પિતાની અંતિમ ઈચ્છાને પગલે માતાએ
સ્થાપેલા શૈક્ષણિક સંસ્થાન શેઠ ચીમનલાલ નગીનદાર વિદ્યાલયમાં તેમણે અધ્યાપન કાર્ય સ્વીકારવાની સાથે સ્વતંત્રતા સંગ્રામમાં પણ ઝંપલાવ્યું હતું. 1920માં અસહકાર આંદોલન અને 1942માં ભારત છોડો ચળવળમાં ભાગ લઈને કારાવાસ ભોગવ્યો હતો. 1942માં અમદાવાદમાં ફાટી નીકળેલા કોમી રમખાણો સમયે શાંતિ સ્થાપવા તેમણે ભારે પ્રયાસો કર્યા હતા.

Advertisement

મહિલાઓના શિક્ષણ અને રોજગાર દ્વારા ઉત્થાન માટે તેમણે સમ્મુન્નતિ ટ્રસ્‍ટ અને મહિલા મુદ્રણાલય સ્થાપ્યાં હતાં. તેઓ જ્યોતિસંઘના સભ્ય હતાં અને અમદાવાદમાં મહિલા(Veeraganas of Gujarat) સશક્તિકરણનો પાયો નાંખનાર હતાં. તેમણે સ્વદેશી એટલે કે ઘરઆંગણે બનેલી ચીજવસ્તુઓને ભારે પ્રોત્સાહન આપ્યું અને ખાદીનાં કપડાંનો પ્રચાર-પ્રસાર કરવા અમદાવાદમાં દેશના સૌપ્રથમ ખાદીના સ્ટોર – ખાદી મંદિરની સ્થાપના કરી

આ પણ વાંચોઃ Amraiwadi married women suicide case: પતિ દહેજની માંગણી કરી માનસિક ત્રાસ આપી મારઝૂડ કરતા પરણિતાએ કર્યો આપઘાત!.

આઝાદી બાદ તેઓ 1952થી 1960 દરમ્યાન બોમ્બે સ્ટેટના નાયબ શિક્ષણ મંત્રી પદે રહ્યાં હતાં. 1962થી 1967 દરમ્યાન તેમણે એલિસબ્રિજના ધારાસભ્ય તરીકે ચૂંટાયા બાદ ગુજરાતના શિક્ષણ, સમાજ કલ્યાણ, નશાબંધી અને જકાત તેમજ પુનઃસ્થાપના વિભાગના મંત્રી તરીકે સેવાઓ આપી હતી. 1969માં તેમની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના સભ્ય તરીકે થઈ હતી. સમાજ વિકાસ અને સમાજ ઘડતરનાં તેમનાં કાર્યો બદલ 1970માં તેમને પદ્મ શ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યાં હતાં. 1985માં તેમના દેહવિલય બાદ
પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ઝીણાભાઈ દેસાઈ (સ્નેહરશ્મિ) એ 1987માં તેમની જીવનલેખિની આલેખી હતી, જે સંસ્કારમૂર્તિ ઈન્દુબેન – નામે પુસ્તકરૂપે પ્રકાશિત થઈ.

Advertisement

ગુજરાતની વિરાંગનાઓની વાત નીકળે ત્યારે પતિને પ્રત્યેક ડગલે સાથ આપનારાં મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે મહાત્મા ગાંધીનાં પત્ની કસ્તુરબાને કેવી રીતે ભૂલાય…? 11મી એપ્રિલ, 1869ના રોજ મોઢ વણિક પરિવાર વ્રજકુંવરબેન અને ગોકુલદાસ કાપડિયાને ત્યાં જન્મેલા કસ્તુરબાઈ ફક્ત 14 વર્ષની વયે 13 વર્ષના મોહનદાસ કરમચંદ ગાંધી (મહાત્મા ગાંધી)ને પરણ્યાં હતાં. પતિ અને પુત્ર આઝાદીની લડતમાં સામેલ હોવાથી કસ્તુરબાએ પણ આ જંગમાં ઝંપલાવ્યું હતું. સૌપ્રથમવાર 1904માં ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં રંગભેદ સામે અવાજ ઉઠાવ્યો, ત્યારથી કસ્તુરબા પ્રકાશમાં આવ્યા. તેમણે ચળવળમાં ઝંપલાવ્યું અને ડરબન નજીક ફિનિક્સ આશ્રમ સ્થાપ્યો. 23મી સપ્ટેમ્બર, 1913ના રોજ તેમને કઠોર કારાવાસની સજા થઈ.

જેલમાં તેમણે અન્ય મહિલાઓને નિયમિત પ્રાર્થનામાં જોડ્યાં અને નિરક્ષર મહિલાઓને લખતાં-વાંચતાં શીખવવા માટે શિક્ષિત મહિલાઓને પ્રોત્સાહિત કર્યાં. જુલાઈ, 1914માં પતિ સાથે દક્ષિણ આફ્રિકાથી ભારત પરત આવ્યાં બાદ શ્વાસની ગંભીર બીમારી છતાં તેમણે ભારતભરમાં આઝાદી મેળવવા માટે ચાલી રહેલાં આંદોલનો અને વિરોધ પ્રદર્શનોમાં ભાગ લીધો અને ગાંધીજી જ્યારે જેલમાં હતાં, ત્યારે તેમનું સ્થાન સંભાળ્યું. તેમનો મોટા ભાગનો સમય અમદાવાદમાં સાબરમતિ આશ્રમ તેમજ અન્ય આશ્રમોમાં મદદ અને સેવા કરવા પાછળ વ્યતીત થયો.

1939માં રાજકોટમાં બ્રિટિશ રાજ વિરુદ્ધ અહિંસક વિરોધ પ્રદર્શન દરમ્યાન ફરી તેમની ધરપકડ થઈ અને તેમને એક મહિનો એકાંત કારાવાસમાં રાખવામાં આવ્યાં. 1942માં ભારત છોડો ચળવળમાં ગાંધીજી અને અન્ય સ્વાતંત્્ય સેનાનીઓની સાથે ફરી તેમની ધરપકડ થઈ. પૂણેમાં આગાખાન પેલેસમાં તેમને કેદ કરાયાં. ત્યાં તેમની તબિયત અતિશય બગડી ગઈ અને તેઓ 22મી ફેબ્રુઆરી, 1944ના રોજ 74 વર્ષની વયે પૂણેમાં ડિટેન્શન કૅમ્પમાં જ અવસાન પામ્યાં. દર વર્ષે કસ્તુરબાની જન્મજયંતિ – 11મી એપ્રિલ નેશનલ સેફ મધરહૂડ
ડે તરીકે ઉજવાય છે.

Advertisement

સરદાર વલ્લભભાઈ પટેલનાં દીકરી મણીબેન પટેલનો જન્મ કરમસદમાં ત્રીજી એપ્રિલ, 1903ના રોજ થયો હતો. 1918થી તેમણે મહાત્મા ગાંધીએ ચીંધેલા માર્ગે આઝાદી મેળવવા ઝંપલાવ્યું અને અમદાવાદમાં સાબરમતિ આશ્રમ ખાતે નિયમિત સેવાઓ આપવી શરૂ કરી. ફક્ત છ વર્ષની વયે તેમણે માતાની છત્રછાયા ગુમાવી અને તે પછી કાકા વિઠ્ઠલભાઈ પટેલે તેમને ઉછેર્યા. તત્કાલીન બોમ્બેની ક્વીન મેરી હાઈ સ્કૂલમાં શરૂઆતનું શિક્ષણ લીધા બાદ તેમણે 1920માં અમદાવાદ આવીને વસ્યા અને ગાંધીજીએ સ્થાપેલી રાષ્ટ્રીય વિદ્યાપીઠમાં અભ્યાસ કર્યો અને વર્ષ 1925માં સ્નાતક થયા બાદ પિતાને મદદ કરવા લાગ્યાં.

1928માં બારડોલીના ખેડૂતો ઉપર બ્રિટિશ સત્તાધીશો દ્વારા અસાધારણ કરવેરા લાદવામાં આવ્યા અને તેમની સાથે હેરાનગતિ શરૂ કરાઈ. મહાત્મા ગાંધીએ સરદાર પટેલને સત્યાગ્રહનું નેતૃત્ત્વ કરવા જણાવ્યું. આ આંદોલનમાં ભાગ લેવા મણીબેન પટેલની સાથે મીઠુબેન પેતિત અને ભક્તિબા દેસાઈની આગેવાની હેઠળ મહિલાઓમાં જોમ પુરાયું. 1942થી 1945 તેમને યરવડા જેલમાં પુરવામાં આવ્યા.

1950માં સરદાર પટેલના દેહવિલય સુધી મણીબેને તેમને પડછાયાની માફક સાથ આપ્યો. તે પછી મુંબઈ સ્થાયી થઈને તેમણે બાકીનું જીવન સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્‍ટ ઉપરાંત અન્ય સેવા કાર્યોમાં વીતાવ્યું.

Advertisement

સ્વતંત્રતા સંગ્રામ અને પિતાના જીવન વિશેની પોતાની યાદોને તેમણે શબ્દસ્વરૂપ આપ્યાં. તેઓ ગુજરાત વિદ્યાપીઠ, વલ્લભ વિદ્યાનગર, બારડોલી સ્વરાજ આશ્રમ અને નવજીવન ટ્રસ્‍ટ સહિત વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલાં હતાં. આઝાદીની લડતમાં અત્યંત સક્રિય ભૂમિકા બાદ સ્વતંત્ર ભારતમાં આણંદ, સાબરકાંઠા, મહેસાણા અને ખેડા લોકસભા બેઠક ઉપરથી ચૂંટાઈને સાંસદ તરીકે દેશને સેવાઓ આપી.

આજીવન જાતે વણેલી ખાદી ધારણ કરીને અને ત્રીજા વર્ગમાં મુસાફરી કરીને તેમણે પદ, પ્રતિષ્ઠા અને પહોંચ છતાં પણ એક આદર્શ નેતા તરીકે આગવી ઓળખ ઊભી કરી. 26મી માર્ચ, 1990ના રોજ તેમણે અંતિમ શ્વાસ લીધા.

આઝાદીની લડતમાં આવાં જ વીરાંગના નવસારીમાં 24મી સપ્ટેમ્બર, 1861ના રોજ જન્મેલાં ભીકાઇજી રુસ્તમ કામા પણ હતાં. શ્યામજી કૃષ્ણ વર્મા અને દાદાભાઈ નવરોજીને મળ્યા બાદ તેઓ શ્યામજી વર્માની ઈન્ડિયન હોમ રુલ સોસાયટી સાથે જોડાયાં હતાં. 1907માં તેમણે જર્મનીમાં યોજાયેલી ઈન્ટરનેશનલ સોશિયાલિસ્ટ કોન્ફરન્સમાં ભાગ લીધો હતો. તેમણે આ કોન્ફરન્સમાં સૌપ્રથમવાર ભારતીય સ્વતંત્રતાનો ઝંડો લહેરાવ્યો હતો. 1885માં તેમનાં લગ્ન ધનવાન વકીલ રુસ્તમ કામા સાથે થયાં. રુસ્તમ કામા બ્રિટિશરોની તરફેણ કરતા વકીલ હતા. લગ્નજીવન ખાસ સફળ થયું નહીં. વિલિયમ હટ કર્ઝનની હત્યાના કેસમાં બ્રિટનમાં મદદનલાલ ઢીંગરા સાથે વિનાયક દામોદર સાવરકરની પણ ધરપકડ થઈ હતી. સાવરકર સહિત અનેક ક્રાંતિકારીઓને મદદરૂપ થયેલાં આ વીરાંગના સ્ત્રી સમાનતા માટે પણ અવિરત પ્રયત્નશીલ રહ્યાં હતાં. 13મી ઓગસ્ટ, 1938ના રોજ 74 વર્ષની વયે તેમનો દેહાંત થયો.

Advertisement

આ પણ વાંચોઃ Cobra snakes playing in every house: જેમાં દરેક ઘરે બેથી ત્રણ કોબ્રા સાપ રમતા જોવા મળે છે, વાંચો આ અનોખા ગામ વિશે

ડાંગનાં દીદી કહેવાતા પૂર્ણિમા અરવિંદ પકવાસા અને ફક્ત આઠ વર્ષની વયથી જ આઝાદીની જગમાં ઝંપલાવનારા ઉષા મહેતા જેવાં અન્ય નામી-અનામી ગુજરાતનાં અનેક વીરાંગનાઓએ દેશની આઝાદી માટે આરંભાયેલી લડતમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. આઝાદીના અમૃત મહોત્સવ પ્રસંગે દેશદાઝની પ્રેરણાનાં સોપાન ચડાવવાં આ વીરાંગનાઓને શૂન્ય પાલનપુરીના આ શબ્દો સાથે યાદ રાખવાં ઘટે.

માફ કરજો ગીત મારાં કાયરો માટે નથી… શૌર્યપ્રેરક ગીત મારે આ સમે ગાવાં પડે,
ધર્મભીરુ કાયરોને જે થકી પાનો ચડે, જીવતાં મડદાંઓ બેઠાં થઈને મેદાને લડે.

Advertisement
Whatsapp Join Banner Guj



Advertisement