Child marriage jmc

Child marriage: જામનગરમાં જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા

Child marriage: જિલ્લા સમાજ સુરક્ષા કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા હાથ ધરાઈ ત્વરિત કાર્યવાહી

  • બાળ લગ્ન અંગે બે વર્ષ સુધીની સખત કેદની સજા તેમજ રૂ.એક લાખ સુધીના દંડની જોગવાઈ

અહેવાલ: જગત રાવલ
જામનગર, ૦૨ જૂન
: Child marriage: સગીરવયના બાળકોને લગ્ન કરાવતા વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક જાગૃત નાગરિક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ દ્વારા અપાયેલ માહિતીના આધારે સમાજ સુરક્ષા તથા જિલ્લા બાળ સુરક્ષા વિભાગની ટીમ શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં પહોંચી હતી અને ત્વરિત કાર્યવાહી હાથ ધરી તા.૦૫-૦૬-૨૦૨૧ના રોજ યોજાનાર બાળ લગ્ન અટકાવ્યા હતા.

Whatsapp Join Banner Guj

આ અંગે બાળ લગ્ન (Child marriage) પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડો.પ્રાર્થનાબેન શેરશીયાએ જણાવ્યુ હતુ કે, એક જાગૃત નાગરીક તથા ચાઈલ્ડ હેલ્પલાઈન ૧૦૯૮ દ્વારા અમને જામનગર શહેરના બાવરી વાસ, ખોડિયાર કોલોની વિસ્તારમાં તા.૦૫-૦૬-૨૦૨૧ના રોજ યોજાનાર લગ્ન બાળ લગ્ન હોવા અંગેની જાણ કરાઈ હતી. જાણકારીના આધારે અમે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી સમીરભાઈ પોરેચા, પ્રોબેશન ઓફિસર મનોજભાઈ વ્યાસ, લીગલ કમ પ્રોબેશન ઓફિસર જ્યોત્સનાબેન હરણ, ચાઈલ્ડ લાઈન-૧૦૯૮ અને પોલીસની ટીમને સાથે રાખીને બાવરી વાસ, ખાતે તા.૦૧-૦૬-૨૦૨૧ના રોજ પહોંચ્યા હતા.

Child marriage

Child marriage: ઘટના સ્થળે તપાસ કરતા વર અને કન્યા બંનેની ઉંમર અનુક્રમે ૨૧ વર્ષ અને ૧૫ વર્ષ હોવાનું જણાયું હતું. જેથી સમાજ સુરક્ષા વિભાગ અને જિલ્લા બાળ સુરક્ષા એકમની ટીમે તા.૦૫-૦૬-૨૦૨૧ના રોજ થનારા લગ્ન અટકાવ્યા હતા. ત્યારબાદ લગ્ન યોજનાર બંને પક્ષના વાલીઓ, સમાજના આગેવાનો અને સ્થાનિકોને બાળ લગ્ન વિરોધી કાયદા અંગે સમજ આપી બાળ લગ્નના પરિણામે ઉભી થનારી સમસ્યા વિશે જાણકારી આપી હતી. ટીમે વાલીઓ સહિતને જાણકારી આપતાં જ તેઓને પોતાની ભુલ સમજાઈ હતી અને હાલમાં આ લગ્ન નહીં કરાવવાનો નિર્ણય કર્યો હતો.

બાળ લગ્ન કરવા કે કરાવવા એ કાયદાની વિરૂધ્ધ

બાળલગ્ન (Child marriage) પ્રતિબંધક અધિનિયમ-૨૦૦૬ મુજબ જોઇએ તો સગીર વયના યુવક/યુવતીઓના લગ્ન કરવા કે કરાવવા તે કાયદાકીય ગુનો બને છે. આવા લગ્ન કરનાર યુવક/યુવતી સહિત તેમના માતાપિતા કે, વાલી, મદદગારી કરનાર અન્ય વ્યક્તિ, બાળલગ્નમાં હાજરી આપનાર, વિધિમાં ભાગ લેનાર, લગ્નનું સંચાલન કરનાર, લગ્ન કરાવનાર ગોર મહારાજ/બ્રાહ્મણ, મંડપ-કેટરીંગ-બેન્ડવાજા તથા ફોટોગ્રાફીનું કામ રાખનાર વિગેરે તમામને, આ કાયદાકીય જોગવાઇ હેઠળ અપરાધી ગણવામાં આવ્યા છે. જેમને નિયમોનુસાર ૨ વર્ષ સુધીની સખત કેદની સજા સાથે રૂપિયા ૧ લાખ સુધીના દંડની પણ જોગવાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો…અદાણીએ લોન્ચ મોબાઇલ એપ્સ(mobile app), આ 17 શહેરોના લોકો ખરીદી શકશે ઓનલાઇન પ્રોડક્ટ

બાળ લગ્ન થતા અટકાવવા શું કરવું

સમાજમાં જાગૃત નાગરિક તરીકે આપના વિસ્તાર /આપના સમાજમાં જો કોઈ પણ જગ્યાએ બાળ લગ્ન થવાના છે અથવા થાય છે તેવી આપને જાણ મળે તો તે બાબતે જીલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી (૦૨૮૮-૨૫૭૦૩૦૬), જીલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી (૦૨૮૮-૨૫૭૧૦૯૮), ચાઈલ્ડ હેલ્પ લાઈન (૧૦૯૮) પર આપ લેખિત / ટેલીફોનીક જાણ કરી શકો છો.

ADVT Dental Titanium