108 ambulance new

108 Ambulance service: આકસ્મિક સંજોગોમાં નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવીએ જ અમારી પ્રાથમિકતા : નીતિનભાઇ પટેલ

108 Ambulance service: રાજ્યમાં ૮૦૦ થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવા કાર્યરત : આજે નવી પચીસ ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું લોકાર્પણ કરતા નાયબ મુખ્યમંત્રી

  • રાજ્યના વિવિધ તાલુકા મથકો ઉપર ૨૪ કલાક ૧૦૮ એમ્બ્યુલન્સની સેવાઓ ઉપલબ્ધ : માત્ર ૨૦ મિનીટના સમયમાં દર્દીઓ પાસે વાન પહોંચે છે.
  • WHOના ધોરણ મુજબ ઈમરજન્સી ૧૦૮ જેવી સેવાઓ રાજ્યમાં ૬૫૦ જોઇએ તેની સામે ગુજરાતમાં ૮૦૦ એમ્બ્યુલન્સ કાર્યરત આગામી બે-ત્રણ માસમાં નવી પંચોતેર ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ કાર્યરત કરાશે
  • કોરોનાના કપરાકાળમાં ૨.૧૫ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને હોસ્પિટલ પહોંચાડાયા : વાનમાં જ ત્રણ-ચાર કલાક ઓક્સિજનની સેવા ઉપલબ્ધ બનાવી માનવ જીંદગી બચાવાઇ

અહેવાલ: દિલીપ ગજજર

ગાંધીનગર, ૦૨ જૂન: 108 Ambulance service: નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં ત્વરિત આરોગ્ય સેવાઓ પૂરી પાડીને માનવીની મહામૂલી જીંદગી બચાવવી એ અમારી પ્રાથમિકતા છે જેના પરિણામે આજે રાજ્યમાં ૮૦૦થી વધુ ૧૦૮ ઈમરજન્સી એમ્બ્યુલન્સ વાનની સેવાઓ કાર્યરત છે. WHOના ધોરણો મુજબ દર ૧ લાખની વસ્તીએ ૧૦૮ જેવી એક એમ્બ્યુલન્સની સેવા જોઇએ એ મુજબ રાજ્યમાં ૬૫૦ એમ્બ્યુલન્સ હોવી જોઇએ. તેની સામે ગુજરાતમાં ૮૦૦ થી વધુ એમ્બ્યુલન્સ કાર્યરત છે જે અમારી નાગરિકોની જીંદગી બચાવવાની પ્રતિબદ્ધતા દર્શાવે છે.

Whatsapp Join Banner Eng

આજે ગાંધીનગર ખાતે નવી પચીસ ૧૦૮ એમ્બ્યુલન્સ વાનનું (108 Ambulance service) લોકાર્પણ કર્યા બાદ મીડિયા સાથેની વાતચીતમાં નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું સપનું હતું કે આકસ્મિક સંજોગોમાં નાગરિકોને ત્વરિત આરોગ્ય સારવાર આપવી એ વેળાએ દેશભરમાં સૌ પ્રથમવાર ગુજરાતમાં વર્ષ ૨૦૦૭માં સાત ૧૦૮ એમ્બ્યુલન્સથી શરૂ કરેલી સેવાઓમાં ઉત્તરોતર વધારો સરકારે કર્યો છે અને આજે ૧૦૮ની આઠસો એમ્બ્યુલન્સ સેવા રાજ્યભરમાં કાર્યરત છે. આ યોજનાની સફળતાને ધ્યાને લઈ અમે તેમાં વધારો કર્યો છે. નાગરિકોની મહામૂલી જીંદગી બચાવવા માટે આગામી બે-ત્રણ માસમાં નવી પંચોતેર ૧૦૮ એમ્બ્યુલન્સ વાન સુવિધા નાગરિકો માટે કાર્યાન્વિત કરાશે.

તેમણે ઉમેર્યું કે ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાઓ (108 Ambulance service) માટે રાજ્યના વિવિધ તાલુકા મથકોએ નિયત પોઇન્ટ નક્કી કરાયા છે. જેનું રાજ્યકક્ષાએથી અમદાવાદના મુખ્ય કન્ટ્રોલરૂમથી મોનિટરીંગ કરાય છે. જે સેવાઓ ૨૪ કલાક કાર્યરત છે અને માત્ર ૨૦ મિનિટના સમયમાં દર્દીઓ પાસે પહોંચીને પ્રાથમિક સારવાર આપી હોસ્પિટલ સુધી પહોંચાડે છે. દર્દીઓને વધુ સઘન સારવાર મળી રહે એ માટે ૨૦૦ એમ્બ્યુલન્સ વાનમાં વેન્ટિલેટર સહિત મોનિટર અને અન્ય આનુષાંગિક સાધનો સાથે સુસજ્જ છે.

તેમણે ઉમેર્યું કે ૧૦૮ એમ્બ્યુલન્સ વાન (108 Ambulance service) દ્વારા ૧ કરોડ ૨૨ લાખથી વધુ દર્દીઓને હોસ્પિટલ સુધી પહોંચાડાયા છે એટલું જ નહીં ૧.૨૦ લાખથી વધુ મહિલાઓની પ્રસૂતિ પણ આ વાનમાં કરાઈ છે. કોરોનાના કપરાકાળમાં દર્દી પાસે જતાં પરિવારના સભ્યો પણ ડરતા હતા તે સમયે ૧૦૮ની સમગ્ર ટીમ દ્વારા વિવિધ જિલ્લાઓમાં ૨.૧૫ લાખથી વધુ કોરોનાગ્રસ્ત દર્દીઓને ઈમરજન્સી ૧૦૮ એમ્બ્યુલન્સ સેવા મારફતે હોસ્પિટલ સુધી પહોંચાડવાની સુંદર કામગીરી કરી છે. એટલું જ નહીં હોસ્પિટલમાં દર્દીઓને પથારી મળે ત્યાં સુધી બે-ચાર કલાક સુધી ૧૦૮ એમ્બ્યુલન્સ વાનમાં જ ઓક્સિજન સુવિધાઓ પૂરી પાડીને નાગરિકોની મહામૂલી જિંદગી બચાવવા માટેનો અવિરત પ્રયાસો કરાયા છે.

આ પણ વાંચો…Child marriage: જામનગરમાં જાગૃત નાગરિકની ફરિયાદ અને તંત્રના પ્રયાસોથી બાળ લગ્ન અટકાવવામાં મળી સફળતા

તેમણે ઉમેર્યું કે જેમ જરૂરિયાત ઉભી થાય તેમ તેમ આ ૧૦૮ સેવાઓને અદ્યતન સાધનોથી સજ્જ કરવા માટે પણ આયોજન કરાઈ રહ્યું છે તેમ જ ૧૦૮ સેવાના ક્રૂ-મેમ્બર, પેરામેડિકલ સ્ટાફને વખતોવખત તાલીમ આપીને પણ સજજ કરવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું છે.

આ પ્રસંગે આરોગ્ય રાજ્યમંત્રી કિશોરભાઈ કાનાણી, આરોગ્ય વિભાગના અગ્રસચિવ ડૉ. જયંતિ રવિ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, ૧૦૮ ઈમરજન્સી સેવાના સીઈઓ જશવંત ગાંધી સહિત આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ADVT Dental Titanium