Rajkot Market Yard

Government Price of Wheat: વર્ષ ૨૦૨૩-૨૪ માટે ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બીના ટેકાના ભાવ જાહેર

ખેડૂતોને તેમની ઉપજના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ભારત સરકારે ગત વર્ષની સરખામણીએ ટેકાના ભાવમાં ૨ થી ૭ ટકાનો વધારો કર્યો

ગાંધીનગર, 18 ઓક્ટોબરઃ ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે વર્ષ ૨૦૨૩-૨૪માં રવિ પાકોની ખરીદી માટે ટેકાના ભાવની જાહેરાત કરી છે. ખેડૂતોને આર્થિક સુરક્ષા આપવા તેમજ તેમની ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવમાં ગત વર્ષની સરખામણીએ સરેરાશ ૨ થી ૭ ટકા જેટલો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે રાજ્યના મુખ્ય પાક ઘઉંમાં રૂ. ૧૫૦ પ્રતિ ક્વિ., ચણામાં રૂ. ૧૦૫ પ્રતિ ક્વિ. અને રાયડામાં રૂ. ૨૦૦ પ્રતિ ક્વિ. જેટલો વધારો કરાયો છે.

Government Price of Wheat

રાજ્યમાં ઘઉં, જવ, ચણા, મસૂર, રાયડો અને કસુમ્બી જેવા રવિ પાકોના વાવેતરની શરૂઆત થાય તે પહેલાં જ ભારત સરકાર દ્વારા ટેકાના ભાવ જાહેર કરાતા ખેડૂતો હવે પોતાના પાકને મળનારા ભાવને ધ્યાને રાખી વાવેતર કરી શકશે.

આટલા ટૂંકા ગાળામાં જ ટેકાના ભાવોની જાહેરાત કરવા બદલ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે રાજ્ય સરકાર તેમજ ગુજરાતના ખેડૂતો વતી આર્થિક બાબતોની કેબિનેટ કમિટીના અધ્યક્ષ અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરનો આભાર વ્યક્ત કર્યો છે.

આ ઉપરાંત ખેડૂતોના હિત માટે માટે પ્રયત્નશીલ રહી સતત માર્ગદર્શન આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો પણ તેમણે આભાર વ્યક્ત કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા દર વર્ષે ખરીફ અને રવિ પાકો માટે વાવેતર પહેલાં ટેકાના ભાવ જાહેર કરવામાં આવે છે, જેથી ખેડૂત મિત્રો આગોતરું આયોજન કરી શકે.

વર્ષ ૨૦૨૩-૨૪માં ટેકાના ભાવની પોલીસી અંતર્ગત સમાવિષ્ટ ઘઉં માટે રૂ. ૨૨૭૫ પ્રતિ ક્વિ., જવ માટે રૂ. ૧૮૫૦ પ્રતિ ક્વિ., ચણા માટે રૂ. ૫૪૪૦ પ્રતિ ક્વિ., મસૂર માટે રૂ. ૬૪૨૫ પ્રતિ ક્વિ., રાયડા માટે રૂ. ૫૬૫૦ પ્રતિ ક્વિ. અને કસુમ્બી માટે રૂ. ૫૮૦૦ પ્રતિ ક્વિ. ભાવ જાહેર કરવામાં આવ્યો છે.

આમ, વર્ષ ૨૦૨૨-૨૩ની સરખામણીએ વર્ષ ૨૦૨૩-૨૪માં જુદા-જુદા રવિ પાકો હેઠળ રૂ. ૧૦૫ થી રૂ. ૪૨૫ પ્રતિ ક્વિ.નો વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો…. Train Schedule Changed News: અમદાવાદ વારાણસી સાબરમતી એક્સપ્રેસ તેના નિર્ધારિત રૂટ પર દોડશે

Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો