I-Factory Lab: ગુજરાતના યુવાનોને ‘ફ્યુચર રેડી’ બનાવવા માટે હવે અમદાવાદમાં ‘આઈ-ફેક્ટરી લેબ’
I-Factory Lab: ભવિષ્યના પડકારો માટે સજ્જ બનતું ગુજરાત: ગુજરાતના યુવાનોને ‘ફ્યુચર રેડી’ બનાવવા માટે હવે અમદાવાદમાં ‘આઈ-ફેક્ટરી લેબ’
- ઇન્ડસ્ટ્રી 4.0ની ઉભરતી ટેક્નોલોજી અંગેના અભ્યાસક્રમો શીખવા માટે લેબમાં તાલીમ મળશે
- વડાપ્રધાનના વિકસિત ભારતના વિઝનને સાકાર કરવામાં આ પહેલ મહત્વપૂર્ણ યોગદાન આપશે

ગાંધીનગર, 13 મે: I-Factory Lab: કૌશલ્યા – ધ સ્કિલ યુનિવર્સિટી દ્વારા ઇન્ડસ્ટ્રી 4.0 જેવી ઉભરતી ટેકનોલોજી અંગે રાજ્યના યુવાનોને તાલીમ આપવા ઇન્ડસ્ટ્રી 4.0 લેબની શરૂઆત કરવામાં આવી છે. ભારત સરકારના ભારે ઉદ્યોગ મંત્રાલયના સહયોગથી, કૌશલ્યા યુનિવર્સિટીએ અમદાવાદના કુબેરનગર ખાતે આવેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં આ આધુનિક આઈ-ફેક્ટરી લેબનું નિર્માણ કર્યું છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના યુવાનોને વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક બનાવવા માટે સતત પ્રયાસો કર્યા છે. તેમના માર્ગદર્શન હેઠળ ગુજરાતે “ફ્યુચર-રેડી” હ્યુમન રિસોર્સ વિકસિત કરવા માટે નવીન અને આધુનિક અભિગમ અપનાવ્યો છે. આ લેબના માધ્યમથી વિવિધ અભ્યાસક્રમો દ્વારા ગુજરાતના યુવાનોને રોબોટિક્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ (IoT), ડેટા એનાલિટિક્સ, અને સાયબર-ફિઝિકલ સિસ્ટમ જેવી ઇન્ડસ્ટ્રી 4.0 ટેકનોલોજીની તાલીમ મળશે.
આ પણ વાંચો:- PM full conversation with soldiers: આપણા રાષ્ટ્રનું રક્ષણ કરવામાં તેમની હિંમત અને વ્યાવસાયિકતા પ્રશંસનીય છે: પીએમ
“આઈ-ફેક્ટરી લેબ” ની ઉપયોગિતા
ઇન્ડસ્ટ્રી 4.0 ના અમલીકરણ માટે આ લેબમાં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ, આઈ.ઓ.ટી., રોબોટીક્સને લગતા વિવિધ મોડ્યુલની તાલીમ આપવામાં આવશે. આ લેબમાં પ્રોડક્ટના ઓર્ડરથી લઇ તેના ડીલીવરી સુધીની સમગ્ર પ્રક્રિયા ઓટોમેટીક થાય તે માટેની ટેકનોલોજીની તાલીમ આપવામાં આવશે. તેનાથી ઉદ્યોગોમાં કાર્યરત માનવબળ આ નવીન ટેકનોલોજીથી માહિતગાર થશે.
આ લેબના માધ્યમથી વિવિધ ઉદ્યોગો સંબંધિત માનવબળને તાલીમ આપી આ ટેકનોલોજી અપનાવે તે મુખ્ય હેતુ છે. આ ઉપરાંત વિવિધ શૈક્ષણિક તેમજ ટેકનીકલ સંસ્થાઓના વિદ્યાર્થીઓને પણ તાલીમ આપવામાં આવશે. જેથી રાજ્યના ઉદ્યોગોને જરૂરિયાત અનુસારનું કુશળ માનવબળ મળી રહેશે અને રાજ્યના યુવાનો માટે રોજગારીની નવી તકો ઉભી થશે.
આ પ્રયાસો માત્ર તાલીમ પૂરતા નથી, પણ રાજ્યમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક ઉદ્યોગોનું માળખું ઊભું કરવાનું મુખ્ય લક્ષ્ય છે. વર્ષ 2047 સુધી ભારતને વિકસિત રાષ્ટ્રમાં રૂપાંતરિત કરવાના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને સાકાર કરવામાં આ પહેલ સકારાત્મક ભૂમિકા નિભાવશે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત આજે ગ્લોબલ ઇનોવેશન ઇન્ડેક્સમાં 40મા સ્થાને પહોંચી ગયું છે. વૈશ્વિક મૂલ્ય શ્રૃંખલાઓમાં ભારતને મહત્ત્વપૂર્ણ કડી બનાવવા માટે ઉદ્યોગો અને સાહસિકો મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.