Kesar Keri Mahotsav 2023: અમદાવાદીઓએ ઉનાળામાં મન મૂકીને રસાયણમુક્ત કેસર કેરીનો આનંદ માણ્યો
- પ્રાકૃતિક રીતે પકવેલી પ્રખ્યાત કેસર કેરી સીધી ગ્રાહકોને વેચતા ખેડૂતોની આવકમાં ૩૦ થી ૩૫ ટકા જેટલો વધારો
Kesar Keri Mahotsav 2023: એક મહિનો ચાલેલા કેરી મહોત્સવમાં ૨.૯૪ લાખ કિગ્રાથી વધુ કેરીનું વેચાણ
અમદાવાદ, 26 જૂનઃ Kesar Keri Mahotsav 2023: દેશના ખેડૂતોની આવક બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ શરુ કરેલી ઝુંબેશમાં સહભાગી થઇ ગુજરાત સરકાર પણ રાજ્યના ખેડૂતોની આવકમાં વધારો કરવા સતત પ્રયત્નો કરી રહી છે. ખેડૂતોનો ખેતી ખર્ચ ઘટે, આવક વધે અને સાથે નાગરિકોને રસાયણમુક્ત ખેત પેદાશો મળી રહે તે માટે રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ઉપર વધુ ભાર આપી રહી છે.
સાથે જ રસાયણમુક્ત અને પ્રાકૃતિક ખેત પેદાશોને પ્રોત્સાહિત કરવા સમયાંતરે વિશેષ આયોજનો પણ હાથ ધરવામાં આવતા હોય છે. શહેરી નાગરિકોને કાર્બાઈડ ફ્રી કેરી અને ખેડૂતોને તેમની કેરીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર વર્ષ ૨૦૦૭થી દર વર્ષે ઉનાળાની સીઝનમાં ‘કેસર કેરી મહોત્સવ’નું આયોજન કરે છે.
આ વર્ષે પણ અમદાવાદ હાટ ખાતે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ૧૮મી મેના રોજ આ ‘કેસર કેરી મહોત્સવ-૨૦૨૩’નો શુભારંભ કરાવ્યો હતો. આ વર્ષે અમદાવાદીઓએ કાર્બાઈડ ફ્રી અને ઓર્ગેનિક કેસર કેરી ખાવામાં કોઈ કસર છોડી નથી એમ કહી શકાય.
ગત વર્ષે યોજાયેલા કેરી મહોત્સવમાં ખેડૂતો દ્વારા ૯૨ હજાર કિલોગ્રામ જેટલી કેરીનું વેચાણ થયું હતું, જેની સામે આ વર્ષે એક મહિનાના સમયગાળામાં ખેડૂતો દ્વારા ૨.૯૪ લાખ કિલોગ્રામથી પણ વધુ કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યુ છે.
એ વાતથી તો લગભગ કોઈ અજાણ નથી કે, ગુજરાતની કેસર કેરીએ આજે સમગ્ર વિશ્વમાં નામના મેળવી છે. વિદેશમાં પણ કેસર કેરીની માંગ વધતા ગીર-સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, કચ્છ તેમજ દક્ષિણ ગુજરાતમાં કેસર કેરીનું વાવેતર અને ઉત્પાદન બંનેમાં વધારો થઈ રહ્યો છે. કેસર કેરી પકવતા ખેડૂતો તેમની કાર્બાઈડ ફ્રી કેરીઓ સીધી શહેરી ગ્રાહકોને વેચી શકે તે માટે રાજ્ય સરકાર ‘કેસર કેરી મહોત્સવ’ જેવું એક માધ્યમ પૂરું પાડી ખેડૂતોને સહાયરૂપ થઇ રહી છે.
આ વર્ષના કેરી મહોત્સવમાં કુલ ૮૩ જેટલા સ્ટોલ્સ ઉભા કરવામાં આવ્યા હતા. જેમાં ૫૮ ફાર્મર ગ્રુપ, ૧૫ નેચરલ ફાર્મિંગ એફ.પી.ઓ., ૫ સી.બી.બી.ઓ અને ૪ સહકારી મંડળીના સભાસદોએ તેમની ગુણવત્તાયુક્ત અને કાર્બાઈડ ફ્રી કેસર કેરીનું વેચાણ કરી સામાન્ય કરતા ૩૦ થી ૩૫ ટકા વધુ આવક મેળવી છે.
સમગ્ર વિશ્વમાં આ વર્ષને આંતરરાષ્ટ્રીય મીલેટ વર્ષ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે ત્યારે, આ કેરી મહોત્સવમાં ભારત સરકારની પી.એમ.એફ.એમ.ઈ. યોજનાના લાભાર્થીઓની પ્રોડક્ટ્સ, મીલેટ આધારિત પેદાશો તેમજ એફ.પી.ઓ. દ્વારા બાજરો, મગ જેવા પ્રાકૃતિક કૃષિ આધારિત ધાન્યોનું પણ વેચાણ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ખેડૂતોના ઉત્પાદનોની આયુ વધારવા કૃષિ વિભાગ હેઠળના ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લી. દ્વારા રાજ્યના વિવિધ સ્થળોએ શીતાગારની સાથે સોર્ટીંગ, ગ્રેડીંગ, પેકીંગ અને રાઈપનીંગ, ઈ-રેડીએશન પ્રોસેસિંગ યુનિટ, ઈન્ટીગ્રેટેડ પેક હાઉસ તેમજ પેરીશેબલ કાર્ગો કોમ્પ્લેક્ષ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.
આ પણ વાંચો… Gyasuddin Sheikh-Shaktisingh Gohil: ગ્યાસુદ્દીને કરી પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ગોહિલની પ્રશંસા