Relief Package for Farmers: કમોસમી વરસાદથી પીડિત ખેડૂતો માટે રાજ્ય સરકારનું 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ
Relief Package for Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વ્યક્ત કરી ધરતીપુત્રો પ્રત્યેની સંવેદના — નુકસાન પામેલા ખેતી પાકોને પુનઃ જીવંત કરવા રાજ્ય સરકારનો દૃઢ સંકલ્પ
- Relief Package for Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અસરગ્રસ્ત ખેડૂતોની સહાયતા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યુ
- તાજેતરના કમોસમી વરસાદથી સર્જાયેલી અસાધારણ સ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વની રાજ્ય સરકાર ખેડૂતોની વિપદાની વેળાએ માતબર સહાય પેકેજથી પડખે ઊભી રહી
- 33 જિલ્લાના 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા પાક નુકસાનનો સર્વે 5100 ટીમોએ હાથ ધર્યો
- પિયત અને બિનપિયત પાકો માટે એક સમાન ધોરણે સહાય આપવાનો મુખ્યમંત્રીનો નિર્ણય

ગાંધીનગર, 07 નવેમ્બર: Relief Package for Farmers: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરના કમોસમી વરસાદ અને વાતાવરણના બદલાવને કારણે સર્જાયેલ અસાધારણ સ્થિતિમાં ખેતી પાકોને થયેલા નુકસાનમાંથી ખેડૂતોને ઝડપભેર બેઠા કરવા માટે અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડ રૂપિયાનું ઐતિહાસિક સહાય પેકેજ જાહેર કર્યું છે.
રાજ્ય સરકારે ધરતીપુત્રો પર આવી પડતી કુદરતી આફતોની હરેક વિપદામાં તેમની પડખે સંપૂર્ણ સહાનુભૂતિ સાથે ઉભા રહીને ખેતી પાકોના નુકસાન સામે ઉદારતમ સહાય પેકેજ વખતો વખત આપેલા છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ખેડૂતોના હિતો માટે જે અનેકવિધ કલ્યાણકારી પગલાઓ લીધા છે તેને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કિસાન હિતકારી અભિગમથી સતત આગળ ધપાવી રહ્યા છે.
આ વર્ષે તાજેતરમાં થયેલા કમોસમી વ્યાપક વરસાદથી ખેડૂતોના ઉભા પાકને કાપણી સમયે જ મહત્તમ આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને આ નુકસાનમાંથી બનતી ત્વરાએ બેઠા કરવાનો સંવેદનશીલ અભિગમ ઉદારતમ સહાયથી અપનાવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધી અપાયેલા રાહત સહાય પેકેજના ઇતિહાસમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પિયત અને બિનપિયત પાકોને એકસમાન પાક નુકસાન વળતર આપવાનો મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો:- Vande Mataram: “વંદે માતરમ્” ના 150 વર્ષ પૂર્ણ થવા પર રાજકોટ રેલવે મંડળમાં સ્મરણોત્સવની ઉજવણી
રાજ્યના ખેડૂતોને તાજેતરના કામોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે આ નિર્ણયના અનુસંધાને 22 હજાર રૂપિયા પ્રતિ હેક્ટર, હેક્ટર દીઠ બે હેક્ટરની મર્યાદામાં સહાય રાજ્ય સરકાર આપશે. ખેતી પાકોને જે વ્યાપક નુકસાનનો માર સહન કરવાનો વારો આવ્યો છે તેમાંથી ખેડૂતોને ઝડપભેર ઉગારવા આ રાહત સહાય પેકેજ અંતર્ગત આશરે કુલ રૂ. 10 હજાર કરોડની સહાય રકમ રાજ્ય સરકાર ચૂકવશે.
મુખ્યમંત્રી આ કુદરતી આપદામાં સતત ખેડૂતોની ચિંતા કરીને તેમની પડખે ઊભા રહ્યા છે. એટલું જ નહિ, તેમણે કમોસમી વરસાદની તારાજીનો ભોગ બનેલા 251 તાલુકાના 16,500થી વધુ ગામોના ખેડૂતોને થયેલા નુકસાનનો સર્વે ૩ દિવસમાં પૂર્ણ કરવા માટે 5 હજારથી વધુ ટીમોને દિવસ રાત કાર્યરત કરવાના દિશાનિર્દેશો ઉચ્ચસ્તરીય બેઠકમાં આપેલા હતા.
આ દિશાનિર્દેશોને પગલે કૃષિ વિભાગ અને સંબંધિત વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રોએ સતત ખડેપગે 24X7 કામ કરીને પાક નુકસાનીનો સર્વે/પંચ રોજકામ હાથ ધર્યા હતા. મુખ્યમંત્રીએ રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓને વરસાદી અસરગ્રસ્ત વિસ્તારોની જાત માહિતી મેળવવા સંબંધિત જિલ્લાઓની મુલાકાત માટે પણ સૂચનાઓ આપી હતી.
આ સૂચનાઓના પગલે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સુરત જિલ્લામાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગરમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ તાપીમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડીયા તથા સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજા જૂનાગઢ અને ગીર સોમનાથમાં તેમજ રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાએ અમરેલી જિલ્લાની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી અને સ્થળ પરના નુકસાન અહેવાલની વિગતો મુખ્યમંત્રીને પૂરી પાડી હતી.
મુખ્યમંત્રી પોતે પણ ગીર-સોમનાથ અને જુનાગઢ જિલ્લાના અસરગ્રસ્ત ગામોમાં પહોંચ્યા હતા અને ધરતીપુત્રોની વીતક પૂરી સંવેદનશીલતા સાથે સાંભળીને તેમને હૂંફ-સધિયારો આપ્યા હતા.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ સમગ્ર વિગતોની વિસ્તૃત સમીક્ષા અને ચર્ચા-વિચારણા રાજ્યના મંત્રીઓ જીતુભાઈ વાઘાણી, ઋષિકેશભાઈ પટેલ, કુંવરજીભાઈ બાવળીયા, અર્જુનભાઈ મોઢવાડિયા તથા રમણભાઈ સોલંકી સાથે બેઠક યોજીને કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ વિડીયો કોન્ફરન્સથી આ બેઠકમાં જોડાયા હતા.
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં રાજ્ય સરકારે વ્યાપક નુકસાનનો ભોગ બનેલા ધરતીપુત્રોની વ્હારે આવીને રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું આશરે 10 હજાર કરોડનું માતબર સહાય પેકેજ આપવાનો આ નિર્ણય કર્યો છે.
આ ઉચ્ચસ્તરીય બેઠકમાં મુખ્ય સચિવ એમ. કે. દાસ, કૃષિ વિભાગના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજુ શર્મા, નાણાં વિભાગના અગ્ર સચિવ ટી. નટરાજન, મુખ્યમંત્રીના અધિક અગ્ર સચિવ અવંતિકા સિંઘ, નાણા સચિવ આરતી કંવર, મુખ્યમંત્રીના સચિવ ડૉ. વિક્રાંત પાંડે ઉપસ્થિત રહ્યા હતા.
મહેસૂલ અધિક મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિ વિડિયો કોન્ફરન્સથી સહભાગી થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે જાહેર કરેલું આ ઉદારતમ સહાય પેકેજ અસરગ્રસ્ત ખેડૂતોને આર્થિક નુકસાનમાંથી ઝડપભેર બેઠા થઈને પૂર્વવત થવામાં મદદરૂપ નીવડશે.

