વડાપ્રધાન ૩૧ ડિસેમ્બરે યોજાનાર રાજકોટ એઈમ્સ હોસ્પિટલના વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાવશે.

વડાપ્રધાનશ્રી મોદી અને મુખ્યમંત્રીશ્રી રૂપાણીની ઉપસ્થિતિમાં યોજાનારો એઈમ્સ હોસ્પિટલનો ખાતમુહૂર્ત કાર્યક્રમ મહત્વકાંક્ષી પ્રકલ્પના શુભારંભના આયોજન અંગે યોજાઈ મહત્વની બેઠક
રાજકોટ, ૨૬ ડિસેમ્બર: વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં આગામી તારીખ ૩૧ ડિસેમ્બરે યોજાનાર એઈમ્સ હોસ્પિટલના ખાતમુહૂર્ત કાર્યક્રમના આયોજન અંગેની બેઠક એઈમ્સના સાઇટ સ્થળે યોજાઇ હતી.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ આ કાર્યક્રમમાં જાતે ઉપસ્થિત રહેશે જ્યારે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આ કાર્યક્રમનું દિલ્હીથી વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરાવશે.
જિલ્લા કલેકટરશ્રી રેમ્યા મોહન અને નિવાસી અધિક કલેકટરશ્રી પરિમલ પંડ્યા સહિતના મહાનુભાવોએ સભા સ્થળ, ખાતમુહૂર્ત સ્થળ અને સંભવિત હેલીપેડના સ્થળોની મુલાકાત લીધી હતી. કાર્યક્રમમાં આવનારા આમંત્રિતો, સામાન્ય નાગરિકો તથા અધિકારીઓ માટેના રૂટની વ્યવસ્થા, મેઈન રોડથી સભા સ્થળ સુધીના રૂટનું આયોજન, કોરોના સંબંધી સરકારી માર્ગદર્શિકાનું પાલન, વીજળી પુરવઠો, પીવાનું પાણી વગેરે બાબતો વિષે આ બેઠકમાં વિશદ ચર્ચા કરવામાં આવી હતી. પરાપીપળીયા અને પડધરી ખાતેથી ટ્રાફિક ડાયવર્ટ કરવા અંગે પણ આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી.
ઘટનાસ્થળ દર્શાવતા સાઈન બોર્ડ, મેડિકલ તથા કોઈ પણ પ્રકારની ઇમર્જન્સીને પહોંચી વળવાની સુવિધા, મંડપ વ્યવસ્થા વગેરે બાબતો અંગે યોગ્ય બંદોબસ્ત કરવા માટે સમિતિના સભ્યોને કલેકટરશ્રીએ આદેશો કર્યા હતા
આ તકે જિલ્લા વિકાસ અધિકારીશ્રી અનિલ રાણાવસીયા, ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી બલરામ મીના, પ્રાંત અધિકારીશ્રી ચરણસિંહ ગોહિલ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી પૂજા બાવડા , એઇમ્સના અધિકારીશ્રી સરનદિપ સિન્હા, તથા આ કાર્યક્રમ માટે રચાયેલી સમિતિના વડાઓ ઉપસ્થિત રહયા હતા.
આ પણ વાંચો….
- સારા સમાચાર : દેશના કોરોના કેસમાં સતત ઘટાડો, સાજા થનારા દર્દીઓની ટકાવારી પણ વધુ
- આજે અમ્રુતસિધ્ધી યોગ છે, જાણો શું કહે છે તમારી રાશિ