world environment day: બધા વર્ષમાં એક દિવસ ઉજવે છે તો ડોન બોસ્કો શાળામાં રોજે રોજ ઉજવાય છે વિશ્વ પર્યાવરણ દિવસ
- આપણે પ્રકૃતિમાંથી જેટલું લઈએ તેટલું જ પ્રકૃતિને પરત કરવું અનિવાર્ય છે- ફાધર ટોની
- ઇફેક્ટીવ માઇક્રોબનો ઉપયોગ, વરસાદી પાણીનો સંગ્રહ, સોલારનો ઉપયોગ, વૃક્ષોનું વાવેતર અને સ્વચ્છતા અભિયાન દ્વારા એક જ શાળામાં પર્યાવરણ રક્ષણ(world environment day)ના મલ્ટી મોડેલનો અમલ
અહેવાલ : સોનાલી મિસ્ત્રી ફેલો
વડોદરા, 05 જૂનઃworld environment day: પર્યાવરણનું રક્ષણએ હવે ગંભીર જાગતિક ચિંતાનો વિષય છે. એટલે જ દર વર્ષે તા.૫મી જૂને જગત આખું વિશ્વ પર્યાવરણ દિવસ(world environment day) ઉજવીને કુદરતને કુદરતી અવસ્થામાં સાચવવાના શપથ લે છે. જો કે તે પૂરતું નથી. પર્યાવરણ સુરક્ષાનું જો એક સંસ્કાર તરીકે બાળ પેઢીમાં સિંચન કરવામાં આવે તો જ તેમનામાં પ્રકૃતિ પ્રત્યે લગાવ કેળવાય અને એક જવાબદાર પેઢીનું ઘડતર થાય જેની આદત જ પર્યાવરણનું જતન હોય.આવું જ કંઇક વડોદરાની ડોન બોસ્કો શાળામાં થઈ રહ્યું છે. આ શાળાએ પર્યાવરણ રક્ષણમાં ઉપયોગી વરસાદી પાણીના સંચય, સૂર્ય ઊર્જાનું દોહન, જૈવિક કચરાનો વિનિયોગ જેવા બહુવિધ આયામોનો શિક્ષણ સાથે સમન્વય કરીને એક સંસ્કારના રૂપમાં તેની આદત કેળવવાનું આયોજન કર્યું છે.

વિશ્વ વર્ષમાં એક વાર પર્યાવરણ દિવસ(world environment day) ઉજવે છે આ શાળામાં જાણે કે રોજ પ્રકૃતિ પૂજન દિવસ ઉજવાય છે. હાલના સમયમાં આપણે ટેકનોલોજીના એટલા ગુલામ થઈ ગયાં છે કે, મનુષ્ય જીવનના અસ્તિત્વને રક્ષણ આપતી પ્રકૃતિને વીસરી રહ્યા છે. પરંતુ કેટલાક લોકો એવા પણ છે જે પર્યાવરણનો ફક્ત એક જ દિવસ નહિ પણ આખું જીવન આભાર વ્યક્ત કરે છે.વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં આવેલી ડોન બોસ્કો શાળામાં અભ્યાસ સાથે પ્રકૃતિની જાણવણીના પાઠ પણ ભાળવવામાં આવે છે. શાળાના સંચાલકો દ્વારા બનાવવામાં આવેલા નિયમો અને તેમની પ્રવૃત્તિઓ બાળકોને પ્રકૃતિ સાથે જોડવાનું કામ કરે છે.

શાળાના સંચાલક ફાધર ટોનીએ જણાવ્યું કે, ‘આપણે પ્રકૃતિમાંથી જેટલું લઈએ તેટલું જ પ્રકૃતિને પરત કરવું અનિવાર્ય છે.’ પ્રકૃતિ સંવર્ધનને લક્ષમાં રાખીને ઇફેક્ટીવ માઇક્રોબનો ઉપયોગ કરવામાં આવે છે. આ અસરકારક સૂક્ષ્મજંતુઓએ કુદરતી રીતે બનતા સજીવોની મિશ્ર સંસ્કૃતિઓ છે જે માટી ઇકોસિસ્ટમની માઇક્રોબાયલ વિવિધતાને વધારવા માટે લાગુ કરી શકાય છે. પાણી, ગોળ અને ઇફેક્ટીવ માઇક્રોબના મિશ્રણનો ઉપયોગ વૃક્ષો અને છોડની માવજત કરવા માટે થાય છે. વરસાદી પાણીનો સંગ્રહ કરી તેને ચેમ્બરમાંથી ગાળીને તેને ભૂગર્ભ જળમાં પુનર્સ્થાપિત કરવામાં આવે છે. આ યોજના ફક્ત ડોન બોસ્કો શાળાના હિતમાં જ નહિ પરંતુ શાળાની આસપાસ આવેલી વસાહતો માટે પણ હિતાવહ છે. આ યોજના દ્વારા આજુબાજુની વસાહતોના બોર જાતે રિચાર્જ થઈ જાય છે.ડોન બોસ્કોના સંચાલકો પ્રકૃતિ પ્રેમી હોવાથી વીજળીનો વ્યય ઘટાડવા સોલાર પેનલનો ઉપયોગ કરે છે. ૪૨.૫ કિલો વોટ સોલાર પેનલમાંથી લગભગ ૨૦૦ થી ૨૫૦ કિલો વોટ ઊર્જા પ્રાપ્ત થાય છે. આ સોલાર પેનલ દ્વારા આખી સ્કૂલમાં ઊર્જા પ્રાપ્ત થાય છે.

તદુપરાંત, શાળામાં જ નિવાસ કરતા સંચાલકો માટે નાનો બાયોગેસ પ્લાન્ટ પણ વિકસાવવામાં આવ્યો છે.આખું શાળા પરિસર હરિયાળું છે. આસોપાલવ, લીમડો સહિતના વૃક્ષો અને વનસ્પતિ કુદરતી ઉષ્ણતામાન જાળવવામાં મદદ કરે છે. પ્રકૃતિના જતન માટે આખી શાળાના સંચાલકો અને વિદ્યાર્થીઓ કાર્યરત છે. કારણ કે જે બદલાવ સમૂહ દ્વારા લાવવામાં આવે છે તેની અસરકારકતા વધુ હોય છે. ડોન બોસ્કો સંદેશ આપે છે કે, શાળા એ સરસ્વતીનું મંદિર છે એને પ્રકૃતિ શિક્ષણની વિદ્યાપીઠ પણ બનાવો.
આ પણ વાંચો….
Heavy rain: રાજ્યના આ શહેરોમાં ભારે પવન સાથે વરસાદ શરુ, ખેડૂતોની ચિંતામાં થયો વધારો