Swami Viditatmananda Saraswatiji 1

Think before you speak: જીભ પર સંયમ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

Think before you speak: બધી ઇન્દ્રિયો ઉપર સંયમ પ્રાપ્ત કરવાના આપણા પ્રયત્નોનો પ્રારંભ આપણે એક ઇન્દ્રિય ઉપરના સંયમથી કરવો જોઈએ. આ ઇન્દ્રિય છે જીભ. જીભથી બે પ્રકારનાં કર્મ થાય છે : એક કર્મ છે બોલવાનું અને બીજું કર્મ છે સ્વાદ લેવાનું. એમાં વાણીના સંયમથી આરંભ કરીએ. ગીતાના સત્તરમા અધ્યાયમાં ભગવાન ભિન્ન ભિન્ન પ્રકારની તપશ્ચર્યાની વાત કરે છે. તેમાં એક છે વાણીની તપશ્ચર્યા, વાણીનો સંયમ. વાણીની તપશ્ચર્યાનો અર્થ મૌન રાખવું એવો નથી. અઠવાડિયામાં એક દિવસ અથવા દિવસમાં અમુક કલાક મૌન રાખવું સારું છે, પરંતુ મૌનથી પણ ઉત્તમ પ્રકારનો વાણીનો સંયમ ભગવાન એક સુંદર શ્લોક દ્વારા સમજાવે છે : अनुद्वेगकरं वाक्यं सत्यं प्रियहितं च य़त् | स्वाध्यायाभ्यसनं चैव वाङ्गमयं तप उच्यते ||

અન્યને ઉદ્વેગ ન પહોંચાડે તેવું, સાચું, પ્રિય અને હિત કરનારું જે વાક્ય હોય તે તથા સ્વાધ્યાયનો અભ્યાસ – આ વાણીનું તપ કહેવાય છે.
વાણીનું તપ ત્યારે કહેવાય જ્યારે આપણે જે વાક્ય બોલીએ તેનાથી અન્યને ઉદ્વેગ ન થાય, અન્યની લાગણી ન દુભાય. ‘પણ સ્વામીજી ! સત્ય હંમેશાં કડવું જ હોય છે અને તેથી લોકોને ગમતું હોતું નથી’, એમ કહો તો તેનો ઉત્તર એ છે કે આપણા બોલવાથી બીજાની લાગણી દુભાતી હોય તો મૌન રાખવું – બોલવું નહીં. આપણે જે બોલીએ તે સત્ય જ બોલીએ. જૂઠાણાનો કે અસત્યનો આશ્રય ન લઈએ. પણ ઘણી વાર આપણે સત્ય બોલીએ તો તે લોકોના હૃદયમાં સોંસરવું ઊતરી જાય, લોકોને અપ્રિય થઈ પડે એવું હોય ત્યારે મૌન રાખવું એ વધારે યોગ્ય છે.

મનુસ્મૃતિ કહે છે કે, સત્ય બોલવું જોઈએ, પરંતુ સાથે સાથે તે પ્રિય હોવું જોઈએ, મધુર હોવું જોઈએ. કઠોરતાનો ત્યાગ કરો. કઠોરતા એ તમોગુણ છે. વાણીમાં મધુરતા આણવા માટે મનમાં પણ મધુરતા આણવી પડશે. વળી, જે બોલીએ તે હિતકારી હોવું જોઈએ. અર્થાત્‌ આપણા બોલવાથી કાંઈ અર્થ સરતો હોવો જોઈએ. જે બોલવાથી કાંઈ હિત સરતું ન હોય કે કોઈ હેતુ સિદ્ધ થતો ન હોય તે ન બોલવું જોઈએ. પોતાની શક્તિનો વ્યય ન કરવો જોઈએ.

🧼 હવે સફાઈ સરળ – મિનિટોમાં ઘર ચમકાવો!
⚡ Electric Spin Scrubber – હવે જ ખરીદો
🚚 ફ્રી ડિલિવરી | 💵 COD ઉપલબ્ધ | 🔋 રિચાર્જેબલ

આમ, કોઈને ઉદ્વેગ થાય તેવું ન હોય, મધુર હોય, અન્યને પ્રિય હોય અને વળી જેનાથી કાંઈ હિત સચવાતું હોય એવું અને એટલું જ બોલવું જોઈએ. આવી શિસ્ત, આવો સંયમ રાખીશું તો આપણું નેવું ટકા બોલવાનું બંધ થઈ જશે. આજે
બોલીએ છીએ તેના દશ ટકા જ બોલીશું તો પણ આપણો સઘળો વ્યવહાર ચાલશે. ડોંગરેજી મહારાજ કહેતા : ‘વાણી અને પાણીનો વ્યય ન કરવો જોઈએ.’ આ બન્ને મૂલ્યવાન વસ્તુ છે. વાણીનો ઉપયોગ વિષ્ણુસહસ્રનામ સ્તોત્ર, શિવમહિમ્ન સ્તોત્ર, ભગવદ્‌ગીતા વગેરેના પઠન-પાઠનમાં તથા સંકીર્તનમાં થાય તે શ્રેષ્ઠ છે. આ છે વાણીનું તપ. આ એક જ તપનો નિયમ લઈશું તો આત્મસંયમ માટેનો માર્ગ ખૂલી જશે. બોલવામાં સાવધાની રાખવાથી મન પણ સાવધાન બનશે અને તેના ઉપર પણ સંયમ આવતો જશે.

આ પણ વાંચો:- Self-Control: ક્ષમા અને તિતિક્ષાનું મહત્ત્વ: પૂજય સ્વામીશ્રી વિદિતાત્માનંદ સરસ્વતીજી

જીભને સંબંધિત બીજી તપશ્ચર્યા છે સ્વાદની, આહારની. આહાર દેહની પુષ્ટિ માટે છે, સ્વાદ માટે નહીં. મોટા ભાગનો આપણો આહાર માત્ર સ્વાદ માટે જ લેવાતો હોય છે. જાતજાતના મસાલા, તીખાં તમતમતાં અથાણાં, તળેલાં પાપડ-પાપડી, આવો બધો માત્ર સ્વાદ ખાતર જ લેવાતો અને પ્રકૃતિને પ્રતિકૂળ આહાર રોગો અને દુઃખ ઉત્પન્ન કરે છે. આહારના સંયમનો અર્થ છે દેહની પુષ્ટિ અર્થે આહાર લેવો, સાદો અને અનુકૂળ આહાર લેવો અને જરૂરી માત્રામાં જ લેવો. જેટલી ભૂખ હોય તેટલો જ આહાર લેવો જોઈએ.

યોગશાસ્ત્ર કહે છે કે, આપણને જેટલી ભૂખ હોય તેના અડધા આહારથી જ પેટ ભરવું જોઈએ, પેટનો ચતુર્થાંશ ભાગ જળ કે અન્ય પ્રવાહીથી ભરવો જોઈએ અને બાકીનો ચતુર્થાંશ ભાગ વાયુના સંચરણ અર્થે ખાલી રાખવો જોઈએ. સ્વાદ વસ્તુ એવી છે કે જે પ્રમાણેનો સ્વાદ કેળવવા ઇચ્છીએ તે પ્રમાણેનો સ્વાદ કેળવી શકીએ. કડવું ન ભાવતું હોય પરંતુ વારંવાર ખાવાથી તે પણ ભાવતું થઈ જાય છે. મન એવું છે કે જેનો અભ્યાસ થાય તે વસ્તુ તેને ગમવા માંડે છે અને તેથી પ્રયત્ન કરીશું તો મસાલેદાર, તમતમતું ખાવાની જે જરૂર અત્યારે લાગે છે તેમાંથી મુક્ત થઈશું અને સાદા આહારનો આનંદ પણ આપણે માણતા થઈશું.

વાણી અને સ્વાદ વિષે સાવધાન રહેવાથી જીભ પર સંયમ આવતો જશે અને તે પછી ધીમે ધીમે અન્ય ઇન્દ્રિયો અને મન પર પણ સંયમ આવતો જશે.