Hanuman jayanti violence: હનુમાન જયંતીના રોજ દિલ્હીમાં 6 પોલીસકર્મી સહિત 7 ઘાયલ, અમિત શાહે આકરી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો
Hanuman jayanti violence: પોલીસે તે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાની મદદથી આરોપીઓને શોધવા પ્રયત્નો શરૂ કરી દીધા છે અને 15 જેટલા ઉપદ્રવીઓને કસ્ટડીમાં પુર્યા છે
નવી દિલ્હી, 17 એપ્રિલઃ Hanuman jayanti violence: દિલ્હીમાં હનુમાન જન્મોત્સવ દરમિયાન શનિવારે જહાંગીરપુરી વિસ્તારમાં 2 સમુદાયો વચ્ચે હિંસા ભડકી ઉઠી હતી. પોલીસના કહેવા પ્રમાણે સાંજે 6:00 કલાકે આ પ્રકારની તણાવની ઘટના દરમિયાન પથ્થરમારો થયો હતો અને કેટલાક વાહનોમાં આગ ચાંપવામાં આવી હતી.
સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જહાંગીરપુરી તથા અન્ય સંવેદનશીલ વિસ્તારોમાં વધારાના સુરક્ષાકર્મીઓને તૈનાત કરી દેવામાં આવ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે અધિકારીઓ સાથે વાત કરીને આવા તત્વો વિરૂદ્ધ આકરી કાર્યવાહી કરવા માટે નિર્દેશ આપ્યો છે. સાથે જ સ્પેશિયલ સેલ દ્વારા આ મામલે તપાસ કરવા કહેવામાં આવ્યું છે. તમામ પક્ષો દ્વારા લોકોને શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે. સાથે જ આ પ્રકારની હિંસામાં સંડોવાયેલા 15 આરોપીઓને કસ્ટડીમાં પુરવામાં આવ્યા છે.
પોલીસે તે વિસ્તારોમાં રહેતા લોકોને ઘરની અંદર રહેવા માટે વિનંતી કરી છે અને સાથે જ લાઈટ ચાલુ રાખવા માટે પણ સૂચના આપી છે.
દિલ્હી પોલીસના PRO અન્યેશ રોયે જણાવ્યું કે, દર વર્ષની માફક હનુમાન જયંતીના અવસર પર પરંપરાગત શોભાયાત્રા યોજવામાં આવી હતી. શોભાયાત્રા જ્યારે કુશલ સિનેમા પાસે પહોંચી તો 2 સમુદાયો વચ્ચે અથડામણ થઈ હતી અને પથ્થરમારો પણ કરવામાં આવ્યો હતો.
પોલીસે ફાયરિંગ થયું હોવાની આશંકા વ્યક્ત કરી છે અને એક પોલીસ કર્મચારીને ગોળી પણ વાગી છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે 6 રાઉન્ડ ફાયરિંગ થયા છે પરંતુ તેની કોઈ સત્તાવાર પૃષ્ટિ નથી થઈ શકી. શોભાયાત્રા જ્યારે મસ્જિદની નજીક પહોંચી ત્યારે અથડામણની શરૂઆત થઈ હતી.
પોલીસને એવી પણ શંકા છે કે, ઘરોની છત પર પહેલેથી જ પથ્થર જમા કરવામાં આવ્યા હતા. આ કારણે પોલીસ તેના નિશાન શોધવા માટે ડ્રોનની મદદ લઈ રહી છે. ઉપરાંત જો હજુ પણ ઘરની છત પર પથ્થરો જમા કરેલા હશે તો તેને પણ શોધી શકાશે. હિંસાની આ ઘટનાને કંટ્રોલમાં લેવામાં આશરે 1 કલાક જેટલો સમય લાગ્યો હતો અને 8 વાગતા સુધીમાં સ્થિતિ કંટ્રોલમાં આવી ગઈ હતી.
પોલીસે તે વિસ્તારમાં લાગેલા CCTV કેમેરાની મદદથી આરોપીઓને શોધવા પ્રયત્નો શરૂ કરી દીધા છે અને 15 જેટલા ઉપદ્રવીઓને કસ્ટડીમાં પુર્યા છે. જ્યારે શંકાના આધારે આશરે એકાદ ડઝન જેટલા લોકોની પુછપરછ કરવામાં આવી રહી છે. તે સિવાય સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા ફુટેજની પણ તપાસ થઈ રહી છે.
