Ma Siddhidatri: મા સિદ્ધિદાત્રી, જે દેવીનું પૂર્ણ સ્વરૂપ છે અને સર્વે સિદ્ધિઓને આપનારા છે


Ma Siddhidatri: આઠ-આઠ દિવસ સુધી આપણે બધા એ મા દુર્ગાનાં અલગ-અલગ સ્વરૂપોની પૂજા અર્ચના કરી અને આજે નવરાત્રિનું નવમું અને અંતિમ નોરતું એટલે કે મા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવાનો દિવસ પણ આવી પહોંચ્યો. નવદુર્ગાનું સિદ્ધિ અને મોક્ષ આપનારું સ્વરૂપ એટલે મા સિદ્ધિદાત્રી, જે દેવીનું પૂર્ણ સ્વરૂપ છે અને સર્વે સિદ્ધિઓને આપનારા છે. આ દિવસે માતાની પૂજા કરવાથી સંપૂર્ણ નવરાત્રિની ઉપાસનાનું ફળ મળે છે. મહાનવમી પર શક્તિ પૂજા પણ કરવામાં આવે છે અને વિજય માટે અર્ચના પણ કરવામાં આવે છે.
સિદ્ધિદાત્રી એ મા સરસ્વતીનું પણ સ્વરૂપ છે, જે શ્વેત વસ્ત્રાલંકારથી યુક્ત મહાજ્ઞાન અને મધુર સ્વરથી પોતાના ભક્તોને સંમોહિત કરે છે. આજનાં દિવસે મા સરસ્વતીની ઉપાસના કરવાનું પણ વિધાન છે જેથી વિદ્યા અને બુદ્ધિમાં પ્રતાપ આવે. એવી માન્યતા છે કે માતાનાં આ નવમા સ્વરૂપની ઉપાસના કરવાથી વ્યક્તિને યશ, ધન, મોક્ષ અને તમામ પ્રકારની સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં તમામ દેવી દેવતાઓને પણ માતા સિદ્ધિદાત્રીએ જ સિદ્ધિ આપી છે.
માર્કન્ડેયપુરાણ મુજબ અણિમા, મહિમા, ગરિમા, લઘિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિત્વ આ આઠ સિદ્ધિઓ હોય છે. બ્રહ્મવૈવર્ત્તપુરાણનાં શ્રી કૃષ્ણ જન્મખંડમાં આ સંખ્યા અઢારની દર્શાવવામાં આવી છે જેમના નામ છે:
૧. અણિમા ૨. લઘિમા 3. પ્રાપ્તિ ૪. પ્રાકામ્ય ૫. મહિમા ૬. ઇશિત્વ, વશિત્વ ૭. યત્રકામાવસાયિત્વ ૮. સર્વજ્ઞત્વ ૯. દૂરશ્રવણ ૧૦. પરકાયપ્રવેશન ૧૧. વાકસિદ્ધિ ૧૨. કલ્પવૃક્ષત્વ ૧૩. સૃષ્ટિ ૧૪. સંહરાકરણસામર્થ્ય ૧૫. અમરત્વ ૧૬. સર્વન્યાયકત્વ ૧૭. ભાવના ૧૮. સિદ્ધિ
મા સિદ્ધિદાત્રી ભકતો અને સાધકોને આ સર્વે સિદ્ધિઓ પ્રદાન કરવા સમર્થ છે. દેવપુરાણ મુજબ ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી, તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું બન્યું હતું. આ જ કારણે તેઓ આ લોકમાં ‘અર્ધનારીશ્વર’ નામે પ્રસિદ્ધ થયાં.
सिद्धगन्धर्वयक्षाद्यैरसुरैरमरैरपि। सेव्यमानासदाभूयात्सिद्धिदासिद्धिदायिनी॥
મા સિદ્ધિદાત્રી ચાર ભુજાઓવાળા છે. તેમનું વાહન સિંહ છે પણ તેઓ કમળ પર પણ બિરાજમાન થાય છે. એમના જમણી બાજુનાં નીચેના હાથમાં ચક્ર, ઉપરવાળા હાથમાં ગદા તેમજ ડાબી બાજુનાં નીચેના હાથમાં શંખ અને ઉપરવાળા હાથમાં કમળ શોભાયમાન છે. મા સિદ્ધિદાત્રી તેમના નામ પ્રમાણે જ વ્યક્તિઓને સિદ્ધિ આપી, તેમની અનેક મુશ્કેલીઓનો અંત આણે છે. એમની ઉપાસના કરવાથી વ્યક્તિનાં જીવનમાં રહેલી નિરાશાનો અંત આવે છે.
મા સિદ્ધિદાત્રીની કૃપા આપના અને આપના પરિવાર પર સદાય બની રહે એવી શુભેચ્છાઓ..!!
या देवी सर्वभूतेषु सिद्धिदात्री रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।
દરેક દેવીનું નામ તેમના ખાસ સ્વરૂપ પ્રમાણે અને દેવીનું સ્વરૂપ તેમની શક્તિ પ્રમાણે છે. એટલે નવરાત્રિમાં દરેક દેવીની પૂજા માટે એક ખાસ દિવસ નક્કી કરવામાં આવે છે. જેનાથી દરેક દેવીની વિશેષ પૂજાનું અલગ ફળ મળે છે.
દેવી શૈલપુત્રીની પૂજાથી શક્તિ મળે છે. ત્યાં જ, બ્રહ્મચારિણી દેવીની પૂજાથી પ્રસિદ્ધિ, દેવી ચંદ્રઘંટાની પૂજાથી એકાગ્રતા, દેવી કુષ્માંડાથી દયા, મા સ્કંદમાતાથી સફળતા અને મા કાત્યાયની દેવીની પૂજાથી કામકાજમાં આવી રહેલાં વિઘ્નો દૂર થાય છે. સાથે જ દેવી કાળરાત્રિની પૂજાથી દુશ્મનો ઉપર વિજય પ્રાપ્ત થાય છે, દેવી મહાગૌરીથી ઉન્નતિ, સુખ, એશ્વર્ય અને સિદ્ધિદાત્રી દેવીની પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે.

આદ્યશક્તિ, જગત જનની જગદંબા, મા ભગવતીએ મહિષાસુરનો નાશ કરવા નવ દિવસ ખેલેલાં મહાભયંકર યુધ્ધને આપણે નવરાત્રિ તરીકે પુજા અર્ચના કરી ઉજવીએ છીએ. મહિષાસુરરૂપી રાગ, દ્વેષ, ઈર્ષા, મોહ, માયા અને અભિમાન જેવા તત્ત્વોને ઓળખવાની અને તેનાથી બચવાની શક્તિ માતાજી આપને અને આપના પરિવારને આ પર્વ નિમિતે આપે એ પ્રાર્થના આપણે સહુએ મળીને કરવાની છે.
મા દુર્ગાની આ તમામ નવ શક્તિઓને આજે આપણે ફરી એક વાર પવિત્ર ભાવથી વિનવીએ કે, હે મા ! ત્રિલોકમાં જો ત્રણેય દેવતાઓ પણ આપત્તિનાં સમયે તમારાં શરણે આવતા હોય અને તમારી આરાધના કરતા હોય તો અમે તો તુચ્છ માનવજાત.
અમારા અસંખ્ય અને અક્ષમ્ય અપરાધોને તમારાં બાળ ગણી ક્ષમા કરો મા અને આ આવાનરી તમામ આપત્તિમાંથી સહુને ઉગારી નવજીવનનો સંચાર કરો બસ એ જ પ્રાર્થના સમગ્ર માનવજાત વતી ફરીફરીને કરું છું..!! – વૈભવી જોશી
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો