akshay tritiyaq

Parashuram Jayanti: અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ

Parashuram Jayanti: આજનો દિવસ ખૂબ જ ખાસ છે કેમ કે આજનો દિવસ આ વર્ષમાં આવતાં ૪ વણજોયાં મુહુર્તમાંથી એક છે. આખાં વર્ષમાં ચૈત્ર સુદ એકમ, અક્ષય તૃતીયા, કારતક સુદ એકમ અને દશેરા આ ચાર મુહૂર્ત વણજોયાં કહેવાય છે. આજે વૈશાખ મહિનાનાં શુક્લપક્ષની તૃતીયા તિથિ છે જે અક્ષય તૃતીયાનાં તહેવાર તરીકે ઉજવવામાં આવે છે.

કેટલાક સ્થાનો પર તેને “અખાત્રીજ” પણ કહે છે. સનાતન ધર્મમાં આ તિથિનું વિશેષ મહત્વ છે કારણ કે અક્ષયતિથિ અર્થાત જેનો કદી ક્ષય નથી થતો એવી તિથિ. અખાત્રીજ એ સ્વયંસિદ્ધ મુહૂર્ત છે તેથી આ દિવસે વિવાહ, વેપાર પ્રારંભ, ગૃહ આરંભ વગેરે દરેક શુભકાર્ય નિર્વિઘ્ન કરી શકાય છે. તેથી જ આ દિવસે સૌથી વધુ લગ્નો પણ થાય છે.

Parashuram Jayanti: Vaibhavi joshi

શાસ્ત્રોક્ત મુજબ આ દિવસે જો કૃતિકા નત્રક્ષ હોય તો તે વિશેષ ફળદાયી હોય છે. આ તિથિનાં રોજ કરવામાં આવેલ દાન-ધર્મનો અક્ષય મતલબ નાશ ન થનારું ફળ અને પુણ્ય મળે છે. તેથી સનાતન ધર્મમાં દાન ધર્મનો આ અચૂક કાળ માનવામાં આવે છે. તેને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે. કારણ કે આ તિથિ ૮ ચિરંજીવીઓમાંનાં એક ભગવાન પરશુરામની જન્મતિથિ પણ છે.

Advertisement

ત્રેતાયુગની શરૂઆત પણ આ શુભ તિથિનાં રોજથી માનવામાં આવે છે. અખાત્રીજને દિવસે મા લક્ષ્મીની આરાધના થાય છે. આ દિવસે માતા લક્ષ્મીની પૂજા પુણ્યદાયી અને મહામંગળકારી માનવામાં આવે છે. સતયુગ અને ત્રેતાયુગનો પ્રારંભ પણ અખાત્રીજથી થયો હતો. આ દિવસથી બદ્રીનાથધામનાં દ્વાર ખૂલે છે અને ચારધામની યાત્રાની શરુઆત થાય છે. આજના દિવસે લોકો સોનાની ખરીદી પણ કરતા હોય છે.

અક્ષય-તૃતીયાનાં દિવસે જગન્નાથજી મંદિર જમાલપુર-અમદાવાદ ખાતે પરંપરાગત રીતે રથયાત્રાનાં દિવસે નીકળનારા ભગવાનનાં સમાર-નિર્માણ કાર્યનો પ્રારંભ પણ થાય છે. શાસ્ત્રો મુજબ વૈશાખ મહિનો વિષ્ણુ ભક્તિનો શુભ કાળ છે. પૌરાણિક માન્યતાઓ મુજબ આ મહિનાની અક્ષય તૃતીયાએ જ ભગવાન વિષ્ણુનાં નર નારાયણ, હયગ્રીવ અને (Parashuram Jayanti) પરશુરામ અવતાર થયા હતા. તેથી આ દિવસે પરશુરામ જયંતિ અને નર-નારાયણ જયંતિ પણ ઉજવાય છે.

એ સિવાય આ મહિનામાં મોહિની એકાદશી ત્યારબાદ નૃસિંહ જયંતિ અને પછીનાં દિવસે વૈશાખ સુદ પૂનમ એટલે કે શ્રી વિષ્ણુનાં બીજા અવતાર કૂર્મ જયંતિ અને એના ૨ દિવસ પછી નારદ જયંતિ અને મહિનાનાં અંતમાં અપરા એકાદશી પણ આવશે. જો કે આજનાં દિવસમાં સૌથી વધારે પરશુરામ જયંતિનું મહત્વ છે. ચાલો આજે સહુથી પહેલાં જેનું આગવું મહત્વ છે એવી પરશુરામ જયંતિ પર એમની સાથે જોડાયેલી રસપ્રદ કથાઓ વિશે જાણીયે.

Advertisement

પૌરાણિક કથા મુજબ જમદગ્નિનાં પિતા મહાન ઋષિ રુચિકા હતાં જેમનો વિવાહ ચંદ્રવંશી રાજા ગધીની પુત્રી સત્યવતી સાથે થયો હતો. સત્યવતી ગધી રાજાની એકની એક પુત્રી હતી જેથી તેનાં વિવાહ પછી સામ્રાજ્ય સંભાળવાવાળું કોઈ નહોતું જેના કારણે સત્યવતી હંમેશા ચિંતિત રહેતાં. કારણ જાણ્યાં પછી ઋષિએ પોતાની ધ્યાનશક્તિથી બે ઔષધિઓ બનાવી એમાંથી એક એની માતાને આપવાં કહ્યું અને એક એણે પોતાને લેવાની હતી. માતાને જે ઔષધિ આપવાની હતી એમાંથી મહાન યોદ્ધાનો જન્મ થવાનો હતો અને એણે જે ઔષધિ લેવાની હતી એમાંથી મહાન ઋષિનો જન્મ થવાનો હતો.

એની માતાને ઋષિ પર ભરોસો ન હોવાથી એણે ઔષધિઓ બદલી નાખી અને પરિણામે માતાને ઉત્તમ બ્રાહ્મણ પુત્ર ઉત્પન્ન થયો જેનું નામ કૌશિકા હતું. કૌશિકા કઠોર તપ કરીને સાધુ બન્યા જે વિશ્વામિત્ર કહેવાયા. ક્ષત્રિય કુળમાં જન્મ્યા હોવાં છતાં વિશ્વામિત્ર બ્રહ્મર્ષિ કહેવાયાં.

આ બાજુ સત્યવતીને યોદ્ધા નહિ પણ ઋષિ જેવો પુત્ર જોઈતો હતો એટલે એણે ઋષિને વિનંતી કરી કે આવું થતાં અટકાવે. ઋષિએ કહ્યું કે હું એને સંપૂર્ણ અટકાવી તો ન શકું પણ પાછલી પેઢી તરફ જરૂર ધકેલી શકું જેથી તારો પુત્ર નહિ પણ પૌત્ર જરૂર એક યોદ્ધા બનશે. ઋષિએ એને એક ફળ ખાવાં આપ્યું જેથી આવનારાં પુત્રમાં યોદ્ધાની શક્તિ ન રહે. આ રીતે રુચિકાની પત્નીએ ઋષિ જમદગ્નિને જન્મ આપ્યો જે મહાન સંન્યાસી અને સપ્તર્ષિમાંના એક કહેવાયા.

Advertisement
parshu ram jayanti

ઋષિ રુચિકાનાં કથન અનુસાર એમની શક્તિઓ એમની પછીની પેઢીમાં જોવા મળવાની હતી. રેણુકા અને જમદગ્નિનું સંતાન પરશુરામ રૂચિકાની શક્તિઓના કારણે યોદ્ધાનાં ગુણ પામ્યું. યોદ્ધાનાં ગુણ આવવાથી બ્રાહ્મણ કુળમાં જન્મ હોવાં છતાં તેમનામાં રહેલાં ઉત્તમ ક્ષત્રિયોનાં ગુણનાં કારણે તેઓ સંસારનાં મહાન યોદ્ધા તરીકે ઓળખાયાં. તેમનાં જન્મનાં સમયે આકાશ મંડળમાં છ ગ્રહોનો ઉચ્ચ યોગ બનેલો હતો. ત્યારે તેમનાં પિતા અને સપ્તઋષિમાં શામેલ ઋષિ જમદગ્નિને ખબર પડી ગઈ હતી કે, તેમનું બાળક ઘણું પરાક્રમી હશે.

તેમણે ભગવાન શિવજીને પ્રસન્ન કરી એમની પાસેથી બે વરદાન મેળવ્યાં હતાં. પહેલું ઈચ્છામૃત્યુ અને બીજું પરશુ [શસ્ત્ર] માંગ્યુ હતું. આમ તો એમનું નામ ભાર્ગવ રામ હતું પણ શિવજી તરફથી પરશુ શસ્ત્ર મેળવ્યાં પછી તેઓ પરશુરામ કહેવાયાં અને એ જ કારણે તેમનો કદી પરાજય થયો ન હતો. અમુક સંદર્ભો પ્રમાણે એમનાં ચાર ભાઈ હતાં જેમનાં નામ વાસુ, વિસ્વાસુ, બૃહધાનું, બૃતવાકંવા અને પાંચમા તથા સહુથી નાનાં પરશુરામ જે અષ્ટચિરંજીવીઓમાંથી એક માનવામાં આવે છે. પરશુરામનું જન્મસ્થળ મધ્યપ્રદેશમાં ઓમકારેશ્વર પાસે આવેલું માનવામાં આવે છે.

પરશુરામ ભગવાન વિષ્ણુના અંશાવતાર ગણાય છે. તેઓ શિવજીનાં પરમ ભક્ત હતાં. પરશુરામ અત્યંત પિતૃભક્ત હતાં. પોતાનાં ક્રોધી સ્વભાવ અને પિતૃભક્તિને કારણે તેમણે પોતાની માતા રેણુકાનું માથું વાઢી નાખ્યું હતું અને પછીથી પિતા પાસે વરદાનમાં માતાનું જીવતદાન પણ માંગ્યું હતું. કહેવાય છે કે પરશુરામે પૃથ્વીને એકવીસ વાર નિઃક્ષત્રિય કરી હતી. એની પાછળ પણ ખુબ રસપ્રદ કથા છે તો ચાલો એ પણ જણાવું આજે.

Advertisement

એક પૌરાણિક માન્યતાં અનુસાર પ્રાચીન સમયમાં મહિષ્મતી નગરી પર શક્તિશાળી હૈહવવંશી ક્ષત્રિય કાર્તવીર્ય અર્જુન (સહસ્ત્રબાહુ)નું શાસન હતુ. તેણે ગુરુ દત્તાત્રેયની સેવા કરી તેમની પાસેથી હજાર બાહુઓ અને કોઈનાથી નાશ ન થઈ શકનાર તેવી આઠ સિદ્ધિઓ મેળવી હતી. એક વખત ઘોર જંગલમાં મૃગયાં માટે નીકળેલા ત્યારે તે જમદગ્નિનાં આશ્રમ જઈ ચડયા. થોડો આરામ કરવા માટે તે જમદગ્નિનાં આશ્રમમાં રોકાઈ ગયાં. તેમણે જોયું કે કામધેનુ ગાયે ઘણી સરળતાથી આખી સેના માટે ભોજનની વ્યવસ્થા કરી દીધી છે, ત્યારે કાર્તવીર્ય અર્જુનનાં મનમાં લાલચ જાગી અને જમદગ્નિ પાસે ગાયની માંગણી કરી.

પરંતુ જમદગ્નિએ તેમ કરવાની ના પાડી ત્યારે તેણે ઋષિની કામધેનુ ગાયને હરી લેવાં સૈનિકોને આજ્ઞા કરી, એટલે બરાડા પાડતી કામધેનુને તેનાં વાછરડા સાથે બળજબરીથી માહિષ્મતી નગરી તરફ લઈ ચાલ્યા ગયાં. એટલામાં પરશુરામ આશ્રમમાં આવ્યા ને સહસ્ત્રાર્જુનની દુષ્ટતાં સાંભળી તરત જ ભયંકર ફરશી, ભાલો, ઢાલ તથા ધનુષ્ય લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા. પરશુરામે તેમની કઠોર ધારવાળી ફરશીથી સહસ્ત્રાર્જુનની ભુજાઓ કાપી નાખી અને કપાયેલાં બાહુઓવાળા તેનાં મસ્તકને પણ ઉડાડી દીધું.

સહસ્ત્રાર્જુન મરાયો તેથી તેના દસ હજાર પુત્રો ભયથી નાસી ગયાં. પછી પરશુરામે દુ:ખી થયેલી કામધેનુને આશ્રમમાં લાવી પિતાને સોંપી. જો કે ઋષિ જમદગ્નિ આ સંહારથી દુ:ખી થયાં અને કહ્યું કે પરશુરામ જેના પર રાજયાભિષેક થયો હોય તેનો વધ બ્રહ્મહત્યા કરતાં પણ વધારે છે. પરશુરામને તેઓએ ભગવાનમાં મન લગાવી તીર્થસેવન કરવાની શિખામણ આપી. પછી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા ફર્યા.

Advertisement

કાર્તવીર્ય અર્જુનના વધનો બદલો તેનાં પુત્રોએ જમદગ્નિ મુનિનો વધ કરીને લીધો. ક્ષત્રિયોનું આ નિમ્ન કામ જોઈને ભગવાન પરશુરામ ખૂબ જ ક્રોધિત થયાં અને તેમને કાર્તવીર્ય અર્જુનનાં બધા જ પુત્રોનો વધ કરી નાખ્યો. જે-જે ક્ષત્રિય રાજાઓએ તેમનો સાથ આપ્યો, પરશુરામે તેમનો પણ વધ કરી નાખ્યો. માતા રેણુકાએ પતિનાં મરણ સમયે દુ:ખમાં એકવીસ વાર છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર પૃથ્વીને નિ:ક્ષત્રિય કરી હતી.

આ પ્રકારે ભગવાન પરશુરામે ૨૧ વાર ધરતીને ક્ષત્રિય વિહોણી કરી દીધી હતી. અમુક પુરાણોમાં એવો પણ સંદર્ભ છે કે પિતાના શરીર ઉપર ૨૧ ઘા જોઈને પરશુરામે પ્રતિજ્ઞા કરી કે, તે આ ધરતી ઉપરથી સમસ્ત ક્ષત્રીય વંશોનો સંહાર કરી દેશે. ત્યાર પછી પુરાં ૨૧ વખત તેમણે પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો વિનાશ કરી પોતાની પ્રતિજ્ઞા પૂરી કરી હતી.

બ્રહ્મવૈવર્ત પુરાણમાં જણાવ્યા પ્રમાણે એકવાર પરશુરામ ભગવાન શિવના દર્શન કરવા કૈલાશ પહોંચ્યા ત્યારે ભગવાન શિવ ધ્યાનમાં બેઠાં હતાં. શ્રીગણેશે પરશુરામને શિવજીને મળવાં ન દીધાં. આ વાતે ક્રોધિત થઈને પરશુરામે પરશુ (કુહાડી)થી શ્રીગણેશ પર વાર કર્યો. આ પરશુ ભગવાન શિવે જ આપ્યું હતું. તેથી શ્રીગણેશ આ પરશુનાં વારને ખાલી જવાં દેવાં માંગતા ન હતાં એટલા માટે તેમણે એ પરશુનો વાર પોતાના દાંત પર ઝીલી લીધો. આ કારણે તેમનો એક દાંત તૂટી ગયો. ત્યારથી ગણેશજીને એકદંત કહેવામાં આવે છે.

Advertisement

આ પણ વાંચો:-Ambaji temple aarti timing: અંબાજી મંદિરમાં થતી આરતી હવે ત્રણ સમય કરવામાં આવશે, જાણો…

આવી તો અનેક કથાઓ આજનાં દિવસ સાથે જોડાયેલી છે. અખાત્રીજ ખેડૂતો માટે પણ નવું વર્ષ ગણાય છે. આજનાં પવિત્ર દિવસે ખેડૂતો હળોતરાં કરે છે. આમ ખેતીનાં નૂતન વર્ષ સમાન અખાત્રીજનાં દિવસે વહેલી પરોઢે ખેડૂત પરિવારનાં વડીલ સભ્ય દ્વારા હળ જોડી ખેતી કાર્યનું મૂહૂર્ત થાય છે.

પહેલાંના સમયમાં ખેડૂતો પાસે કોઈ હવામાન ખાતાનું જ્ઞાન નહિ પણ ખેડૂત અખાત્રીજ આવે અને બળદ લઈને સીમ ભણી ખેતરે ખેડ કરવા તૈયાર રહેતો. આ દિવસનો મહિમા ખેડુતો માટે અનેરો છે. આ દિવસે પ્રકૃતિની પૂજા અર્ચના કરવાથી અન્નનું ઉત્પાદન સારું થાય અને પશુઆરોગ્ય જળવાઈ રહે એવી પણ માન્યતાઓ છે.

Advertisement

આધુનિકરણમાં હવે ગામડામાં રીવાજ ભુલાયાં છે. પહેલાં પરંપરાગત રીતે આખુ વર્ષ ખેતી કામ માટે રાખેલ બળદને ખેડૂત ચાંદલો કરી ખેતરમાં જાય અને મુહૂર્તનાં પાંચ આંટા મારી ખેતીનાં નવા વર્ષની શરૂઆત કરી ખેડૂત પ્રાથનાં કરતો,

” હે, મા મારું વરસ સારું જજે, કણનો મણ કરજે.”

ખેતરમાં પછી હળોતરું ચાલુ થાય ને સાથે મીઠું ગીત લલકારતો જાય જગતનો તાત,

Advertisement

“હા….રે ખેડ ખેડો વૈશાખ આ બેઠો,

અખાત્રીજ આવી…

જો જો મુહૂર્તના જાય ઓ બાપલા

Advertisement

હાકો બળદ હવે હેતથી…”

આપ સહુને મારા તરફથી અક્ષય તૃતીયા અને પરશુરામ જયંતિની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ.!! ગમે તેટલી કપરી પરિસ્થિતિમાં પણ હાર ને ખમી જઈને જીતની ઉજાણી કરે એવા આપણાં ખમીરવંતા ખેડૂતોને કોટી-કોટી વંદન.

આવો આપણે સહુ મળીને પ્રાર્થના કરીયે કે, ‘હે ઈશ્વર ! જેમનાં કારણે મારાં નસીબમાં બે ટંકનું ખાવાનું છે એવા જગતનાં તાતને ક્યારેય કોઈ વાતે ખોટ ન પડે એટલું સંભાળજે મારાં વ્હાલાં..!!”- વૈભવી જોશી

Advertisement
Gujarati banner 01
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *