shivratri image 600x337 1

Shiv mahima: આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ??

Vaibhvi joshi
વૈભવી જોશી ‘ઝીલ’ સિડની આસ્ટ્રેલિયા

Shiv mahima: આ શિવતત્ત્વ શું છે એ જો કોઈને અક્ષરશઃ સમજાઈ જાય તો પછી કદાચ જીવનમાં બીજું કઈ સમજો કે ન સમજો કોઈ જ ફેર પડે છે ખરાં ?? એવું જ આ એક અક્ષર ‘🕉‘ નું પણ છે, મને નથી લાગતું સમસ્ત બ્રહ્માંડમાં આનાથી શક્તિશાળી શબ્દ કોઈએ જોયો કે અનુભવ્યો હશે અને કદાચ ભવિષ્યમાં કોઈ જોશે પણ નહિ. ગમે તેટલું તમે કલમથી શબ્દોને શણગારતાં હોવ પણ મને નથી લાગતું કે આ બે શબ્દ; ‘ૐ’ અને ‘શિવ’; દુનિયાનો કોઈ પણ સાહિત્યકાર, લેખક કે આલા દરજ્જાનો કવિ આ બે શબ્દોનો સાચો મર્મ ઉજાગર કરવા માટે સક્ષમ છે, હું તો દૂર-દૂર સુધી નહિ. એ છતાંય આજ સુધી મારાં જેવા દરેક નાનામાં નાનાં માણસથી લઈને મોટાં-મોટાં સંતો, મહંતો કે ઋષિમુનિઓ આ શબ્દનો મહિમા આલેખતાં આવ્યા છે.

કદાચ દરેકેદરેક જીવ માટે શિવતત્ત્વ અલગ જ છે. દરેકની અનુભૂતિ અલગ છે. શિવમાં જેટલાં ઊંડા ઉતરો એટલા જ ઉપર તરી આવો એવો ઘાટ છે. શિવપુરાણમાં ઉલ્લેખ છે કે શિવનાં નિરાકાર સ્વરૂપનું પ્રતીક ‘લિંગ’ શિવરાત્રીની પવિત્ર તિથિનાં મહાન દિવસે પ્રગટ થયેલું જેની સૌથી પહેલાં બ્રહ્મા અને વિષ્ણુ દ્વારા પૂજા કરવામાં આવી હતી. વાતાવરણ સહિત પૃથ્વી અથવા અનંત બ્રહ્માંડનો ભાગ જ લિંગ છે. તેથી તેની શરૂઆત અને અંત દેવતાઓ માટે પણ અજ્ઞાત છે. આપણાં પુરાણોમાં જણાવ્યા પ્રમાણે દરેક દેવદેવીઓ માટે વિશેષ દિવસ, વાર-તહેવાર, ઉત્સવ કે પર્વ હોય જ છે પણ કદાચ જેના દિવસો નહિ આખે આખો મહિનો સમર્પિત હોય એવા એકમાત્ર દેવાધિદેવ મહાદેવનો મહાઉત્સવ એટલે મહાશિવરાત્રી. આપણાં વેદોમાં ત્રણ મહાન રાત્રીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

એક તો કાળરાત્રી જે કાળી ચૌદસને નામે ઓળખાય છે, બીજી મોહરાત્રી જે જન્માષ્ટમીની રાત્રી તરીકે પ્રખ્યાત છે અને ત્રીજી મહારાત્રી જે મહાશિવરાત્રી તરીકે જાણીતી છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર આમ તો વર્ષમાં ૧૨ વખત શિવરાત્રી આવતી હોય છે. મહિનાનાં વદ પક્ષનાં તેરમાં દિવસે શિવરાત્રી હોય છે. જોકે, મહા મહિનામાં જે શિવરાત્રી આવે છે તેનું મહત્વ અનેરું જ છે જેને આપણે મહાશિવરાત્રી તરીકે ઉજવીએ છીએ. મહાશિવરાત્રી એટલે મોટી શિવરાત્રી એવી પણ કેટલાક ભક્તોમાં માન્યતા છે. તો કેટલાક એવું પણ માને છે કે આ શિવરાત્રી મહા મહિનામાં આવતી હોવાથી તેની મહાશિવરાત્રી તરીકે ઉજવણી કરવામાં આવે છે. પુરાણો અનુસાર આ દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેમ માનવામાં આવે છે અને વળી પ્રથમ જ્યોતિર્લિંગ પણ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું. કદાચ આ કારણોસર પણ એને મહાશિવરાત્રી માનવામાં આવતી હશે. જો કે મહા વદ ચૌદસનાં મહાશિવરાત્રીનો ઉત્સવ ઉજવવો કે મહા વદ તેરસનાં એ વિશે પણ ઘણા મતમતાંતર પ્રવર્તે છે.

Advertisement
om, Shiv mahima

તિથિ મુજબ આજે મહા વદ તેરસ છે અને મહાશિવરાત્રી પણ. જો કે ભોળાનાથ કોને કીધાં, અજાણતાં પણ થયેલાં વ્રતનાં પ્રભાવે જો એમની કૃપા ફળતી હોય તો પછી તિથિ તેરસ હોય ચૌદસ કે અન્ય કોઈ પણ સામાન્ય દિવસ એમની કૃપા તો ભલભલાં પર વરસે છે. અજાણતાં થયેલાં વ્રતની વાત પરથી મને આની સાથે જોડાયેલી વાત યાદ આવી ગઈ. શિવરાત્રીના દિવસે એક પારધીનાં થયેલાં હૃદય પરિવર્તનની પૌરાણિક કથાની તો આપણને બધાને જાણ હશે જ.હરણાંઓનાં વચન પર વિશ્વાસ રાખીને પારધી તેમને તેમના બાળકોને મળવા જવાની રજા આપે છે. માંડ મળેલા એક શિકારરૂપી હરણાંની રાહ જોઈ પારધી આખી રાત બીલીનાં વૃક્ષની નીચે બેસી રહે છે અને બીલીનાં પાંદડાં તોડી તોડીને નીચે નાખ્યા કરે છે.

આખા દિવસનો ઉપવાસ, રાત્રી જાગરણ અને બીલીપૂજા અને વૃક્ષની નીચે રહેલાં શિવલિંગનું અનાયાસે થયેલું પૂજન, આ બધી વાતો તેનામાં એક વિશિષ્ટ મનોદશા સર્જે છે. અને તેમાંય સવાર થતાં જ બચ્ચાં સાથે મરવા માટે પાછાં આવેલા હરણ પરિવારની કરુણા, વાત્સલ્ય અને વચનપાલન જોઈને તેનું દિલ દ્રવી જાય છે. આ માનવ ચાર પગવાળા પ્રાણીઓને તેમની મહાનતા, સચ્ચાઈ અને વચનપાલન માટે વંદન કરે છે અને તેનામાં શિવત્વ એટલે કે કલ્યાણકારી ભાવના પ્રગટ થાય છે.

વાસ્તવમાં મહાશિવરાત્રી એ રૂદ્રોત્સવ છે અને જન્મથી મૃત્યુ સુધીનો આ ઉત્સવ કહેવાય છે. આ દિવસે પશુપતિનાથે તાંડવનૃત્ય કર્યું હતું માટે તેને પ્રલયકારી એટલે મોક્ષરાત્રી પણ કહેવાય છે. મહાશિવરાત્રી મોક્ષકારી રાત્રી છે જેથી તેને નિર્ગુણ, નિરાકાર ઉપાસના રાત્રી પણ કહેવાય છે. અન્ય એક માન્યતા પ્રમાણે બ્રહ્માનાં રૂદ્ર રૂપમાં મઘ્યરાત્રીએ ભગવાન શિવનું અવતરણ થયું હતું. તો બીજી માન્યતા પ્રમાણે તાંડવ કરતાં સમયે પરાકાષ્ઠીત તાંડવે શિવજીએ ત્રીજુ નેત્ર ખોલતાં તેમાંથી નીકળેલી જ્વાળાથી બ્રહ્માંડ ભસ્મ થઇ ગયું હતું તે રાત્રીને બ્રહ્માંડ નવસર્જનની પ્રક્રિયા સાથે જોડીને જોવામાં આવે છે. આવી તો ઘણી બધી માન્યતાઓ પ્રચલિત છે.

Advertisement

આ પણ વાંચોMahashivratri: 1લી માર્ચે 6 રાજયોગમાં મહાશિવરાત્રિ ઊજવાશે, વાંચો શિવપૂજાની સરળ મંત્ર-વિધિ

Shiv mahima

આપણા હિન્દુ પંચાંગ પ્રમાણે સુર્યોદયથી દિવસ તથા વારની શરૂઆત થાય છે. આમ સુર્યોદયથી બીજા દિવસના સુર્યોદય સુધીની ૨૪ કલાકમાં ૮ પ્રહર આવે અને એ મુજબ દિવસનાં ચાર પ્રહર અને રાત્રીનાં ચાર પ્રહર. શિવરાત્રીનાં દિવસે રાત્રીનાં ચાર પ્રહરની પુજાનું મહત્વ વધારે છે જે દિવસ આથમ્યાથી શરૂ થાય છે.પણ એક માન્યતા જે ખાસ બહુ પ્રચલિત નથી એ મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહરનાં ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્ત્વ શાંત થઇ જાય છે, એટલે કે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે.

શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવ તત્ત્વ કોઇ તમોગુણનો સ્વીકાર કરતા નથી અને ન તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ સ્વીકારતા. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે. મજાની વાત એ છે કે દેવોમાં પણ શિવને લઇ બધાં અધ્ધર શ્વાસે જ હોય.

Advertisement

સ્વયં નારાયણને પણ મહાદેવનાં વરદાનોનું માન જાળવતાં જાળવતાં ધર્મની રક્ષા કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો પછી એ રામ હોય કે કૃષ્ણ. એક નિર્દોષ બાળકની જેમ ભોળાનાથને રીઝવી અને વરદાન પ્રાપ્ત કર્યાનું આપણે સહુ જાણીયે જ છીએ પછી એ રાવણ હોય કે જયદ્રથ. સમુદ્રમંથન સમયે નીકળેલ હળાહળમાંથી ન દેવો ઉગારી શક્યાં કે ન દાનવો. એને ધારણ કરનાર હતાં ફક્ત નીલકંઠ અને એટલે જ મહાદેવનાં બોલ તો અન્ય દેવો પણ નથી ઉથાપતા. એમનું વરદાન બીજા માટે શ્રાપરૂપ પણ બને એ છતાંય સઘળું સ્વીકાર્ય કેમકે એ તો રહ્યા દેવાધિદેવ. મિથ્યાભિમાન અને અહંકારનો ક્ષણભરમાં નાશ કરે અને એટલે જ કહેવાયું છે કે જે તટસ્થ છે એ શિવ છે.

આપણાં દેશમાં ઉજ્જૈન, અલ્હાબાદ, ત્ર્યંબકેશ્વર અને હરદ્વારમાં દર ત્રણ વર્ષે એકવાર કુંભ મેળો અને ૧૨ વર્ષે મહાકુંભ યોજાય છે. જ્યારે પર્વતાધિરાજ ગિરનાર સાનિધ્યે ભવનાથનો આ મિની મહાકુંભ પ્રતિવર્ષ મહા વદ નોમથી મહાશિવરાત્રિ પર્વ સુધી પાંચ દિવસ માટે યોજાય છે. જેના સાનિધ્યમાં, આકાર અને નિરાકારનાં મિલનની એવી મહારાત્રિનો પાંચ દિવસીય મહાકુંભ યોજાય છે તેવા ભવનાથ મહાદેવની પ્રાગટય કથા આપણાં પૌરાણિક ગ્રંથોમાં સુંદર રીતે વર્ણવી છે. અહીં વૈશાખ સુદ પૂનમનાં દિવસે ભગવાન મહાદેવ સ્વયં પ્રગટ થયા હતા. સ્કંદ પુરાણમાં પણ એવો ઉલ્લેખ જોવાં મળે છે કે શિવરાત્રિનાં પાવનકારી પર્વમાં ભવનાથનાં દર્શનથી સમગ્ર પાપોનો નાશ થાય છે. એજ પ્રમાણે ભવનાથ મંદિરમાંનાં સંકુલમાં આવેલા મૃગીકુંડ અને તેમાં કરવામાં આવતાં સ્નાનનું પણ એટલું જ માહાત્મ્ય છે.

આ કુંડની સ્થાપના પાછળ પણ એક પ્રાચીન કથા રહેલી છે આજે એનાં વિશે પણ જાણીયે. કનોજનાં ભોજ નામનાં એક રાજાએ તેમની મૃગી મુખવાળી રાણી સાથે ગિરનાર પર્વતની યાત્રા અને પ્રદક્ષિણા કરેલી. ત્યારે જે સ્થળે પોતાના તથા પોતાની રાણીનાં આગલા સાત જન્મો બળીને ભસ્મ થયાં હતાં. તે જગ્યાઓ પર રાજાએ મૃગમુખીનાં નામથી કુંડ બનાવ્યો. અને તેના પરથી આજનું પ્રખ્યાત નામ મૃગીકુંડ પડયું. એટલે જ ગિરનારનાં આ તીર્થ સાથે ભવનાથ મહાદેવ તથા મૃગીકુંડની કથાનું મહાત્મ્ય પણ જોડાયેલું છે. માટે અહીં મહાશિવરાત્રિનાં લઘુ મહાકુંભમાંનાં પાંચ દિવસ દરમિયાન ભક્તિ અને શક્તિનો સુંદર સમન્વય થતો જોવા મળે છે.જો કે શાસ્ત્રોની દૃષ્ટિએ મહાશિવરાત્રીનું મહત્વ વિશેષ હોવાથી તેને મોટી શિવરાત્રી કહી શકાય. એવો પણ મત છે કે મહાશિવરાત્રી એટલે શિશિર ઋતુ-શિયાળાની મોસમનો અંતિમ દિવસ. આ જ દિવસથી ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થતો હોય છે.

Advertisement
Shiv mahima

મહાશિવરાત્રી બાદનાં દિવસો ગરમ રહેતાં હોવાથી ભોળાનાથને ઠંડક થાય તે હેતુથી તેમને ઠંડી વસ્તુઓ જેમ કે ઘી, શેરડીનો રસ, દૂધ, દહીં, તરોફા, ભાંગ વગેરેનો અભિષેક કરવામાં આવતો હોય છે. આ સાથે જ ઠારેલાં ઘીના કમળ પણ ચઢાવવામાં આવે છે. શિવભક્તોમાં આ દિવસે ભાંગનો પ્રસાદ ગ્રહણ કરવાનો મહિમા પણ છે. જો કે ઘણી વાર એવું પણ જોવા મળતું હોય છે કે એમાં ભક્તિનો ભાવ ન રહેતા માત્ર નશો કરવાની ખરાબ લત જવાબદાર હોય છે પણ મને તો હંમેશા એમ લાગે કે જેને મન શિવનો જ નશો બારેમાસ હોય એને બીજા કોઈ નશાની જરૂર પડે ખરાં ??અંતમાં એટલું ચોક્કસ કહીશ કે હિન્દુ ધર્મ એક એવો ધર્મ છે જેમાં ચિહ્નો, કથાઓ અને વિવિધ સ્થાનોને ધર્મ સાથે જોડવામાં આવ્યા છે. શિવલિંગ પણ આવું જ એક પ્રતીક છે જે હંમેશા વિવાદાસ્પદ રહ્યું છે. શિવલિંગને શિવનું જ રૂપ માનીને તેની પૂજા કરવામાં આવે છે.

વિવાદ એ વાતનો છે કે તેને શિવજીનું ‘લિંગ’ માનીને તેની પૂજા કરવામાં આવે છે. મોટાભાગનાં લોકોને સંસ્કૃત ભાષાની પૂરતી સમજ ન હોવાને કારણે આ ગેરસમજ ઊભી થઈ છે. સંસ્કૃત ભાષામાં લિંગનો અર્થ થાય છે – પ્રતીક. જેવી રીતે સ્ત્રીઓ માટે સ્ત્રીલિંગ અને પુરૂષો માટે પુલ્લિંગ શબ્દ વાપરવામાં આવે છે. શિવ માટે શિવલિંગ શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો છે કારણ કે એ કોઈ સ્ત્રી કે પુરૂષનું પ્રતીક નથી. પરંતુ તે સમગ્ર બ્રહ્માંડ, આકાશ, શૂન્ય અને નિરાકારનું પ્રતીક છે. તેમને કોઈ એક શ્રેણીમાં બાંધીને ન રાખી શકાય. તે પોતે જ એક શ્રેણી છે અને એક પ્રતીક છે.

સ્કંદ પુરાણમાં એવું કહેવામાં આવે છે કે આકાશ પોતે લિંગ છે, પૃથ્વી તેની પીઠ અથવા આધાર છે અને બધુ અનંત શૂન્યથી ઉત્પન્ન થાય અને તેમાં લય હોવાને કારણે તેને લિંગ કહેવામાં આવે છે. શિવ પોતે જ એક લિંગ છે અને તે આખા બ્રહ્માંડની ધરી છે. શિવ અનંત છે, એનો ન તો આરંભ છે, ન તો અંત. એક જીવનું શિવથી મિલન કરાવનારી આ મહાશિવરાત્રીની સર્વે શિવભક્તોને મારાં તરફથી ખૂબ શુભેચ્છાઓ..!! ૐ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ હર…✍️ વૈભવી જોશી

Advertisement
Gujarati banner 01
દેશ કી અવાજના તમામ સમાચાર ફેસબુક પર મેળવવા માટે લાઈક કરો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *