Congress party: કોંગ્રેસ ખરેખર ચૂંટણી લડે છે ખરી ?
હમણાં ગુજરાત કોંગ્રેસ(Congress party)ના પ્રભારી રઘુ શર્માએ ગુજરાતની મુલાકાત દરમ્યાન અતિઉત્સાહમાં કહ્યું કે શંકર સિંહ વાઘેલા, નરેશ પટેલ કે અલ્પેશ કથીરિયા કોંગ્રેસમાં આવે તો તેમનું સ્વાગત છે પરંતુ ધરાતલ પર હકીકત એ છે કે કોંગ્રેસના બે પ્રવક્તા બાદ વધુ એક પ્રવક્તા ભરત દેસાઈએ નારાજ થઇને પોતાનું રાજીનામું ધરી દીધું છે. ભરત દેસાઈને ગુજરાતમાં કોંગ્રેસના મોટા નેતા માનવામાં આવે છે. બીજી તરફ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ સુધારવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની કમાન જગદીશ ઠાકોરને સોંપવામાં આવી છે. જગદીશ ઠાકોર પ્રમુખ બન્યા બાદ હજુ સુધી સંગઠનનું માળખું તૈયાર થઈ શક્યું નથી.
ફકલત ગુજરાત ખાતે જ નહિ રાષ્ટ્રીય સ્તરે પણ કોંગ્રેસ સંપૂર્ણપણે દિશાહીન અને વેરવિખેર થઇ ગઈ છે. શાહમૃગવૃત્તિમાં રાચે છે. શાહમૃગ મોટું પક્ષી છે, પરંતુ જયારે કોઈ હિંસક પ્રાણી તેનો શિકાર કરવા આવે છે ત્યારે તે ભાગવાને કે લડવાને બદલે પોતાનું મોઢું જમીનમાં ખોસી દે છે. તે માની લે છે કે તેને દેખાતું નથી એટલે તેને કોઈ નુકસાન નહિ થાય. બસ આજ સ્થિત અત્યારે કોંગ્રેસી આલાકમાનની છે. પાંચ પાંચ રાજ્યની ચૂંટણી એકદમ નજીક હોવા સાથે આ વર્ષમાંજ ગુજરાત જેવા મહત્વપૂર્ણ રાજ્યની ચૂંટણી યોજાવાની છે એટલું જ નહિ ૨૦૨૪ના લોકસભા ઇલેક્શનને માંડ બે-સવા બે વર્ષ બાકી છે ત્યારે કોંગ્રેસ વિપક્ષ સામે લડવાને બદલે આંતરિક ડખા સામે લાચારી અનુભવે છે.
તાજેતરમાં જ ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસના કદાવર નેતા ગણાતા આરપીએન સિંહ ભાજપમાં જોડાઈ ગયા.
આરપીએન સિંહ યુપીએ સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. ચોંકાવનારી વાત એ છે કે યુપી ચૂંટણી માટે તેમનું નામ કોંગ્રેસના સ્ટાર પ્રચારકોમાં સામેલ હતું. તેઓ પડરૌના વિધાનસભા બેઠકથી કોંગ્રેસ પાર્ટી તરફથી ૧૯૯૬, ૨૦૦૨, અને ૨૦૦૭માં વિધાયક પણ રહી ચૂક્યા છે. જયારે જયારે મહત્વના નેતાઓ પાર્ટી છોડે છે ત્યારે રાહુલ ગાંધી એક ટ્વીટમાં છોડનારાઓને ડરપોક બતાવી વાત પુરી કરે છે.
કોંગ્રેસી નેતાઓ કેટલા બેફામ અને કોઈપણ મુદ્દે પ્રતિક્રિયા આપવામાં કેટલા ઉતાવળા છે તે જયરામ રમેશે ગુલામ નબી આઝાદને પદ્મ ભૂષણ એવોર્ડ મળતા તાત્કાલિક આડકતરી રીતે તેમને ‘ગુલામ’ કહ્યા. શાસકીય પક્ષ તરફથી કોંગ્રેસના દિગ્ગજ નેતાને આપવામાં આવેલું સન્માન વધાવવાને બદલે વખોડવામાં કોંગ્રેસીઓ આગળ રહ્યા અને વિચિત્ર વાત એ છે કે કોંગ્રેસી હાઈકમાન આ મુદ્દે ચૂપ રહી ગુલામ નબી જેવાને પક્ષ છોડવા સરળ પાસ આપે છે.

પંજાબમાં સિધ્ધુ કોંગ્રેસને એવો માથે પડ્યો છે કે કોંગ્રેસની હાલત સાપે છછૂંદર ગળ્યા જેવી થઇ ગઈ છે, નથી તેને હટાવી શકાતો, નથી તેને માથે બેસાડી શકાતો. પાંચ રાજ્યમાં એક માત્ર પંજાબ એવું હતું જ્યાં કોંગ્રેસ છ મહિના પહેલા સારી સ્થિતિમાં હતું પરંતુ સિધ્ધુએ પોતાની મહત્વાકાંક્ષામાં પક્ષને લગભગ ચૂંટણીમાંથી જ બહાર કરી દીધો છે, કોઈ ચમત્કાર જ કોંગ્રેસને પંજાબમાં જીતાડી શકે છે. રાહુલ ગાંધીની પંજાબ યાત્રાનો વિરોધ કોંગ્રેસના જ પાંચ પાંચ સાંસદોએ કર્યો છે.
પક્ષની આ હાલતમાં રાહુલ ગાંધીનો સિંહફાળો છે જ, રાહુલ ગાંધી બોલતી વખતે જેટલું બાફે છે એટલું કોઈ નવો નિશાળીયો નેતા પણ બાફતો નથી. હમણાં તેને કહ્યું “પંજાબ પાંચ નદીઓ કે સ્ટેટ હૈ, ગહેરાઈ સે દેખોગે, એક હી નદી સે એ પાંચ નદી નિકલતી હૈ” હવે કોઈપણ કોંગ્રેસીએ આનો બચાવ કરવો હોય તો કેવી રીતે કરે ?
રાજ બબ્બર પણ ટૂંકમાં પાર્ટી છોડી શકે છે તેવા સમાચાર છે. નવા નેતાઓને પક્ષમાં જોડવામાં જેટલી ઉત્સાહિત હોય છે એટલી જ જોડાઈ ગયેલા કે જુના જોગીઓને સાચવવામાં નિરુત્સાહી રહે છે.
વાસ્તવમાં કોંગ્રેસને વિપક્ષની ભૂમિકા નિભાવતા જ નથી આવડી તેઓ સમાજવાદી પાર્ટી કે તૃણમૂલ કોંગ્રેસ કે ઇવન આમ આદમી પાર્ટીને નજરમાં રાખીને ભાજપનો વિરોધ કરે છે પરંતુ એ ભૂલી જાય છે તેમની પાર્ટીએ દેશમાં મહત્તમ રાજ કર્યું છે તેથી દેશની જે દશા કે દુર્દશા આજે છે, જેવો આરોપ લગાવી રહી છે તેમાં તેમની ભૂમિકા પણ રહી છે. રાહુલ ગાંધી જ્યાં સુધી અખિલેશ યાદવ જેવાના જુનિયર પાર્ટનરની ભૂમિકામાં રહેશે, જ્યાં સુધી આડકતરી રાજકીય સોપારી સપા કે ટીએમસીને આપતા રહેશે ત્યાં સુધી પક્ષ ઉભો થવાનો નથી.
