CM vijay rupani bday

Sewa setu: મુખ્યમંત્રી રૂપાણીએ ૨જી ઓગસ્ટ-સંવેદના દિવસે “સેવા સેતુ કાર્યક્રમ”ના રાજ્યવ્યાપી છઠ્ઠા તબક્કાનો રાજકોટથી શુભારંભ કરાવ્યો

મુખ્યમંત્રીના હસ્તે “સેવા સેતુ કાર્યક્રમ”ના વિવિધ લાભાર્થીઓને રૂપિયા ૪.૭૫ કરોડની સાધન સહાયનું વિતરણ અને કોરોનાકાળમાં અનાથ બનેલા ૩૯૬૩ બાળકોને આર્થિક સહાયનું વિતરણ કરવામાં આવ્યું

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પોતાના જન્મદિને સંવેદનાસભર જાહેરાત

  • રાજ્યની વિધવા મહિલાઓને સમાજમાં તેમના પુન:સ્થાપન અર્થે “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર સહાય આપશે
  • Sewa setu: કોરોનામાં માતા-પિતામાંથી કોઇ એક વાલી ગુમાવનાર બાળકને ‘એક વાલી યોજના’ અંતર્ગત રાજ્ય સરકાર માસિક રૂ. ૨ હજાર સહાય આપશે
  • પંડીત દીનદયાળજીએ આપેલા એકાત્મ માનવવાદના સિદ્ધાંતને અનુસરી કલ્યાણ રાજ્યનો ધ્યેય પાર પાડવા અમે શાસનની સાથે પ્રશાસનને-તંત્રને પણ સંવેદનાસભર બનાવ્યું

અહેવાલ: ઉદય વૈષ્ણવ,સીએમ-પી. આર.ઓ
ગાંધીનગર, ૦૨ ઓગસ્ટ:
Sewa setu: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પંડીત દીનદયાળજીએ આપેલા એકાત્મ માનવવાદના સિદ્ધાંતને અનુસરી કલ્યાણ રાજ્યનો ધ્યેય પાર પાડવા સરકારે શાસનની સાથે પ્રશાસનને-તંત્રને પણ સંવેદનાસભર બનાવ્યું છે તેવો સ્પષ્ટ મત વ્યક્ત કર્યો છે. મહામારી અને તાઉતે વાવાઝોડામાં જનતાની સેવામાં પ્રશાસને અભૂતપૂર્વ સંવેદનશીલતા દાખવી છે પણ પયાયન કે પીછેહઠ કરી નથી. વર્તમાન સરકાર જાડી ચામડીની નહીં ,પરંતુ ગરીબો, પીડીતો, શોષિતો માટેની સંવેદનશીલ સરકાર છે. સમાજના નબળા વર્ગોની સેવા એ જ અમારો મંત્ર છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

CM vijay rupani bday with public

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષની પૂર્ણતા પ્રસંગે બીજી ઓગસ્ટ-સંવેદના દિવસે મુખ્યમંત્રીએ રાજ્યવ્યાપી “સેવા સેતુ કાર્યક્રમ”ના(Sewa setu) છઠ્ઠા તબકાનો રાજકોટથી શુભારંભ કરી યોજનાકીય મહત્વપૂર્ણ જાહેરાતો પણ કરી હતી.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમના જન્મદિવસે સંવેદનાસભર જાહેરાત કરતા જણાવ્યું કે, રાજ્યની વિધવા મહિલાઓના સમાજમાં પુન:સ્થાપન માટે “ગંગા સ્વરૂપા પુનઃ લગ્ન આર્થિક સહાય યોજના” અંતર્ગત રાજ્ય સરકાર રૂ. ૫૦ હજાર આપશે. કષ્ટપૂર્ણ વૈધવ્ય જીવન જીવતી મહિલા પુન:લગ્ન કરવા પ્રેરાય અને પગભર બની નવું જીવન જીવે તે માટે આ યોજના શરૂ કરી છે તેમ તેમણે ઉમેર્યું હતું.

તેમણે અન્ય એક જાહેરાત કરતા જણાવ્યું કે, કોરોનાકાળમાં માતા કે પિતા કોઇ એક વાલી ગુમાવનાર બાળકને પણ રાજ્ય સરકાર રૂ. ૨ હજાર પ્રતિમાસ આર્થિક સહાય ‘એક વાલી યોજના’ (Sewa setu) અંતર્ગત આપશે. કોરોનાકાળમાં પોતાના પાલનહાર ગુમાવનાર એક પણ બાળક નિરાધાર ન રહે અને આર્થિક સહાય મેળવી ઉજ્જવળ કારકીર્દી ઘડી શકે તે માટે આ નિર્ણય લેવાયો છે, તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રીએ કહ્યું કે, રાજ્ય સરકારની સંવેદનશીલતા માત્ર માનવી પુરતી સિમિત ન રહેતા જીવ પ્રાણી માત્ર સુધી વિસ્તરી છે. એનિમલ એમ્બ્યુલન્સ, કરૂણા અભિયાન, પાંજરાપોળોને કોરોનાકાળમાં આર્થિક સહાય જેવા રાજ્ય સરકારના પગલાનો તેમણે આ તકે ઉલ્લેખ કર્યો હતો.

CM Vijay rupani birthday Sewa setu

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, કર્ત્તૃત્વની પરાકાષ્ઠા સર્જી અમે નિર્ણાયકતા-સંવેદનશીલતા-પ્રગતિશીલતા-પારદર્શિતાના પાયા પર પાંચ વર્ષ સુધી જનતાને સુશાસન આપ્યું છે. નરેન્દ્રભાઇ મોદીએ આપેલા વિકાસ, જનભાગીદારી અને ઇમાનદારીના પદચિન્હો પર અમે ચાલી રહ્યા છીએ. નવ દિવસ સુધી યોજાનારા કાર્યક્રમો એ પાંચ વર્ષની ઉજવણી નથી પરંતુ રાજ્ય સરકારે આદરેલો જનસેવાયજ્ઞ છે. મુખ્યમંત્રીએ સેવાસેતુને રાજ્ય સરકારની સંવેદનશીલતાનું આગવું ઉદાહરણ ગણાવી કહ્યું કે, હવે લોકોને પોતાના સરકારી કામકાજ માટે કચેરીઓના ધક્કા ખાવાની જરૂર રહી નથી. લોકોના કામ કરવા સરકાર સામે ચાલીને એમના દ્વારે આવી છે.

આ પણ વાંચો…Child surgery: 5 લાખે એક બાળકમાં જોવા મળતી “ફિટ્સ ઇન ફિટુ” સર્જરી સળતાપૂર્વક પાર પાડતા સિવિલ હોસ્પિટલ બાળરોગ સર્જરી વિભાગના તબીબો

તેમણે વધુમાં કહ્યું કે, સેવાસેતુ બાદ હવે ઇ-સેવાસેતુના માધ્યમથી લોકો જરૂરી સરકારી પ્રમાણપત્રો, દાખલા, યોજનાકીય લાભ વિગેરે ઘરે બેઠા મેળવી રહ્યા છે. સરકારે વિવિધ વિભાગોની ૫૫ સેવાઓને ઇ-સેવાસેતુ સાથે જોડી દીધી છે. ઓપ્ટિકલ ફાઇબરની જાળ બિછાવી ગુજરાતના ગામડાઓને બ્રોડબેન્ડ કનેક્ટિવિટી આપી છે. સેવાસેતુના અમલથી પારદર્શકતા લાવી ભ્રષ્ટાચારને દૂર કરવા રાજ્ય સરકાર કટિબધ્ધ તેમ તેમણે ઉમેર્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ તેમની વર્ષગાંઠ નિમિત્તે શુભેચ્છા પાઠવનારા તમામ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો હતો અને ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.

Sewa setu

મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ અને જે. એમ. ફાઇનાન્સિયલ ફાઉન્ડેશન વચ્ચે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેંન્ડીંગ કરવામાં આવ્યા હતા. કોરોનામાં વાલીની છત્રછાયા ગુમાવનાર પ્રત્યેક બાળકને જે. એમ. ફાઉન્ડેશન વાર્ષિક રૂપિયા ૫૦ હજાર સુધીની શિક્ષણ ફી બાળકની શાળામાં સીધી જમા કરાવશે. જે.એમ. ફાઉન્ડેશનના આ સ્તુત્ય અભિગમને મુખ્યમંત્રીશ્રીએ બિરદાવ્યો હતો.

મુખ્યમંત્રીના હસ્તે “સેવા સેતુ કાર્યક્રમ”ના (Sewa setu) વિવિધ લાભાર્થીઓને રૂપિયા ૪.૭૫ કરોડની સાધન સહાયનું વિતરણ, કોરોનાકાળમાં અનાથ બનેલ ૩૯૬૩ બાળકોને આર્થિક સહાય વિતરણ અને રાજ્કોટ મહાનગરપાલિકાના સીટીઝન પોર્ટલનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ઈશ્વરભાઈ પરમારે કોરોના કાળમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકો માટે રાજ્ય સરકારે અમલી બનાવેલી “મુખ્યમંત્રી બાળ સેવા સહાય યોજના” ની વિગતો આપતા કહ્યું કે, આ યોજના આવતી કાલના નાગરિક સમા બાળકોના ભવિષ્ય માટે રાજ્ય સરકારે સેવેલી ચિંતાનું પ્રતિબિંબ છે.

Whatsapp Join Banner Guj

આ પ્રસંગે “મુખ્યમંત્રી બાળ સેવા યોજના” , “એક વાલી યોજના” અને “ગંગાસ્વરૂપ મહિલા પુન:લગ્ન આર્થિક સહાય યોજના” ની વિગતો વર્ણવતી ડોક્યુમેન્ટ્રીનું પ્રસારણ કરાયું હતું.

આ કાર્યક્રમમાં મેયર ડોક્ટર પ્રદીપ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, મુખ્ય સચિવ અનિલ મુકીમ, અગ્રસચિવ કે. કૈલાશનાથન, સચિવ સુનયના તોમર અને કે.કે.નીરાલા, જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, અંજલીબેન રૂપાણી, કમલેશ મિરાણી અને નીતિન ભારદ્વાજ અને સેવા સેતુ કાર્યક્રમની વિવિધ યોજનાના લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.