Holi Dhuleti celebration: ભારતભરમાં હોળી-ધુળેટીની ઉજવણી અને પ્રકૃતિ તથા સાહિત્ય સાથેનો સમન્વય
Holi Dhuleti celebration: મણકો ૪ – ભારતભરમાં હોળી-ધુળેટીની ઉજવણી અને પ્રકૃતિ તથા સાહિત્ય સાથેનો સમન્વય ©
ધર્મ ડેસ્ક, 08 માર્ચ: Holi Dhuleti celebration: આબાલ-વૃદ્ધ સહુનો લોકપ્રિય તહેવાર જેનો પ્રથમ દિવસ હોળી અને બીજો દિવસ જેને આપણે ધુળેટી કહીયે છીએ. ફાગણ સુદ આઠમથી લઈને પૂર્ણિમા સુધીનાં આઠ દિવસ હોળાષ્ટક મનાવાય છે. આ ઉત્સવ ફાગણ સુદ પૂનમને દિવસે મનાવવામાં આવતો હોવાથી ‘ફાલ્ગુનિક’ પણ કહેવાય છે.
હોળી એટલે પોતાનાં ગમતાનો ગુલાલ કરી એકબીજાનાં રંગે રંગાવાનો મહોત્સવ. શિશિરઋતુની ગુલાબી ઠંડી બાદ વસંતઋતુનાં સ્વાગત માટેનું આ પર્વ સમગ્ર ભારતમાં ભારે આનંદપૂર્વક ઊજવવામાં આવે છે. અબીલ-ગુલાલ અને વિવિધ રંગો દ્વારા આકાશનાં મેઘઘનુષ્યને જાણે પૃથ્વી પર ઉતારવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું વાતાવરણ સર્જાય છે.
આ દિવસે સાંજે ગામનાં પાદર કે મુખ્ય ચોક જેવાં સ્થાન પર છાણાં, લાકડાં અને અન્ય સામગ્રીઓની ‘હોળી’ ખડકવામાં આવે છે. ત્યારબાદ બધાં લોકો વાજતે ગાજતે એકઠાં થાય છે અને હોળી પ્રગટાવવામાં આવે છે. લોકો તેની પ્રદક્ષિણા કરે છે તેમજ શ્રીફળ વગેરે પવિત્ર મનાતી વસ્તુઓથી તેમનું પૂજન કરે છે.
હોળીનાં દિવસે હોળી પ્રગટાવ્યાં પછી મોડી રાત્રી સુધી હોળીની આસપાસ બેસી અને જે ગીતો કે દુહાઓ ગાવામાં આવે છે તેને “હોળીનાં ફાગ” તરીકે ઓળખવામાં આવે છે (આ પરંપરા હજુ અમુક ગ્રામ્ય વિસ્તારોમાં ચાલુ છે). હોળીનાં ફાગ એક પ્રકારે વસંતોત્સવનું પ્રતિક છે, જેમાં થોડી શૃંગારિક ભાષાનો ઉપયોગ થાય છે અને સાથે-સાથે પ્રકૃતિનું રસિક વર્ણન તેમજ સ્થાનિક પ્રેમગાથાઓ પણ વણી લેવાયેલાં હોય છે.

આ પર્વ સમગ્ર દેશમાં પરંપરાગત તથા વિવિધ રૂપે ઊજવાય છે. ગુજરાત અને રાજસ્થાનમાં હોળી-ધુળેટી અને ખાસ કરી સૌરાષ્ટ્રમાં, હોળીને ‘હુતાસણી’થી પણ ઓળખવામાં આવે છે. હોળીનાં બીજા દિવસ ધુળેટીને ‘પડવો’ કહેવામાં આવે છે. અમુક વિસ્તારોમાં હોળી પછીનાં બે કે ત્રણ દિવસ આ તહેવાર ઉજવાય છે, જેને ‘બીજો પડવો’, ‘ત્રીજો પડવો’ એમ ગણવામાં આવે છે.
ખાસ કરીને પોરબંદર વિસ્તારમાં આ દિવસોમાં પુરુષો દ્વારા દાંડીયા રાસ રમવાનો રિવાજ પ્રચલિત છે. ઘણાં આદિવાસી વિસ્તારોમાં હોળી પ્રગટાવ્યા પછી તેની આસપાસ પારંપારીક નૃત્ય કરવામાં આવે છે. હોળીનાં દિવસે જેને ત્યાં ગત વર્ષમાં દીકરાનો જન્મ થયો હોય તે લોકો સજીધજીને બાળકને હોળીની પ્રદક્ષિણા કરાવવાં લાવે છે તથા ગામલોકોને પતાસા તથા ખજુર વગેરેની ‘લાણ’ વહેંચે છે, આ પ્રસંગને ‘દીકરાની વાડ’ કહેવામાં આવે છે.
યુપી-બિહાર અને ઝારખંડમાં હોળીનો તહેવાર ખુબ ધામધૂમથી ઉજવવામાં આવે છે. અહીંનાં લોકો હોળીને ફાગ અથવા ફગુઆ પણ કહે છે. ઉત્તરપ્રદેશનાં ગોકુળ-મથુરા, નંદગાવ, વૃંદાવન અને બરસાનાંની ‘લટ્ઠમાર હોળી’ આખા વિશ્વમાં પ્રસિદ્ધ છે. હરિયાણામાં હોળીને ‘દુલંડી’ અથવા ‘ધુલેંડી’ના નામથી ઓળખવામાં આવે છે. આ દિવસે હરિયાણામાં સુકા અબીલ ગુલાલની હોળી રમવાની પરંપરા છે. પંજાબમાં હોળીને ‘હોલા મોહલ્લા’ કહેવામાં આવે છે. પંજાબમાં હોળીનાં આગલાં દિવસે અનંતપુર સાહિબમાં ‘હોલા મોહલ્લા’નું આયોજન કરવામાં આવે છે જેમાં વીરતા અને પરાક્રમનાં રંગ જોવા મળે છે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં પણ અન્ય રાજ્યોની જેમ હોળીના દિવસે હોળીદહન કરવામાં આવે છે અને બીજા દિવસે ધૂળેટી રમવામાં આવે છે. મધ્યપ્રદેશમાં હોળીનાં પાંચમાં દિવસે પંચમી ઉજવવામાં આવે છે. ત્યારે આખો દિવસ લોકો સુકી હોળી રમે છે. આ સાથે જ રંગપંચમી પર ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવે છે. આ શોભાયાત્રાને ‘ગેર’ કહેવામાં આવે છે. મધ્યપ્રદેશમાં ઝાબુઆનાં આદિવાસી ક્ષેત્રોમાં પણ હોળી ધામધૂમથી ઉજવાય છે જેને ‘ભગોરિયા’નાં નામથી ઓળખવામાં આવે છે.
ઉત્તરાખંડ અને હિમાચલમાં ‘કુમાઉ’ની હોળી ખુબ પ્રસિદ્ધ છે. અહીંયા હોળી ત્રણ પ્રકારે ઉજવવામાં આવે છે. પહેલી બેઠકી હોળી, બીજી ખડી હોળી અને ત્રીજી મહિલા હોળી. કર્ણાટકમાં હોળીનાં પર્વને ‘કામના હબ્બાના’ તરીકે મનાવાય છે. તમિલનાડુમાં હોળીને કામદેવનાં બલિરૂપમાં યાદ કરવામાં આવે છે. જે કારણે અહીંયા હોળીને ‘કમાન પંડિગઈ’ કે ‘કામદહન’નાં નામથી ઓળખવામાં આવે છે.
પશ્ચિમ બંગાળ અને ઓડિશામાં હોળીને વસંત ઉત્સવ, ડોલ અને ડોલ પૂર્ણિમાના નામથી ઓળખવામાં આવે છે. મહારાષ્ટ્ર અને કોંકણમાં હોળીને ‘શિમગો’ કહે છે તો ગોવામાં ‘શિળગોણ’ જેવાં નામથી આ પર્વ ઊજવાય છે. વિવિધતામાં એકતા ધરાવતાં આપણાં ભારત દેશનાં વિવિધ પ્રાંતો અને સમુદાયોમાં આ તહેવારની ઉજવણી ભલે અલગ-અલગ રીતે થતી હોય પરંતુ દરેકની ભાવના એક જ હોય છે કે હોળી પ્રગટાવી અને આસુરી તત્વોનો નાશ કરવો અને દૈવી શક્તિઓનું સન્માન કરવું.
સાચું કહું તો આપણાં બધાનાં જીવનમાં અંગ્રેજી મહિનાઓ કે વાર-તારીખો એવાં તો જોડાઈ ગયા છે કે આપણાં ગુજરાતી મહિનાઓ જેવા કે મહા, ફાગણ ચૈત્ર, વૈશાખ વગેરે માત્ર હવે પુસ્તકોમાં, કાવ્યોમાં કે ગઝલ પૂરતાં સીમિત રહી ગયા છે. હોળી-ધુળેટી જેવો રંગોનો વૈવિધ્યસભર તહેવાર આપણાં જીવનમાં લાવનાર ફાગણ મહિનાની વાત જ અનોખી છે. એના અનુપમ સૌંદર્યની તો શી વાત કરવી..!!
ઉનાળામાં સૂકીભઠ જગ્યાએ પણ કેસરી ફૂલોવાળા ઝાડે તમારું અવશ્ય ધ્યાન ખેંચ્યુ હશે. આ સુંદર ફૂલ એટલે કેસૂડાનાં ફૂલ. પાનખર ઋતુમાં જ્યારે વૃક્ષોનાં પાંદડા ખરી પડે ત્યારે ફાગણ માસની શરૂઆતમાં કેસૂડાંનાં ફૂલ આવતાં હોય છે. ખાખરાનાં ઝાડ પર જે ફૂલ આવે છે તેને કેસૂડો તરીકે ઓળખવામાં આવે છે. તમને થશે કે આજે વળી ધુળેટી પર મને કેસૂડો કેમ યાદ આવ્યો?

જો કે હવે કેમિકલનાં જમાનામાં કુદરતી વનસ્પતિમાંથી બનતાં રંગોથી કોઇ હોળી-ધુળેટી રમતું તો નથી છતાં પણ હોળી-ધુળેટીમાં કેસૂડાની યાદ આવ્યાં વગર કેમ રહે? કેસુડાની બે જાત મળી આવે છે, સફેદ અને લાલ. લાલ કેસુડો સર્વ સામાન્ય છે પણ સફેદ કેસુડો ભાગ્યે જ જોવા મળે છે.
ફાગણ માસનાં ધોમધખતા તાપનાં દિવસોમાં આવતા હોળી અને ધૂળેટીનાં પર્વમાં કેસૂડો આદિકાળથી અનેરું સ્થાન પામી ચુક્યો છે. કેસૂડાનાં ફૂલો ઉનાળાનાં દિવસોમાં તો જંગલ વિસ્તારોની શોભા વધારે છે. કેસૂડાનાં રંગબેરંગી ફૂલો વગર ધૂળેટી ચોક્કસ અધૂરી છે. કેસૂડો એ પ્રાકૃતિક રંગ ગણાય છે જેનાં ફૂલમાંથી રંગ બનાવવામાં આવતો હોય છે. પહેલાંના જમાનામાં આનાથી જ હોળી-ધુળેટી રમાતી અને કેસૂડો સરળતાથી મળી પણ રહેતો. વાસ્તવમાં કેસૂડાનાં રંગથી હોળી ધૂળેટી રમવા પાછળ પણ આરોગ્યનો હેતુ જ રહેલો છે.
આ પણ વાંચો:-Vaidik Holi: વૈદિક હોળી પાછળનાં પર્યાવરણ સંબંધિત અને વૈજ્ઞાનિક તથ્યો ઉજાગર કરવાનો પ્રયાસ: વૈભવી જોશી
ઉનાળાનાં ત્રણ-ચાર મહિનાની ત્રાસી જવાય એવી ગરમીથી રક્ષણ મેળવવાં માટે કેસૂડો ખુબ ઉપયોગી છે. કેસૂડાનાં ફુલને સુકવીને આખી રાત પલાળી રાખ્યા બાદ તેનો પાવડર પાણી સાથે ભેળવી છાંટવાથી ત્વચાનું આરોગ્ય બળબળતાં તાપમાં પણ જળવાઈ રહે છે, શરીરમાં ઠંડક વળે છે અને ઉનાળામાં પણ ત્વચા પર ગરમી નથી નીકળતી. એવાં તો કેટલાંય ઔષધિય ગુણો તેમાં રહેલા છે. કેસૂડાનાં ફૂલ કોઈ ઔષધથી કમ નથી એટલે જ તો કેસૂડાને ઔષધીઓનો રાજા કહ્યો છે. એનાં ઔષધીય ગુણો વિશે લખવા બેસું તો આખો લેખ લખી શકાય પણ એ વાત પછી ક્યારેક.
અત્યારે તો કેસૂડાં વિશે લખતાં-લખતાં શ્રી અતુલ પુરોહિતનાં મનમોહક કંઠે ગવાયેલું આ ગીત સાંભળી રહી છું. મારું મન જે રીતે આનંદિત થઈને જુમી રહ્યું છે કે મને એમ થાય કે કદાચ સાનભાન ભૂલીને મસ્ત થઈને હું પણ કેસૂડાનાં રંગમાં રંગાવા દોડી જાઉં. હોળી-ધૂળેટીનાં દિવસોમાં તમે જો આ ગીત નથી સાંભળ્યું તો હું એમ કહું કે એની ખરી મજા તમે માણી જ નથી. આ ગીતની થોડીક પંક્તિઓ મુકું છું ક્યાંકથી લિંક ગોતી જરૂર સાંભળજો. અને પછી જો તમારાં પગ કુદરતનાં ખોળે ને કેસૂડાનાં રંગે મસ્તીમાં મ્હાલવા માટે થનગની ન ઉઠે તો જ નવાઈ..!!
ફાગણ ફોરમતો આયો, આયો રે આયો..ફાગણ ફોરમતો આયો.
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાનાં સર સર અંગ પથરાયો
ફટાકીયો ફાગણ અને કામણગારો કેસૂડો છે પણ એટલો લાડકો કે એને આપણાં સાહિત્યકારો, લેખકો કે કવિઓએ લાડ લડાવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું.
વર્ષો પહેલાં કવિ રત્નાએ લખેલું :
ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ ,
હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
એવામાં કવિ બાલમુકુન્દ દવે કહે છે:
ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
જોબનતા જામ લાયો, રંગ છાયો રંગ છાયો રે
તો વળી પ્રિયકાંત મણિયારે લખેલું :
છેલછબીલે છાંટી છેલછબીલે છાંટી
જમુના જલમાં રંગ ગુલાબી વાટી..
ગુજરાતી સાહિત્યનાં મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહ કે જેમને ખાખરામાં શીમળો જોગી દેખાય છે અને ફાગણની હવામાં ઉડતા સૂકા પાંદડામાં ઝાંઝરના સ્વર સંભળાય છે:
ફરી ફરી ફાગુન આયો રી
મંજરીની ગંધ, પેલા કિંશુકનો રંગ,
કોકિલ કેરો કંઠ
હોજી માટો જીવ લુભાયો રી!
તો વળી જૂની પેઢીનાં શબ્દસ્વામી વેણીભાઈ પુરોહિતનાં શબ્દોનો રંગ પણ આંખોમાં આંજી લો.
સખી, કેસરિયો રંગ, રંગ છાંટે છે છેલડો રે…નેણ નીતરતો રંગ, અંગ ભીંજે અલબેલડો રે
કવિ શ્રી સુંદરમને તો કેમ ભુલાય?
મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા કેસૂડો કામણગારો જી લોલ
અને મારું ગમતીલું ગીત હિતેન આનંદપરાનું:
આવ, તને હુ રંગી નાખું મારા રંગે, લાગણીઓની છાલક એવી મારૂં
અડતાવેંત જરીમાં પ્રસરે લાલી લાલી, તારા આખા અંગે લે પીચકારી છપાક દઈ છૂટી કે,
એવામાં કવિશ્રેષ્ઠ ઉમાશંકર જોશીની રચનાં યાદ આવ્યા વગર રહે,
ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ,
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ
કેસૂડાંને ફૂલડે કે મનડો ડૂલ્યો રે, ફાગણ ફૂલ્યો રે!
અને અંતમાં કવિવર તુષાર શુક્લની આ રચના વગર તો
લેખ કેમ પૂરો થાય ??
સખી ગમતો ગુલાલ આજ સામો મળ્યો ને મારે હૈયે રચાઇ રંગોળી
મારગમાં રંગ રંગુ ટહૂકા ખર્યા ને મેં તો જાણ્યું કે આવી ગઈ હોળી
કેસૂડો ફટાયો ફાગણ આયો, લાયો હોલી રિ..રંગ ભરી ચૂનરી ઉમંગ ભરી ચોલી રિ…
આશા છે હોળીની લેખમાળાનાં આ ચારેય મણકા આપ સહુને માહિતીસભર અને રસપ્રદ લાગ્યા હશે. મારાં તરફથી ફરી એક વાર આપ સહુને હોળી-ધુળેટીની રંગબેરંગી શુભેચ્છાઓ..!!