Shravan Tirth darshan Yojana

Shravan Tirth Darshan Yojana: ગુજરાત સરકારની વિવિધ તીર્થદર્શન યોજના હેઠળ શ્રદ્ધાળુઓને મળ્યો લાભ

Shravan Tirth Darshan Yojana: ગુજરાત સરકારની વિવિધ તીર્થદર્શન યોજનાઓ હેઠળ 1.42 લાખથી વધુ શ્રદ્ધાળુઓને મળ્યો તીર્થયાત્રાનો લાભ

  • “શ્રવણ તીર્થ યોજના” હેઠળ સૌથી વધુ 1 લાખ 38 હજાર 748 શ્રદ્ધાળુઓએ મેળવ્યો લાભ
  • રાજ્ય સરકારે વડીલ શ્રદ્ધાળુઓને ₹10.25 કરોડથી વધુ રકમની સહાય ચૂકવી
  • કૈલાસ માનસરોવર યોજના હેઠળ સહાય રાશિ ₹23,000થી વધારી ₹50,000 કરવામાં આવી
google news png

ગાંધીનગર, 13 ઓગસ્ટ: Shravan Tirth Darshan Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ એક બાજુ રાજ્યમાં સ્થિત વિવિધ યાત્રાધામોનો પૂરઝડપે વિકાસ થઈ રહ્યો છે અને મુલાકાતીઓ તેમજ શ્રદ્ધાળુઓની સંખ્યા દિન-પ્રતિદિન વધી રહી છે, તો બીજી બાજુ રાજ્ય સરકાર કેટલીક એવી યોજનાઓ પણ ચલાવી રહી છે, જેના થકી હજારો શ્રદ્ધાળુઓ સરકારી સહાય મેળવીને રાહત દરે પોતાના મનગમતા તીર્થસ્થાનોના દર્શન કરી રહ્યા છે.

રાજ્ય સરકારની શ્રદ્ધાળુઓ માટે ચલાવવામાં આવતી વિવિધ તીર્થદર્શન યોજનાઓનો છેલ્લા 7 વર્ષોમાં 1 લાખ 42 હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ લાભ ઉઠાવ્યો છે, જે પૈકી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ સૌથી વધુ 1 લાખ 38 હજાર 748 શ્રદ્ધાળુઓએ લાભ મેળવ્યો છે.

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સચિવ આર. આર. રાવલે જણાવ્યું કે શ્રદ્ધાળુઓને તેમના શ્રદ્ધા સ્થાનકો પર પહોંચાડી તેમને તેમના ઇષ્ટ દેવના દર્શન કરવામાં મદદ કરનારી આ વિવિધ યોજનાઓનું સંચાલન ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ (જીપીવાયવીબી) કરે છે, અને આ યોજનાઓમાં સૌથી વધુ લોકપ્રિય યોજના શ્રવણ તીર્થ દર્શન યોજના છે. આ યોજનામાં રાજ્ય સરકાર વડીલોને તીર્થ કરાવવા માટે શ્રવણની ભૂમિકા ભજવી રહી છે.

Rakhi Sale 2024 ads

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શ્રવણ તીર્થ યોજના ઉપરાંત અન્ય યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે, જેમાં કૈલાસ માનસરોવર યોજના અને સિંધુ દર્શન યોજના મહત્વની છે.

શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ 2850 બસો દ્વારા વડીલોને કરાવાઈ તીર્થયાત્રા

રાજ્યમાં વસતા સીનિયર સિટિઝન્સ એટલે કે વરિષ્ઠ નાગરિકોને રાહત દરે તીર્થયાત્રા કરાવવા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રવણ તીર્થ દર્શન યોજના અમલી છે, જેને વડીલોનો ભારે પ્રતિસાદ મળે છે. 2017-18થી ચાલતી આ યોજના હેઠળ રાજ્ય સરકારે અત્યારસુધીમાં 1,38,748 શ્રદ્ધાળુઓને 2850 બસો દ્વારા તીર્થદર્શન કરાવવામાં આવ્યા છે. રાજ્ય સરકારે આ યોજના હેઠળ વડીલોને અત્યારસુધીમાં કુલ ₹10 કરોડ 25 લાખ 75 હજારની સહાય કરી છે.

ઉલ્લેખનીય છે કે, 1 મે, 2017ના રોજ ગુજરાત સ્થાપના દિવસથી અમલી બનેલી શ્રવણ તીર્થ દર્શન યોજના હેઠળ રાજ્યના 60 વર્ષ કે તેથી વધુ વય ધરાવતા વરિષ્ઠ નાગરિકો પોતાના મનપસંદ તીર્થસ્થળોની સમૂહ-યાત્રા કરાવવામાં આવે છે. યોજના હેઠળ વરિષ્ઠ યાત્રીઓને રાજ્ય વાહન-વ્યવહાર (એસટી) નિમગની સુપર નૉન-એસી બસ, મિની નૉન-એસી બસ, સ્લીપર કોચ કે ખાનગી બસની યાત્રાના ખર્ચની 75 ટકા રકમ સરકાર તરફથી આપવામાં આવે છે. આ ઉપરાંત દરેક યાત્રીને સહાય તરીકે એક દિવસના ભોજનના ₹50 તથા રહેવાના ₹50; એમ કુલ ₹100 અને મહત્તમ ₹300 આપવામાં આવે છે.

કૈલાસ માનસરોવર યોજનામાં હેઠળ સહાય રાશિ ₹23,000થી વધારીને ₹50,000 કરવામાં આવી

ગુજરાતના 2564 શ્રદ્ધાળુઓએ કૈલાસ માનસરોવર યોજનાનો લાભ મેળવ્યો છે, અને આ યાત્રા માટે રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધાળુઓને ₹581.49 લાખની સહાય ચૂકવવામાં આવી છે. કૈલાસ માનસરોવરની યાત્રાએ જતા ગુજરાતી યાત્રિકોને રાજ્ય સરકાર દ્વારા ₹23,000ની પ્રોત્સાહક સહાય આપવામાં આવતી હતી. પરંતુ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર દ્વારા ગત વર્ષો આ પ્રોત્સાહક સહાયની રકમમાં વધારો કરીને તેને ₹50,000 કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:- CM big decision for gov employees: રાજ્ય સરકારના કર્મચારીઓને એલ.ટી.સી હેતુ વંદે ભારત ટ્રેનના પ્રવાસને આપી માન્યતા

તેવી જ રીતે વર્ષ 2017થી ચાલતી સિંધુ દર્શન યોજનાના હેઠળ 1754 લાભાર્થીઓએ તીર્થયાત્રાનો લાભ મેળવ્યો છે, જેમને રાજ્ય સરકાર દ્વારા ₹2 કરોડ 63 લાખ 10 હજારની સહાય પૂરી પાડવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ભારતના ભાલ સમાન લેહ-લદાખમાં યોજાતા સિંધુ દર્શન ઉત્સવ માટે રાજ્ય સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે. દર વર્ષે ગુરુ પૂર્ણિમા પર્વએ યોજાતા આ ઉત્સવમાં સિંધી સમુદાયના લોકો મોટી સંખ્યામાં જોડાય છે. અહીં શ્રદ્ધાળુઓ સિંધુ સ્નાન કરી પવિત્રતાની અનુભૂતિ કરે છે. આ યોજના હેઠળ વર્ષમાં 300 પ્રવાસીઓને સહાય મળે છે. લાભાર્થી દીઠ ₹15 હજારની સહાય આપવામાં આવે છે. જો પ્રવાસીઓની સંખ્યા વધે, તો ડ્રૉ સિસ્ટમથી 300 લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.

ગુજરાતી શ્રદ્ધાળુઓની તીર્થયાત્રાની ઈચ્છાપૂર્તિમાં ગુજરાત સરકાર મહત્વપૂર્ણ યોગદાન આપી રહી છે.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો