Bed sheet 2

કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર

  • રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ઉભી કરાયેલી કોવિડ હોસ્પિટલમાં કલર કોડ મુજબ દરરોજ બદલાતી ઇન્ફેક્ટેડ ચાદર….દર્દીઓમાં સંક્રમણને રોકવા લેવાતી ઝીણવટભરી કાળજી
  • સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલા….કલરની ચાદરથી સ્વચ્છતા જાળવવાની સાથે દર્દીઓમાં હકારાત્મક ઉર્જાનો થતો સંચાર

સંકલન: રોહિત ઉસદળ, રાજકોટ

રાજકોટ,૨૯ સપ્ટેમ્બર: સ્વચ્છતા તંદુરસ્ત આરોગ્યનું પ્રથમ સોપાન છે. ખાસ કરીને કોરોના વાયરસ જેવા ચેપી રોગો સામે લડવા સ્વચ્છતા માટે વિશેષ કાળજી લેવી ઘટે. આ માટે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા રાજકોટની સૌરાષ્ટ્ર કેન્સર હોસ્પિટલ ખાતે ૨૦૦ પથારીની અદ્યતન કોવિડ હોસ્પિટલમાં નિયમિત રીતે દરરોજ કલર કોડ મુજબ બેડની ચાદર પણ બદલવામાં આવે છે. સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલા……આમ આ રીતે નિયમિત રીતે  ઇન્ફેક્ટેડ ચાદર બદલવાથી દર્દીઓમાં વધતા જતા સંક્રમણ ખાળી શકાય અને ઝડપભેર દર્દી સ્વસ્થ બને તે માટે જીણવટભરી દરકાર રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવી રહી છે. સાથો સાથ આ ચાદર બદલવાથી દર્દીઓમાં એક હકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. તેમજ અધિકારીઓને બેડની સ્વચ્છતાનું મોનીટરીંગ કરવામાં સરળતા રહે છે.

Bed sheet Trupti Bhatt

 આરોગ્ય અને પરિવાર કલ્યાણ તાલીમ કેન્દ્ર, રાજકોટ ખાતે પબ્લિક હેલ્થ નર્સિંગ ઇન્સ્ટ્રકટર તરીકે ફરજ બજાવતા અને કોરોના મહામારીમાં પી.ડી.યુ. હોસ્પિટલમાં ડેપ્યુટેશનના અનુસંધાને સૌરાષ્ટ્ર કેન્સર કોવિડ હોસ્પિટલમાં મેટ્રન તરીકે કાર્યરત તૃપ્તિ ભટ્ટ કહે છે કે, ૨૦૦ બેડની આ કોવિડ હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓના બેડની દરરોજ કલર કોડ મુજબ ચાદર  બદલવામાં આવે છે. જેમાં સોમવારે સફેદ, મંગળવારે ગુલાબી, બુધવારે લીલો, ગુરૂવારે પીળો, શુક્રવારે જાંબલી, શનિવારે બ્લુ તથા રવિવારે ગ્રે કલરની ચાદર બેડ પર લગાવવામાં આવે છે. તૃપ્તિબેને વિશેષમાં કહ્યુ કે, રોજે રોજ ચાદર બદલવાથી ઇન્ફેકશન કંટ્રોલ થાય છે. ઇન્ફેકટેડ દર્દીઓનુ ઇન્ફેશન વધે નહીં તે માટે દરરોજ ચાદર બદલવામાં આવે છે. દર્દીઓને તથા અધિકારીઓને ખ્યાલ આવે કે આજે ચાદર બદલવામાં આવી છે, તેથી વાર પ્રમાણે જુદા જુદા કલરની વોશ થયેલી સાફ ચાદર બેડ પર લગાવવામાં આવે છે.

 આ ઇન્ફેકટેડ ચાદરથી લોન્ડ્રીના કામ સાથે સંકળાયેલા કે અન્ય કોરોના વાયરસથી સંક્રમિત બને નહીં તે માટે હાઇપર ક્લોરાઇડ સોલ્યુસનમાં ૩૦ સુધી મીનીટ બોળી રાખવામાં આવે છે. આમ રાજ્ય સરકાર દ્વારા દર્દીઓની સારવાર માટે ઝીણવટભરી તકેદારી લેવામાં આવી રહી છે. તેમ તેમણે ઉમેર્યું હતું.