pm modi at statue of unity

National Unity Day: એકતાનગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી

  • National Unity Day: સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ: વડાપ્રધાન
  • આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, સુરક્ષા અને સન્માન માટે ક્યારેય સમાધાન કરતું નથી
  • દેશની એકતા અને અખંડિતતા માટે ચાર સ્તંભો આધારિત સરકાર દ્વારા જનજનને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે
  • જ્યાં સુધી દેશ નક્સલવાદ-માઓવાદના આતંકથી પૂરી રીતે મુક્ત નહીં થાય, ત્યાં સુધી આ સરકાર જંપશે નહી
  • સમગ્ર દેશમાં કરોડો લોકોએ આજે એકતાના શપથ લીધા છે, જે દેશની એકતાને પ્રોત્સાહન આપવાના સંકલ્પનું પ્રતીક છે

રાજપીપળા, 31 ઓક્ટોબર: National Unity Day: વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરક ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે લોહપુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતીની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. સરદાર સાહેબની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાંનિધ્યમાં દેશભક્તિના જોમજુસ્સા સાથે અર્ધ સૈનિક દળોની વિવિધ ટૂકડીઓ દ્વારા દમદાર પરેડ યોજવામાં આવી હતી. વડાપ્રધાનએ ભારત માતાની ભક્તિ દેશના દરેક નાગરિકની સૌથી મોટી પૂજા છે, તેમ કહી દેશની એકતા અને અખંડિતતા માટે ચાર સ્તંભો આધારિત સરકાર દ્વારા જનજનને જોડવાનું કામ કરવામાં આવી રહ્યું હોવાનું જણાવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ રાષ્ટ્રીય એકતા દિવસની (National Unity Day) ઉજવણીનો પ્રારંભ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પાદપૂજન કરીને કર્યો હતો. ‘રાષ્ટ્ર પ્રથમ’ની ભાવના મજબૂત કરતા વડાપ્રધાનએ કહ્યું કે એકતા રાષ્ટ્ર અને સમાજના અસ્તિત્વનો મૂળ આધાર છે; જ્યાં સુધી સમાજમાં એકતા છે, ત્યાં સુધી રાષ્ટ્રની અખંડિતતા સુરક્ષિત છે. વિકસિત ભારતના લક્ષ્ય તરફ પહોંચવા માટે એકતા તોડનારા દરેક ષડયંત્રને એકતાની તાકાતથી વિફળ બનાવવું પડશે. ભારતની એકતાના ચાર મજબૂત આધારસ્તંભ છે: પ્રથમ, સાંસ્કૃતિક એકતા, જે હજારો વર્ષોથી રાજકીય પરિસ્થિતિઓથી અલગ ભારતને એક ચેતના રાષ્ટ્ર બનાવે છે.

ભારતની એકતાનો બીજો સ્તંભ ભાષાની એકતા છે, જ્યાં સેંકડો ભાષાઓ અને બોલીઓ દેશની ખુમારી, રચનાત્મક વિચારસરણી અને વિવિધતાનું જીવંત પ્રતીક છે. કોઈ સમાજ, સત્તા કે સંપ્રદાયે ક્યારેય ભાષાને હથિયાર બનાવીને એકને થોપવાનો પ્રયાસ કર્યો નથી.

National Unity Day

રાષ્ટ્રીય એકતાનો(National Unity Day) ત્રીજો સ્તંભ ભેદભાવમુક્ત વિકાસ છે, ગરીબી અને ભેદભાવ સામાજિક તાણાવાણાની સૌથી મોટી નબળાઈ છે. સરદાર પટેલ ગરીબી વિરુદ્ધ દીર્ઘકાલીન યોજના પર કામ કરવા માગતા હતા અને કહેતા કે જો આઝાદી 10 વર્ષ વહેલી મળી હોત, તો 1947 સુધીમાં ભારત અન્ન સમસ્યાના સંકટથી મુક્ત થઈ ગયું હોત. તેમણે રજવાડા વિલીનીકરણ જેવા પડકારને ઉકેલ્યા તેમ અન્નની અછતના પડકારને પણ હલ કર્યા હોત. આ સરકારે તેમના અધૂરા સંકલ્પને પૂરો કરીને એક દાયકામાં ૨૫ કરોડ લોકોને ગરીબીમાંથી બહાર કાઢ્યા છે.

એકતાનો ચોથો અને અંતિમ સ્તંભ કનેક્ટિવિટી – દિલોનું જોડાણ છે, જે આધુનિક ભારતને વિશ્વના કેન્દ્રમાં લાવી રહ્યો છે. રેકોર્ડ હાઈવે-એક્સપ્રેસવે, વંદે ભારત અને નમો ભારત જેવી ટ્રેનો દ્વારા રેલને ટ્રાન્સફોર્મ કરી, નાના શહેરોને એરપોર્ટ્સથી જોડીને ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ સુધીના અંતરો ઘટાડ્યા છે.

આ પ્રસંગે વડાપ્રધાનએ કહ્યું કે, સરદાર પટેલ ઇતિહાસ લખવામાં સમય વેડફવા કરતા ઇતિહાસ બનાવવા માટે મહેનત કરવાના હિમાયતી હતા. જેમણે નીતિઓ અને નિર્ણયો દ્વારા આઝાદી પછી ૫૫૦થી વધુ રજવાડાઓને એકસૂત્રે બાંધી દેશને એક બનાવ્યો હતો. ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’નો વિચાર તેમના માટે સર્વોપરી હતો. કેન્દ્ર સરકારની કાર્યનીતિમાં ભારતની એકતા-અખંડિતતાનો આ વિચાર મુખ્ય સ્થાને છે.

રાષ્ટ્રીય એકતા દિવસ (National Unity Day) એકતાનું મહાપર્વ છે, તેમ જણાવતા વડાપ્રધાનએ ઉમેર્યું કે, જેમ આપણે ૧૫ ઓગસ્ટને સ્વતંત્રતા દિવસ અને 26 જાન્યુઆરીને ગણતંત્ર દિવસ તરીકે ગૌરવપૂર્વક મનાવીએ છીએ, તેમ આ દિવસ પ્રેરણા, ગર્વ અને સંકલ્પની પવિત્ર પળ છે. સમગ્ર દેશમાં કરોડો લોકોએ આજે એકતાના શપથ લીધા છે, જે દેશની એકતાને પ્રોત્સાહન આપવાના સંકલ્પનું પ્રતીક છે.

150th birth anniversary of Sardar Patel

એકતા નગરમાં એકતા મોલ અને એકતા ગાર્ડન જેવા પ્રયાસોના ઉલ્લેખ સાથે વડાપ્રધાનએ એમ કહ્યું કે, દેશની એકતાને નુકસાન પહોંચાડે એવી વાતો કે વિચારોથી દુર રહેવું જોઇએ. આ માત્ર રાષ્ટ્રીય કર્તવ્ય જ નહી પરંતુ, સરદાર પટેલને સાચી શ્રદ્ધાંજલિ પણ છે. ભારત માતાની ભક્તિ એ દેશના દરેક નાગરિકો માટે સૌથી મોટી પૂજા છે અને આજના યુગમાં દેશની આ જરૂરિયાત છે, જે દરેક ભારતીય માટે સંદેશ, સંકલ્પ અને કાર્યપથનું માર્ગદર્શન કરે છે.

દેશના સાર્વભૌમત્વને જ પોતાનું એક માત્ર લક્ષ્ય માનનારા સરદાર પટેલની નીતિઓની યાદ અપાવતા વડાપ્રધાનશ્રીએ જણાવ્યું કે તેમના નિધન પછીના વર્ષોમાં તત્કાલીન સરકારોમાં આ ગંભીરતા અને અડગતા ઓછી રહી હતી. કાશ્મીરમાં થયેલી ભૂલો, પૂર્વોત્તરમાં ઉભી થયેલી સમસ્યાઓ અને દેશભરમાં ફૂલેલો નક્સલવાદ-માઓવાદી આતંક દેશના સાર્વભૌમત્વ માટે પડકારરૂપ હતા. પરંતુ તત્કાલિન સરકારોએ સરદાર પટેલની નીતિઓને અનુસરવાને બદલે દેશના સાર્વભૌમત્વ પ્રત્યે આંખમિંચામણા કર્યા હતા. જેના વિપરીત પરિણામો હિંસા, રક્તપાત અને દેશના વિભાજનના રૂપમાં દેશે ભોગવ્યા હતા.

સરદાર પટેલ અખંડ ભારતના નિર્માણ માટે સતત પ્રયત્નશિલ રહ્યા હતા. કાશ્મીર સમસ્યાના નિરાકરણ માટે સરદાર સાહેબે આપેલા સૂચનોનો જો અમલ કરવામાં આવ્યો હોત તો આજે સંપૂર્ણ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ હોત. પરંતુ તત્કાલીન સરકારે તેમની આ ઈચ્છા પૂરી થવા દીધી નહીં. કાશ્મીરને અલગ વિધાન અને અલગ નિશાન આપી વિભાજિત કરવામાં આવ્યું, જે તત્કાલિન સરકારની લાચાર નીતિઓનું પરિણામ હતું.

National Unity Day

આ ભૂલની આગમાં દેશ દાયકાઓ સુધી સળગતો રહ્યો, કારણ કે કાશ્મીરનો એક હિસ્સો પાકિસ્તાનના ગેરકાયદે કબજામાં ગયો અને ત્યાંથી રાજ્ય-પ્રાયોજિત આતંકવાદને હવા મળી, જેની કિંમત દેશે અનેક જીવનો અને સંસાધનોના રૂપમાં ચૂકવી હતી, તેમ તેમણે જણાવ્યું હતુ.

નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોંગ્રેસે સરદાર પટેલના એક ભારતના વિઝનને ભૂલાવી દીધું હતું, પરંતુ 2014 પછી સમગ્ર દેશે તેમની પ્રેરણાથી અડગ ઈચ્છાશક્તિનો અનુભવ કર્યો છે. આર્ટિકલ 370ની બેડીઓ તોડી કાશ્મીરને સંપૂર્ણપણે મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં આવ્યું છે, જેના કારણે પાકિસ્તાન અને આતંકના આકાઓને ભારતની અસલી તાકાતની સાચી ઓળખ થઈ છે. ‘ઓપરેશન સિંદૂર’ એ સમગ્ર વિશ્વને બતાવ્યું કે જો કોઈ ભારત ઉપર આંખ ઊંચી કરશે, તો ભારત તેનો જડબાતોડ જવાબ આપશે. દરેક વખતે પહેલા કરતા મોટો, વધુ નિર્ણાયક જવાબ આપે છે. આ લોહપુરુષ સરદાર પટેલનું ભારત છે, જે પોતાની સુરક્ષા અને સન્માન સાથે ક્યારેય સમજૂતી કરતું નથી.

રાષ્ટ્રીય સુરક્ષાના ક્ષેત્રે છેલ્લા ૧૧ વર્ષમાં ભારતની સૌથી મોટી સફળતા નક્સલવાદ-માઓવાદી આતંકની કમર તોડવાની છે, તેમ જણાવતાં વડાપ્રધાનએ ઉમેર્યું હતુ કે, 2014 પહેલાં દેશની અંદર નક્સલીઓ પોતાની હકૂમત ચલાવતા, બંધારણનું પાલન થતું નહોતું, પોલીસ-પ્રશાસન લાચાર દેખાતું, રસ્તાઓ-સ્કૂલો-હોસ્પિટલો પર હુમલા થતા અને નવા ફરમાન જારી થતા. પરંતુ આ સરકારે તેના ઉપર પ્રચંડ પ્રહાર કર્યા, અર્બન નક્સલીઓ અને તેમના સમર્થકોને જડબાતોડ જવાબ આપ્યો, વૈચારિક લડાઈ જીતી અને નક્સલી વિસ્તારોમાં જઈને તેને મ્હાત આપી.

National Unity Day: એકતા નગરની ધરતી ઉપરથી સરદાર પટેલના સાનિધ્યમાં વડાપ્રધાનએ મક્કમ નિર્ધાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, જ્યાં સુધી દેશ નક્સલવાદ-માઓવાદના આતંકથી પૂરી રીતે મુક્ત નહીં થાય, ત્યાં સુધી આ સરકાર જંપશે નહી.

આ પણ વાંચો:- Indian women’s cricket team: ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો ઇતિહાસ રચનારો વિજય — વર્લ્ડ કપ ફાઈનલમાં પ્રવેશ!

દેશની આંતરિક સુરક્ષાનો મોટો ખતરો ઘૂસણખોરો પણ છે, જેઓ દાયકાઓથી વિદેશી ઘૂસણખોરો તરીકે આવીને દેશવાસીઓના સંસાધનો પર કબજો કરે છે, ડેમોગ્રાફીનું સંતુલન બગાડે છે અને એકતા પર પ્રહાર કરે છે. ભૂતકાળની સરકારોએ વોટબેંકની રાજનીતિ માટે આંખ મીચી રાખી હતી, પરંતુ હવે પહેલી વખત દેશે આ મોટા ખતરા વિરુદ્ધ નિર્ણાયક લડાઈ લડવાનું નક્કી કર્યું છે અને લાલ કિલ્લા પરથી ‘ડેમોગ્રાફી મિશન’નું ઐતિહાસિક એલાન પણ કર્યુ છે.

View this post on Instagram

A post shared by onlinebuyer (@onlinebuyer.in)

આ વિષયને ગંભીરતાથી ઉઠાવતા વડાપ્રધાનએ ચેતવણી આપતા જણાવ્યું કે, કેટલાક લોકો દેશહિત કરતાં પોતાના સ્વાર્થને પ્રાથમિકતા આપીને ઘૂસણખોરોને અધિકાર અપાવવા માટે રાજકીય લડાઈ લડી રહ્યા છે, જેમને દેશનું ભૂતકાળની જેમ વિભાજન થાય તો પણ કોઈ ફરક નથી પડતો. પરંતુ સચ્ચાઈ એ છે કે જો દેશની સુરક્ષા અને ઓળખ ખતરામાં આવશે, તો દરેક વ્યક્તિને જોખમ થશે. તેથી રાષ્ટ્રીય એકતા દિવસ પર ફરીથી સંકલ્પ લઈએ કે આપણે ભારતમાં રહેતા દરેક ઘૂસણખોરને બહાર કાઢીને જ રહીશું, જેથી રાષ્ટ્રની અખંડિતતા અને અસ્તિત્વને મજબૂત કરી શકીએ.

National Unity Day

ભૂતકાળની સરકારોએ દેશની વિભૂતિઓને અપમાનિત કરી હતી. આ સરકારે તેમને સન્માન આપવાનું મહાકાર્ય કર્યું છે. તેના સ્મારકો બનાવી યશોચિત સન્માન પણ આપ્યું છે. અંગ્રજો દ્વારા મળેલી ગુલામીની માનસિક્તા બદલી છે. સરદાર પટેલની ભાવના યાદ કરતા વડાપ્રધાનએ કહ્યું કે તેઓને સૌથી વધુ ખુશી દેશ માટે કામ કરવામાં મળતી હતી, અને આજે પણ આ જ આહ્વાન છે – માતૃભારતીની સાધના દરેક દેશવાસીની સૌથી મોટી આરાધના છે.

જ્યારે ૧૪૦ કરોડ ભારતવાસીઓ એકસાથે ઊભા થાય છે, તો ખડકો પણ રસ્તો છોડી દે છે; જ્યારે એક સ્વરમાં બોલે છે, તો તે શબ્દો ભારતની સફળતાનો ઉદ્ઘોષ બને છે. આપણે વહેંચાશું નહીં, નબળા પડીશું નહીં; ‘એક ભારત, શ્રેષ્ઠ ભારત’ના સંકલ્પને મજબૂત કરી વિકસિત અને આત્મનિર્ભર ભારતના સપના પૂરા કરીશું. વડાપ્રધાનએ એકતા પરેડ બાદ માર્ગ ઉપર ફરીને ઉપસ્થિતોનું અભિવાદન ઝીલ્યું હતું.

OB banner
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો