CM with student

Shala Praveshotsav-2024: શાળા પ્રવેશોત્સવ-2024 ડાંગના બીલીઆંબાથી રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી

Shala Praveshotsav-2024: બીલીઆંબાનાં ૧૨૭ બાળકોનું શાળા નામાંકન કરાવ્યું

છેવાડાના સરહદી ગામો સહિતના બાળકોના ટેલેન્‍ટને યોગ્ય નિખાર આપવાની વ્યવસ્થાઓ વિકસાવી રાજ્ય સરકાર પડખે ઉભી છે.

google news png

ડાંગ, 26 જૂન: Shala Praveshotsav-2024: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત નિર્માણના સંકલ્પમાં શિક્ષણનો મજબૂત પાયો સિંચીને વિકસિત ગુજરાતથી અગ્રેસર રહેવાનું આહવાન કર્યું છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, અંતરિયાળ છેવાડાના ગામ સુધી રાજ્ય સરકારે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધાઓ આપી છે. વિદ્યાર્થીઓના ટેલેન્ટને યોગ્ય તક અને નિખાર આપવાની વ્યવસ્થાઓ પણ વિદ્યાર્થીઓની પડખે ઊભી રહીને સરકાર કરે છે.

મુખ્યમંત્રી ૨૧માં રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવ અંતર્ગત આદિવાસી ક્ષેત્ર ડાંગ જિલ્લાના સરહદી ગામ બીલીઆંબાની પ્રાથમિક શાળામાં બાળકોના નામાંકન કરાવવાના અવસરે સંબોધન કરી રહ્યા હતા. તેમણે આ ગામની બાલવાટિકા, આંગણવાડી અને પ્રાથમિક તથા માધ્યમિક શાળામાં કુલ મળીને ૧૨૭ જેટલા બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો હતો.

મુખ્યમંત્રીએ તેમના સહજ, સરળ અને નિખાલસ વ્યક્તિત્વથી સૌના દિલમાં વડીલ તરીકેનું જે સ્થાન પ્રાપ્ત કર્યું છે તેની અનુભૂતિ શાળાના બાળકોને પણ થઈ હતી. મુખ્યમંત્રી આ બીલીઆંબા પ્રાથમિક શાળાના વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે પહોંચ્યા હતા અને સંવાદ સાધ્યો હતો. એટલું જ નહીં, એક વિદ્યાર્થીનીની અભ્યાસપોથી-વર્કબુક તપાસીને સવાલ-જવાબ પણ કર્યા હતા.

Shala Praveshotsav-2024

શાળાની બાળકીઓએ મુખ્યમંત્રીના વડીલ-વાત્સલ્ય પ્રેમને અનુભૂતિ કરતા, તેમની સાથે આત્મિયતા પૂર્વક વાતચીત કરી હતી. ધોરણ પાંચમા અભ્યાસ કરતી દ્રષ્ટિએ, મુખ્યમંત્રીને નજીકથી જોવાનું, તેનું સ્વપ્ન પૂર્ણ થયું છે તેમ જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ બાળકોનું અભિવાદન સ્નેહપૂર્વક ઝીલ્યુ હતું.

મુખ્યમંત્રીએ શાળા પ્રવેશોત્સવ અવસરે ઉપસ્થિત ગ્રામજનોને કહ્યું કે, શાળા પ્રવેશોત્સવથી સરકાર ભૌતિક સુવિધા-સગવડો શાળાઓમાં વિકસાવે છે જ, પરંતુ બાળકોના વાલી-SMC અને શિક્ષકો સૌ વડીલ તરીકે બાળકના અભ્યાસ-શિક્ષણ પ્રત્યે વધુ ધ્યાન આપી સામાજિક દાયિત્વ નિભાવે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શિક્ષકો બાળકોના અભ્યાસ, શાળામાં હાજરીની નિયમિતતા અંગે સજાગ છે અને પૂરતું ધ્યાન આપે છે. ત્યારે SMC અને વાલીઓ પણ બાળકના અભ્યાસનું ફોલોઅપ, શાળામાં ખૂટતી સુવિધાઓની આપૂર્તિ વગેરે માટે સતર્ક રહે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

આ પણ વાંચો:- Smart Primary School: 125 વર્ષ જૂની કામરેજ તાલુકાની ખોલવડ ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, રાજ્ય સરકારે અંબાજી થી ઉમરગામ સુધીના સમગ્ર આદિવાસી બેલ્ટમાં સાયન્સ કોલેજ, વિજ્ઞાન પ્રવાહની શાળાઓ અને મેડિકલ કોલેજ સહિતની સુવિધાઓ આપી છે. આ ઉપરાંત વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અને કારકિર્દી ઘડતર માટે અનેક કલ્યાણ યોજનાઓ પણ છે તેનો લાભ લઈને આદિવાસી બાળકો ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે તેવી અપીલ તેમણે કરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ, સૌના પ્રયાસનો મંત્ર આપ્યો છે, તેને સૌ સાથે મળીને સાકાર કરીએ અને આવનારી પેઢીને શિક્ષણ જ્ઞાનની સમૃદ્ધિથી સજ્જ કરી વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ તેવું પ્રેરક માર્ગદર્શન મુખ્યમંત્રીએ આપ્યું હતું. તેમણે શાળાની કોમ્પ્યુટર લેબ, વર્ગખંડો, શાળા પરિસરમાં ટપક સિંચાઈથી થયેલ વૃક્ષ ઉછેર સહિતની સુવિધાઓનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. બીલીઆંબા શાળા પરિસરમાં મુખ્યમંત્રીએ લીમડાના વૃક્ષનું વાવેતર કરી સૌને પર્યાવરણ જતન સંવર્ધનનો મુક સંદેશ આપ્યો હતો.

ડાંગ જિલ્લાની આ છેવાડાના ગામની શાળાના વિદ્યાર્થીઓ ભૂતકાળમાં શાળા પ્રવેશોત્સવનો લાભ મેળવી આજે ડોક્ટર, પર્વતારોહક, રમતવીર જેવા સ્થાને પહોંચ્યા છે તેની તેમણે પ્રશંસા કરી હતી. અહીંથી ભણીને કન્યા કેળવણીનો લાભ લઇ તબીબ બની ઉચ્ચ કારકિર્દી તરફ પ્રયાણ કરી રહેલી ડો.અંકિતા કુંવર, રમતગમત ક્ષેત્રે ડાંગ જિલ્લાને ગૌરવ અપાવનારા દોડવીર મુરલી ગાવિત અને પર્વતારોહક ભોવાન રાઠોડ, આઈ.આઈ.એમ.માં અભ્યાસ કરતા યુવાન અવિરાજ ચૌધરીનો મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો દ્વારા સત્કાર કરવામાં આવ્યો હતો.

નાયબ મુખ્ય દંડક અને ડાંગ જિલ્લાના ધારાસભ્ય વિજયભાઈ પટેલે મુખ્યમંત્રીને આવકારતા ગ્રામજનોને જુદી-જુદી યોજનાઓનો લાભ લઇ વિકાસ સાધવાની અપીલ કરી હતી. સ્વાગત વક્તવ્યમાં કલેક્ટર મહેશ પટેલે કાર્યક્રમની રૂપરેખા સાથે ડાંગનો ચિતાર રજૂ કર્યો હતો.

ડાંગ જિલ્લામાં શાળા પ્રવેશોત્સવના શુભારંભ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન, ભાજપા અધ્યક્ષ કિશોરભાઈ પટેલ, સંગઠન પ્રભારીરાજેશભાઈ દેસાઈ, પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાસભાઇ ગાઈન, તાલુકા/જિલ્લાના પદાધિકારીઓ, કાર્યકરો, જિલ્લા શિક્ષણાધિકારી જીગ્નેશ ત્રિવેદી તથા તેમની ટીમ, જિલ્લાના ઉચ્ચ વરિષ્ઠ અધિકારીઓ, વાલીઓ, બાળકો, અને પ્રવેશોત્સુક ભૂલકાંઓ ઉપસ્થિત રહ્યા હતા.

દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો