Smart Primary School: 125 વર્ષ જૂની કામરેજ તાલુકાની ખોલવડ ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા
Smart Primary School: ક..ખ..ગ.. થી જીવન ઘડતરના પાઠ ભણાવતી ૧૨૫ વર્ષ જૂની કામરેજ તાલુકાની ખોલવડ ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળા
સોલાર સિસ્ટમ, સ્માર્ટ બોર્ડ, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, ફાયર સેફ્ટી, RO પાણી, CCTV કેમેરા, ગાર્ડન, રમતગમતના મેદાન જેવી આધુનિક સુવિધા ધરાવતી ખોલવડ પ્રાથમિક શાળામાં ૯૧૬ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે
- Smart Primary School: બાળકોમાં શિક્ષણ જ બૌદ્ધિક અને મનોશારીરિક કૌશલ્યો સાથે વર્તન તથા અભિગમમાં આવશ્યક પરિવર્તનો લાવી શકે: આચાર્ય ધર્મેશભાઈ બગથરિયા
- શાળાના નવતર પ્રયોગની IIM -અમદાવાદે પણ વિશેષ નોંધ લીધી: ૨૦૨૩માં તાલુકાની બેસ્ટ શાળાની શ્રેણીમાં સ્થાન મળ્યું
ખાસ લેખ: મહેશ કથિરીયા
સુરત , 05 ફેબ્રુઆરી: Smart Primary School: ખાનગી શાળાને ટક્કર મારે એવી રાજ્યમાં સેંકડો સરકારી શાળાઓ છે, જે આધુનિક ઢબે સ્માર્ટ શિક્ષણ આપી રહી છે. હવે સરકારી શાળાઓ સ્માર્ટ સ્કૂલમાં પરિર્વિતત થઇ રહી છે. સુરત જિલ્લાના કામરેજ તાલુકાની ખોલવડ પ્રાથમિક શાળા આવી જ એક સરકારી શાળા છે, જ્યાં પ્રકૃતિના સાંનિધ્યમાં વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવે છે. જ્ઞાન-ગમ્મત સાથેનું શિક્ષણ મેળવી વિદ્યાર્થીઓ શહેર સમકક્ષ શિક્ષણ ગામમાં જ મેળવી રહ્યા છે.
ક..ખ..ગ.. થી શરૂ કરી જીવન ઘડતરના પાઠ ભણાવતી ૧૨૫ વર્ષ જૂની ખોલવડ ‘સ્માર્ટ’ પ્રાથમિક શાળામાં મલ્ટીપ્લે સ્ટેશન, ડિજીટલ બોર્ડ, સોલાર સિસ્ટમ, કમ્પ્યૂટર લેબ, લાઈબ્રેરી, RO પાણી, CCTV કેમેરા, ગાર્ડન, રમતગમતનું મેદાન, ક્રોમ બુક, ફાયર સેફટીના સાધનો, 3-D એજ્યુકેશનલ ચાર્ટ, પ્રોજેક્ટર, પ્રી એજ્યુકેશનલ કીટ, અભ્યાસ માટે જરૂરી વર્કિંગ મોડેલ, ગણિત, વિજ્ઞાન અને જુદી જુદી આધુનિક લેબ, ફ્યુચર ક્લાસરૂમ અને આઉટડોર રબર મેટ, ફેન્સી બેન્ચ, ઇન્ડોર મેટ, વ્હાઈટ બોર્ડ, સ્પોર્ટ્સ કીટ બાળકો માટે ઉપલબ્ધ છે.
શાળાના આચાર્ય ધર્મેશકુમાર બગથરિયાએ જણાવ્યું હતું કે, લોકોની સામાન્ય માન્યતા હોય છે કે પ્રાઇવેટ સ્કૂલ શ્રેષ્ઠ હોય છે. પણ છેલ્લા દાયકાથી રાજ્યમાં સરકારી શાળાઓમાં રાજ્ય સરકારના પાયલટ પ્રોજેક્ટ ‘મિશન સ્કૂલ ઓફ એક્સેલન્સ’ અંતર્ગત શૈક્ષણિક સુવિધાઓની સાથે અન્ય માળખાગત સુવિધાઓમાં વધારો થતા તેમજ રાજય સરકારની શિક્ષણલક્ષી અને સ્કોલરશીપ યોજનાઓ, સ્માર્ટ શાળા, હાઈટેક કોમ્પ્યુટર લેબ જેવી અનેક સુવિધાઓના કારણે વાલીઓ સંતાનોના અભ્યાસ માટે સરકારી શાળાઓ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો:- Namo Laxmi: ‘નમો લક્ષ્મી’ પોર્ટલ પર શાળા નોંધણીમાં આ જિલ્લાની શાળાઓ મોખરે
વધુમાં એમણે ઉમેર્યું હતું કે, આજથી ૧૨૫ વર્ષ પહેલા ૧૮૯૬માં શાળા શરૂ થઈ હતી. અહીં બાળવાટિકાથી ધો.૮ સુધી કુલ ૯૧૬ બાળકો અભ્યાસ કરે છે. જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા શાળાને વર્ષ ૨૦૨૩માં તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ શાળા તરીકે તૃતીય ક્રમાંકનો એવોર્ડ પણ મળ્યો છે.
બાળકોમાં શિક્ષણ જ બૌદ્ધિક અને મનોશારીરિક કૌશલ્યો સાથે વર્તન તથા અભિગમમાં આવશ્યક પરિવર્તનો સાધી શકે એમ આચાર્ય જણાવતા વધુમાં ઉમેર્યું હતું કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના સહયોગથી હાઈટેક ટીચિંગ ક્લાસ, સ્કિલ ડેવલપમેન્ટ અંગેના અભ્યાસક્રમ અને ખાસ કરીને સ્કૂલ મેનેજમેન્ટ કમિટીની સક્રિયતાને કારણે શાળાની કાયાપલટ થઇ છે. નમો લક્ષ્મી, નમો સરસ્વતી, જ્ઞાન સાધના સ્કોલશીપના કારણે કન્યા શિક્ષણ પ્રત્યે વાલીઓ જાગૃત્ત બન્યા છે.
અમારી શાળામાં ત્રણ હજારથી વધુ પુસ્તકોની લાઈબ્રેરી છે. બાળકો સહઅભ્યાસી પ્રવૃતિ સાથે જુદી જુદી સ્પર્ધાઓમાં તાલુકા, જિલ્લા કક્ષા અને રાજ્યકક્ષાએ ભાગ લઈ ઇનામો મેળવે છે. શૈક્ષણિક જ્ઞાન સાથે વ્યવહારલક્ષી જ્ઞાન પ્રાપ્ત થાય તેવા ઉમદ્દા હેતુથી સુમુલ ડેરી, કામરેજ સુગર ફેક્ટરી, પોલીસ સ્ટેશન સહિત વિવિધ ઈન્ડસ્ટ્રીયલ એકમોની વિઝીટ કરાવીએ છીએ એમ આચાર્યશ્રીએ જણાવ્યું હતું.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, શાળામાં નૈતિક અને મૂલ્યનિષ્ઠ શિક્ષણ મળી રહે એ માટે ખોયાપાયા, રામહાર્ટ, બચતબેન્ક, અક્ષય પાત્ર જેવી પહેલ કરી ગમ્મત સાથેનું જ્ઞાન આપીએ છીએ. કોરોનાકાળ બાદ આસપાસ છથી સાત ખાનગી શાળા હોવા છતા આ શાળાની સુવિધાઓના કારણે વાલીઓ બાળકના એડમિશન માટે પહેલી પંસદગી ખોલવડ શાળાને આપી રહ્યા છે. શાળામાં બાળકોને ગોખણીયા જ્ઞાનના સ્થાને રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ વ્યવહારૂ જ્ઞાન પણ આપીએ છીએ.
તેમણે ઉમેર્યું કે, પુર, ભૂકંપ, આગ જેવી આપત્તિના સમયનું યોગ્ય માર્ગદર્શન આપી દર મહિને મોકડ્રીલ મારફતે મુશ્કેલીના સમયે સ્વ-બચાવની તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીઓને શાળામાં જ ફાયર ટ્રેનિંગ આપીએ છીએ. દરેક ક્લાસરૂમ, ગ્રાઉન્ડમાં CCTV કેમેરા છે. આરઓ ફિલ્ટર સાથે પીવાના શુદ્ધ પાણીની સુવિધા તેમજ સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા શાળામાં ટેરેસ ઉપર રૂફટોપ સોલાર પેનલના કારણે શાળાનું વીજ બિલ નહિવત આવે છે. વિદ્યાર્થીઓને ગણવેશ-પાટીપેન માટે શિષ્યવૃત્તિ યોજનામાં કુમારને રૂ. ૧૬૫૦ અને કન્યાને રૂ.૧૯૦૦ DBT (ડાયરેક્ટ બેન્ક ટ્રાન્સફર) મારફતે આપવામાં આવે છે.
ખોલવડ પ્રા.શાળામાં ઈનોવેશનનું જ્ઞાન પીરસતા અમિતકુમાર પરોહિતે જણાવ્યું હતું કે, છેલ્લા ૮ વર્ષથી બાળકો સાથે શિક્ષણના નવતર પ્રયોગો કરવા ખૂબ ગમે છે. વર્ષ ૨૦૧૬ માં રાજ્યકક્ષાએ ‘ખુલ્લા પુસ્તકાલયનો ખિલખિલાટ’ પહેલ કરી હતી, જેનાથી બાળકો સારા પુસ્તકો વાંચતા થયા છે. આ સાથે અન્ય એક પ્રયોગ ‘કવિને મળવાનો અનેરો આનંદ’થી રાજ્યસ્તરે પ્રસિદ્ધિ મળી હતી. આ પહેલને ઇન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) –અમદાવાદે વિશેષ નોંધ લઈ શાળાને બિરદાવી હતી. શાળાના બાળકો કાવ્ય લેખન, વકતૃત્વ સ્પર્ધા, બાળકવિ, નિબંધ લેખનમાં વિવિધ એવોર્ડ મળ્યા છે.
દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો