Bicycle day

World Bicycle Day: જોઈ સાયકલ મેં આજે ને યાદ આવી જૂની પુરાણી…

ત્રીજી જૂન: સાયકલ દિવસ !(World Bicycle Day)

google news png
    Banner Nilesh Dholakia

    World Bicycle Day: મારા, તમારા, સહુના જીવનમાં બાલ્યાવસ્થામાં શીખેલી અને ફેરવેલી બે અને ત્રણ પૈડા વાળી સાયકલના મધુર સંસ્મરણો જીવનપર્યંત મોંઘેરી જણસ બની દરેક પળે નવીન અનુભૂતિ આપતી રહે છે. સાયકલ શીખી ગયા બાદ ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર, ફોર-વ્હીલર અથવા હેવી વ્હીકલ ચલાવતા શીખવું સરળ બને છે ખરું પરંતુ સાયકલ ચલાવવાનો જે રોમાંચ, ઉન્માદ કે અઢળક આનંદ હતો, છે તેમજ રહેશે એ ભાગ્યે જ પુન: પમાતો આનંદ હોય છે. વેકેશન ચાલી રહ્યું છે તેવા અત્યારના અરસામાં આ લેખ લખવાનો ઉદ્દેશ કે રસ ઉપજવાના સ્ત્રોત રૂપે શ્રી આશુતોષ દુબેજીના લેખ વાંચીને પ્રેરણા મળી. માટે અત્રે સંપાદન સાથે પ્રસ્તુતિ છે. આપણે પણ ઉનાળુ છુટ્ટીના સમય ગાળામાં આપણા પાલ્યો = નાના સંતાનોને પ્રોત્સાહિત કરીને સાયકલ જરૂરથી શીખવીએ અને સાથે ટ્રાફિકના નિયમોની જાણકારી અને તેમનું અનુસરણ અવશ્ય થાય તેવું કરવું.

    સાયકલ અને મારા પિતાની યાદો એકબીજામાં વણાયેલી છે કારણ કે મારા પપ્પાનો જન્મદિન અને સાયકલ દિન એ બેઉની ઉજવણી એક સાથે થાય એ દિન એટલે ત્રીજી જૂન ! સાયકલ હેન્ડલથી કેરિયર સુધી મજબૂત હતી અને આશીર્વાદ સમાન દેખાતી હતી. લાંબા સમય પહેલા સાયકલ સાથે લાઈટ પણ હતી જે ઘણીવાર તૂટી જતી હતી, પરંતુ તેમની મોટી અને મજબૂત ઘંટડી અણનમ રહેતી. ઘણા સમય પહેલા, મેં સાંભળ્યું છે કે, સાયકલ માટે લાયસન્સ અને નંબર પ્લેટ પણ હતી.

    એકંદરે સાયકલ એક ભવ્ય સવારી હતી. ફિલ્મમાં હીરો અને હિરોઈન સાયકલ ચલાવીને પિકનિક પર જતા અને ઘણીવાર ગીતો ગાતા આપણે જોયા છે. પચાસ અને સાઈઠના દાયકામાં સાયકલ એક પ્રકારની આવી રહેલી આધુનિકતાને વ્યક્ત કરતી હતી. યાદ આવે છે કે, નૂતન કે સાયરાબાનુ અને સુનીલ દત્ત કે દેવ આનંદ રફી અને લતાના અવાજ સાથે ગુંજીને તેમની પિકનિક સફરનો આનંદ માણતા હતા.

    મારા પિતાનું અને આખા પરીવારનું એકમાત્ર વાહન સાયકલ હતું. કોણ જાણે કે તેમણે તેના જીવનકાળમાં સાયકલ દ્વારા કેટલા કિલોમીટરનું અંતર કાપ્યું હશે. સાયકલ એક એવું વાહન છે જે માનવ શ્રમના બળતણ પર ચાલે છે. પિતાને આ કામ હંમેશા ગમતું. એમ પણ કહી શકાય કે આ તેમની જીવનશૈલી હતી. સાયકલ ચલાવવાના ખુદ્દારીના પરસેવાની ગંધ હતી. જ્યારે દુનિયા સ્કૂટર ચલાવતી હતી, ત્યારે પણ તેઓ સાયકલને વળગી રહ્યા હતા. સાયકલ ક્યારેય તેમની અકળામણ બની ન હતી. તેમને સાયકલથી વધુ કંઈ જોઈતું ન હતું.

    આજે, સાયકલ એ મજૂરોનું વાહન મનાય છે કે જેઓ વહેલી સવારે તેના કેરિયર પર કાપડની થેલીમાં રાખેલ ટિફિન લઈને કામ પર નીકળે છે અથવા ફેશનેબલ લોકો કે જેઓ તેને ફિટનેસ માટે રસ્તા પર ચલાવે છે, સાયકલના માટે હેન્ડલ પર સુંદર રીતે ઝૂકી જાય છે. કસરત !! લગભગ પંચોતેર વર્ષની ઉંમર સુધી ઘણાએ સાયકલ ચલાવી હશે. અમે તેને ઘરની બહાર એક થાંભલા સાથે સાંકળથી બાંધીને રાખતા. એક દિવસ અમે સવારે ઉઠીને જોયું તો ચેઈન ગાયબ હતી અને સાયકલ ચોરાઈ ગઈ હતી અને તે સમયે દુનિયા લૂંટાઈ ગઈ હોય તેવી નિરાશા અનુભવેલી.

    ( હળવી શૈલીમાં હાસ્ય નિષ્પન્ન કરવા આવું પણ વિચારાય કે, કોઈપણ દેશની અર્થવ્યવસ્થા (જીડીપી) માટે સાયકલ સવારી ખૂબ જ નુકસાનકારક છે ! વાત ભલે હાસ્યાસ્પદ લાગતી હોય પણ આ સત્ય તો છે જ. સાયકલ ચલાવવી એ દેશ માટે મોટી આફત છે કારણ કે ; તે માણસ કાર ખરીદતો નથી, તે લોન લેતો નથી, તે કારનો વીમો ય લેતો નથી, તે ગ્રીસ / ઓઇલ / ડીઝલ / પેટ્રોલ પણ ખરીદતો નથી, તે કારની સર્વિસ કરાવતો નથી, તે તેની કાર પાર્ક કરવા અથવા ટ્રાફિકભંગ માટે દંડ ચૂકવતો નથી હા, એ સાચું છે કે સ્વસ્થ અર્થતંત્ર માટે આ સારું નથી કારણ કે તે – સાયકલ ચલાવનારો જણ સામાન્ય રીતે તંદુરસ્ત તેમજ સ્વસ્થ હોવાથી તે દવાઓ ખરીદતો નથી, તે હોસ્પિટલ કે ડોક્ટર પાસે ય નથી જતો અને આમ તે દેશના જીડીપીમાં કંઈપણ ફાળો આપતો નથી ).

    આ પણ વાંચો:- World Bicycle Day-2024: ની ઉજવણી પાછણ ના કારણ શું હોઇ શકે? આવો જાણીએ..

    અમે મોટા ભાઈ પાસેથી સાયકલ ચલાવતા શીખ્યા. મોટાભાઈ અમને, બેઉ નાના ભાઈને સાયકલ પર બેસાડીને રક્ષાબંધનનો મેળો તથા અંનત ચતુર્દશીની શોભાયાત્રા જોવા લઈ ગયા. પરીક્ષા માટે, અમે સાયકલ પર બેસેલા અને પશ્નોત્તરી ગોખી ગોખીને યાદ રાખેલા. શું એ સુવર્ણ જમાનો હતો જ્યારે દશ કે વીશ કે ત્રીશ પૈસા પૈસામાં કલાક માટે ભાડે લાવીને સાયકલ રેસ કરતા, વરસાદી માહોલમાં દૂર ડુંગરે ગારો ખૂંદવા જતા. નાની અને ડબલ સીટ વાળી સાયકલ તો ભાઈબંધીમાં ભાગીદારીમાં ભાગે પડતા ખર્ચે લાવીને ગોઠીયા સંગાથે કલાકો સુધી મોજ મસ્તીમાં ડૂબી જતા. હા, એ અણમોલ કાળમાં દેખાડા, દંભ કે ઉચ્ચ/નીચની કોઈ માયાજાળ કે અતિશયોક્તિ નહોતી, એવા સોનેરી બાળપણની મોજ આજે કેટલા ભૂલકાઓને મળે છે ?

    લાઈટ વગરની સાયકલ જોઈને એ વખતના પોલીસવાળાએ બૂમ પાડીને પુછયું હતું કે, તમે ભાગીને ક્યાં જાઓ છો ? એક વખતે એક સાયકલ સવારે મને કહ્યું’તું કે, દૂર રહો. બ્રેક વગરની સાયકલથી કચડાઈને કોઈનું મૃત્યુ ન થઈ જાય એ વાતનો વિચાર કર્યા વિના સાયકલના માહાત્મ્યની કવિતા ખૂબ જ માણી હતી. સાયકલ એ ખૂબ જ યોગ્ય વાહન છે. તે એક ને પણ કચડશે નહીં. અમારા એક પાડોશી કે જેમની સાયકલમાં હવા ભરવા માટે તેની પાસે પંપ પણ હતો. તેમના બાળકો કેવા ગર્વથી સાયકલમાં હવા ભરતા હતા, તેઓ પંપને મૂલ્યવાન ખજાનાની જેમ દુનિયાને બતાવતા હતા ! આજે એ બધું યાદ કરીને મને હસવું આવે છે. થોડું દેખાય છે અને ઘણું બધું બતાવવામાં આવે છે.

    તે સમયે પણ સાયકલની ચોરી એ આઘાતજનક બાબત હતી. તે સમયના લોકોએ સાયકલની ક્યારેય ખોટી વિગતો આપી નથી, ક્યારેય તેમની ફરિયાદોનું ખાતું ખોલ્યું નથી, તેમની નિરાશાઓ, તેમના તણાવ વિશે ક્યારેય જાણ્યા કે સાંભળ્યા નથી. ફેશનેબલ ફિટનેસ સાયકલ હવે ઘરમાં છે, જે શોખીનો દ્વારા ચલાવવામાં આવે છે. અગાઉની સાયકલ પણ બહુ આરામદાયક નહોતી, પણ તે વાસ્તવિક સાયકલ જેવી દેખાતી હતી.

    જોઈ સાયકલ મેં આજે ને યાદ આવી જૂની પુરાણી
    હતી યુવાની દોડતી ને પાછળ બેઠી’તી મારી રાણી
    સરરર એવી દોડે જાણે એરોપ્લેનની હોય તે સવારી
    મનમાં એક અલગ ખુશી ને સ્નેહની થાય સરવાણી
    વખત મારો જૂનો જેમાં સાયકલ પણ શાન ગણાતી
    ટ્રીન ટ્રીન ઘંટડી વાગે – જાણે સંગીતની છે નિશાની
    ખભે હાથ રાખીને સૌને બેસાડે દિલબરની દીવાની
    સીટી વગાડી, ગીત ગાતી, ભાગતી અલ્લડ જવાની
    મીઠી વાત્યુ સાથે મીઠું વળગણ છે એ પ્રીત પુરાણી
    યાદ કરતાં ખુશી સાથે દુઃખની બનતી વાતો જાણી
    ગયા દિવસો, ગઈ જવાની, જે ફરી નથી આવવાની
    જીવી લે મોજથી વ્હાલા હવે, સાયકલની યાદ ઘણી

    સાયકલ અમારા જેવા ઘણા, પ્રકૃત્તિથી નજીક રહેતા માનવીઓ માટે પ્રાચીનકાળની સમકાલીનતા હતી. તે જતાની સાથે જ સમયના બે ટુકડા થઈ ગયા : સાયકલનો સમય અને સાયકલ પછીનો સમય ! ધીમે ધીમે બધું જતું રહે છે. ગતિ, દિશા, સંતુલન, પેડલ પર પગનું દબાણ, પગ કે જેમાં લોહીનો પ્રવાહ છે, જેના દ્વારા જીવનનું ચક્ર ફરે છે – જ્યાં સુધી તે ફેરવી શકે છે, વધી શકે છે, ક્યાંક પહોંચી શકે છે. એ પછી સાઇકલ પડવાની છે. પૈડા હવામાં ફરતા રહે છે.

    અમે સાયકલ સવારને શોધતા રહીએ છીએ. તે ક્યાં ગયો ? આકાશ, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ આ બધું જાણો છો તો ય કોઈ કંઈ કહેતું નથી. સૌનું જીવન આજે પણ સાયકલના બે પૈડાં જેવું જ સ્તો ધરી પર અટકીને + લટકીને + ખસકીને + ફસકીને + ચસકીને મન મૂકીને અત્ર, તત્ર, સર્વત્ર વિચિત્ર ચિત્રમાં પણ મિત્રના ઇત્રની તલાશમાં વહી રહ્યું છે🌹

    દેશ કી આવજના સમાચાર ફેસબુક પર મેળવવા માટે ફેસબુક પેજ લાઈક કરો